રણમાં બીછાવેલી બરફની આ ચાદરને માણી લો…

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, 

ચોમાસે વાગડ ભલો ને મુંજો કચ્છડો બારેમાસ..’

રણ, દરિયો ને ડુંગર સહિત અનેક પ્રાકૃતિક સંપદા જે ધરા પર છે, એ કચ્છની ધરતી પર પથરાયેલું આ સફેદ રણ છે. એકતરફ દરિયાકાંઠે કંડલા અને મુંદ્રા જેવા અર્થતંત્રને વેગ આપતા બંદરો પર દેશ-વિદેશના વહાણો લાંગરી રહ્યા છે. તો બીજી તરફ સરહદી વિસ્તાર ધરાવતો પ્રદેશ હોવાથી સરહદ પર જવાનો ખડે પગે જોવા મળે છે.

આ સરહદે આવેલું સફેદ રણ અહીંના રહેવાસીઓના રંગબેરંગી પોશાક, પશુ પાલન અને ભૂંગાની સંસ્કૃતિના કારણે પ્રવાસીઓનું મન મોહી લે છે. દર વર્ષે અહીં સફેદ રણમાં યોજાતા રણોત્સવના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારે થયો છે. અહીં આવીને ટેન્ટસિટીમાં રોકાવ અને ચાંદની રાતે ધરતી પર છવાયેલી સફેદ ચાદરને માણો. કચ્છમાં અનેક પ્રવાસન સ્થળો છે, જ્યાં દેશ-વિદેશમાંથી અનેક પ્રવાસીઓ દર વર્ષે આવે છે. હાલ આ વિશ્વપ્રસિદ્ધ રણોત્સવનો પ્રારંભ થઈ ગયો છે અને કચ્છનું સફેદ રણ ફરીથી એકવાર પ્રવાસીઓને આવકારવા સજજ છે.

એકવાર અહીં મુલાકાત લેનાર પ્રવાસી પણ અમિતાભ બચ્ચનની જેમ બોલી તો ઉઠે જ છે કે, ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા!’

(પ્રજ્ઞેશ વ્યાસ)