દીકરી માતા-પિતાને અગ્નિદાહ આપી શકે?

મમ્મી મને કોઈની પડી નથી, હું સ્મશાને જઈશ અને ભઈલા સાથે પપ્પાને અગ્નિદાહ પણ આપીશ! 23 વર્ષની માયરાએ રડતા રડતા માતા અસ્મિતાબહેન સાથે વાત કરી. તને તો ખબર જ છે કે પપ્પાની ઈચ્છા હતી કે હું જ એમને અગ્નિદાહ આપું, એમની છેલ્લી ઈચ્છા પૂરી કરવાની મારી ફરજ છે. સમાજને તો શું આજે બોલશે અને કાલે ભૂલી જશે.. પણ મારા પપ્પા ફરી પાછા નથી આવવાના. અસ્મિતાબહેને દીકરીને માથે હાથ ફેરવતા કહ્યું હા બેટા તારે પ્રિયંક સાથે સ્મશાને જવાનું જ છે, જ્યારે પણ તારી દાદી દીકરાની માંગ કરતા ત્યારે તારા પપ્પા કહેતા કે મારી માયરા જ મારો દીકરો છે, ભવિષ્યમાં મારે દીકરો હોય તો પણ માયરા અગ્નિદાહ આપશે ત્યારે જ મારી આત્માને શાંતિ મળશે. અહીં એક દીકરી પોતાના પિતાને અંતિમ વિદાય આપવા માટે સ્મશાને જવા ઈચ્છે છે.

પરંતુ કહેવાતો ભદ્ર સમાજ એને એમ કહીને રોકે છે કે એ એક દીકરી છે એનાથી સ્મશાને ન જવાય! જેના ઘરે દીકરો ના હોય એના ત્યાં કુંટબના દીકરાઓ અગ્નિદાહ કરે પણ દીકરી તો પારકી જાત, એની પાસે અગ્નિદાહ ન કરાવાય.. પાછું માયરાને તો ભાઈ પણ છે, માટે એ સ્મશાને નહીં જ આવી શકે..

ઘણી લાંબી રકઝક પછી માયરાની માતા, ભાઈ અને એના સાસરીયાએ પણ જ્યારે મક્કમતાથી કહ્યું કે અમારી દીકરી તો સ્મશાને જશે અને એના પિતાની ઈચ્છા પ્રમાણે એમને અગ્નિદાહ પણ આપશે. ત્યારે સમાજના કહેવાતા મોટા લોકોએ આ વાતનો સ્વીકાર કર્યો..અંતે માયરાના પિતાની ઈચ્છા પૂર્ણ થઈ, ભાઈની સાથે એને પણ પિતાને કાંધ આપી અગ્નિદાહ કર્યો.

જો કે સવાલ એ થાય કે માતા-પિતાના મૃત્યુ પછી માત્ર પુત્ર જ એમને અગ્નિદાહ કરી શકે? દીકરીને એનો હક કેમ ન નથી? માતા-પિતાની અંતિમ ઈચ્છા હોય કે પુત્રી જ એમને અગ્નિદાહ કરે છતા સમાજ એ માટે મંજૂરી નથી આપતી. પુત્ર અને પુત્રી સાથે મળીને પિતાને અગ્નિદાહ ન આપી શકે? મહિલાઓને સ્મશાનમાં જવાની પણ મંજૂરી નથી આપવામાં આવતી. હા ઘણી જગ્યાએ બદલાવ આવ્યો છે..મહિલાઓ સ્મશાને જતી થઈ છે. જોકે હજુ પણ સમાજની એવી વિચારધારા છે કે મહિલાઓ માટે સ્માશનમાં જવું કે માતા-પિતાને અગ્નિદાહ આપવો એ યોગ્ય નથી..?

સમાજમાં પુત્રનું મહત્વ વધારે છે

“મારા પિતાને અગ્નિદાહ ભાઈની સાથે મળીને અમે બંને બહેનોએ જ આપ્યો હતો.” આ શબ્દો છે અવાજ સંસ્થાના ડિરેક્ટર ડૉ. ઝરણા પાઠક ચિત્રલેખા.કોમને કહે છે, “સમાજમાં પુત્રનું મહત્વ વધારે છે, એને સ્વર્ગ માટેની સીડી, વંશને આગળ વધારનાર માનવામાં આવે છે. પરંતુ જો દીકરી માતા-પિતાને અગ્નિદાહ કરવા ઈચ્છે અને પરિવાર સાથ આપે તો પછી સમાજ એમાં અવરોધ ન નાંખી શકે. કારણ કે પહેલા પરિવારની ઈચ્છા હોવી જોઈએ. સમાજ પછી આવે. જો કે હવે ઘણો બદલાવ આવ્યો છે. અનેક એવા ઉદાહરણ પણ છે જ્યાં દીકરી પિતાને કાંધ આપી અગ્નિદાહ કરે. છતાં એક વાત તો સ્વીકારવી જ રહી કે સમાજમાં દીકરા કરતા દીકરીનું મહત્વ ઓછું છે. આ સમાજ પુરુષોએ બનાવ્યો છે માટે એમાં નિયમો પણ એમના જ હોય. આપણે પણ સમાજનો ભાગ છીએ માટે આવા ખોટા નિયમો પર પ્રહાર કરીને એને બ્રેક કરવાની આપણી જવાબદારી છે.”

દીકરીને દીકરાની જેમ સ્વીકારવાની જરૂર

આ વિશે કલોલના સામાજીક અગ્રણી ચંદ્રેશ બારોટ ચિત્રલેખા.કોમને કહે છે, “આજના સમયમાં દીકરો હોય કે દીકરી એમને સમાન હક હોય છે. ઘણીવાર તો દીકરા કરતા પણ દીકરી માતા-પિતાની વધારે સંભાળ રાખે છે. છતાં દીકરીને પારકી થાપણ કહીને અમુક હકથી વંચિત રાખવામાં આવે છે, જે યોગ્ય નથી. હવે સમય આવી ગયો છે કે દીકરા દીકરીને સમાન હક મળે, માતા-પિતા પર દીકરીનો પુરો હક છે એ સ્માશન જઈ શકે અને એની ઇચ્છા હોય તો અગ્નિદાહ પણ કરી જ શકે એમાં કશું જ ખોટું નથી. સમાજે પોતાના જૂના વિચારો બદલી દીકરીને માન સમ્માન સાથે દીકરાની જેમ જ સ્વીકારવાની જરૂર છે.”

સામાજિક માન્યતાઓ, ધાર્મિક પરંપરાઓ અને જાતીય ભેદભાવ

ભારતીય પરંપરાગત સમાજમાં દીકરીઓને માતા-પિતાને કાંધ આપવાનો કે અગ્નિદાહ કરવાનો હક સમાજ દ્વારા મર્યાદિત રાખવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે સામાજિક માન્યતાઓ, ધાર્મિક પરંપરાઓ, અને જાતીય ભેદભાવનો સમાવેશ થાય છે.

હિંદુ ધર્મમાં ખાસ કરીને લગ્ન અને મૃત્યુવિધિ જેવા વિધિના પ્રસંગોમાં પુત્રને મહત્વ આપવાની પરંપરા આજે પણ યથાવત છે. મરી જનારના આત્માના મોક્ષ માટે પુત્ર દ્વારા અગ્નિદાહ આપવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ધાર્મિક માન્યતાને કારણે દીકરીઓની ભૂમિકા આ વિધિમાં મર્યાદિત રહી છે. પણ હવે આ બાબતે બદલાવ આવી રહ્યા છે.

અન્ય એક બાબત એ પણ છે કે ભારતીય સમાજમાં સ્ત્રીઓ અને પુરૂષોની ભૂમિકા અલગ કરવામાં આવી છે. પુત્રને વારસાગત હક આપવામાં આવે છે, જેમાં મરણોત્તર વિધિઓની જવાબદારી પણ સામેલ છે. દીકરીઓને પરિવારમાં છૂટછાટ મળતી નથી કે તેઓ આ વિધિઓમાં પૂરી રીતે ભાગ લઈ શકે. ઘણા ગ્રામીણ વિસ્તારોમાં કે પાર્શ્વભૂમિમાં એવી માન્યતાઓ છે કે દીકરીએ માતા-પિતાના મૃત્યુ સમયે વિધિમાં ભાગ લેવાથી નુકસાન થશે અથવા પરિવારમાં અવાંછિત પરિસ્થિતિઓ ઉભી થશે. આ માન્યતાઓ સમાજમાં વિસ્તૃત થઈ ચૂકી છે, જેના કારણે દીકરીઓને આ અધિકાર મળતો નથી.

માતા-પિતા માટે દીકરા-દીકરી બંને સમાન

સુરતના ગૃહિણી પ્રિયા દવે ચિત્રલેખા.કોમને કહે છે, “મારે તો એક દીકરી જ છે, માટે અમારા માટે તો દીકરો પણ એ અને દીકરી પણ એ. ભલે એ લગ્ન કરીને સાસરે જાય પરંતુ હંમેશા માટે એ અમારી જ રહેશે. દીકરી પારકી થાપણ નથી હોતી, બસ એ સમાજની માન્યતા છે. દાયકાઓથી ચાલી આવતી પરંપરા આપણે સ્વીકારી લીધી છે. માટે જ દીકરીઓને ચોક્કસ કહેવાતા દાયરામાં કેદ કરી લીધી છે. દીકરી સ્મશાને ન જઈ શકે, કાંધ ન આપી શકે, કાગવાસ ન કરી શકે. અરે માતા-પિતા માટે તો દીકરા-દીકરી બંને સમાન જ હોય પછી જો દીકરો જે વિધિ કરે એ જ દીકરી કરે તો એમાં વાંધો શુ છે?  મારા મતે તો દીકરીને એ દરેક હક મળવા જોઈએ જે દીકરાને હોય કારણ કે આજના સમયમાં દીકરી એ દીકરાના જેમ અને એના જેટલી જ જવાબદારી નિભાવે છે.”

એક તરફ સમાજમાં અનેક પ્રકારના સુધારા આવી રહ્યા છે. ત્યારે આવી વાતો કદાચ સાવ પાયા વિહોણી લાગે પરંતુ હકીકતમાં આજે પણ દીકરી-દીકરા વચ્ચેની પાતળી ભેદરેખાને કારણે એમને અનેક હકથી વંચિત રાખવામાં આવે છે. પરંતુ માતા-પિતાના અંતિમ સંસ્કારમાં ભાગ લેવાનો દીકરીને હક છે, ઘણા પરિવારો અને વિસ્તારોમાં આ માન્યતા બદલાઈ રહી છે. કોર્ટના કેટલાક નિર્ણયો પણ આ મુદ્દાને ટેકો આપતા હોય છે.

હેતલ રાવ