કોરોના બેકાબૂ, હવે લાગશે લોકડાઉનઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ફરી એક વાર કોરોના બેકાબૂ બન્યો છે. પ્રત્યેક દિવસે 25,000થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આવામાં રાજ્ય લોકડાઉનની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોનાના વધતા કેસો મામલે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. આપણી પાસે એકમાત્ર વિકલ્પ લોકડાઉન છે. લોકોએ આમા સહકાર આપવો પડશે, નહીં તો આકરાં પગલાં લેવાં પડશે, એમ તેમણે કહ્યું હતું. ઉદ્ધવ સરકારે ગઈ કાલે નવી ગાઇડલાઇન જારી કરી છે. જેને 31 માર્ચ, 2021 સુધી રાજ્યની બધી ખાનગી ઓફિસ, થિએટર્સ અને ઓડિટોરિયમમાં માત્ર 50 ટકા ક્ષમતાથી કામગીરી કરાશે. જોકે ઉત્પાદન એકમોએ સામાજિક અંતર સાથે કર્મચારીઓ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી શકશે. મોલ્સમાં નેગેટિવ રિપોર્ટ પછી પ્રવેશ મળી શકશે.

રાજ્યમાં સૌથી વધુ કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25,681 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 70 લોકોએ જીવ ગુમાવ્યા હતા. નવા કેસ નોંધાયા પછી સક્રિય કેસોની સંખ્યા વધીને 1,77,560 થઈ ગઈ છે. રાજ્યમાં કેટલીય ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઓફિસને 50 ટકા ક્ષમતાની સાથે ખોલવાની ચેતવણી આપવામાં આવી છે.

દિલ્હીમાં પણ કોરોનાના કેસો સતત વધારો થઈ રહ્યો છે. અહીં સક્રિય કેસો પણ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 716 નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં સક્રિય કેસો વધીને 3165 થયા છે.

બીજી બાજુ મધ્ય પ્રદેશના ત્રણ જિલ્લાના શહેરોમાં લોકડાઉન  લગાવવાની જાહેરાત કરી છે. ઇન્દોર, ભોપાલ અને જબલપુરમાં શનિવારે રાત્રે 10 કલાકથી સોમવાર સવારે છ કલાક લુધી લોકડાઉન લગાડવામાં આવ્યું છે.