ભારત–એક સંસ્કૃતિ જે સૌંદર્યમાં તરબોળ છે

આજે, ભારતમાં, આપણું સૌંદર્યશાસ્ત્ર ક્યાંક ખોવાઈ ગયું છે. જો તમે ભારતના ઘણા બધા ભાગમાંથી પસાર થશો, તો તમે જોશો કે મોટા ભાગના ઘરો એક્રેલિક પેઈન્ટથી રંગાયેલા હશે. આ સો-સો વર્ષોની ગરીબીનું પરિણામ છે. આપણો દેશ લાંબા સમયથી અધિકૃત રહ્યો છે, અને છેલ્લા 250 વર્ષથી પધ્ધતિસર વિનાશ થયો છે, ખાસ કરીને કાપડ ઉદ્યોગનું, જે અહીંનો ખેતી પછીનો મુખ્ય ઉદ્યોગ છે. એ આખો વ્યૂહ અહીંના ઉદ્યોગોનો નાશ કરવાનો હતો, અહીંથી કાચો માલ લઈ અને તેમની ચીજ-વસ્તુઓ ભારતમાં પાછું મોકવાનો હતો, કેમ કે તે હંમેશા તેમના અર્થતંત્ર વિશે હતું.

એક સમયે એમ કહેવાતું કે, આ ઉપખંડના બાંધકામની શૈલીના સૌંદર્યની સરળતા એવી હતી કે અહી ઉપલબ્ધ સામગ્રીઓ – પથ્થર, કાદવ અને ઈંટ, વડે આપણે જે બનાવતા તે અસાધારણ હતું. આનું એક અતુલ્ય ઉદાહરણ નેપાળમાં આવેલ ભક્તાપુરનું છે. દુર્ભાગ્યે ભૂકંપે ઘણું નુકસાન કર્યું છે, પણ હું માનું છું કે તેઓ તેને અમુક અંશે પુન:સ્થાપિત કરી નાખશે. તે એક હજાર વર્ષ જૂનું જીવંત શહેર છે. આખા પ્રાચીન ભારતનો મોટો ભાગ તે રીતે હતો. ડગલેને પગલે આ ઉપખંડની સૌંદર્ય શૈલી ઝળકતી. માત્ર એક પાણીની પરબડી મંદિરની જેમ રચવામાં આવતી હતી. ભોંય અને દીવાલ પર દરેક જગાએ એક નાના રૂપાંકન હોય. અને દરેક વસ્તુ હાથથી બનાવવામાં આવતી. તમે કલ્પના કરી શકો છો કે આ સૌંદર્યબોધે કઈ રીતે તેમનું સશક્તિકરણ કર્યું હશે અને કેટલાય પૈસા,મહેનત અને સમય આ બધુ બનાવવામાં લાગ્યો હશે.

જો તમે ઇલોરાનું કૈલાશ મંદિર અને તામિલનાડુના મંદિરો જોશો તો તેઓ તમને માનવી હોવાનું ગૌરવ અનુભવ કરાવશે. તેમની ઝીણવટ ભરી રૂપરેખા અને ભૂમિતિની પૂર્ણતા, સૌંદર્ય અને ઈજનેરી અસાધારણ છે. આ બધું જ માનવીય હાથ વડે રચાયેલી અતુલ્ય  બાબત હતી. આ બધુ જોવું આપણા માટે મહત્વની વાત છે કે સો-સો વર્ષો પહેલા લોકો આવી બધુ વસ્તુઓ બનાવવા માટે સક્ષમ હતા. આજે, ભારતમાં બધું જ ઉપયોગિતા વિષે છે. કંઈક સુંદર બનાવવું સાર્થક ગણાતું નથી. જો તે બધું જ ઉપયોગિતા માટે હોય, તો મારે તમને પૂછવું છે કે તમારા જીવનની ઉપયોગિતા શું છે? જો તમે માનો છો કે તમારું જીવન ઉપયોગી છે, તો તમે એક મૂર્ખ છો. જો તમે અહીં ના પણ હોવ, તો પણ પૃથ્વી પ્રદક્ષિણા કરશે, બધું જ બરોબર ચાલશે. તમને આ વાતનું ભાન ત્યારે થશે જ્યારે તમે મૃત્યુ પામશો.

તમારા વિના પણ બધું પૂર્ણતાથી ચાલશે. એવું નથી કે આપણે કોઈક રીતે ઉપયોગી છીએ. જો મનુષ્યનું અસ્તિત્વ ન હોત તો ગ્રહ ખીલી ઉઠ્યો હોત. પ્રશ્ન એ નથી કે આપણે કેટલા ઉપયોગી છીએ પણ એ છે કે આપણે કેટલું સુંદર જીવીએ છીએ. કોઈ પણ બીજો પ્રાણી કૂદરતની સુંદરતાનો નાશ નથી કરતો. માનવી તરીકે આપણું જીવન અને આપણી જરૂરિયાતો એવી છે કે આપણે કૂદરતની ઘણી ખરી સુંદરતાનો નાશ કરીએ છીએ. જ્યારે આવી સ્થિતિ હોય, તો તે આપણે જોવું રહ્યું કે આપણે જે કઈ બનાવીએ તે સાચે જ સુંદર હોય. પછી ભલે તે બિલ્ડીંગ હોય, તમારું શરીર, કપડાં કે બીજી કોઈ વસ્તુ જે આપણે બનાવીયે છીએ, આપણે પ્રકૃતિની સુંદરતાને જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી પરત આપવી જ જોઈએ.