નોટ આઉટ @ 84: યશવંતભાઈ મહેતા

ગુજરાતી બાળ-કિશોર સાહિત્યના પિતામહ, 525થી વધારે ગુજરાતી-પુસ્તકોના લેખક તથા અનેક પારિતોષિકથી(બે રાષ્ટ્રીય પારિતોષિક, પાંચ રાજ્યના, એક પરિષદનું, એક સંસ્કાર-પરિવારનું) સુશોભિત એવા યશવંતભાઈ મહેતાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ લીલાપુરમાં(જી.સુરેન્દ્રનગર). 11 ભાઇ-બહેનમાં એમનો દસમો નંબર. પિતા ખેડૂત, સખત પરિશ્રમ કરે. દસ વર્ષની બાળ-ઉંમરે યશવંતભાઈએ પિતાને ખોયા. યશવંતભાઈ લીલાપુરથી લખતર, ત્યાંથી વિરમગામ અને પછી અમદાવાદ આવ્યા. નાનેથી મોટા ગામમાં આવ્યા તેમ અનુભવ પણ મોટો થતો ગયો. આઝાદીની લડતનો પરિચય નાનપણથી. અમદાવાદની શાળાના ગાંધીવાદી શિક્ષકોએ ઘણું જ્ઞાન આપ્યું. શાળામાં તેમના વર્ગ-શિક્ષિકાએ તેમનું નામ પાડ્યું “કાઠીયાવાડી-બાપુ” અને “બિરબલ.” ભાષા અને સાહિત્યનો શોખ બાળપણથી. “ચેતન” નામનું હસ્તલિખિત માસિક-મેગેઝિન શાળામાં શરૂ કર્યું. કોલેજમાં ઇન્ટરના વર્ષથી નોકરી શરૂ કરી. ગુજરાત-સમાચારમાં પ્રુફરીડિંગથી સંપાદક સુધીનું કામ કર્યું. ઝગમગ, શ્રી, શ્રીરંગ વગેરેમાં કામ કરી 88ની સાલમાં 50 વર્ષની ઉંમરે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. 1964માં “પાલખીનાં પૈડાં” નામની પુસ્તિકાને રાજ્યનું ઇનામ મળ્યું, ત્યારથી શરૂ કરી આજ સુધી અનેક ઇનામો પ્રાપ્ત કર્યાં છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ :  

સવારે 6:00 વાગે ઊઠી ઘરની અગાસીમાં એક માઈલ ચાલે. ચા-પાણી અને છાપામાં ઘણો સમય જાય. બજારનાં અને ઘરનાં કામકાજ પછી લખવાનું શરૂ કરે. બપોરે જમીને બિલકુલ આરામ નહીં. સાહિત્ય-સભામાં જાય, માતૃભાષાના ઉદ્ધારનું કામ હોય, અન્ય મીટીંગો હોય અથવા લેખન-કાર્ય ચાલુ હોય. થોડીવાર ટીવી જુએ. જમીને હિંચકે બેસી સંગીત સાંભળે. બાકી રાતના મોડે સુધી લખવાનું ચાલે.

શોખના વિષયો : 

બાળપણ વિકટ હતું એટલે શોખ માટે સમય ક્યાંથી હોય? અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લાસિકલ મ્યુઝિક સાંભળવું ગમે છે. શિવકુમાર શર્મા તેમના પ્રિય કલાકાર! રાતના ભોજન બાદ હિંચકે બેસીને કલાક સંગીત સાંભળે. નાટકો જોવા અને કરવા બહુ ગમે. શાળામાં અને કોલેજમાં બહુ નાટકો કર્યાં. વાંચવાનો શોખ. અંગ્રેજી પુસ્તકો ઘણાં વાંચ્યાં અને એનો પડઘો તેમના લેખનમાં પડે છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. હસતાં-હસતાં ઊમેરે છે કે ઘરમાં જ વૈદરાજ(પત્ની) છે! ગામડામાં ધીંગામસ્તી કરી તળાવ-કુવા-વાવમાં ધુબાકા મારી મોટા થયા છે. 16 વર્ષ સુધી પગરખાં પણ નથી પહેર્યાં! બાળપણમાં ઘણો શ્રમ કર્યો છે અને અત્યારે ખાવા-પીવામાં સંયમ રાખે છે એટલે તબિયત એકદમ સારી છે! મોતિયાનું ઓપરેશન બપોરે કરાવ્યું અને સાંજે તો મહાભારત-કથાની પ્રત્સાવાના લખવા બેઠા હતા!

 

યાદગાર પ્રસંગ: 

કોલેજના પહેલા જ વર્ષમાં “કાકાની શશી”નો કાકો બનવાનો તેમને લાહવો મળ્યો હતો! આ વર્ષના ‘નવચેતન’ના  દિવાળી-અંકે તેમને શાળાના હસ્તલિખિત અંકની યાદ અપાવી દીધી! એકવાર શાળામાં તેમણે ક્રિકેટ માટે હડતાલ પડાવી હતી. વળી બાળપણથી સોશિયાલીઝમનો પ્રભાવ ઘણો, એટલે શાળાની પ્રાર્થનામાં આંખો ખુલી જાય! શાળાના મોટા-સાહેબે બોલાવી તેમને શિક્ષા કરી: રોજ બે પાટીયા ભરી લખવાનું! એકમાં ગુજરાતી સુભાષિત લખવાનાં અને બીજામાં સમાચાર લખવાનાં! માસ્તરની શિક્ષાએ તેમનું જીવન પલટી નાખ્યું!

62-63ની સાલમાં તેઓ અખંડ-આનંદમાં અનુવાદકનું કામ કરતા. કોંગ્રેસ મહા-અધિવેશન વખતે નેહરુચાચાએ અમૃતસરમાં એક ભાષણ આપ્યું, તેનો સુંદર અનુવાદ કરી તેમણે અખંડાનંદમાં સમયસર આપ્યો. તેમના એ કામથી ખુશ થઈ ફી ઉપરાંત તેમને મહાભારતના સાત ગ્રંથોનો સેટ ભેટમાં મળ્યો!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:   

ટેકનોલોજીનો ઉપયોગ માર્યાદિત પ્રમાણમાં કરે છે. પણ જરૂરી માહિતી GOOGLE ઉપરથી જાતે શોધી લે છે. દીકરો કોમ્પ્યુટર એક્સપર્ટ છે, તેમનું ઘણું બધું કામ તે કરી આપે છે એટલે કોમ્પ્યુટર ઉપર કામ કરવાનો અનુભવ ઓછો છે. પોતે વિજ્ઞાનવાદી છે. અત્યાર સુધી વિજ્ઞાન-વિષય ઉપર આધારિત 75 પુસ્તકો લખ્યાં છે. માનવ-જાતનું ઉજળું ભવિષ્ય વિજ્ઞાન સિવાય શક્ય જ નથી.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ત્યારે 34 કરોડની વસ્તી હતી, હવે 140 કરોડ! વસ્તી વધતાં સંઘર્ષ આકરો બન્યો છે. ટેકનોલોજી અને ધ્યાન આકર્ષિત કરે તેવાં તત્વો વધી ગયાં છે. એને લીધે યુવાનો આદર્શ-વાદથી ફંટાઈ ગયા છે. આ જ પરિસ્થિતિ તેમને કદાચ બળવો કરવા પ્રેરશે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

યુવાનો સાથે તો ઘણું મળવાનું થાય. બુધ-સભામાં, શની- સભામાં…..ક્રાંતિ તો યુવાનો જ કરે! તેમને પૂરેપૂરી શ્રદ્ધા છે કે યુવાનો ચોક્કસ ક્રાંતિ કરશે. આપણે યુવાનોને પ્રોત્સાહન આપવું જોઈએ.

સંદેશો : 

આ તો બુદ્ધ અને કબીરનો દેશ છે! અને પાછો યુવાનોનો દેશ છે! યુવાનો માટે હું ખૂબ આશાવાદી છું. યુવાનો ચોક્કસ આ દેશને ખૂબ-ખૂબ પ્રગતિ કરાવશે!