રંગમંચનો આ ફેસ્ટિવલ રાજુ બારોટને સમર્પિત: એમ. કે. રૈના

અમદાવાદ: ભારતના સ્વર્ગ કાશ્મીરમાં નેવુંના દાયકામાં એક ચોક્કસ જાતિને નિશાન બનાવવામાં આવી. અત્યાચાર થયા અને કત્લેઆમ પણ થઇ, અચાનક જ પોતાનું ઘર એમ જ છોડી પહેરે કપડે ઘણાં લોકો ભારતના જુદા જુદા રાજ્યો, શહેરોમાં વિસ્થાપિત  થયા. વિસ્થાપિત થયેલા આ હજારો લોકો હાલ પોતાના ભણતર, બુધ્ધિ, મહેનત અને કલા કૌશલ્યથી દેશ-વિદેશમાં કામ કરી રહ્યા છે. આ છે હજારો કાશ્મિરી પંડિતોના પરિવારોની કથા. ભારતના આ પ્રાંત અને લોકો પર અસંખ્ય ફિલ્મો બની છે. પરંતુ તાજેતરમાં કાશ્મીરી બોલીમાં એક હ્રદય દ્વાવક ફિલ્મ બટ્ટ કોચ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં કાશ્મીર છોડી ગયેલા પરિવારોની છે, જે નેવુંના દાયકામાં યાતનાઓ વેઠ્યા બાદ અન્ય શહેરોમાં રહી રહ્યા છે. આ પરિવારો સતત  પોતાના વતન, સંસ્કૃતિ જોવા જાણવાની ઇચ્છા રાખી રહ્યા છે. વતનના વિરહમાં ઘણાં મૃત્યુ પણ પામ્યા. અનેક મુશ્કેલીઓ પછી એક વખત પરિવારને પોતાના વતનના ગલી-મહોલ્લાને માણવાનો મોકો મળે છે. ત્યારે કાશ્મીરી પંડિત પરિવારો અને એમના મુસ્લિમ મિત્રો વચ્ચે લાગણી સભર દ્રશ્યો સર્જાય છે. કાશ્મીરી ભાષાની આ ફિલ્મ અમદાવાદમાં રજૂ થઇ ત્યારે થિયેટરમાં બેઠેલા કાશ્મીરી સહિતના તમામ લોકો આંખોમાં આંસુ સાથે ભાવુક થઇ ગયા.

 

કાશ્મીરી ભાષાની ફિલ્મ ‘બટ્ટ કોચ’ એટલે કે પંડિતોની ગલી અમદાવાદમાં રજૂ  થઇ ત્યારે  મુખ્ય કલાકાર એમ.કે રૈના પણ ઉપસ્થિત હતા. તારે જમી પર..જેવી યાદગામ ફિલ્મમાં કામ કરી ચૂકેલા કલાકાર, ડાયરેક્ટર અને સાંસ્કૃતિક કાર્યકર્તા  એમ. કે. રૈના અત્યારે અમદાવાદમાં છે. થીયેટર એન્ડ મીડિયા સેન્ટરમાં રંગમંચના સ્વર્ગસ્થ કલાકાર રાજુ બારોટની યાદમાં ‘ઓલ એબાઉટ ફેસ્ટ- 2026 ‘( ALL ABOUT NATAK 2026 21 TO 29 MARCH) યોજાઇ રહ્યો છે. જે બિયોન્ડ ધી પ્રોસેનિયમ એટલે કે પારંપરિક મંચની સીમાઓની બહાર ગુજરાતી રંગભૂમિનો ઉત્સવ ઉજવાશે. જેનું સંચાલન નિદર્શન એમ. કે રૈના દ્વારા કરવામાં આવશે.

ભારતની પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તૈયાર થયેલા કલાકાર, દિગદર્શક અને સંસ્ક઼તિના લડવૈયા એમ.કે રૈનાની ચિત્રલેખા.કોમ સાથેની એક મુલાકાત…

મહારાજ કૃષ્ણ  રૈનાની જન્મથી એન.એસ.ડી સુધીની સફર..?

મારો જન્મ શ્રીનગરમાં થયો અને સ્નાતક સુધીનો અભ્યાસ કાશ્મીરમાં જ કર્યો. સ્કૂલ ઘરની એકદમ નજીક હતી શાળાના સમયથી જ મને નાટકોમાં ભાગ લેવાનો ખૂબ જ શોખ હતો. એક વિદ્વાન પ્રિન્સિપાલ દ્વારા લખેલું કાશ્મીરી ભાષાનું નાટક આખાય રાજ્યમાં ખૂબ જ મશહુર થયું. આ નાટકનું સંગીત અને કલાના કારણે મને ખૂબ જ પ્રસિધ્ધિ મળી. આ સાથે હું શાસ્ત્રીય સંગીત પણ શીખતો હતો. પિતાજી દાંતના તબીબ હતા. એમને મદદ કરતો સાથે સાયન્સના વિષયોમાં અભ્યાસ કર્યો. વિશ્વ નાટ્ય દિવસ દ્વારા ભજવેલા નાટકોથી પ્રભાવિત થઇ મારા સિનિયર્સે કહ્યું કે મહારાજ કૃષ્ણ રૈનાને એન.એસ.ડીમાં તાલીમ માટે મોકલવા જોઇએ. સાંભળ્યું હતું પણ મને કંઇ એન.એસ.ડી વિશે બહુ ખબર નહોતી. પણ પિતાજીની પરવાનગી પછી એન.એસ.ડી દિલ્હીમાં પ્રવેશ મેળવ્યો. એ જમાનામાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં વહેલી સવારથી જ ખૂબ જ તનતોડ મહેનત કરાવતા હતા. એન.એસ.ડીની તાલીમ લઇ બહાર આવ્યા પછી ફ્રીલાન્સિંગ શરૂ કર્યું હતું.

એન.એસ.ડીમાં તૈયાર થયા પછી રંગમંચ અને ફિલ્મો તરફની કારકિર્દી.. ?

કેરિયરની શરઆતમાં જ આઇકોનિક ફિલ્મ 27 DOWNમાં કામ કરવાની તક મળી.. એ પછી સમાંતર સિનેમાની એક મુવમેન્ટ ચાલુ થઇ એમાં કામ કર્યું. એમાં કેતન મહેતા પણ હતા. પછી રોજી-રોટી આવક  માટે ટ્રેઇનિંગ પ્રોગ્રામ વર્કશોપ  પણ ચાલુ કર્યાં. એ પછી ઉત્તર પ્રદેશ, બિહાર જેવા અનેક રાજ્યમાં એસાઇનમેન્ટ મળવા લાગી. નાની લો બજેટ ફિલ્મો જે ટૂંકા સમયમાં પતી જાય એને પ્રોજેક્ટની જેમ કરુ.  કારણ એ જલ્દી પતે એટલે  સાથે  નાટકો સ્ટેજને પણ સમય આપી શકાય. મોટા-મોટા દિગ્ગજો ગોવિંદ નિહલાની, મૃણાલ સેન, કેતન મહેતા  સાથે પણ કામ કર્યું. તારે જમીં પર…નૂર, આયેશા એ સાથે રાષ્ટ્રિય આંતર રાષ્ટ્રિય ફિલ્મો કરી. જેમાં અનેક એવોર્ડ્સ પણ મળ્યા. યુક્રેનની એક ફિલ્મ કરનાર પાસે પૈસા નહોતા, એના  માટે તો તદન મફત કામ કર્યું. આ સાથે થીયેટર ચાલુ જ હતું.

કેટલી ભાષાઓમાં નાટક કર્યા?

મારે દિલ્હીની બહાર પણ નાટક કરવા પડ્યા. અત્યાર સુધીમાં 12 ભાષામાં નાટક કર્યા છે. ગુજરાતીમાં નાટકો કરીશ એટલે એ તેરમી ભાષા થશે. લદાખી, કાશ્મીરી, ડોગરી, પંજાબી, હિંદી, અંગ્રેજી, બંગલા, તેલુગુ, મલયાલમ, મણીપુરી, ગુજરાતીમાં નાટક કરવાની તક મળી. ગોવર્ધન પંચાલ અમારા ટીચર હોવાના કારણે મેં સંસ્કૃત નાટકો પણ કર્યા. આ સાથે દરેક રાજ્ય પ્રદેશની લોક સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો સાથે રહ્યા. ભાંડ, ભવાઇ કરતા હોય એવા કલાકારો સાથે કામ કર્યું.

કાશ્મિરની ખરાબ હાલત ક્યારે વધારે મહેસૂસ થઇ?

માતાની બીમારી અને જ્યારે માતાને બ્રેઇન હેમ્રેજ થયું, ત્યારે કાશ્મીર એ વેળાની પરિસ્થિતિમાં ખૂબ જ હેરાન પરેશાન થયા. કારણ શુટ એટ સાઇટના ઓર્ડર હતા, મારી માતાના અગ્નિ સંસ્કાર કરવા જવા માટે માંડ-માંડ પરવાનગી મળી. મારી પાછળ બંદુક ભરાવી દીધી, પરંતુ ઓફિસર સારા હતા જેના કારણે પરવાનગી આપી મળી, ગાડી પણ આપી. આ તમામ વિધી દરમિયાન રસ્તામાં બોમ્બ પણ ફૂટ્યો. આપણી સંસ્કૃતિનો કમાલ જુઓ અમારા ત્યાં પંડિતોના દાહ સંસ્કાર વખતે મુસ્લિમ હાજર હોય અને તમામ વિધિ કરાવે. અમારી સાથે એક મુસ્લિમ હતા. એ પંડિતોની અગ્ની સંસ્કારની વિધિ અમારા કરતા પણ વધારે સારી જાણતા હતા. બીજી તરફ મારો પરિવાર દિલ્હીમાં રહેતો હતો. થોડા સમય પછી પિતાજીનો પણ દેહાંત થયો. 90ના દાયકાની કાશ્મીરની ખરાબ પરિસ્થિતિ અને સ્થળાંતરો પછી જાણે કે કાશ્મીરનો નાતો જાણે તુટી જ ગયો..

એ પછી કાશ્મીર ક્યારે ગયા?

સામાજિક ક્રાંતિના વિચાર તો સતત આવ્યા જ કરે.. એક દિવસ અચાનક જ કાશ્મીર લેન્ડ થઇ ગયો. એટલે એક ટ્રેઇનિગ પ્રોગ્રામ તૈયાર કર્યો હતો. એના પર છેલ્લાં 25 વર્ષોથી કામ કરુ છું.  કાશ્મીર અવાન નવાર જઉં છું, 500થી વધારે બાળકોને થીયેટરમાં  તૈયાર કર્યા છે. આ શાંતિથી કરેલા કામને કારણે આ બાળકો પોતાના ગામ કસ્બામાં થીયેટર કરી રહ્યા છે. ભવાઇ જેવી ભાંડ પ્રથાને જાગૃત કરવાના પ્રયાસ કર્યા, જેથી લોક સંસ્કૃતિ જીવીત રહે.

કલમ 370 બાબતે શું કહેશો?

મને કંઇ સમજાતું નથી… હજારો વર્ષોથી ઉભી રહેલી સંસ્કૃતિને યુનિયન ટેરેટરી બનાવવી પડી. મંદિરો ઉભા છે, મસ્જિદો ઉભી છે તો વર્ષો જૂની સંસ્કૃતિ યનિયન ટેરેટરી કેમ? મારી દ્રષ્ટિએ અત્યારે કંઇ ખાસ ફર્ક પડ્યો નથી. આ આખીય ઉંડાણપૂર્વકની રાજકીય બાબતો છે. સંવેદનશીલ રાજકીય છે.

કાશ્મીર ફાઇલ્સ અને બટ્ટ કોચ વિશે શું કહેશો?

કાશ્મીર ફાઇલ્સ બહુ જ મોટા બજેટની ફિલ્મ હતી. એ મને પસંદ નહોતી આવી. કારણ મારું કાશ્મીર આવું નથી. ચોક્કસ કહી શકાય કે અત્યાચારો થયા છે, ઘટનાઓ પણ ઘટી છે. જ્યારે બટ્ટ કોચ ઓછા બજેટની ફિલ્મ છે. સંવેદનશીલ સ્ક્રિપ્ટ સાથેની આ ફિલ્મ  જમ્મુ અને મટ્ટન વિસ્તારમાં શુટ કરી હતી. છેલ્લા કેટલાય સમયથી કાશ્મીર સાથે જોડાયેલો છું. એટલે કેટલીક વાસ્તવિકતાઓ મને ખબર છે. દેશ વિવિધતાથી ભરેલો સુંદર છે, જેમાં એકતા રહેવી જોઇએ.

યુવા પેઢીને શું સંદેશ?

આપણો દેશ શ્રેષ્ઠ દેશ છે. એના લોકો, પ્રદેશ, સંસ્કૃતિને જાણો. મ્યુઝિક ઇન્ટ્ર્યુમેન્ટ, દંતકથાઓ અને આદિવાસી સંસ્કૃતિમાં પણ કેટલી બધી વૈવિધ્યતા છે, એને સમજવી જોઇએ.  મારી પાસે શરુઆતમાં એટલા પૈસા નહોતા પણ હું થેલો લઇને નીકળી પડ્યો. અત્યારે દરેક શહેર રાજ્યમાં મારા મિત્રો છે. વિપરિત પરિસ્થિતિઓમાં રહેતી કેટલીક મહિલાઓને તૈયાર કરી, જેમણે અસંખ્ય કામો કર્યા અને રાજકીય ક્ષેત્રે પણે પોતાનું નામ આગળ કર્યું.

અમદાવાદના રંગમંચ સાથેના કાર્યક્રમ વિશે..

મન્વિતાના પિતાજી હસમુખ બારડીને હું જાણતો હતો. એકવાર ગુજરાતના પ્રવાસ વખતે મન્વિતા સાથેની મુલાકાતવેળાએ એની વાતો વિચારોનું આદાન પ્રદાન થયું. એક નાટક પર વર્કશોપ અને ફિસ્ટિવલ ઉજવવાનું નક્કી કર્યું. અમદાવાદનો ડિઝાઇન કરેલો ‘ઓલ એબાઉટ નાટક’ ફેસ્ટિવલ રાજુ બારોટને સમર્પિત કર્યો.

કાશ્મીરની ગલીઓની યાદો સંવેદનાને લઇને તમામ સંસ્ક઼તિને અપનાવી ફરતાં આ કલાકાર અત્યારે અમદાવાદના આંગણે છે. અહીં  હસમુખ બારાડીની ધરોહર ટી.એમ.સી ખાતે ડાયરેક્ટર મન્વિતા બરાડી સાથે મળી એમ.કે. રૈના ગુજરાતી રંગભૂમિના મહોત્સવનું સંકલન કરશે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)