સદ્ગુરુ: “મેડિટેશન” અથવા “ધ્યાન” એટલે ભૌતિક શરીર અને મનની સીમાઓથી પરે જવું. જ્યારે તમે શરીર અને મનના સીમિત દૃષ્ટિકોણને પાર કરો, માત્ર ત્યારે જ તમારી અંદર જીવનનું એક સંપૂર્ણ પરિમાણ હોય છે.

જ્યારે તમે શરીર તરીકે ઓળખાવ છો, ત્યારે તમારું આખું જીવન ફક્ત અસ્તિત્વ ટકાવી રાખવા વિશે હોય છે. જીવન પ્રત્યેનો તમારો આખો દૃષ્ટિકોણ ફક્ત અસ્તિત્વ ટકાવવાનો હશે. જ્યારે તમે મન તરીકે ઓળખાવ છો, ત્યારે તમારો આખો દૃષ્ટિકોણ સામાજિક દૃષ્ટિકોણ, ધાર્મિક દૃષ્ટિકોણ અને પારિવારિક દૃષ્ટિકોણનો ગુલામ બની જાય છે. તમે તેનાથી આગળ જોઈ શકતા નથી. જ્યારે તમે તમારા પોતાના મનની વૃત્તિઓથી મુક્ત થશો ત્યારે જ તમે પરેના પરિમાણને જાણશો.
શું તમે જોઈ શકો છો કે આ શરીર અને આ મન તમારાં નથી? તે એવી વસ્તુ છે, જે તમે સમયાંતરે એકઠી કરી છે. તમારું શરીર માત્ર તમે ખાધેલા ખોરાકનો એક ઢગલો છે; તમારું મન માત્ર તમે બહારથી ભેગી કરેલી છાપોનો એક ઢગલો છે.

તમે જે કંઈ ભેગું કર્યું છે, જેને સારી રીતે સંભાળ્યું છે, તે તમારી મિલકત છે. તમારા ઘર અને તમારા બેંક બેલેન્સની જેમ તમારી પાસે એક શરીર અને એક મન છે. તમારી પાસે સારું બેંક બેલેન્સ, સારું શરીર અને સારું મન છે. સરસ! સારું જીવન જીવવા માટે આ જરૂરી છે. પરંતુ તે પૂરતું નથી. તેનાથી હજુ સંતોષ નહીં થાય.
આ વસ્તુઓ દ્વારા કોઈ પણ માણસને ક્યારેય સંતોષ થશે નહીં. તે વસ્તુઓ તેના જીવનને ફક્ત આરામદાયક અને સાનુકૂળ બનાવશે. ખાસ કરીને જો તમે પશ્ચિમી સમાજને જોશો તો તમે જેનાં સપનાં જોતા હોવ તે બધું ત્યાંના દરેક સામાન્ય નાગરિક પાસે છે. પરંતુ શું તમને લાગે છે કે તેઓ સંતુષ્ટ છે કે તેઓ આનંદિત છે? ચોક્કસપણે નહીં! આનંદની નજીકમાં પણ ક્યાંય નથી.
તો ધ્યાન શરીર અને મનની સીમાઓથી પરે જવું છે અને તમે તમારી જાતને એક ઘણા વધુ ઊંડા પરિમાણમાં અનુભવવાનું શરૂ કરો છો.
તમારા સાધનો—શરીર અને મન—આ દુનિયામાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઠીક છે. પરંતુ તેમનાથી જીવન સંતોષપૂર્ણ થશે નહીં. અને જો તમે એ નથી જાણતા કે તમે કોણ છો તો શું તમે દુનિયા શું છે તે જાણવા માટે સક્ષમ છો?
જો તમે પોતે જે છો તેના ગુણને જાણવા માંગતા હોવ તો તમે તમારા શરીર અને મનની સીમાઓથી પરે જશો ત્યારે જ તમારા માટે તેને અનુભવવાની સંભાવના જન્મે છે. યોગ અને ધ્યાન વૈજ્ઞાનિક સાધનો છે, જે તમને તમારા શરીર અને મનની સીમાઓથી પરે જવામાં અને તમે જે છો તેના સાચા ગુણનો અનુભવ કરવામાં મદદ કરે છે.

આનો અનુભવ કર્યા વિના ફક્ત ખાવું, સૂવું, સંતાન પેદા કરવું અને મૃત્યુ પામવું—આનાથી તમારું જીવન સંતોષપૂર્ણ થશે નહીં. આ બધી વસ્તુઓ તમારા જીવનમાં જરૂરી છે. પરંતુ આ બધાને લીધે આપણું જીવન પૂર્ણ થતું નથી, પછી ભલે ને તમે આ બધું એકદમ સારી રીતે પૂરું કર્યું હોય.
આનું કારણ એ છે કે મનુષ્યની ક્ષમતા જાગરૂકતાની ચોક્કસ સીમાને વટાવી ગઈ છે. તેને કંઈક વધુની ખોજ કરવાની જરૂર છે, નહીં તો તે ક્યારેય સંતુષ્ટ થશે નહીં. તે અસીમ બનવું જ જોઈએ. તેથી ધ્યાન અથવા મેડિટેશન એ તમે જે છો તેના અસીમ પરિમાણમાં જવાનો એક માર્ગ છે.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.






