એક મિનિટમાં તમે કેટલી ગાડીની બ્રાન્ડના નામ બોલી શકો? દસ? વીસ કે પચીસ? પણ જો કોઈ એમ કહે કે એક ત્રણ વર્ષનો ટેણિયો એક મિનિટમાં પચાસ નેશનલ અને ઇન્ટરનેશનલ કારના સિમ્બોલ ઓળખી એના નામ બોલે છે તો? કેમ નવાઈ લાગીને ? પરંતુ આ બિલકુલ સાચી વાત છે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતો ત્રણ વર્ષનો સ્વયં વિશાલ ભુવાએ એક મિનિટમાં પચાસ નેશનલ અને ઇન્ટરનેશનલ કાર લોગો ઓળખીને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાનો ખિતાબ મેળવ્યો છે.
આ ગોડ ગીફ્ટ છે
સ્વયંના પિતા વિશાલભાઈ ભુવા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, “એ જ્યારે બે વર્ષનો હતો ત્યારથી એની કાલીઘેલી ભાષામાં ગાડીનો લોગો જોઈને એનું નામ બોલવાનો પ્રયત્ન કરતો. આ અંગે અમે એને પહેલા કોઈ પણ પ્રકારની તૈયારી નથી કરાવી. એમ કહી શકાય કે આ ગોડ ગીફ્ટ છે.”
વધુમાં એ કહે છે, “જ્યારે પણ અમે ઘરની બહાર જઈએ તો એ કોઈ પણ કારનો લોગો જોઈને એનું નામ બોલે. રોજિંદા જીવનમાં પણ વસ્તુ સાથે તાલમેલ કરીને કારના લોગોને ઓળખી બતાવે. ફરતો પંખો હોય તો મર્સિડીઝ અને આમ તેમ ફરતી ગરોળી હોય તો ગાડીની વાઈસમેન બ્રાન્ડ સાથે એ સરખાવે.”
અમને ખબર ન હોય એ નામ પણ સ્વયંને આવડે
પહેલા તો સ્વયંના માતા-પિતાને વિશ્વાસ ન થતો કે અમારું બાળક આટલી નાની ઉંમરે આટલી સારી રીતે કારના લોગો ઓળખીને એના નામ બોલે છે. સ્વયંના માતા ભાવિકાબહેન ગૃહિણી છે. એ કહે છે કે જે કારના નામ અમને પણ ખબર ન હોય એના લોગો ઓળખીને સ્વયં નામ બોલતો. એના કારણ હવે અમે પણ કાર ઓળખતા થઈ ગયા.
નાની વયે બે રેકોર્ડ
સ્વયં એ બે રેકોર્ડ બનાવ્યા છે પ્રથમ રેકોર્ડ એક મિનિટમાં પચાસ સિમ્બોલ ઓળખીને ગાડીના નામ બોલવાનો. અને બીજો રેકોર્ડ બે મિનિટ બે સેકન્ડમાં એકસો કારના લોગો ઓળખી એના નામ બોલવાનો. આ બંને વર્લ્ડ રેકોર્ડ છે. જેમાં Fastest to identify 100 car logos by a Pre-schooler by international book of Records અને Fastest to identify and recite Car brand logo by World Records India નો સમાવેશ થાય છે. એટલું જ નહીં સ્વયં એ 115 ગાડીના સિમ્બોલ ઓળખી એના નામ બોલ્યો છે એ વીડિયોની એપ્લીકેશન પણ વિશાલભાઈ આગામી સમયમાં કરશે.
લક્ઝરી કારના જોવે છે વીડિયો
સામાન્ય રીતે નાના છોકરા મોબાઈલમાં ગેમ રમે, પોએમ જોવે કે પછી કાર્ટુન જોતા હોય છે. ત્યારે સ્વયં અત્યારથી જ ફરારી, બુગાટી જેવી લક્ઝરી કાર કેવી રીતે બને છે એના વિડિયો જૂએ છે. વિશાલભાઈ કહે છે આમ તો અમે એને વધારે મોબાઈલ નથી આપતા પરંતુ થોડા સમય મોબાઈલ આપીએ ત્યારે એ એના પર માત્રને માત્ર કાર વિશેની માહિતી જ જોતો હોય છે.
સ્વયં માત્ર ત્રણ વર્ષનો છે પરંતુ રોજ સવારે દસ વાગે એની 100 જેટલી ટોય કારના કલેક્શન સાથે પોતાનો શોરૂમ ઓપન કરે છે અને રાત્રે દસ વાગ્યા સુધી એ કારની વચ્ચે રહીને એની જુદી-જુદી માહિતી મેળવે છે. આ ટેણીયા ને જોઇને કોઈ પણ વ્યક્તિ બે મિનિટ માટે વિચારમાં પડી જાય કે એસા ભી કભી હોતા હૈ!
View this post on Instagram