યોગ: સત્ય સુધી પહોંચવાનો નહીં, પોતાની અંદર ઉતરવાનો માર્ગ

સદગુરુ કહે છે કે યોગીક પરંપરામાં શિવને ભગવાન તરીકે નહીં, પરંતુ આદિયોગી—પ્રથમ યોગી અને આદિગુરુ—પ્રથમ ગુરુ તરીકે જોવામાં આવે છે, જેમનાથી યોગીક પરંપરાઓની શરૂઆત થઈ. જ્યારે શિવે યોગનું જ્ઞાન આપ્યું, ત્યારે તેમણે જુદા-જુદા લોકો સાથે જુદી-જુદી ભાષામાં વાત કરી. પરિણામે, ‘સત્ય શું છે’ તે અંગે લોકોના મનમાં ઘણી ગૂંચવણો ઊભી થઈ.

શિવના પ્રથમ શિષ્ય પાર્વતિ હતા—તેઓ તેમની પત્ની પણ હતા. જ્યારે શિવે પાર્વતિને આત્મજ્ઞાન આપવાનું નક્કી કર્યું, ત્યારે તેમણે યોગને એક વિશિષ્ટ રીતથી શીખવ્યો. પાર્વતીએ પૂછ્યું, “ત્યાં પહોંચવાનો માર્ગ કયો છે?” તેઓ શીખવા આતુર હતા અને શિષ્યની જેમ તેમની સામે બેઠા હતા—જટિલ સાધનાઓ કરવા માટે તૈયાર.

શિવે હસીને કહ્યું, “આ બધું છોડો. તમે માત્ર અહીં આવો અને મારા ખોળામાં બેસો.” બહારથી જોતા એવું લાગી શકે કે જાણે કોઈ પુરુષ સ્ત્રીને પોતાના ખોળામાં બેસાડવા માટે યુક્તિ અજમાવી રહ્યો હોય, પરંતુ શિવે પાર્વતિને માત્ર પોતાના ખોળામાં જ ન બેસાડી—તેમને પોતાનો એક અવિભાજ્ય ભાગ બનાવી લીધા. જો તમારે કોઈને પોતાનો એક ભાગ બનાવવો હોય, તો તમારે પોતાનો કોઈ ભાગ ત્યજવો પડે; અન્યથા તે શક્ય નથી. કોઈ વ્યક્તિ અકબંધ રહીને બીજાને પોતાનો ભાગ બનાવી શકતો નથી. આ રીતે શિવે પાર્વતિને પોતાનાં અસ્તિત્વમાં સમાવી લીધા, અને પાર્વતિએ મુક્તિ પામી.

પરંતુ જ્યારે સાત શિષ્યો—જે આજે સપ્તઋષિઓ તરીકે ઓળખાય છે—શિવ પાસે આવ્યા, ત્યારે શિવે એવી રીતે વાત કરી જાણે પરમ સત્ય લાખો માઈલ દૂર હોય. અહીં જટિલ અભ્યાસો, વિવિધ સાધનાઓ અને લાંબી આધ્યાત્મિક પ્રક્રિયાઓનો માર્ગ ખુલ્યો.

જ્યારે શિવના નજીકના મિત્રો—ગણો—આવ્યા, ત્યારે ન તો તેમને ખોળામાં બેસવા કહ્યું, ન તો કોઈ વિશેષ સાધના શીખવાડી. શિવે માત્ર કહ્યું, “ચાલો, બધા સાથે પીીએ અને ગ્રહણ કરીએ.” તેઓ પીધા, એટલા મસ્ત થઈ ગયા કે માત્ર નાચ્યા, જોડાયા અને આનંદમાં લીન થયા—અને એ જ યોગ બની ગયો.

એક જ ગુરુ, એક સ્તરે કહે છે કે તમારી અને સત્યની વચ્ચે કોઈ અંતર નથી—“તે અહીં જ છે; બસ મારા ખોળામાં બેસો.” બીજા સમૂહને તે કહે છે કે જાણે સત્ય બહુ દૂર ક્યાંક છે. કેટલાક અન્ય લોકોને તે એવી આધ્યાત્મિકતા આપે છે જે સામાજિક રીતે અસ્વીકાર્ય લાગી શકે.

આ રીતે, જ્યારે શિવે યોગ આપ્યો, ત્યારે તેમણે જુદી-જુદી ભાષાઓમાં સંદેશ આપ્યો, કારણ કે યોગ ક્યારેય અંતિમ સત્યને સંબોધતું નથી—યોગ હંમેશા અહીં બેઠેલી વ્યક્તિને સંબોધે છે. ભગવાનને સંબોધવાની કોઈ જરૂર નથી; સંબોધવાની જરૂર તો તમને છે. કારણ કે સમસ્યા પણ તમારી છે અને સંભાવના પણ તમારી પાસે જ છે.

તમારી અંદર એવી શક્તિ છે કે તમારા જીવનના દરેક સામાન્ય પાસાને તમે અતિ-સુખ અથવા અતિ-દુઃખમાં રૂપાંતરિત કરી શકો. માત્ર એક નાનું વળાંક તમારા અનુભવમાં વિશાળ ફેરફાર લાવી શકે છે. જેને તમે એક અદભૂત પ્રેમપ્રસંગ કહો છો, તેમાં જ જો થોડી પણ અનિચ્છા ઉમેરો, તો તે ભયાનક અત્યાચાર બની શકે છે. તેથી સંબોધવાની જરૂર અંતિમને નથી, પરંતુ તમને છે.

એ જ કારણે ઉપર જોવા કરતાં અંદર જોવાની જરૂર છે. યોગ એ એક એવી પ્રક્રિયા અને પદ્ધતિ છે, જેના દ્વારા માનવને સર્વાંગી રીતે ઉન્નત બનાવી શકાય છે. તે વ્યક્તિની ઊર્જાઓ સાથે સુક્ષ્મ રીતે કાર્ય કરી, દરેક વ્યક્તિને પોતાની અંદર રહેલી સર્વોચ્ચ ક્ષમતાનો અનુભવ કરાવે છે. અંદર તરફ વળવું—એ જ એકમાત્ર માર્ગ છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.