ટોક્યોવાસીઓનું પેરાલિમ્પિક્સ-2020ને ‘ગુડબાય’

ઓલિમ્પિક્સ-2020 બાદ દુનિયાભરનાં દિવ્યાંગજનો માટેનાં વૈશ્વિક રમતોત્સવ પેરાલિમ્પિક્સ-2021નું પાંચ સપ્ટેમ્બર, રવિવારે ટોક્યોમાં સફળતાપૂર્વક રીતે સમાપન થયું. ભવ્ય અને રોશનીની ચમકદમક વચ્ચે આ ગેમ્સને સમાપ્ત થયેલો ઘોષિત કરવામાં આવ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સ-2020 ભારત માટે અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ દેખાવવાળો બની રહ્યો. આ રમતોત્સવમાં ભારતનાં એથ્લીટ્સે કુલ 19 મેડલ જીત્યાં. જેમાં પાંચ સુવર્ણ ચંદ્રક, આઠ રજત ચંદ્રક અને છ કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. આ રમતોત્સવ 24 ઓગસ્ટથી શરૂ થયો હતો.

પેરાલિમ્પિક ગેમ્સનો આરંભ 1968માં થયો હતો. 2016 સુધીના 11 રમતોત્સવમાં ભારતે બધાં મળીને કુલ 12 મેડલ જીત્યાં હતાં, પરંતુ આ વખતે ભારતીય દિવ્યાંગ એથ્લીટ્સે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગઈ કાલે રમતોત્સવના આખરી દિવસે ભારતે બે મેડલ જીત્યા હતા. ક્રિષ્ના નાગરે પુરુષોની બેડમિન્ટનમાં SH6 સિંગલ્સ હરીફાઈમાં ગોલ્ડ જીત્યો હતો જ્યારે આ જ રમતની SL4 વર્ગની સિંગલ્સમાં સુહાસ યતીરાજે સિલ્વર મેડલ જીત્યો હતો. યતીરાજ IAS અધિકારી છે અને ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવે છે. ભારતે આ વખતના રમતોત્સવમાં 54 એથ્લીટ્સ મોકલ્યા હતા, જેમણે 9 રમતોમાં ભાગ લીધો હતો. ભારતે 2016ના રિયો પેરાલિમ્પિક ગેમ્સમાં 4 અને 1984ના ન્યૂયોર્ક ગેમ્સમાં 4 મેડલ જીત્યાં હતાં. આ વખતની ગેમ્સમાં ચીન 96 ગોલ્ડ, 60 સિલ્વર અને 51 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 207 મેડલ જીતીને પહેલા ક્રમે રહ્યું. બ્રિટન અને અમેરિકા તે પછીના ક્રમે રહ્યાં.