જો તમે તેને જરૂરી જાગરુકતા સાથે જુઓ, તો તમે જોશો કે જીવનની મૂળ પ્રક્રિયા, એક નિશ્ચિત શોધ છે, આપણી અંતિમ પ્રકૃતિમાં સામેલ થવા, વિકસિત થવા અને વૃદ્ધિ કરવાની એક ચોક્કસ અરજ છે. જો તમે તમારી અંદરની મૂળભૂત ઇચ્છાઓ તરફ ધ્યાન આપશો, તો તમે જોશો કે મૂળભૂત ઇચ્છા કંઈક અથવા કોઈને તમારા પોતાના ભાગ તરીકે સમાવિષ્ટ કરવાની છે. મૂળભૂત રીતે, તમે પોતાને વિસ્તૃત કરવા માંગો છો; અને તમે વિસ્તરણની ગમે તે માત્રા ચલાવી લેશો નહીં. તમારી અંદર કંઈક એવું છે જે અનહદ અનુભવની શોધમાં છે. જ્યારે બેભાન અભિવ્યક્તિ મળે છે, ત્યારે આપણે તેને ભૌતિક જીવનશૈલી કહીએ છીએ. જ્યારે સભાન અભિવ્યક્તિ મળે છે, ત્યારે આપણે તેને આધ્યાત્મિક જીવનશૈલી કહીએ છીએ. તે જુદા નથી, તેઓ કોઈ પણ રીતે એકબીજા સાથે વિરોધાભાસી નથી. તે માત્ર એ છે કે એક બેભાન પ્રક્રિયા છે, બીજી સભાન પ્રક્રિયા છે. એક આંખો બંધ રાખીને ચાલે છે, બીજો આંખો ખોલીને ચાલે છે. બસ આજ તફાવત છે.
એકતાની આ ઝંખના અથવા દરેક વસ્તુને તમારા ભાગ રૂપે સમાવવાની આ ઝંખના, જ્યારે તે શારીરિક અભિવ્યક્તિ શોધે છે, ત્યારે આપણે તેને સેક્સ કહીએ છીએ. સેક્સમાં, તમે બીજા કોઈની સાથે એક થવાના તીવ્ર પ્રયાસ કરો છો. તમે ગમે એટલા સખત પ્રયાસ કરો, તે થતું નથી. એવા ક્ષણો હોય છે જ્યારે તમને લાગે છે કે તમે એક છો, પરંતુ બીજી જ ક્ષણે બધું અલગ છે. જો તમે માનસિક રીતે અજમાવો, તો સામાન્ય રીતે તેના પર લોભ, વિજય, મહત્વાકાંક્ષાના લેબલ લાગી જાય છે – તમે દરેક વસ્તુને પોતાનામાં સમાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તમે દુનિયાને જ જીતવા માંગો છો. જો તેને કોઈ ભાવનાત્મક અભિવ્યક્તિ મળે, તો આપણે એને પ્રેમને કહીએ છીએ. જો તેને સભાન અભિવ્યક્તિ મળે, તો આપણે એને યોગ કહીએ છીએ. કોઈ વસ્તુને તમારા ભાગ રૂપે સમાવવાની આ એ એજ ઝંખના છે.
શા માટે તમે અન્ય વ્યક્તિને તમારા પોતાના ભાગ રૂપે શામેલ કરવા માંગો છો? ક્યાંક, તમે જે રીતે છો તે પૂરતું નથી. થોડીક ક્ષણો માટે, તમે તેમાં થોડો આનંદ અનુભવો છો, એટલે તમે એ તરફ ઢળી રહ્યાં છો. ધારો કે તમે પોતાનામાં એટલા સંપૂર્ણ છો કે તમે તમારા સ્વભાવથી એકદમ આનંદિત છો, તો શું તમે કોઈ બીજા સાથે એક થવાની ઇચ્છા રાખશો? ના. તો, તે મહત્વાકાંક્ષા અથવા સેક્સ નથી જે તમે ઈચ્છો છો, તમે જે શોધી રહ્યા છો તે આનંદ છે. આનંદની થોડી ક્ષણો જે તમે જાણો છો તે તમારા માટે પૂરતા નથી. તેથી, શું હવે સમય નથી આવી ગયો કે તમે તેનો સભાનપણે સંપર્ક કરો?
એટલા માટે પતંજલિએ જ્યારે યોગસૂત્રો લખ્યાં ત્યારે વિચિત્ર રીતે તેમની શરૂઆત કરી. યોગસુત્રોનો પહેલો અધ્યાય “… અને હવે, યોગ” – અર્ધ વાક્ય. જીવન પરનો આવો મહાન દસ્તાવેજ અડધા વાક્યથી શરૂ થાય છે. બૌદ્ધિકરૂપે, તેનો કોઈ અર્થ નથી, પરંતુ પ્રાયોગિક રૂપે તે કહે છે કે: “જો તમે હજી પણ માનો છો કે નવું મકાન બનાવવું, નવી પત્ની મેળવવી અથવા તમારી દીકરીનું લગ્ન કરાવવું એ તમારું જીવન સ્થિર બનાવશે, તો હજી યોગ માટેનો સમય નથી આવ્યો. પરંતુ, જો તમે પૈસા, શક્તિ, સંપત્તિ અને આનંદ અનુભવ્યા છે, તો તમે તમારા જીવનની દરેક વસ્તુનો સ્વાદ ચાખ્યો છે અને તમે સમજી ગયા છો કે આ કંઇ પણ વાસ્તવિક અર્થમાં કામ લાગશે નહીં અને તમને આખરે પરિપૂર્ણ કરશે નહીં, હવે યોગનો સમય છે.
(સદગુરુ જગ્ગી વાસુદેવ)
(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)