ગણેશોત્સવ ચા રાજ્જા જેવા છે આ પંડાલો….

“ગણપતિ બાપ્પા મોરિયા,  પુઢચ્યા વર્ષી લવકર યા!”  આ  ઉદ્ઘોષ ગણેશોત્સવ દરમિયા ઘરે-ઘરે અને ગલીએ ગણીએ સંભળાય છે.  ઘણા લોકો એવું માને છે કે ગણેશ ઉત્સવ ફક્ત મહારાષ્ટ્રનો તહેવાર છે, પરંતુ આ ખોટી માન્યતા છે. આ તહેવાર આખા ભારતમાં ઉજવાય છે. આપણે ત્યાં મોટાભાગે ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે તો તમિલનાડુ અને દક્ષિણના અન્ય રાજ્યોમાં એ વિનાયગર ચતુર્થી નામે પ્રખ્યાત છે.

ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ શરૂ થતો આ ઉત્સવ દેશના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાંથી એક છે. દસ દિવસ સુધી બાપ્પાની પૂજા અર્ચના અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દેશભરમાં ગણેશ મૂર્તિઓને પંડાલોમાં સ્થાપિત કરીને સાર્વજનિક રીતે ઉજવણી કરવામાં આવે છે, જેને સાર્વજનિક ગણેશોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે ગણેશ મહોત્સવ 27 ઓગસ્ટથી શરૂ થશે અને 6 સપ્ટેમ્બરે દાદાનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે જાણીએ દેશના જાણીતા ગણેશ પંડાલ વિશે.

લાલબાગચા રાજા, મુંબઈ, મહારાષ્ટ્ર

લાલબાગચા રાજા મુંબઈનું એક આઇકોનિક ગણેશ પંડાલ છે, જેની સ્થાપના 1934માં લાલબાગ માર્કેટના મજૂરો અને વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી. આ પંડાલને ‘નવસચ્યા ગણપતિ’ (મનોકામના પૂર્ણ કરનાર ગણેશ) તરીકે ઓળખવામાં આવે છે, જે ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. કમ્બલી પરિવાર દાયકાઓથી લાલબાગચા રાજાની ગણેશ મૂર્તિનું નિર્માણ કરે છે. મૂર્તિની કલાત્મકતા અને ઝીણવટભરી ડિઝાઇન ખૂબ જ સુંદર હોય છે. આ પરિવાર દર વર્ષે 15 ફૂટથી ઊંચી ગણેશ મૂર્તિને તૈયાર કરે છે, જે લાલબાગચા રાજા પંડાલની એક મુખ્ય વિશેષતા છે. એમનું યોગદાન આ પંડાલની ભવ્યતા અને લોકપ્રિયતામાં મહત્વનું છે. ગણેશોત્સવ દરમિયાન અહીં દરરોજ 1.5 મિલિયનથી વધુ ભક્તો દર્શન માટે આવે છે, જેમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ, રાજનેતાઓ અને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે. પંડાલની સજાવટ અને ભવ્ય આયોજન મુંબઈની અદમ્ય ભાવના અને ભક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. વિસર્જનનો દિવસ ખાસ હોય છે, જ્યારે હજારો લોકો મૂર્તિને સમુદ્રમાં વિસર્જન કરવા માટે શોભાયાત્રામાં જોડાય છે.

દગડુશેઠ હલવાઈ ગણપતિ, પુણે, મહારાષ્ટ્ર

પુણેનું દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર ભારતના સૌથી સમૃદ્ધ અને પ્રખ્યાત ગણેશ મંદિરોમાંનું એક છે. આ મંદિરની સ્થાપના 1893માં દગડુશેઠ હલવાઈએ એમના પુત્રના મૃત્યુ પછી કરી હતી, જે લોકમાન્ય ટિળકના સમર્થનથી શરૂ થયું હતું. આ કાયમી મંદિર છે, જે ગણેશોત્સવ દરમિયાન અપ્રતિમ વૈભવ સાથે ઉજવણી કરે છે. મૂર્તિને સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે, જે એની મુખ્ય વિશેષતા છે. ગણેશોત્સવ દરમિયાન અહીં લાખો ભક્તો દર્શન માટે આવે છે. વર્ષ 2023માં 42 હજાર મહિલાઓએ એક સાથે એકસાથે આરતી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. મંદિરની સજાવટ, ભવ્ય શોભાયાત્રા અને સામાજિક કાર્યો પુણેની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક શક્તિને દર્શાવે છે. આ મંદિર દેશભરના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

ખૈરતાબાદ ગણેશ, હૈદરાબાદ, તેલંગાણા

ખૈરતાબાદ ગણેશ પંડાલ દક્ષિણ ભારતનું સૌથી પ્રખ્યાત ગણેશ પંડાલ છે, જેની શરૂઆત 1954માં એક સ્વાતંત્ર્ય સેનાની દ્વારા કરવામાં આવી હતી. 1 ફૂટની ગણેશ મૂર્તિથી શરૂ થયેલું આ પંડાલ આજે 70 ફૂટ સુધીની વિશાળ મૂર્તિઓ માટે જાણીતું છે. ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિ અને એની આસમાની ઊંચાઈ આ પંડાલની વિશેષતા છે. ગણેશોત્સવ દરમિયાન અહીં લાખો ભક્તો દર્શન માટે આવે છે. આ પંડાલ હૈદરાબાદની ભવ્ય ઉજવણીનું પ્રતીક છે. વિસર્જન શોભાયાત્રા શહેરનું મુખ્ય આકર્ષણ હોય છે. દર વર્ષે મૂર્તિની ડિઝાઇન અને થીમ નવું આકર્ષણ ઉમેરે છે.

થેપ્પાકુલમ ગણેશ, મદુરાઈ, તમિલનાડુ

મદુરાઈનું થેપ્પાકુલમ વિનાયક મંદિર 17મી સદીમાં રાજા તિરુમલાઈ નાયક દ્વારા બનાવવામાં આવેલા થેપ્પાકુલમ તળાવની નજીક આવેલું છે. આ કાયમી મંદિર ગણેશોત્સવ દરમિયાન પરંપરાગત અને આધ્યાત્મિક ઉજવણી માટે જાણીતું છે. એની વિશેષતા છે પરંપરાગત શૈલીની મૂર્તિઓ અને તમિલ રીતિરિવાજો સાથે સંસ્કૃત મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવતી પૂજા. તમિલનાડુમાં ગણેશોત્સવ વધુ આધ્યાત્મિક હોય છે. અહીં હજારો ભક્તો દર્શન માટે આવે છે,  ફ્લોટ ફેસ્ટિવલ જેવી વિશેષ ઉજવણીઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ મંદિર મદુરાઈની પ્રાચીન સંસ્કૃતિ અને ભક્તિનું જીવંત ઉદાહરણ છે.

મનિક્તલા ચલ્તાબગન લોહાપટ્ટી, કોલકાતા, પશ્ચિમ બંગાળ

કોલકાતાનું મનિક્તલા ચલ્તાબગન લોહાપટ્ટી પંડાલ 1943માં લખી ચંદ જૈસવાલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ પંડાલ મૂળ રૂપે દુર્ગા પૂજા માટે પ્રખ્યાત છે, પરંતુ તાજેતરના વર્ષોમાં ગણેશોત્સવની ઉજવણી પણ ખૂબ ઉત્સાહથી થાય છે. આની વિશેષતા છે કલાત્મક સજાવટ અને બંગાળી પરંપરાઓ સાથેની ગણેશ પૂજા. ગણેશોત્સવમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ પંડાલ કોલકાતાની વિકસતી ગણેશ ભક્તિ અને સર્જનાત્મકતાનું પ્રતીક છે, જે દર વર્ષે નવી થીમ અને સજાવટથી ભક્તોને આકર્ષે છે.

ગણેશ ગલી ચા રાજા – મુંબઈ, મહારાષ્ટ્ર

મુંબઈમાં લાલબાગચા રાજાની નજીકમાં આવેલું ગણેશ ગલી ચા રાજા પંડાલ એની વિશાળ અને વિશિષ્ટ થીમ આધારિત સજાવટ માટે પ્રખ્યાત છે, જેમાં ઘણીવાર ભારતના જાણીતા મંદિરોની ઝાંખી જોવા મળે છે. 1928માં સ્થપાયેલો આ પંડાલ પરંપરા અને સર્જનાત્મક કલાત્મકતાના અનોખા સમન્વય માટે જાણીતો છે. મુખ્ય આકર્ષણની વાત કરીએ તો ભૂતકાળમાં આ પંડાલની વિશેષ થીમોમાં કેદારનાથ મંદિર, રાજસ્થાનના કિલ્લાઓ અને ભારતના મંગળ મિશનની પ્રતિકૃતિ જેવા ભવ્ય દૃશ્યોનો સમાવેશ થાય છે.

કસબા ગણપતિ, પુણે

કસબા ગણપતિનો ઇતિહાસ શિવાજી મહારાજના સમયથી શરૂ થાય છે. આ મંદિર શિવાજીની માતા જીજામાતાએ બંધાવ્યું હતું. જોકે આ એક ગણેશ મંદિર છે, તેમ છતાં દર વર્ષે અહીં સાર્વજનિક ગણેશ પંડાલની ઉજવણી કરવામાં આવે છે. લોકમાન્ય ટિલકે પુણેમાં કસબા ગણપતિ ખાતે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરી હતી. આ મૂર્તિ ઘણા વર્ષોથી ભારતની શ્રેષ્ઠ મૂર્તિઓમાં સ્થાન પામે છે.

ધરમપેઠ સાર્વજનિક ગણેશોત્સવ, નાગપુર

નાગપુરમાં લગભગ 60 વર્ષથી સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. જોકે અહીંના પંડાલો અને મૂર્તિઓ પુણે અને મુંબઈની જેમ વિશાળ નથી, પરંતુ ધરમપેઠ સાર્વજનિક ગણેશોત્સવ નાગપુરનું સૌથી મોટું પંડાલ છે. અહીં ગણેશ મૂર્તિ એક અનોખા અંદાજમાં રજૂ કરવામાં આવે છે, જેમાં નાની-નાની મૂર્તિઓનો સમન્વય કરીને એક મોટી મૂર્તિ બનાવવામાં આવી છે. આ નવીન રચના આ પંડાલને દેશના સૌથી સર્જનાત્મક પંડાલોમાં સ્થાન આપે છે. ગણેશોત્સવ દરમિયાન અહીં હજારો ભક્તો દર્શન માટે આવે છે,  ભવ્ય સજાવટ તેમજ ઉત્સાહપૂર્ણ વાતાવરણ નાગપુરની ભક્તિની ઝલક દર્શાવે છે.

નાસિક ચા રાજા, નાસિક

મહારાષ્ટ્રનું ઔદ્યોગિક શહેર નાસિક ઘણા વર્ષોથી ગણેશોત્સવ પંડાલોનું આયોજન કરે છે. જોકે અહીંના પંડાલો અને ઉજવણી પુણેની જેમ ભવ્ય નથી, તેમ છતાં નાસિક ચા રાજા પંડાલ નાસિકનું સૌથી પ્રખ્યાત ગણેશ ચતુર્થી પંડાલ તરીકે ગૌરવ ધરાવે છે. આ પંડાલ ઘનકર લેન, અશોક સ્તંભ, નાસિક ખાતે સ્થાપિત કરવામાં આવે છે. ગણેશ મૂર્તિની પૂજા દસ દિવસ સુધી થાય છે. ઉત્સવના દસમા દિવસે વિસર્જન કરવામાં આવે છે. પંડાલની સજાવટ અને ભક્તોનો ઉત્સાહ નાસિકની સાંસ્કૃતિક ધરોહરને પ્રતિબિંબિત કરે છે,  દર વર્ષે હજારો ભક્તો અહીં દર્શન માટે આવે છે.

સાર્વજનિક ગણેશોત્સવ, પણજી, ગોવા

ગોવા ઘણી રીતે મહારાષ્ટ્ર સાથે સમાનતા ધરાવે છે,  અહીંની નોંધપાત્ર મરાઠી વસ્તીને કારણે ગણેશ ચતુર્થી એક લોકપ્રિય તહેવાર છે. જોકે ગોવાના પંડાલો મહારાષ્ટ્રની જેમ વિશાળ નથી, તેમ છતાં અહીં ગણેશ પંડાલોની પોતાની વિશેષતા છે. પણજીનો સાર્વજનિક ગણેશોત્સવ એક ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં ગણેશ મૂર્તિઓ સાર્વજનિક દર્શન માટે રાખવામાં આવે છે,  દસ દિવસ સુધી દરરોજ પૂજા અને આરતીનું આયોજન થાય છે. આ ઉપરાંત, મડગાંવ અને માપુસામાં પણ સાર્વજનિક ગણેશોત્સવ પંડાલોનું આયોજન થાય છે.

હેતલ રાવ