સિંગલ-વપરાશના પ્લાસ્ટિકની પ્રતિબંધિત ચીજો, વૈકલ્પિક ચીજો

મુંબઈઃ ભારત સરકારે ગઈ 1 જુલાઈથી દેશભરમાં સિંગલ-યૂઝવાળી પ્લાસ્ટિકની અનેક ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ, વપરાશ, આયાત, સંગ્રહ, વિતરણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ચીજવસ્તુઓ પર્યાવરણને ખૂબ માઠી અસર પહોંચાડતી હોવાને કારણે તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવી પ્રતિબંધિત સિંગલ-યૂઝ પ્લાસ્ટિક ચીજોની યાદી નીચે મુજબ છેઃ

  • પ્લાસ્ટિકની દાંડીઓ (સ્ટિક્સ)વાળા ઈયર બડ્સ
  • ફૂગ્ગાઓ માટે વપરાતી પ્લાસ્ટિકની દાંડીઓ
  • પ્લાસ્ટિકની થેલીઓ
  • કેન્ડી સ્ટિક્સ (કેન્ડીમાં વપરાતી પ્લાસ્ટિકની દાંડીઓ)
  • આઈસક્રીમમાં વપરાતી પ્લાસ્ટિકની દાંડીઓ
  • ડેકોરેશન માટે વપરાતું પોલીસ્ટિરીન (થર્મોકોલ)
  • પ્લાસ્ટિકની પ્લેટ્સ, કપ, ગ્લાસ, ચમચી-ચમચાં અને ફોર્ક્સ (કાંટા), છરી, સ્ટ્રો, સ્ટ્રે જેવી કટલરી ચીજો
  • મીઠાઈના બોક્સની ફરતે વીંટવામાં આવતા પ્લાસ્ટિકના રેપર અને પેકિંગ ફિલ્મ્સ (ચીજો)
  • આમંત્રણ પત્રિકાઓ (પ્લાસ્ટિકના ઈન્વિટેશન કાર્ડ્સ)
  • 100 માઈક્રોનથી ઓછી માત્રાવાળું પ્લાસ્ટિક કે એમાંથી બનાવેલી ચીજ કે પીવીસી બેનર્સ

વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર સંસ્થાએ પ્રતિબંધિત સિંગલ-યૂઝ પ્લાસ્ટિકને બદલે રોજિંદા વપરાશ માટે કેટલીક વૈકલ્પિક ચીજવસ્તુઓનું સૂચન કર્યું છે જે નીચે મુજબ છેઃ

  • સ્ટેનલેસ સ્ટીલની સ્ટ્રો, લાકડામાંથી બનાવેલી સ્ટ્રો
  • ડેકોરેશનમાં ફૂગ્ગાઓનો ઉપયોગ કરવાને બદલે કુદરતી ફૂલ, કાગળના ફૂલ, કાગળના કંડિલ, રીસાઈકલ્ડ કરેલી ચીજો
  • લાકડાની દાંડીઓવાળા કોટનના ઈયર બડ્સ અથવા પ્રવાહી ઈયર વોશ.
  • શાળા કે ઓફિસોમાં રીયૂઝેબલ ગ્લાસ, મગ, ડિશ વાપરી શકાય.
  • એવી જ રીતે, પ્લાસ્ટિકની કટલરીને બદલે લાકડામાંથી બનાવેલા વાસણો વાપરી શકાય. પ્રવાસમાં પણ એ જ લઈ જવા.
  • ખરીદી વખતે પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડ કે શણની બનાવેલી થેલીઓ વાપરવી.
  • પાણી પીવા માટે પ્લાસ્ટિકને બદલે સ્ટીલની બોટલ વાપરવી.