અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી ભારતથી આયાત થતા માલ પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે ત્યારથી દેશભરમાં એક જ વાતે ચિંતા સેવાઇ રહી છેઃ આટલા ઊંચા ટેરિફથી આપણને શું અસર થશે?
આ નવા ટેરિફ દરને ભારતીય અર્થવ્યવસ્થા અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે ગંભીર પડકાર તરીકે જોવામાં આવી રહ્યું છે. અને ભારત રશિયન તેલની ખરીદી કરે એની સાથે આખી વાત જોડાયેલી છે ત્યારે ભારતીય અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો એનો અભ્યાસ કરવામાં લાગેલા છે.
આ મહત્વપૂર્ણ મુદ્દે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ. સાવન ગોડિઆવાલા સાથે વાતચીત કરીને સમજવાનો પ્રયત્ન કરીએ કે, આ ટેરિફ દરથી આપણા અર્થતંત્ર અને ભારત-અમેરિકા વેપાર સંબંધો પર કેવો પ્રભાવ પડશે. ઉલ્લેખનીય છે કે IIM-અમદાવાદ અને IIT-ગાંધીનગર જેવી વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓમાં વિઝીંટગ પ્રોફેસર એવા સાવનભાઇની ગણના આર્થિક બાબતોના નિષ્ણાત અભ્યાસુઓમાં થાય છે.
ચિત્રલેખા.કોમ: ટેરિફ વધારાને ભારત-અમેરિકાના સંબંધોના સંદર્ભમાં તમે કેવી રીતે જુઓ છો?
ડૉ. સાવન ગોડિઆવાલા: ભારત-અમેરિકા વચ્ચે બે પ્રકારના સંબંધો છે, એક વેપાર સંબંધ છે અને બીજા ડિપ્લોમેટિક. દુનિયાભરમાં હાલ આ ઇસ્યુ છે. જો કે આ નિર્ણયના કારણે ભારતના અમેરિકા સાથેના સંબંધોમાં કોઈ ગંભીર પ્રકારની સમસ્યા આવે તેવું મને લાગતું નથી. ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. GDPના પોઈન્ટ ઓફ વ્યૂથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ અર્થવ્યવસ્થા પણ છે. મને નથી લાગતું કે ભારત સરકાર કોઈપણ પ્રકારના પ્રેશરમાં કે ઉતાવળમાં નિર્ણય લેશે. ડોમેસ્ટિક કન્ઝમશન પણ વધારે હોવાથી આપણું અર્થતંત્ર મજબૂત છે.
ટેરિફ વધારાથી ભારતના ટેક્સટાઇલ, લેધર અને ડાયમંડ્સ જેવા નિકાસ આધારિત ઉદ્યોગો પર શું અસર થશે?
ટેક્સટાઈલ, લેધર અને ડાયમંડ્સ જેવાં ઉદ્યોગોને થોડાંક સમય માટે મુસીબતોનો સામનો કરવો પડશે, પરંતુ પ્રાઈવેટ સેક્ટર એટલું ડાયનેમિક હોય છે કે એ લોકો ઝડપથી પરિસ્થિતિ પ્રમાણે સ્ટેટેજી બદલી શકે છે. તેઓ પોતાના માટે નવા માર્કેટ શોધશે એટલે મને લાગે છે કે આવનારા સમયમાં અમેરિકા સાથે ટેરિફ સેટલમેન્ટ થાય તો આ ઉદ્યોગોને પોતાનું જૂનું માર્કેટ તો પાછું મળશે એની સાથે નવા માર્કેટ ઓપ્શન પણ મળશે.
ભારતના GDP પર કેવી અસર પડશે?
ભારતની વર્તમાન ખાધનું મોટું કારણ ક્રૂડનું ઈમ્પોર્ટ છે. ગર્વમેન્ટે પોતાનું ગણિત પ્રોપર કરવું પડે. ઈમ્પોર્ટનું બિલ થોડું પણ વધે તો કરન્ટ એકાઉન્ટ પર મોટી ડેફિસિટી આવી શકે છે. જો કે અત્યારે ક્રૂડના ભાવ કંટ્રોલમાં છે એટલે ગ્રોથ થઈ રહ્યો છે. હા, ભારતના GDPના ગ્રોથને આ ટેરિફના લીધે થોડીક અસર તો થશે જ.
પરંતુ હાલ આપણું પોઝિશનિંગ ખૂબ જ સારું છે. ટેક્નોલોજીમાં આપણે વિકાસ કરી રહ્યા છીએ. મેક ઈન ઈન્ડિયા અંતર્ગત આપણે નવા આયામો વિકસાવી રહ્યા છે. દુનિયાભરમાંથી ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. એટલે બહુ વાંધો ન આવવો જોઇએ.
શું આ ટેરિફની અસર અમેરિકાના બજાર પર પણ દેખાશે?
ટેરિફની અસરો ત્રણ જ મહિનામાં અમેરિકાના ગ્રાહકો પર દેખાશે. એમને ત્યાં ફૂગાવાની અસર વધી શકે. ફૂગાવો વધશે તો ફેડરલ વ્યાજનો દર વધારવો પડશે અને જો વ્યાજનો દર વધશે તો અમેરિકાની ઈન્ડસ્ટ્રીઝ પર તેની અસર દેખાશે. આમ પણ કોવિડ પછી આ ઉદ્યોગો ઓલરેડી વધારે વ્યાજ ભરી રહ્યા છે. આમ, આખી સાઇકલ ફરશે. સમય જ બતાવશે કે આ નિર્ણય યોગ્ય હતો કે નહીં.
ભારત જવાબમાં કયા પ્રતિકારક પગલાં લઈ શકે? વેપાર યુદ્ધના જોખમો શું છે?
ભારત પાસે ઘણા વિકલ્પો છે. એક વિકલ્પ સરકાર બજેટમાં રિએલોકેશન કરીને જે સેક્ટર મુશ્કેલીમાં મૂકાઇ રહ્યા છે તેમના માટે ટેક્સમાં કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં લાભ આપે એ પણ છે.
બીજું, વેપાર યુદ્ધના જોખમોમાં મને એ દેખાય છે કે ટેક્ષટાઈલ કે બીજી મોટી ઈન્ડસ્ટ્રીઝ હોય જે માત્ર અમેરિકામાં જ વેપાર કરે છે એ લોકો પોતાના ઉત્પાદન એકમો ભારતની બહાર લઈ જાય. મેક ઈન ઈન્ડિયાની મહેનત કરતાં-કરતાં ઘણા બધાં સેક્ટર ભારતમાં આવ્યા છે ત્યારે જો ટેરિફના કારણે આ યુનિટ બહાર જાય તો તેની ચોક્કસથી અસર ભારતના GDP પર પડે.
આનાથી ભારતની વૈશ્વિક વેપાર પેટર્નમાં બદલાવ આવશે?
મને લાગે છે કે જીયો પોલિટિકલ જે ઇસ્યુ છે તે રહેવાના જ છે. દરેક કંપની, દરેક રાજ્ય કે દરેક રાષ્ટ્ર માટે હવે એક વાત લાગુ પડે છે કે, અનિશ્ચતતા જ હવે નિશ્ચિતતા છે. સરકારે આ વાતને ધ્યાનમાં રાખીને જ પોલિસી અને સ્ટ્રેટેજી બનાવવાની છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને આપણે વિકાસ કરવાનો છે. ભારત માટે તો હું એટલું જ કહીશ કે અત્યારે આપણે ખૂબ જ સારા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. દુનિયાભરના પ્રોબ્લ્મસની સામે આપણી પાસે ઘણા પ્લસ પોઈન્ટ વધારે છે. આથી હું નથી માનતો કે ટેરિફના નિર્ણયથી લાંબા સમયે ભારતને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે. ટૂંકા ગાળામાં પણ GDPમાં અડધો ટકોથી વધારે કોઈ ઈશ્યૂ આવી શકે તેમ નથી.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
