શું આધ્યાત્મિકતા તમને વિશિષ્ટ  બનાવે છે? 

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)  

ઘણા લોકોને આધ્યાત્મિક માર્ગ સંઘર્ષપૂર્ણ લાગતો હોય છે તે માટેનું કારણ એ છે કે તેમની સંસ્કૃતિ અને સામાજિક પરિસ્થિતિઓએ કાયમ તેમને વિશિષ્ટ બનવાનું શીખવ્યું હોય છે. વ્યક્તિના સમગ્ર જીવનનો પ્રયત્ન તેના પર જ કેન્દ્રીત હોય છે. વિશિષ્ટ હોવું એટલે પોતાની પાસે એવું કશુંક ધરાવવું, જે અન્ય પાસે ન હોય. પણ તે વિશિષ્ટતા નથી, બલ્કે તે સુખાકારીની જટિલ સમજ છે. જો તમને કેવળ એ વાતથી જ આનંદ મળતો હોય કે તમારી પાસે જે છે, તે અન્ય વ્યક્તિ પાસે નથી – જો તમારા જીવનની આ એકમાત્ર ખુશી હોય, તો અમે તેને વિશિષ્ટતા નહીં, બલ્કે વિકૃતિ કહીએ છીએ. 

લોકો દરેક પ્રકારની બાબતોમાં ખુશી શોધી શકે છે. એક વખત બે વ્યક્તિઓને નજીકના કબીલાના બે ક્રૂર નરભક્ષીઓ ઉઠાવીને લઈ ગયા. તેમના સરદાર ને મળ્યા પછી કબીલાએ તે બંને પુરુષોને જીવતા રાંધી નાંખવાનું નક્કી કર્યું. બંનેને પાણી ભરેલા મોટા તપેલામાં મૂકવામાં આવ્યા અને આગ પેટાવવામાં આવી. પાણી વધુને વધુ ગરમ થવા માંડ્યું, ત્યારે બંનેમાં જેની વય વધુ હતી તે માણસ હસવા માંડ્યો, ખરેખર હસવા માંડ્યો. તેનાથી નાની વયનો માણસ બોલ્યો, “શું તમે પાગલ છો? શું તમે જાણો છો કે આપણી સાથે શું થઈ રહ્યું છે? શા માટે તમે હસી રહ્યા છો?” મોટી વયનો પુરુષ બોલ્યો, “મેં સૂપમાં પેશાબ કરી દીધો!” આમ, લોકો તમામ પ્રકારની વિકૃતિઓમાં આનંદ શોધી લે છે. 

આધ્યાત્મિકતા વિશિષ્ટ બનવા અંગે નથી. તે દરેક વસ્તુ સાથે એક થઈ જવા સંદર્ભે છે. વિશિષ્ટ બનવાની ઈચ્છા રાખવાની આ બિમારી લોકોમાં વ્યાપી છે, કારણ કે તેઓ તેમના અસ્તિત્વના આગવાપણાનું મૂલ્ય જાણતા નથી. 

દિમાગ હંમેશા ઘણી બધી રીતે વિશિષ્ટ બનવા ઈચ્છે છે. અહમ ભરેલા દિમાગની આ પ્રકૃતિ છે. તે કેવળ તાર્કિક રીતે સરખામણી કરી શકે છે. જે ક્ષણે આ સરખામણી આવે છે તે સાથે જ સ્પર્ધા શરૂ થઈ જાય છે. જે ક્ષણે સ્પર્ધા શરૂ થાય છે, તે ક્ષણે જીવન અંગેની તમારી સમજ હવામાં ઓગળી જશે કારણ કે ત્યાર પછી તે ફક્ત અન્ય કરતાં બહેતર બનવા સંદર્ભે જ હોય છે. આ મૂર્ખતાભર્યા પ્રયાસને કારણે અમે આવી વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ ગયા છીએ અને લોકોને તેમની પોતાની પ્રકૃતિ વિશે સમજાવવું પડે છે. અમારે લોકોને તેમની મૂળ પ્રકૃતિ વિશે યાદ દેવડાવવું પડે છે, કારણ કે તેઓ અમુક વ્યક્તિ અથવા તો તેમની આસપાસની તમામ વ્યક્તિઓ કરતાં ચઢિયાતા પુરવાર થવામાં જ ખોવાઈ ગયા છે. 

થોડા સમય પહેલાં, અમારા યોગ કાર્યક્રમનાં બ્રોશર્સમાં કહેવામાં આવતું: “સામાન્યમાંથી અસામાન્ય (ફ્રોમ ઓર્ડિનરી ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી).” લોકો વિચારતા કે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લઈને વિશિષ્ટ કે ખાસ બની જશે અને તેઓ મને પૂછતા, “સદગુરુ, અમે ખાસ શી રીતે બનીશું?” હું કાયમ તેમને કહેતો, “તમે ‘એક્સ્ટ્રા’ ઓર્ડિનરી (અસામાન્ય) બનવાના છો – અન્ય લોકો કરતાં વધુ ઓર્ડિનરી (સામાન્ય).” 

તમે વિશિષ્ટ બનવા માટે જેટલા વધુ પ્રયત્નો કરશો, તેટલા જ સત્યથી વધુ દૂર થશો. ખાસ બનવાની આ મહેચ્છામાંથી ઘણી જ પીડા અને માનસિક બિમારી ઉદ્ભવે છે. તમારી પાસે જે છે, તે અન્ય વ્યક્તિ પાસે નથી – તેવા વિકૃત આનંદમાં રચ્યાપચ્યા રહેવાને બદલે જો તમે સાચા અર્થમાં સૌમાંના એક બનવાનો પ્રયત્ન કરશો, તો આ આંતરિક સંઘર્ષ પૂર્ણપણે ગાયબ થઈ જશે. જો તમે તમારૂં અને સાથે જ અન્ય લોકોનું આગવાપણું પિછાણી લેશો, તો તમે અન્યો કરતાં ઊણા પણ નહીં ઉતરો, કે તેમનાથી ચઢિયાતા પણ નહીં થાઓ. 

(જગ્ગી વાસુદેવ)

દેશના સૌથી શક્તિશાળી પચાસ વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા તેમજ બેસ્ટસેલિંગ લેખક છે. ભારત સરકારે સદગુરુની પ્રશંસનીય સેવા બદલ 2017માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ – ‘પદ્મ વિભૂષણ’થી નવાજીને તેમનું સન્માન કર્યું હતું.