રાજકોટ: દેશમાં ખેતી આધારિત ઉદ્યોગોમાં સાકર ઉદ્યોગ અર્થતંત્રને સારી એવી મજબૂતી આપી રહ્યો છે. આપણે ત્યાં કુલ 525 જેટલી સાકર ફૅક્ટરી ધમધમી રહી છે અને એમાં મોટા ભાગની સહકારી ધોરણે ચાલે છે. સાકરના ઉત્પાદનમાં બીજા નંબરે રહેલા ભારતમાં વર્ષે દહાડે આશરે સાડા ત્રણ કરોડ મૅટ્રિક ટનનું ઉત્પાદન થાય છે.
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સાકરનાં સૌથી મોટાં ઉત્પાદક રાજ્ય છે. ગુજરાતનો હિસ્સો ઓછો છે, પરંતુ દક્ષિણ ગુજરાતની ઈકોનોમીમાં આ ઉદ્યોગનો મહત્ત્વનો ભાગ છે. હવે થોડા મહિનામાં સૌરાષ્ટ્રમાં પણ બે સુગર મિલ ફરી ચાલુ થવાની છે.
ગીર સોમનાથ જિલ્લામાં આવેલી તાલાલા અને કોડીનારની સાકર ફૅક્ટરી ફરી શરૂ કરવાનું મુહૂર્ત એક દસકા બાદ હવે નીકળી રહ્યું છે. ગુજરાતમાં મોટા ભાગની સાકર ફૅક્ટરી સહકારી માધ્યમથી ચાલે છે. આ ઉદ્યોગના મોનિટરિંગ માટે સરકારમાં ખાંડ નિયામકની કચેરી કાર્યરત છે, જ્યારે સહકારી ફૅક્ટરીના સંકલન માટે ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ નામની સ્વાયત્ત સંસ્થા કાર્યરત છે. સાકર ફૅક્ટરીઓ અને સરકાર વચ્ચે સેતુની ભૂમિકા આ સંઘનું મુખ્ય કામ છે.ગુજરાત સરકારના સાકર નિયામક એચ.એન. પટેલ રાજ્યમાં ખાંડ ઉદ્યોગની વર્તમાન સ્થિતિ અંગે ચિત્રલેખાને કહે છે: ‘રાજ્યમાં અત્યારે 15 ખાંડ ફૅક્ટરી કાર્યરત છે. એમની શેરડીની પિલાણક્ષમતા રોજના 65,000 મૅટ્રિક ટન છે. વાર્ષિક સાકર ઉત્પાદન અત્યારે આશરે 88 લાખ ક્વિન્ટલ જેટલું છે. શેરડીનું વાવેતર આશરે 1.43 લાખ હેક્ટરમાં થાય છે. ખાંડનું ઉત્પાદન ખેડૂતો કેવી પાક પૅટર્ન અપનાવે છે એના પર આધારિત હોવાથી ઉત્પાદન અને વાવેતરના આંકડા બદલાતા રહે છે.’
ગુજરાતના ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનો કહે છે કે એક તબક્કે રાજ્યમાં 31 ફૅક્ટરી ચાલુ હતી, પરંતુ સાત મંડળી યોગ્ય સંચાલનના અભાવે બંધ થઈ અને નવ મિલ ફડચામાં ગઈ. હવે 15 ફૅક્ટરી જ ચાલુ છે. ફૅક્ટરીઓને પિલાણ માટે જરૂરી શેરડીનો માલ ન મળવાને કારણે ઉપરાંત યોગ્ય સંચાલનના અભાવે ખાંડ મંડળીઓ પર દેવું વધી જવાથી અમુક ફૅક્ટરીને તાળાં મારવાં પડ્યાં હતાં. મહારાષ્ટ્રની મજબૂત સુગર લૉબી જેવી વ્યવસ્થા ગુજરાતમાં નથી એટલે બંધ મિલો ચાલુ કરવા સહિતના અનેક પ્રશ્ર્નોનો ઉકેલ સમયસર લાવી શકાયો નથી.સૌરાષ્ટ્રમાં તાલાલા ખેડૂત સભાસદ મંડળી અને બિલેશ્વર ખાંડ મંડળી મારફત ચાલતી બન્ને ખાંડ ફૅક્ટરી બાર વર્ષથી બંધ હાલતમાં છે. તાલાલા ખાંડ ફૅક્ટરીનું તો તત્કાલીન વડા પ્રધાન મોરારજી દેસાઈએ ડિસેમ્બર, 1978માં લોકાર્પણ કર્યું હતું. આશરે 30 વર્ષ સુધી આ ફૅક્ટરીમાં શેરડીનું પિલાણ થયું અને 30 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું. વર્ષ 2012-13માં આ ફૅક્ટરી બંધ કરવામાં આવતાં સ્થાનિક ખેડૂતોએ એમની શેરડીનો પાક ગોળ બનાવવા આપવો પડતો હતો. પછી તો શેરડીના પાકનું વાવેતર પણ આ પંથકમાં ઘટ્યું.
તાલાલા ખાંડ ફૅક્ટરીના ચૅરમૅન ભીમશીભાઈ બામરોટિયા કહે છે: ‘તાલાલાની સુગર ફૅક્ટરી પર આશરે 41 કરોડ રૂપિયાનું બૅન્કોનું અને કર્મચારીના હક્ક હિસ્સાના રૂપિયા 12 કરોડનું દેવું ચડી ગયું હતું. ફૅક્ટરીની આર્થિક સ્થિતિ સતત નબળી પડતી જતી હોવાથી અંતે વર્ષ 2012માં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. થોડા મહિના બાદ કોડીનારની ફૅક્ટરી પણ બંધ થઈ. બાદમાં સ્થાનિક ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને સાંસદ રાજેશ ચૂડાસમા અને અન્ય સ્થાનિક આગેવાનો ખેડૂતોના લાભ માટે તાલાલા ખાંડ ફૅક્ટરી ફરી ચાલુ કરવા ગાંધીનગર અને દિલ્હી સુધી સતત રજૂઆત કરતા હતા. કેન્દ્રીય સહકારમંત્રી અમિત શાહને આગેવાનો આ મામલે રૂબરૂ મળ્યા હતા.
ડિસ્ટ્રિક્ટ સહકારી બૅન્ક અને ગુજરાત સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્કે સાથે બેઠકો કર્યા બાદ બૅન્કોએ સૅટલમેન્ટમાં વ્યાજ સાથે આશરે રૂપિયા 21 કરોડનું દેવું માફ કર્યું. આમ સંસ્થા પરથી દેવું હળવું થયું, પણ સંસ્થા પોતે ફૅક્ટરી ચલાવી શકે એમ ન હોઈ અન્ય કોઈ સંસ્થા બાકીનું કરોડોનું દેવું ભરે અને ફૅક્ટરીનું સંચાલન સંભાળે એવું આગેવાનોએ નક્કી કર્યું. આ વિશે ભારત સરકારના સહકાર મંત્રાલય સાથે મીટિંગ થયા બાદ અંતે કેન્દ્ર હસ્તકની ઈન્ડિયન પોટાશ લિમિટેડ (આઈપીએલ)ને 30 વર્ષના ભાડાપટ્ટે ફૅક્ટરી ચલાવવા માટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’તાલાલા, કોડીનાર અને વલસાડની ત્રણ સુગર ફૅક્ટરી હવે કેન્દ્ર હસ્તકની આ સંસ્થા ઑપરેટ કરશે. સહકારી ધોરણે જ ચાલતી ઈન્ડિયન પોટાશને રાજ્યોમાં ખાંડ ફૅક્ટરી સફળ રીતે ચલાવવાનો અનુભવ છે. આ માટે આધુનિક મશીનરી ફિટ કરવામાં આવશે અને ટેક્ધોલૉજીનો મહત્તમ ઉપયોગ કરાશે. જો કે તાલાલા ખેડૂત મંડળી અને એનું બોર્ડ યથાવત્ રહેશે અને ફૅક્ટરીની જમીનમાલિકી મંડળીની જ રહેશે.’
તાલાલાની ખાંડ ફૅક્ટરી ચાલુ થવાથી તાલાલા, માળિયા, વિસાવદર, મેંદરડા, સૂત્રાપાડા, વેરાવળ અને ગીરગઢડા તાલુકાનાં 190 ગામોના ખેડૂતોને ફાયદો થશે. સ્થાનિક ધારાસભ્ય અને ફૅક્ટરીના ડિરેક્ટર ભગવાનભાઈ બારડ ચિત્રલેખાને કહે છે: ‘તાલાલાની ખાંડ ફૅક્ટરી ચાલુ કરવાના પ્રયાસો 2022થી ચાલુ હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવેલા ત્યારે પણ આ મુદ્દો આગેવાનોએ ઉઠાવ્યો હતો. વડા પ્રધાન પણ આ ફૅક્ટરી વહેલી તકે ચાલુ થાય એવું ઈચ્છતા હતા. અંતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં ફૅક્ટરી ચાલુ કરવા અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવી. તાલાલા ખેડૂત સભાસદોની બેઠક બોલાવીને ફૅક્ટરી સર્વાનુમતે આઈપીએલને ભાડાપટ્ટે આપવાનો ઠરાવ કરવામાં આવ્યો. આગામી ઑક્ટોબર એટલે કે શેરડીના પાકનો નવો પાક આવે ત્યારથી પિલાણ શરૂ થઈ જાય એવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.’
તાલાલા અને કોડીનારની ખાંડ ફૅક્ટરી ચાલુ થશે ત્યારે ૨૦ હજાર લોકોને રોજગારીમાં લાભ થશે એવો અંદાજ છે. આ પંથકના ખેડૂતો શેરડીનાં વાવેતર તરફ વળે એ માટે સરકારે ઠરાવેલા રૂપિયા 3400 લેખે નોંધણી પણ ચાલુ કરી દેવામાં આવી છે.
ગુજરાત સરકારમાં સહકાર વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા ચિત્રલેખાને કહે છે: ‘તાલાલા સભાસદ મંડળીના કાર્યક્ષેત્રમાં સાત તાલુકા છે. આ ફૅક્ટરી સાથે આશરે ૫૦૦૦ કરતાં વધુ સભાસદ ખેડૂતો જોડાયેલા છે, જ્યારે બિલેશ્ર્વર ખાંડ મંડળીમાં લગભગ ૧૨૦૦ સભાસદ ખેડૂતો છે. આ મંડળી મારફત કોડીનારની ખાંડ ફૅક્ટરી ચાલે છે. સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી બંધ પડેલી આ બન્ને સુગર ફૅક્ટરી ફરી ચાલુ થવા જઈ રહી છે. અનેક ખેડૂતોને એનો ફાયદો થશે. એટલું જ નહીં, શેરડી લાવવા લઈ-જવા વાહનોની જરૂર પડશે એટલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ લાભ થશે. હોટેલ-રેસ્ટોરાંના ધંધાર્થીઓને ફાયદો થશે. આમ હજારો સ્થાનિક લોકોને રોજગારી મળશે. ભવિષ્યમાં આ બન્ને ખાંડ ફૅક્ટરીમાં ઈથોનોલના ઉત્પાદનને મંજૂરી મળે તો વધુ ફાયદો મળશે.
(દેવેન્દ્ર જાની-રાજકોટ)
(તસવીરો: સરદારસિંહ ચૌહાણ, તાલાલા)
