કોણ નક્કી કરે છે કે ઈશ્વર પુરુષ છે કે સ્ત્રી?

કેટલાક સમય પહેલાં, યુએસમાં નેશવીલે ખાતે જ્યારે હું લોકોના એક સમુદાયને વક્તવ્ય આપી રહ્યો હતો, મેં તેઓને એક રમૂજી વાત સંભળાવી, જેમાં મેં ઈશ્વરનો ઉલ્લેખ પુરુષ તરીકે કર્યો. તરત જ કેટલીક મહિલાઓ ઉભી થઇ ગઇ અને પૂછ્યું, “તમે માનો છો કે ઈશ્વર પુરુષ છે?” મેં કહ્યું, “હું તો માત્ર તમને રમુજી વાત સંભળાવી રહ્યો છું.” તેઓ બોલી, “એનો વાંધો નથી, તમે માનો છો કે ઈશ્વર એક પુરુષ છે કારણ કે તમે ઈશ્વરનો ઉલ્લેખ પુરુષ તરીકે કરો છો?” તે જ પ્રકારે, થોડા વર્ષો પહેલાં, ઇદી અમીને જાહેર કર્યું હતું કે, “ ઈશ્વર કાળા છે.”

હું બન્ને સાથે સંમંત થાઉં છું. જો એક ધોળા માણસના ધોળા ઈશ્વર હોય તો એક કાળા માણસના કાળા ઈશ્વર કેમ ન હોય? અને ઈશ્વર સ્ત્રી કેમ ન હોય? રસ્તે જતી ભેંસને રોકીને તમે તેને તેના ઈશ્વર અંગે પૂછો. તે કહેશે, “ઈશ્વર એક વિશાળ ભેંસ છે.” આવું એટલા માટે છે કેમકે લોકો એવી વસ્તુઓમાં માને છે કે જે તેમના માટે જીવંત હકીકત નથી. તમે જોશો કે, મોટા ભાગના ધર્મો માન્યતાઓની વ્યવસ્થા બનીને રહી ગયા છે.

જો આપણે આપણી સગવડ અનુસાર કે આપણા સંસ્કારના પ્રભાવના આધારે શેમાંક વિશ્વાસ કરીશું તો, બીજા કશાકમાં માનતી વ્યક્તિના સંપર્કમાં આવવાની સાથે, સ્વાભાવિક જ ઘર્ષણ ઉભું થશે. આથી જ ઈતિહાસમાં અધમ ગુનાઓ પૈકીના કેટલાંક ઈશ્વરના નામે કરવામાં આવ્યા છે.

ખરી રીતે તો, માન્યતાની વ્યવસ્થા, એ પાયાના પ્રશ્નમાંથી પાંગરી છે કે, લોકો, પોતે જાણતા નથી, એ

સ્વીકારવા જેટલાં નિખાલસ નથી. જો આપણામાં એટલું સાદાઇથી  સ્વીકારવાની નિખાલસતા આવે કે “જે હું જાણું છું, હું જાણું છું. જે હું જાણતો નથી, તે નથી જાણતો”, તો ઘર્ષણની ખરેખર કોઇ ગુંજાઇશ નથી.

દુનિયામાં બે પ્રકારના ધર્મો છે. એક ઈશ્વરની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે, જ્યારે બીજો, પોતાની અંદર રહેલ ઈશ્વરી શક્તિના પ્રાગટ્ય માટે પ્રોત્સાહિત કરે છે. એક પ્રાર્થના  શિખવાડે છે, બીજો પ્રાર્થનામય થવાને પ્રયાસ કરે છે. યોગ પતંજલિ સુંદર રીતે કહે છે, જ્યારે કોઇને ખરેખર કઇ રીતે પ્રાર્થનામય રહેવું તેની જાણ થાય, ત્યારે પ્રાર્થના ઈશ્વરને પામવાની નિમિત નથી રહેતી, પરંતુ ઈશ્વર જ માત્ર નિમિત્ત છે જેથી આપણે પ્રાર્થના કરી શકીએ.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્કટાઇમ્સના બેસ્ટસેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.