“દરેક સ્ત્રીએ પોતાના જીવનમાં દરરોજ પોતાની જાત માટે, પોતાના ગમતા કામ માટે ઓછામાં ઓછો એક કલાક તો કાઢવો જ જોઈએ. જો તે પોતે ખુશ નહીં હોય તો, પરિવારને કેવી રીતે ખુશ રાખી શકશે.આથી ગમે તેટલો સ્ટ્રેસ હોય, ગમે તેટલું કામ હોય તેણે પોતાની શાંતિ માટે સમય કાઢવો જ જોઈએ. તો જ તે આખા પરિવારને ખુશી-ખુશી સમય આપી શકે છે.” આ શબ્દો છે ઈંગિતા જૈનના.
55 વર્ષીય ઈંગિતા જૈનનો છેલ્લાં 25 વર્ષથી અમદાવાદની કે. એસ. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કોલેજમાં પ્રોફેસર છે. તેઓ પ્રોફેશનની સાથે-સાથે ઘર અને બે બાળકોની જવાબદારી બખૂબી નિભાવે છે. જો કે તેમની પ્રેરણાદાયક વાત એ છે કે તેમણે ઘર-પરિવાર અને નોકરીની સાથે-સાથે પોતાના શોખ, બૂલેટ રાઈડિંગને પણ જીવનશૈલીનો એક ભાગ બનાવ્યો છે.
એટલું જ નહીં તેઓ બૂલેટ રાઈડિંગની સાથે-સાથે મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર અવેરનેસ ફેલાવવાનું પણ કામ કરે છે. બ્રેસ્ટ કેન્સર, ગર્લ ચાઈલ્ડ, એજ્યુકેશન, મેન્સ્ટ્રુઅલ હાઈજીન, વુમન એમ્પાવરમેન્ટ પર અવેરનેસ કેળવવાનું કાર્ય તેમણે કર્યું છે. ઈંશિતાબેને પોતાના બાઈકર્સ ગ્રુપ સાથે મળીને, વિવિધ કોર્પોરેટ્સ સાથે મળીને તેમજ અમદાવાદ પોલિસ સાથે મળીને આવા અને કાર્યક્રમોનું આયોજન કર્યું છે. અત્યાર સુધીમાં તેમણે 5000 કિ.મી. કરતાં વધુની રાઈડ કરેલી છે.
ઈંગિતા જૈનનો ઉછેર અને અભ્યાસ રાજસ્થાનના અજમેરમાં થયો. તેમણે ગ્રેજ્યુએશન બાયોલોજી વિષય સાથે કર્યું. 1992માં ઉદેપુરથી MBA કર્યું. ત્યારબાદ નોકરી અર્થે તેઓ અમદાવાદ આવી ગયા. શરુઆતી નોકરીઓ તેમણે ફાર્મા સેક્ટરમાં માર્કેટિંગ ફિલ્ડમાં કરી. જો કે લગ્ન અને બે બાળકો બાદ માર્કેટિંગની નોકરી કરવી મુશ્કેલ લાગતા તેમણે ફિલ્ડ ચેન્જ કર્યું અને એજ્યુકેશન ફિલ્ડમાં આવ્યા.
દરેક વ્યક્તિનો કોઈના કોઈ શોખ હોય છે પરંતુ તેઓ સમય સાથે વધતી જતી જવાબદારીઓની વચ્ચે પોતાના શોખને સમય આપી શકતા નથી. આ વિશે ઈંગિતા જૈને ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહ્યું, “મારા પરિવારમાં મારા પિતા પાસે ટુ વ્હિલર હતું. એ સમયમાં મારા માતા પણ લેમ્બ્રાટા સ્કૂટર ચલાવતા હતા. આથી ઘર-પરિવારમાં એ સમયમાં મહિલાઓને સ્કૂટર ચલાવતા મેં જોયા છે. ત્યારબાદ હું કોલેજમાં આવી તો મિત્રોએ બાઈક ચલાવતા શીખવી. એ સમયે રાત્રીના સમયે અજમેરની ગલીઓમાં થોડી-થોડી બાઈક ચલાવતી હતી. જો કે લગ્ન બાદ બાઈક રાઈડિંગનો શોખ છૂટી ગયો હતો. લગ્નના થોડાં વર્ષો બાદ મારા પતિએ બુલેટ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. તો મેં જ બુલેટ વિશે થોડું રિસર્સ કરીને તેમની માટે રોયલ એન્ફિલ્ડ ક્લાસિક ડેઝર્ટ સ્ટોર્મ 500CCનું બુકિંગ કરાવ્યું.” આગળ વાત વધારતા ઈંગિતાબેન કહે છે, “થોડાં વર્ષો પહેલાં પતિની જોબ અમદાવાદથી દૂર હોવાથી તેઓ મુંબઈ શિફ્ટ થયા. હવે જો નિયમિત બુલેટ ચલાવવામાં ન આવે તો તેની બેટરી ઉતરી જવાના અને બીજા મેઈનટેન્સના ઈસ્યુ થઈ શકે છે. આ વિશે વિચારતા મેં જ બુલેટ ચલાવવાનું શરૂ કર્યું. બાઈક ચલાવવાની ટ્રેનિંગ તો હતી જ. આથી બેઝિક જ્ઞાનના આધારે બુલેટ ચલાવવું મારા માટે સરળ બની ગયું. આજે હું અઠવાડિયામાં બે-ત્રણ દિવસ સાંજે નોકરી પરથી પાછા આવ્યા બાદ બુલેટ લઈને કોઈપણ દિશામાં નીકળી પડે છે. એકાદ કલાકની રાઈડ કરીને પાછા આવું ત્યારે મારામાં સ્ફૂર્તિ અને જુસ્સો આવી જાય છે. ફરી હું મારા રૂટિન કામમાં લાગી જાય છે. મારૂં ગમતું કામ કરવાથી મારામાં નવી જ એનર્જીનો જન્મ થાય છે. જે મને પરિવાર અને નોકરીની સાથે-સાથે સમાજ માટે પણ અવનવું કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે.”
(રાધિકા રાઓલ – અમદાવાદ)