કેમ “બસ જતું કરવું” એ એક સારો ઉપાય નથી

પ્રશ્ન: લાંબા સમય પછી મે હમણાં કેવી રીતે “જતું કરવું” અને વસ્તુઓ જાતે થવા દેવી તે શીખ્યું. પરંતુ તમે મને તાજેતરમાં કહ્યું કે મારે તે તરફ કામ કરવું પડશે. હું ખુબ મુંઝવણમાં છું, સદગુરુ!

સદગુરુ: તો હવે તમે મુંઝવણમાં છો, તે સારું છે. તમને હંમેશા મુંઝવણમાં રાખવાનો ઈરાદો છે. જો તમે મુંઝવણમાં રહો તો તેનો અર્થ છે કે તમારી શોધખોળ હજી ચાલુ છે. એટલે કે તમને હજી પણ જાણ નથી. કૃપા કરીને સમજો કે તમારા મન પાસે માત્ર બે રસ્તાઓ છે. કાં તો તે મુંઝવણમાં છે કાં તો તેણે કોઈ નિષ્કર્ષ કાઢી લીધો છે. હું હંમેશા તમને મુર્ખામીભર્યા નિષ્કર્ષ કાઢવા કરતા મુંઝવણમાં રાખવાનું પસંદ કરીશ.

મને ખબર છે આ વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે અને ઘણું બધું લખાણ લખાયું છે- કે તમારે ‘જતું કરવું’ જોઈએ.  તમને તે વસ્તુની જાણ પણ નથી કે તમારે શું ‘જતું કરવું’ જોઈએ. ‘જતું કરવું’ તે તમારા જીવનનું સંચાલન કરવાનો એક બીજો ઉપાય છે. જ્યાં સુધી તમે જીવિત છો તમે ખરેખર કંઈ “જતું કરવા” સક્ષમ નથી. વધુમાં વધુ જો તમે ભાગ્યશાળી હશો તો તમે, વિશ્વાસ સાથે, તમારું જીવન બીજા કોઈના હાથમાં સોંપી શકશો. તે સૌથી મોટું કામ છે જે તમે કરી શકો છો. જતું કરવું એ માત્ર એક વાક્ય છે જે ક્યારેય બનતું નથી- તમારા મનને એક નવું સૂત્ર મળી ગયું છે.

આ એક મંત્ર બની ગયો છે તમામ પ્રકારના લોકો માટે જે પોતાનું જીવન પોતાના હાથમાં લેવા અને જે નિર્માણ કરવું જોઈએ, તે કરવાથી ડરે છે. “ઓહ, અમે જતું કર્યું છે” આ પ્રકારનું “જતું કરવું” તમને ખરેખર નિરાશ કરશે.

“જતું કરવું” એ એક સુવિધારૂપે તમે પસંદ કર્યું છે. તેથી તેના વિશે ચિંતા ન કરશો. “આ મારી નવી માન્યતા છે” તેમ માનીને બધા સાથે જોડાશો નહીં. યોગ કોઈ વિશ્વાસ કરવાની વસ્તુ નથી. તે “મને જાણ નથી” તે જોવાની હિંમત રાખવા વિશે છે. એકવાર તમે જોશો કે “હું કશું જાણતો નથી”, તો જાણવાની તીવ્ર ઈચ્છા, જ્વાળા સમાન બની જશે. એકવાર આ જ્વાળા ઉત્પન્ન થશે, પછી જે જાણબહાર છે તે તમારી જાણમાં આવતા વાર નહીં લાગે, કારણકે જે તમારે જાણવું છે તે તમારી અંદર રહેલું છે. તમને જાણ નહોવાનું એકમાત્ર કારણ એ છે કે તમે ક્યારેય પોતાની જાતને તે દિશામાં કેન્દ્રિત કરી નથી. તમે અન્ય મનોરંજન પસંદ કર્યું છે. જો તમને ખરેખર જાણવાની ઈચ્છા હોય તો વિશ્વની કોઈપણ શક્તિ તમને રોકી શકશે નહીં કારણકે જે તમારી અંદર છે તે તમને નકારી શકાય નહીં.

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)