ઘરમાં દુર્ગાપૂજાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી. ઘરગૃહિણી દુર્ગેશ્વરી પગ વાળીને એક ઠેકાણે બેસી શકતી નહોતી, જાણે કે એના પગમાં પૈડાં લાગી ગયાં હતાં!
ઘડીમાં અહીં તો ઘડીમાં ત્યાં…!
અને કેમ ન હોય દોડાદોડી…! કારણ કે પોતાની જ સીધી નિગરાની હેઠળ થનારી આ પ્રથમ જ તો દુર્ગાપૂજા હતી. સાસુમાના દેહાંત પછીની પે’લી પૂજા…
પરણીને સાસરે આવી ત્યારથી ઇચ્છતી હતી કે પૂજામાં આમ જોઈએ, પૂજામાં તેમ જોઈએ… પણ સાસુમાની હયાતિમાં એ એક પણ વિચારનો અમલ કરવો તો દૂર… રુઆબદાર સાસુમા સામે વિચારની અભિવ્યક્તિ પણ કરી શકવી શક્ય નહોતી.
પણ આ વરસની વાત જ જુદી હતી… પંડાલની કમાન અને પ્રવેશદ્વાર પાસે અત્તરનો ફુવારો તો રાખવો જ વળી… પૂજા પછી પ્રસાદમાં માને ધરાવવાનાં નૈવેદ્યમાં કઈ કઈ મીઠાઈ બનાવવાની એને માટે કેટરર્સને ૩થી ૪ વખત તો ઘરે બોલાવેલા પછી તો મેનુ ફિક્સ થયું.
પૂજા વખતનું બધાનું પણ એણે જ નક્કી કર્યું.
હા, મનમાં થોડા કચવાટ સાથે દુર્ગેશ્વરીએ પૂજામાં બોલાવેલા બ્રાહ્મણોને આપવાની દક્ષિણા માટે ધણીનું માન રાખ્યું ખરું..!
બધી તૈયારીઓ ચરમસીમા પર હતી. દીકરીની બહેનપણીઓ આંગણામાં રંગોળી પૂરી રહી હતી. પોતે સવારની પૂજાની થાળીમાં કોઈ ચીજ રહી ન જાય એની નજર નાખી રહી હતી.
ઘરનોકરાણી પ્રવેશદ્વાર માટે આસોપાલવનું તોરણ બનાવતી હતી. બોખા મોંની ખોલબંધ જોઈને ચકોર ગૃહિણીએ જરાક અણગમાથી નેણ સંકોચીને પૂછ્યું: ‘અલી..… કંઈ કહેવા જતાં મૂંગી થઈ ગઈ કે શું?” અને કેમ ભૈ… તારી વહુને હાથે મેંદી મેલી છે કે… એ કેમ ન આવી?, નોકરાણી થોડી થથરી ગઈ પછી આત્મસંવરણ કરતી હોય એમ કહેવા લાગી:
“વહુમા…! તમે તો જાણો છો, વહુ બેજીવ સોતી છે, હવે સવાર-સાંજમાં ખાટલો ઢાળશે કાં તો. આજ હવારથી ઈને ઠીક નથી. તીમાં પડોશીની બાઈને મોકલતી’તી દવાખાને. મારાથી તો અહીંથી કેમ કરીને નિહરાઈ…! તી હારુ કવ સુ કે… આ ઈવડી ઈ આવી’તી બાઈ… કંઈ ગઈ સે મુને કે દાક્તરે કીધું સે હુવાવાઈડ વહમી થાહે… ઠાવકું પાધરું નઈ ઊતરે. દાખલ કરી દેવાનું કીધું. હવે પેલા પરથમ તો રૂપિયા માગે… મારે ક્યાંથી કાઢવા…! વહુમા… જો તમે ઉપકાર કરેલ તો…,
વાતને અધવચ્ચેથી જ વેતરી નાખતી હોય એમ દુર્ગેશ્વરી તાડૂકી: ‘બસ… ગઈ ને જાત ઉપર… સા…! ઘરનો પ્રસંગ બગાડવાનું આ નાટક રે’વા દે… છાનીમાની કામ પૂરું કર,
નોકરાણીની આંગળીમાં સોય ખ…ચ…કરીને ઘૂસી ગઈ અને નીકળ્યું રાતુચોળ લોહી—જાણે દુર્ગાપૂજાનું કંકુ!!
(રેખાબા સરવૈયા)
(લેખિકા હાલમાં પોરબંદર ખાતે એડિશનલ કલેક્ટર તરીકે કાર્યરત છે. ગુજરાતી સાહિત્યમાં લઘુકથાઓ ઉપરાંત કવિતા, વાર્તા અને નિબંધોથી જાણીતું નામ છે.)





