દરેક સ્ટેજ શો પછી પુનિતનો આત્મવિશ્વાસ વધારે નબળો પડી રહ્યો હતો

તે કેવું કામ પસંદ કર્યું છે? આજના જમાનામાં તે વળી કોણ ચમત્કાર બમત્કારમાં માનતું હશે?’ વિદુષીએ તેના પતિ પુનિત સાથે લગભગ લડાઈ કરતા કહ્યું.

‘મને ખબર છે કે હવે મોટાભાગના લોકો ચમત્કારમાં કે જાદુમાં નથી માનતા પરંતુ આ જે કલા હું શીખવા જઈ રહ્યો છું તે સંપૂર્ણ વૈજ્ઞાનિક છે અને લોકોને જરૂર તેમાં રસ પડશે.’ પુનિતનો નિર્ણય પણ અડગ હતો અને ઘણા દિવસો સુધી મનમાંને મનમાં મથામણ કરીને તેણે યુરોપના કોઈ દેશમાં આ સ્કિલ શીખવા જવાનું નક્કી કરેલું.

‘અને તેને તું કારકિર્દી તરીકે અપનાવવા માંગે છે? આટલી સારી કોર્પોરેટ જોબ છોડીને હવે તું એક જાદુગર થઈશ?’ વિદુષીએ મોં મચકોડ્યું.

‘હા, એ જ તો કહી રહ્યો છું તને. હવે હું કોર્પોરેટ જોબ છોડીને મિરેકલ કરીશ. તે જાદુગરથી થોડું અલગ છે.’ પુનિતે વિદુષીની વાતને મન પર ન લીધી.

‘તારી મરજી. તને ઠીક લાગે તેમ કર. જરૂર પડે તો પૈસા માંગી લેજે મારી પાસેથી. કેમ કે તારા આ નવા ફેનફતુરમાંથી તો આપણું ઘર ચાલે તેમ લાગતું નથી. સારું છે મારી જોબ સુરક્ષિત છે.’

‘ડોન્ટ વોરી. બધું સારું થઇ જશે.’

પુનિતે નક્કી કરી લીધું હતું કે યુરોપમાં જઈને એક સ્કિલ શીખશે જેના વિશે તે ઘણા સમયથી રિસર્ચ કરી રહ્યો હતો. લગભગ છ મહિના ત્યાં રહેવું પડશે અને વૈજ્ઞાનિક ધોરણે કેટલીક ટેક્નિકનો ઉપયોગ એવી રીતે કરતા શીખવવામાં આવશે કે તે જાદુ લાગે તેવા ચમત્કાર કરી શકે. તેને જાદુગર ન કહી શકાય કેમ કે આ પદ્ધતિમાં એક જ ટ્રીક રિપીટ કરવાની હોતી નથી. આ ટેકનિકથી વધારે પ્રકારના ચમત્કાર કરી શકાય છે. જાદુગરની જેમ હાથમાં છડી અને ટોપી રાખવાની જરૂર હોતી નથી અને તે આંખનો છલાવો હોતો નથી. જેમ જેમ પુનિત તેના વિશે વધારે સમજતો ગયો તેમ તેમ તેનો ઇન્ટરેસ્ટ વધતો ગયો અને હવે તેણે નક્કી કરી લીધું હતું કે તે ૯ થી ૫ ની તેની બેન્કની જોબ છોડીને પોતાની હોબી અને પેશન ફોલો કરશે.

તેની આ વાતથી પત્ની વિદુષી જરાય ખુશ નહોતી. વાસ્તવમાં તો તેને પુનિતની વાતમાં હજુ વિશ્વાસ જ બેઠો નહોતો અને પરિણામે તે પુનિતને સમજાવવાની કોશિશ કરી રહી હતી કે તે પોતાની નોકરી છોડીને આવા ધતિંગમાં ન પડે. પરંતુ પુનિત માને તેમ નહોતો.

પુનિત આખરે પોતાના નિર્ણય પર મક્કમ રહ્યો. નોકરીમાં રાજીનામું મૂક્યું અને યુરોપ જઈને છ મહિના રહ્યો. ત્યાં પૂરી મહેનત કરી અને આ સ્ક્રીન શીખી લઈને એ કલા હસ્તગત કરી. આ છએક મહિનાની તાલીમ દરમ્યાન પુનિતનાં મનમાં અનેક પ્લાન બની ગયા. તેણે નક્કી કરી લીધું કે પોતે ભારતમાં જઇને કેવી રીતે પોતાની એક બ્રાન્ડ ઊભી કરશે. હજુ સુધી તો આખા દેશમાં એવો કોઈ મિરેકલ આર્ટિસ્ટ નહોતો એટલે તે એકમાત્ર અનોખો વ્યક્તિ હશે અને તેનું નામ ઝડપથી દેશભરમાં પ્રખ્યાત થઈ જશે તેવો ખ્યાલ અને ઈચ્છા તેના મનમાં રમી રહ્યા હતા.

ટ્રેનિંગ પછી થોડા દિવસ યુરોપમાં ભ્રમણ કર્યું અને રજાઓ માણીને ભારત પાછો આવ્યો. વિદુષીએ એને પ્રેમથી આવકાર્યો અને બંને સાંજે ડિનર કરવા ગયા. ડિનર કરતા કરતા પુનિતે વિદુષીને પોતાનો પ્લાન સમજાવ્યો અને હવે કોઈ ચોક્કસ દિવસે એક કાર્યક્રમ જાહેર કરશે અને તેના માટે માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગની યોજના પણ પુનિત મનમાં કરી ચૂક્યો હતો. ડિનર દરમિયાન વિદુષી આ બધું સાંભળી રહી હતી અને ડોકું હલાવી પુનિતને હોંકારો ભણી રહી હતી.

‘મને તારા ચહેરા પર ઉત્સાહ દેખાતો નથી.’ પુનિતે વિદુષીનાં પ્રતિભાવોની નોંધ લેતા કહ્યું.

‘એવું કંઈ નથી. હું ખરેખર તારા કરિયર માટે અને તારા ભવિષ્ય માટે ખુબ જ ઉત્સાહિત છું પરંતુ ખરું કહું તો હજુ પણ મને આ આખી યોજના મનમાં બેસતી નથી. પરંતુ કંઈ પણ કરીશ તો હું તારી સાથે છું.’ વિદુષીએ પ્રમાણિકતાથી પોતાના મનની સ્થિતિ વર્ણવી.

‘હા મને ખબર છે કે હું જે કરી રહ્યો છું તે કંઈક નવું છે. પરંતુ એટલા માટે મને ફર્સ્ટ મુવરનો એડવાન્ટેજ પર મળશે, એ તો વિચાર.’ પુનિતે વિદુષીને પ્રોત્સાહિત કરતા જુસ્સો બતાવ્યો.

વિદુષીએ મીઠા હાસ્યથી તેનો જવાબ વાળ્યો.

લગભગ એકાદ મહિના પછી પુનિતે પોતાનો પ્રથમ પ્રોગ્રામ જાહેર કરવો હતો. તેના માટે આખો માર્કેટિંગનો પ્લાન બનાવીને એક ફાઈવસ્ટાર હોટેલમાં મોટો હોલ બુક કરીને મીડિયા તથા માર્કેટિંગ વાળા લોકોને પણ બોલાવીને પોતાની જાતને લોન્ચ કરવાની તેની યોજના હતી. ટિકિટ તો ધડાધડ વેંચાઈ જશે તેવી આશા તેના મનમાં હતી.

‘પહેલા જ પ્રોગ્રામમાં આટલો મોટો ખર્ચો કરવો યોગ્ય રહેશે પુનિત?’ વિદુષીએ પૂછ્યું.

‘હા લોન્ચ તો હંમેશા મોટો જ કરવું પડે નહીતર કોઈ આપણી નોંધ ન લે.’ પુનિતે કહેલું.

આખરે પુનિતે પોતાની ઈચ્છા અને આયોજન મુજબ પહેલો કાર્યક્રમ જાહેર કર્યો. હોટેલ બુકિંગ, માર્કેટિંગ અને બીજો બધો ખર્ચો મળીને ખૂબ મોટું બજેટ બન્યું હતું. સમાચારપત્રમાં મોટી એડવર્ટાઇઝ છપાઈ. એક દિવસ પછી માર્કેટિંગ કંપનીને પૂછીને તપાસ કરી કે કેટલી ટિકિટો વેચાઈ રહી છે પરંતુ રિસ્પોન્સ બહુ સારો નહોતો.

જોતજોતામાં કાર્યક્રમનો દિવસ આવી ગયો. ચારસો લોકોની બેસવાની વ્યવસ્થા ટેબલ ખુરશી ગોઠવીને કરવામાં આવી હતી પરંતુ તેમાં મુશ્કેલીથી પચાસ લોકો દેખાયા. સ્ટેજ પર આવતા જ પુનિતનો આત્મવિશ્વાસ ડગ્યો કે આટલો મોટો પ્રયત્ન કરવા છતાં પણ આખો હોલ લગભગ ખાલી જ પડ્યો છે. એકાદ મિનિટમાં તેણે પોતાની જાતને સંભાળીને કાર્યક્રમની શરૂઆત કરી. કાર્યક્રમ આ રીતે પૂરો થઈ ગયો અને ત્યારબાદ પુનિતે એકાંતમાં બેસીને સફળતા અને ભવિષ્ય અંગે સરવૈયુ કર્યું. મહેનત અને ભોગ આપ્યા વગર સફળતા ન મળે એવું વિચારીને તેણે મન મક્કમ કર્યું અને વિદુષી સાથે બેસીને તેણે ફરીથી બીજા કાર્યક્રમની તૈયારી કરી.

બીજો કાર્યક્રમ પણ શાનદાર માર્કેટિંગ સાથે લોન્ચ કર્યો. મોટી એડવર્ટાઇઝ અને હોટેલ ફરીથી બુક કરવામાં આવ્યા. ફરીથી પચાસ જેટલા લોકો. પુનિત પોતાની જાતને સંભાળીને સ્ટેજ પરથી શો કરતો ગયો પરંતુ અંદરથી તેનો આત્મવિશ્વાસ હવે વધારે નબળો પડ્યો હતો.

તેણે youtube પર વિડિયો પણ બનાવ્યા અને અલગ-અલગ કંપનીઓને વાત કરી તેના કામદારો માટે કોર્પોરેટ કાર્યક્રમ કરવા કોશિશ કરી. સારી માર્કેટિંગ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ પણ કર્યો. પુનિત હિંમત રાખીને ખુબ જ પ્રયત્નો સાથે એક પછી એક શો કરતો ગયો. અલગ-અલગ શહેરોમાં પણ તેણે પોતાનું નસીબ અજમાવ્યું. પરંતુ લગભગ એકાદ વર્ષમાં તેની મૂડી અને આશા બન્ને ખુટવા લાગ્યા હતા.

તણાવને કારણે તેની અને વિદુષી વચ્ચે પણ અનેક વખત બોલચાલ થઈ જતી પરંતુ બંને એકબીજા પ્રત્યેના પ્રેમને કારણે વાત સંભાળી લેતા અને તેને ક્યારેય ઝઘડામાં પરિવર્તિત થવા દેતા નહીં. ઘણો સમય આમનેઆમ ચાલ્યું એટલે હવે ફરીથી એકવાર વિદુષી સાથે બેઠો અને બંનેએ ચર્ચા કરી. તે દિવસે સાંજે બંને ફરીથી ડિનર કરવા ગયા અને તેઓએ બધી જ બાબતો અંગે ખુલ્લા મને વાતચીત કરી અને આજની પરિસ્થિતિ તેમજ ભવિષ્ય અંગે પણ અલગ-અલગ શક્યતાઓને તપાસી જોઈ. બધી ચર્ચા વિચાણાનાં આધારે પુનિતે નિર્ણય કર્યો છે મિરેકલની સ્કીલ એક હોબી તરીકે અને આર્ટ તરીકે તો સારી છે પરંતુ તેને પોતાનું કરિયર બનાવી શકશે નહીં. પોતાનો નોકરી છોડવાનાં અને કરિયર બદલવાનાં નિર્ણય અંગે અફસોસ કર્યા વિનાનું એવું નક્કી કર્યું છે હવે ફરીથી એક સારી નોકરીમાં જોડાઈ જશે અને સાથે સાથે તેની હોબી પણ જાળવી રાખશે. બીજા દિવસે સવારે તેણે પોતાનો બાયોડેટા કેટલીક એજન્સીઓને મોકલી આપ્યા.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]