આવી હશે ‘મંગળ’મય દિવાળી!

જરા કલ્પના કરો: તમારી આસપાસ, નજર પહોંચે ત્યાં સુધી લાલ રંગનો વેરાન પટ પથરાયેલો છે. દિવસે સૂરજદાદા આકાશમાંથી ગરમી વરસાવે છે, જ્યારે રાતે તાપમાનનો પારો શૂન્યથી નીચે, ૭૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. દરેક ઋતુમાં અહીં વાતાવરણનું વૈવિધ્ય જોવા મળે છે. પૃથ્વીની સરખામણીએ અહીંનું ગુરુત્વાકર્ષણ બળ માત્ર ૩૮ ટકા છે, જેથી અહીં દરેક વસ્તુનું વજન ખૂબ હળવું લાગે છે. અહીં વાતાવરણ તો છે, પરંતુ એમાં ઑક્સિજનની માત્રા નહીંવત્ હોવાથી માણસ શ્વાસ લઈ શકતો નથી.આ વર્ણન છે આપણા પડોશી ગ્રહ મંગળનું, જેને ભવિષ્યમાં માનવવસવાટ માટેનો સૌથી સારો વિકલ્પ ગણવામાં આવે છે. આજના ટેક્ધોલૉજી યુગમાં અવકાશવિજ્ઞાન સોળે કળાએ ખીલ્યું છે. ભવિષ્યમાં માણસોને અવકાશમાં અન્ય ગ્રહ પર વસવાટ કરવાનું થાય તો એ માટેની પૂર્વતૈયારી તેમ જ સંશોધન ઘણી સરકારી અને પ્રાઈવેટ સ્પેસ એજન્સીએ શરૂ કરી દીધું છે. ઘણી અવકાશ-સંશોધન સંસ્થાને તો અમુક હદ સુધી સફળતા પણ મળી છે. જો કે આપણે અહીં એની વાત નથી કરવી. આવનારા એકાદ-બે દાયકામાં જો આપણે મંગળ ગ્રહ પર રહેવા જવાનું થાય તો આપણે આપણો સૌથી મોટો તહેવાર દિવાળી કઈ રીતે ઊજવીશું એની આ વાત છે.

દર વર્ષે દેશ-દુનિયામાં ૧૦૦ કરોડ કરતાં વધુ લોકો દિવાળી ઊજવે છે. ભારતીયોની વ્યાપક વસતિ ધરાવતા અમેરિકા, બ્રિટન, કેનેડા, ઈન્ડોનેશિયા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલૅન્ડ તથા આફ્રિકા અને મધ્ય-પૂર્વ એશિયાના દેશોમાં પણ દિવાળી ધામધૂમપૂર્વક ઊજવવામાં આવે છે. ભારતમાં તો દિવાળી જેટલો ભવ્ય કોઈ બીજો ઉત્સવ જ નથી.

સવાલ એ છે કે કાલે ઊઠીને આપણે મંગળ ગ્રહ પર વસવાનો વારો આવે તો? ત્યાં દિવાળી કેવી રીતે ઊજવવી?

મંગળ ગ્રહ પર પૃથ્વી જેવું વાતાવરણ નથી, છતાં માણસ મંગળ પર વસવાટને શક્ય બનાવવા ઘણી વૈજ્ઞાનિક પદ્ધતિની શોધ કરી રહ્યો છે. અત્યારે આપણી પાસે મંગળ સુધી પહોંચવાનો કોઈ સુરક્ષિત વિકલ્પ નથી, પણ ભવિષ્યમાં એય મળી આવશે. મંગળ વિશે આપણી પાસે જે માહિતી છે એના આધારે ત્યાં માનવવસાહત સ્થાપિત કરવા માટેની પદ્ધતિ અપનાવી આપણે પૃથ્વીવાસીથી મંગળવાસી બન્યા તો ત્યાંની પહેલી દિવાળી કેવી હશે એનું કાલ્પનિક વર્ણન અહીં રજૂ કરીએ છીએ…

દિવાળીના દિવસોમાં લોકો પારંપરિક વસ્ત્રો ધારણ કરી સગાંસ્નેહીને મળવા જાય છે અને પરિવાર સાથે મળીને દિવાળીના પાવન પર્વને ઊજવે છે. મંગળ પર જો કે પારંપરિક ભારતીય પરિધાન ધારણ કરવું અઘરું પડશે. અસલમાં તહેવારના દિવસોમાં આપણે ચૂડીદાર-કુરતા-સાડી જેવાં વસ્ત્રો પહેરવાનું પસંદ કરીએ છીએ. મંગળ પર ગુરુત્વાકર્ષણ બળ ધરતીની સરખામણીએ માત્ર ૩૮ ટકા જ છે, જેને કારણે પૃથ્વી પર એક કિલો વજન ધરાવતી વસ્તુ ત્યાં ૩૮૦ ગ્રામની લાગે. આ ફરકને કારણે મંગળ ગ્રહ પર આપણે હળવાં કપડાં પહેરવાં હોય તો નિશ્ર્ચિતપણે કપડાંમાં કોઈ પણ જાતનું વજનમાં ભારે હોય એવું સજાવટનું મટીરિયલ ટાંકવું પડશે, અન્યથા કપડાં ઊડવા લાગશે.પૃથ્વી પર ઑક્સિજન હોવાને કારણે આપણે સરળતાથી અગ્નિ પેટાવી શકીએ છીએ, પરંતુ મંગળના વાતાવરણમાં માત્ર ૦.૧૩ ટકા ઑક્સિજન હોવાને કારણે ત્યાં અગ્નિ પ્રગટ કરવો અશક્ય છે. એ ઉપરાંત, મંગળના વાતાવરણમાં ખૂબ વધારે દબાણ હોવાને કારણે ત્યાં અગ્નિ પેટાવવો ખતરનાક પણ છે.

– પણ તો ઘરઆંગણે દીવડા પ્રગટાવવાના આપણા આદિકાળથી ચાલી આવતા રિવાજનું શું? મંગળ પર ઘરનાં આંગણાં દીપાવવા આપણે ઈલેક્ટ્રિક દીવડાનો ઉપયોગ કરવો પડશે. આ દીવડા ઑક્સિજનને બદલે વિદ્યુતઊર્જાનો ઉપયોગ કરી ગરમી પેદા કરશે. વિદ્યુતઊર્જાની મદદથી દીવડો ટમટમતો હોય એવો દેખાવ પણ ઊભો કરી શકાય છે.દિવાળીના દિવસોમાં આખો પરિવાર ભેગો થતો હોવાને કારણે ઘણા રાતઆખી પાર્ટી કરવામાં કે હરવાફરવામાં વિતાવે છે. શિયાળામાં તો મંગળ પર રાતના સમયે તાપમાન માઈનસ ૧૨૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટી જાય છે. આટલા ઠંડા વાતાવરણમાં માણસો માટે બહાર નીકળવું અઘરું સાબિત થશે માટે મંગળ પર આખી રાત બેસીને ગપ્પાં મારવાં હોય તો ઘરમાં બેસી રહેવું પડશે. એવું નથી કે મંગળ પર આઉટડોર પાર્ટી શક્ય જ નથી. મજબૂત મનોબળ, ઠંડી સહન કરવાની ક્ષમતા અને પર્યાપ્ત માત્રામાં ગરમ કપડાંના થર ચડાવી બહાર બેસીને દિવાળીની પાર્ટીનો આનંદ ઉઠાવી શકાય.

આપણે ત્યાં દિવાળીની ઉજવણીમાં ફટાકડાનું આગવું મહત્ત્વ છે, પરંતુ ઑક્સિજનવિહોણા મંગળ પર એ શક્ય નથી માટે મંગળવાસીએ દિવાળી માટે હોલોગ્રાફીની મદદ લેવી પડશે. હોલોગ્રાફી તેમ જ ડ્રોનની મદદથી આપણે ફટાકડા જેવું રચનાત્મક ચિત્રણ તેમ જ અવાજ પેદા કરી શકીએ. ભારતમાં પણ હવે તો ઘણી જગ્યાએ ડ્રોનની મદદથી આતશબાજી યોજવામાં આવે છે. આ પ્રકારે યોજાતી આતશબાજી ઈકો-ફ્રેન્ડલી પણ છે, કારણ કે એમાં ધુમાડો પેદા થતો નથી.ફટાકડા ઉપરાંત દિવાળીમાં ઘણા લોકો પોતાના ઘરને પ્રકાશથી સજાવે છે. મંગળ પર જેમ ઑક્સિજન ઓછો છે તેમ જ અહીં સૂર્યપ્રકાશ પણ પૃથ્વીની સરખામણીએ માત્ર ૪૦ ટકા જેટલો જ પહોંચે છે, જેને કારણે આપણે સૌરઊર્જાની મદદથી ચાલતી લાઈટનો ઉપયોગ કરવાનો વારો આવશે. એમાં પણ જ્યારે આખો દિવસ સોલાર પૅનલ તપશે ત્યારે માંડ રાત્રે થોડા કલાકો ચાલે એટલી ઊર્જા જમા થઈ શકશે માટે વિજ્ઞાનીઓએ ખાસ સોલાર પૅનલવાળાં ઘર બનાવવાં પડશે, જે આખો દિવસ ભારે માત્રામાં સૌરઊર્જા શોષી શકે અને એની મદદથી રાત્રે આપણા ઘરનું દિવાળી ડેકોરેશન ઝગમગી ઊઠે.

મંગળની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળનું જોર ઘણું ઓછું છે માટે વજનમાં થોડો હળવો માણસ હોય તો એ પણ ત્યાં પોતાના પગ જમીન પર ટકાવી રાખી શકે નહીં. એવામાં વજનમાં સાવ હલકા એવા રંગોળીના રંગની મદદથી આપણા ઘરઆંગણાને સુશોભિત કઈ રીતે કરવા? મંગળ પર રંગોથી રંગોળી કરવી તો અશક્ય છે માટે ત્યાં આપણે થ્રી-ડી ટેક્ધોલૉજીનો ઉપયોગ કરી હોલોગ્રાફિક રંગોળી તૈયાર કરવી પડશે. કમ્પ્યુટરની મદદથી આપણે જોઈએ એવી ડિઝાઈન પણ રચી શકીશું તેમ જ દિવસમાં બે વાર રંગોળી બદલવાનું મન થાય તો એ કામ પણ મિનિટોમાં કરી શકીશું. આ સિવાય મંગળ ગ્રહ પર મળી આવતા રંગબેરંગી પથ્થર, ત્યાંની કેસરી તેમ જ લાલ માટી અને ત્યાં ઉપલબ્ધ અન્ય ખનિજની મદદથી રંગોળી તૈયાર કરવાનો પણ વિકલ્પ રહેશે.દિવાળીમાં આપણે ત્યાં ઘરની સાફસફાઈ  તેમ જ સજાવટનો પણ આગવો મહિમા છે. મંગળ પર આપણી પાસે ઈંટ-ચૂનાનાં મકાન નહીં હોય. ત્યાં માણસો વસવાટ માટે સ્પેસક્રાફ્ટનો ઉપયોગ કરતા હશે માટે સજાવટ તેમ જ સાફસફાઈ પણ સ્પેસક્રાફ્ટની જ કરવી પડશે. તમારા સ્પેસક્રાફ્ટના દરવાજે આસોપાલવનાં તોરણ અને ગલગોટાનાં ફૂલના હાર લટકતાં હશે એ કેવું અનોખું દૃશ્ય સર્જશે?!

અવકાશમાં જતા વિજ્ઞાનીઓને ખાવા માટે ખાસ પ્રકારનાં ફૂડ પૅકેજીસ આપવામાં આવે છે. રિહાઈડ્રેટેબલ ફૂડ તરીકે ઓળખાતા આ ખોરાકમાંથી પાણી શોષી લેવામાં આવે છે, કારણ કે ખોરાકમાં ભેજની હાજરી હોવાથી એ વહેલો ખરાબ થઈ શકે છે. એ ઉપરાંત, અવકાશમાં લઈ જવામાં આવતા ખોરાકમાં જો પાણી હોય તો સંભવત: વાતાવરણમાં ફેરફારને કારણે પણ એ ખોરાક ખાવાલાયક ન રહે. આ જ કારણે વિજ્ઞાનીઓએ રિહાઈડ્રેટેબલ ભોજન શોધી કાઢ્યું છે. આ પ્રકારના ભોજનમાં માત્ર થોડું પાણી ઉમેરો એટલે ખાદ્ય પદાર્થ એના અસલ રૂપમાં આવી જાય છે. જમવાનું પૅક કરવાની આ અનોખી વૈજ્ઞાનિક પદ્ધતિને કારણે જ નિષ્ણાતો અવકાશમાં દિવસો સુધી ટકી શકે છે. મંગળ પર જ્યારે આપણે અડિંગો જમાવીશું ત્યારે ત્યાં પણ ખોરાકનો પ્રાથમિક સ્રોત આવાં ફૂડ પૅકેટ જ હશે. આ સિવાય ઈનડોર ફાર્મિંગની અમુક પદ્ધતિ પણ છે, જે અવકાશમાં કામ લાગે, પરંતુ આ પદ્ધતિથી અમુક શાકભાજી, લૅબોરેટરીમાં તૈયાર કરેલાં માંસ-મચ્છી તેમ જ અમુક પ્રજાતિની શેવાળ જ તૈયાર કરી શકાય છે.

દિવાળીના દિવસોમાં ખોરાકમાં આટલા મામૂલી વિકલ્પથી ન ચલાવી લેવાય, કારણ કે આપણે ત્યાં દિવાળીમાં ઘૂઘરા, મેવાવટી, મઠિયાં, ચોળાફળી, ચકરી, ફરસી પૂરી, બરફી, મગસના લાડવા, વગેરેની મિજબાની માણવાનો આનંદ કંઈ ઔર હોય છે. આ બધું મંગળ પર ગયા બાદ પડતું મૂકી દેવું શક્ય નથી.મંગળના અતિ દબાણ ધરાવતા વાતાવરણમાં અગ્નિ પેટાવવો અઘરો છે એટલે સૌપ્રથમ તો માણસે પોતાના સ્પેસક્રાફ્ટની અંદર પૃથ્વી જેવું વાતાવરણ રચીને કિચન તૈયાર કરવું પડશે, જેમાં પૃથ્વી પરના રસોડાની જેમ જ ગૃહિણી પોતાની મરજીનાં વ્યંજન તૈયાર કરી શકશે. બાકી, રિહાઈડ્રેટેબલ ફૂડનો વિકલ્પ તો છે જ. હાલ તો આ પ્રકારનાં ફૂડ પૅકેટમાં ભારતીય વ્યંજનને સ્થાન મળ્યું નથી, પણ ભવિષ્યમાં કદાચ રિહાઈડ્રેટેબલ કાજુકતરી, લાડવા, ઘૂઘરા, સમોસાં, કચોરી, વગેરે આવે!દિવાળીના વળતા દિવસે નવું વર્ષ બેસે છે. પૃથ્વી પર આપણે આ દિવસે સ્નેહીજનોને મળવા, એમના આશીર્વાદ લેવા જઈએ છીએ, પણ મંગળ પરથી પૃથ્વી પર સાલ મુબારક  કહેવા, વડીલોને પગે લાગવા આવવાનું પોસાય નહીં. આ માટે વિડિયો કૉલથી જ એકમેકને મળવું રહ્યું. જો કે મંગળ અને પૃથ્વીના સમય વચ્ચે ૨૪ મિનિટનો ફરક છે, જેને કારણે તમે લાઈવ વિડિયો કૉલ થકી એકબીજા સાથે કનેક્ટ થઈ શકો એવી સંભાવના ઓછી છે. આ દિશામાં હાલ સંશોધન ચાલુ છે. ત્યાં સુધી સ્નેહીજનો સાથે દિવાળી મનાવવાનો પણ રસ્તો વિજ્ઞાન પાસે છે. એ માટેનો એક વિકલ્પ હોલોગ્રાફિક મેસેજની આપ-લે કરવાનો છે: તમે તમારા સ્નેહીજન માટે મનપસંદ મેસેજ રેકૉર્ડ કરી પૃથ્વી પર મોકલી શકો, પરિવારજનો હોલોગ્રાફની મદદથી તમે એમની સાથે જ છો એવો અનુભવ મેળવી શકે. મંગળ પર આપણા સ્નેહીજનોને દિવાળીની ઉજવણીમાં સામેલ કરવા માટે પણ આવા હોલોગ્રાફિક મેસેજ કામ લાગશે.પૂજાપાઠ વગર તો ભારતમાં કોઈ પણ તહેવારની ઉજવણી શક્ય બને નહીં. તો મંગળ પર પણ આપણે ચોપડાપૂજન, લક્ષ્મીપૂજન, કાળી ચૌદશ, વગેરે રીતિરિવાજો નિભાવવા પડશે. હા, મંગળ પર મૂર્તિ સ્થાપિત કરવી શક્ય નહીં બને માટે વર્ચ્યુઅલ રિયાલિટીની મદદથી આપણે ભગવાનની પૂજા-અર્ચના કરવી પડશે.

ભવિષ્યમાં શું થશે એનો અંદાજ કોઈ લગાડી શકે નહીં, પણ એનો અર્થ એ નથી કે આપણે ભવિષ્ય વિશે વિચારવાનું પણ છોડી દઈએ. કુદરતે આ પૃથ્વી રૂપે આપેલી અમૂલ્ય ભેટનું નિકંદન કાઢતાં રહીશું તો આપણે પૃથ્વી છોડવાનો વારો આવશે એ ચોક્કસ. જો પૃથ્વી છોડવી ન હોય તો આપણા ગ્રહનું ધ્યાન રાખવાની ફરજ પણ આપણી જ બને છે.

(નિતુલ ગજ્જર- વડોદરા)