પ્રોફેસર મહેતા વિચાર કરતા કરતા ભૂતકાળની યાદોમાં સારી ગયા

‘આપણા નસીબ અને આપણી મહેનત બંનેનો સરવાળો જ આપણી સફળતા નક્કી કરે છે.’ પ્રોફેસર મહેતાએ ક્લાસ પૂરો કરતા કહ્યું અને પોતાનો બગલથેલો લઈને ધીમે પગલે બહાર નીકળી ગયા.

તેમના લેક્ચરથી મંત્રમુગ્ધ થઇ ગયેલા લગભગ સિત્તેર વિદ્યાર્થીઓના ક્લાસમાં પીનડ્રોપ સાઇલન્સ હતું. એકબીજાનો શ્વાસ લેવાનો અવાજ પણ સાંભળી શકાય તેટલી શાંતિથી વિદ્યાર્થીઓ પ્રોફેસર મહેતાને સાંભળી રહ્યા હતા. તેમની ભણાવવાની રીત અને વિષય પરનું પ્રભુત્વ બધા વિદ્યાર્થીઓને આકર્ષિત કરતુ. તેમના વ્યાખ્યાન દરમિયાન જીવન અંગેની શિખામણ પણ ખુબ રહેતી જે વિદ્યાર્થીઓને વિચારતા કરી દેતી. આજે પણ એવું જ થયેલું. લેક્ચર પત્યું પણ વર્ગમાં બધા જ વિધાર્થીઓ હજુ પણ વિચારમગ્ન હતા.

રવિવારે સવારે પ્રોફેસર મહેતા પોતાના ઘરની પાછળ આવેલા બગીચામાં ચાલવા જતા. ત્યાં તેમને પોતાના વર્ગનો એક વિદ્યાર્થી મળ્યો. પ્રોફેસરને જોઈને તેને વિનમ્રતાથી નમસ્તે કર્યા જેના જવાબમાં પ્રોફેસરે સ્મિત આપ્યું અને પોતાની ગતિએ ચાલતા રહ્યા. વિદ્યાર્થી તેની સાથે સાથે ચાલવા લાગ્યો. અડધી કલાક બંને સાથે સાથે ચાલ્યા અને બાગના ત્રણ ચક્કર લગાવ્યા તે દરમિયાન તેઓએ રાજકારણ, અર્થતંત્ર, સમાજ અને બીજી કેટલીય વાતો કરી. પ્રોફેસર મહેતા લગભગ સાઈઠ વર્ષે પહોંચેલા પણ તેમની સ્ફૂર્તિ સારી હતી. વિદ્યાર્થી તો હજુ બાવીસનો જ હતો એટલે તેનું તો પૂછવું જ શું. ચાલવાનું પૂરું થયું એટલે પ્રોફેસર મહેતાએ બગીચાની બહાર નીકળ્યા અને વિદ્યાર્થી પણ તેમની પાછળ પાછળ ચાલ્યો.

દશ મિનિટ પછી તેઓ બંને પ્રોફેસર મહેતાના ઘરે ઓસરીમાં બેઠા હતા. પ્રોફેસર હિંડોળા પર અને વિદ્યાર્થી ખુરશી પર. થોડીવારમાં પ્રોફેસરની પુત્રી ચા લઈને તેમને બંનેને આપી ગઈ. ચા પી લીધી ત્યાં સુધીમાં બટાટા-પૌવાની બે પ્લેટ તેમના માટે આવી. થોડીવારમાં એ પણ પુરી થઇ ગઈ. પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચે વાતચીત ચાલી રહી હતી. વિદ્યાર્થી વિનમ્ર હતો અને પ્રોફેસર પણ તેની સાથે વ્હાલથી વાત કરી રહ્યા હતા.

થોડીવાર પછી વિદ્યાર્થીએ હાથ જોડી નમસ્તે કર્યા અને કહ્યું, ‘સાહેબ, હું જાઉં? મારે ટ્યુશન છે બપોર પછી.’

‘હા, પંકજ. એક મિનિટ થોભ.’ પ્રોફેસરે કહ્યું અને થોડા મોટા અવાજે બૂમ મારી, ‘પ્રિયા, દીકરી, જરા મારુ પર્સ લાવ તો.’

પંકજ રાહ જોઈને ઉભો હતો અને પ્રોફેસર તેની સામે મંદ મંદ હસી રહ્યા હતા ત્યાં પ્રિયા પ્રોફેસર મહેતાનું પર્સ લઈને આવી અને આપ્યું. પ્રોફેસર સ્મિત કરીને પ્રિયાને જવાનો સંકેત કર્યો. તે જતી રહી એટલે પ્રોફેસરે પર્સમાંથી ચાર હજાર રૂપિયા કાઢીને પંકજ સામે હાથ લંબાવ્યો.

પંકજે વિનમ્રતાથી માથું ઝુકાવી બંને હાથે પૈસા સ્વીકાર્યા અને ખિસ્સામાં મુક્યા. ‘સાહેબ, હું આપનો આ ઉપકાર કેમેય કરીને નહિ ઉતારી શકું.’

‘ગાંડો ન થા. હું તો માત્ર નિમિત્ત છું. આ પૈસા પર તારું જ નામ લખ્યું છે.’ પ્રોફેસર હળવા સ્મિત સાથે કહ્યું.

‘હાઇસ્કૂલથી તમે જ મારા શિક્ષણનો ખર્ચ ઉઠાવ્યો છે સાહેબ. નહીંતર હું તો મારા પિતાના મૃત્યુ બાદ ઘરનું ગુજરાન ચલાવવા કોઈ કામ ધંધે લાગી ગયો હોત અને મારુ ભણતર છૂટી ગયું હોત.’ પંકજના અવાજમાં આભારની લાગણી ભારોભાર છલકાતી હતી.

‘અને હા, તારા ટ્યુશનના અને કોલેજના ફીના પૈસા ભરી દીધા છે માટે તેની ચિંતા ન કરતો. આ પૈસા તારા ઘર ખર્ચમાં વાપરવા માટે છે. તારી મમ્મીની તબિયત હવે કેમ છે?’ પ્રોફેસરે ઉમેર્યું.

‘હા, સાહેબ. મારી મમ્મીની તબિયત પહેલા કરતા સારી છે. તમે મેડિકલ સ્ટોરવાળાને કહીને તેના માટે દવા મોકલાવેલી તે પણ હજી ચાલે છે.’ પંકજ કોઈ જ બોજ વિના જણાવી રહ્યો હતો.

 

‘હા, આશા રાખીએ તે જલ્દી સારી થઇ જાય.’ પ્રોફેસરે હાથ આકાશ તરફ ઉઠાવતા કહ્યું.

‘જી સાહેબ. પરંતુ હું વિચારતો હતો કે પાર્ટ ટાઈમ જોબ કરી લઉં. થોડી આવક પણ થશે અને શીખવા પણ મળશે.’ પંકજે સલાહ માંગી.

‘મારી સલાહ છે કે આ વર્ષની પરીક્ષા આપી દે. માસ્ટર્સ પૂરું થઇ જાય પછી જ કઇંક વિચાર. શક્ય હોય તો ટ્યુશન ક્લાસમાં કે કોઈ જગ્યાએ ભણાવજે જેથી કરીને લેક્ચરર માટેની પરીક્ષાની તૈયારી પણ સારી રીતે થાય. આ વર્ષે સારા ટકા લાવીશ તો ભવિષ્યમાં કામ લાગશે.’ પ્રોફેસરે વિચારપૂર્ણ મુદ્રામાં વાત કરી.

‘ડિસ્ટિંક્શન તો ચોક્કસ આવશે સાહેબ. તૈયારી સારી છે.’ પંકજ બોલ્યો અને પછી ‘આવજો’ કહીને બહાર નીકળી ગયો.

પંકજના ગયા પછી પ્રિયા બહાર આવી અને ખુરસી પર પોતાના પિતા સામે બેસી વાત કરવા લાગી. ‘પપ્પા, તમે આવા ચાર-પાંચ વિદ્યાર્થીઓને મદદ કરો છો. તે સારી વાત છે પણ તમને ક્યારેય એવું નથી લાગતું કે કોઈ તમારા ભલા સ્વભાવનો ફાયદો પણ ઉઠાવતું હોય?’

‘બેટા, તેમના નસીબનું હશે તે જ તેઓને મળશે. તને તો મેં કેટલીયવાર કહ્યું જ છે ને કે હું તો અનાથ હતો. એક ભલા વેપારી માણસે મને પોતાની દુકાનમાં નોકરીએ રાખ્યો અને મારી ભણવાની ઈચ્છા જોઈને શાળાએ મોકલ્યો. તેની મદદથી જ હું આજે કોલેજમાં પ્રોફેસર છું. હું તો માનું છું કે હું જે કઈ પણ છું તે તેમની મદદને આભારી છે. તેની સરખામણીમાં હું મારી આવકનો ચોથોભાગ પણ આ રીતે જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવામાં વાપરું તો તેમાં શું ખોટું છે?’ પ્રોફેસર મહેતા વિચાર કરતા કરતા ભૂતકાળની યાદોમાં સારી ગયા અને પ્રિયા તેમનો ગંભીર પરંતુ સંતુષ્ટ ચેહરો જોઈ રહી.

(રોહિત વઢવાણા) 

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]