નોટઆઉટ@84: શ્રીમતી રમીલાબહેન પારેખ

મહારાષ્ટ્રના તારાપુર નજીક આવેલ ચિંચણ ગામમાં, ત્રણ ભાઈઓ અને પોતે  એક બહેનના સુખી-સમૃદ્ધ કુટુંબમાં જન્મ થયો. પિતાને મોટી રાઈસ મીલ હતી. ગામની શાળામાંથી જ મેટ્રિક કરી મુંબઈ એસ.એન.ડી.ટી. કોલેજમાંથી બી.એ. કર્યું. ૨૩ વર્ષે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી કિશોરભાઈ પારેખ સાથે લગ્ન કર્યા. ત્રણ દિકરીઓના જન્મ પછી, ધાર્યું કે વિચાર્યું પણ ન હતું તેવી રીતે એકદમ નાના પાયે કામ શરૂ કર્યું અને પછી ધંધો વિકસતો ગયો. ગારમેન્ટ્સ એક્સપોર્ટનો ધંધો એવો ધમધોકાર ચાલ્યો કે તેમને કામમાં મદદ કરવા પતિએ બેંકની સરસ જોબ છોડી. લગભગ ૩૫ વર્ષ કામકાજ કર્યું. પુરુષોના એકચક્રી રાજમાં કુશળતાથી પોતાનો સિક્કો જમાવી દીધો! ત્રણ દીકરીઓ છે, એક CA, બીજી હોમીઓપેથ ડોક્ટર અને ત્રીજી ફેશન ડીઝાઈનર.

 

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

છેલ્લા 15 વર્ષથી ધંધાનું બધું કામકાજ બંધ છે, પણ અગાઉના કામકાજને લીધે અને સરખા પ્લાનિંગને લીધે આર્થિક રીતે બિલકુલ સ્વ-નિર્ભર છે. આધ્યાત્મિક વાંચન, ગીતા, યમનાષ્ટક અને માળા ફેરવવામાં સવારનો મોટા ભાગનો સમય જતો રહે છે. ગીત અને ગરબા ગાવાનો અને સાંભળવાનો શોખ છે એટલે બપોરનો સમય એમાં જાય છે. રસોઈ કરીને જમાડવાનો પણ બહુ શોખ છે. શેકેલા પૌઆનો ચેવડો, મેથીના લાડવા, ચોખાના રોટલા અને દેશી રસોઈ એમની સ્પેશિયાલિટી! ભાઈઓ અને ત્રણે દીકરીઓ નજીકમાં જ રહે છે એટલે એમની અવરજવર બીઝી રાખે છે. વળી ઝાડ પાનનો ખુબ જ શોખ છે. ઝાડની કોઈ એક ડાળી પણ કાપે તો રડવું આવી જાય છે. વૃક્ષારોપણ કરવાનું બહુ ગમે છે. વાડી અને ફાર્મિંગની નવી નવી પ્રવૃત્તિઓ કરવાનું  પણ બહુ ગમે છે.

ઉમર સાથે કદમ કેવી રીતે મિલાવો છો? કોઈ મોટી બીમારી?

સવારે પાંચ વાગે ઊઠી હળવી કસરતો કરી તાંબાના લોટામાં રાખેલ પાણી તથા હળદર અને સૂંઠનું પાણી લઉં છું. ત્યાર બાદ એક કલાક ચાલવાનું. પછી એક ગ્લાસ દૂધ અને થોડો નાસ્તો. તળેલો નાસ્તો બિલકુલ નથી લેતી પણ ડ્રાયફ્રૂટ્સ ગમે છે. કલાકેક છાપુ વાંચું છું. મુંબઈ સમાચાર અને  દિવ્ય ભાસ્કર તો ખૂણેખૂણો  વાંચી નાખું! ફરી એક કલાક ભક્તિ અને પછી જમવાનું. ખાવાપીવાનું અને પ્રવૃત્તિ એકદમ નિયમિત છે એટલે કોઈ મોટી બીમારી આવી નથી.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?

સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે. દીકરીઓ અને પતિ મદદ કરે છે. બે પૌત્રીઓ પરદેશ છે. તમની સાથે વાતો કરવા પણ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. વળી મનોરંજન માટે, ગુજરાતી નાટકો, સુગમ સંગીત અને ગીત-ગરબા માટે જરૂરી તેટલો નવી ટેકનોલોજીનો ઉપયોગ જાતે કરી લે છે.

નવી ટેકનોલોજીના ફાયદા / ગેરફાયદા / ભયસ્થાનો ?

નવી ટેકનોલોજીના ફાયદા તો ઘણા છે પણ ગેરફાયદો એક એ છે કે બહુ બધો સમય કન્ઝયુમ થઈ જાય છે. એકવાર મોબાઈલમાં ઘૂસી જાવ કે બહાર નીકળાય જ નહીં!  તમારું વિચારવાનું બિલકુલ બંધ થઇ જાય છે! બાળકો પણ આખો દિવસ મોબાઈલ લઈ બેસી રહે છે અને નવું વિચારતા નથી. તેમને માટે તો મોબાઇલ સિવાય દુનિયા જ નથી!

શું ફેર પડ્યો છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

અમે નાના હતા ત્યારે ઈ-મેઈલ કે મોબાઈલ તો હતાં નહીં. ફોન પણ આખા બિલ્ડીંગમાં એક જ હતો! આસપાસના પડોશીઓ ફોન કરવા તેમને ઘેર આવતાં!  નાનો કાગળ ટાઈપ કરાવવા પણ સ્ટેશન સુધી જવું પડતું! એને બદલે આજે તો કોમ્યૂનિકેશન માટે તમારે કોઈ જ મહેનત કરવી પડતી નથી.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? તેમને માટે કોઈ સંદેશ?

મારે ૫ પૌત્ર-પૌત્રીઓ છે. તેઓ અને તેમનાં મિત્રો તથા કુટુંબનાં બાળકોને લીધે આજની પેઢી સાથે રોજબરોજના ટચમાં છું. સંદેશો તો શું આપું? અને એ લોકો સાંભળશે ખરાં? વધુ કહીએ તો નાસી જાય! આ શાહરુખ ખાનનો છોકરો જ જુઓને? મારાં પૌત્ર-પૌત્રીઓને હું કાયમ કહું છું કે પાર્ટી કરજો પણ સિગારેટ, દારૂ, ડ્રગથી સંભાળજો. આ બધાંથી દૂર રહેજો. દીકરીઓને અને પૌત્ર-પૌત્રીઓને ભણાવ્યાં-ગણાવ્યાં અને ઘણું બધું આપ્યું. ગયા જન્મમાં મેં શું સારું કર્યું હશે તે આ જન્મમાં ભગવાને મને મદદ કરી! બસ ભગવાનમાં શ્રદ્ધા રાખજો! તે તમને બધી મુશ્કેલીઓમાંથી તારશે!