સર્કેડીયન રીધમ, બાયોરીધમ અને જ્યોતિષ

માનવીની ઉર્જામાં દિવસ-રાત વધારો ઘટાડો થયાં કરે છે. દિવસનાં અમુક ભાગમાં આપણે ખુબ જ ઉત્સાહી રહીએ છીએ તો દિવસના અમુક ભાગમાં આપણને ખુબ વધુ ઊંઘનો અનુભવ થાય છે એટલે કે આરામ કરવાની ઈચ્છા થાય છે. બરાબર તે જ પ્રમાણે આખા મહિના દરમિયાન પણ તમે તમારા વર્તન અને વિચારોમાં વધારો ઘટાડો અનુભવો છો. જ્યોતિષના મતે આ બધું ચંદ્રની કળાઓ પર આધારિત છે. તમારી જન્મરાશિથી આકાશનો ચંદ્ર કયા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે, તેની પર તમારા દિવસનો આધાર રહે છે. નામ નક્ષત્રથી આકાશના ચંદ્રનું ભ્રમણ પણ દિવસની શુભાશુભ અસરો તરફ નિર્દેશ કરે છે.

આપણા આદ્ય આચાર્યો અને ઋષિ મુનિઓએ વનમાં રહીને આકાશની સ્થિતિનો અભ્યાસ કર્યો હતો. તેટલું જ નહિ તેઓએ આકાશ અને માનવ શરીરનો સંબંધ પણ અનુભવ્યો હતો. તેમણે માનવનું મન બિલકુલ ચંદ્રના ગુણોને સમાન છે તે સત્ય પણ પ્રતિપાદિત કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે વૈજ્ઞાનિકો આ બાબતે સતત સંશોધન કરી રહ્યા છે. માનવ મન અને આકાશની પરિસ્થિતિને બિલકુલ સંબંધ છે. ઋતુઓની અસર આપણા કાર્યો પર થાય છે. હવે વૈજ્ઞાનિકો પણ સાબિત કરી ચુક્યા છે કે આકાશ અને માનવ મનને સીધો સંબંધ છે. સર્કેડીયન રીધમ અને બાયોરીધમ આ બન્ને આ વાતની પુષ્ટિ કરે છે.

સર્કેડીયન રીધમ આપણી આંખો અને દિવસની રોશનીનો સંબંધ બતાવે છે. માનવીનું મન અને શરીર તે જ્યાં વસવાટ કરી રહ્યો છે ત્યાંના સૂર્યોદય અને સુર્યાસ્ત સાથે સીધું સંબંધિત છે. સર્કેડીયન રીધમ મુજબ માનવીનો દિવસ દરમ્યાન કાર્યો બાબતે અભિગમ, હ્રદય, બ્લડ પ્રેશર અને ખોરાક જેવી મૂળભૂત બાબતો જે તે સ્થળના સૂર્યોદય અને સુર્યાસ્ત સાથે સંબંધિત છે. જો તમે થોડું શોધશો તો તમને સર્કેડીયન રીધમ માટેની તૈયાર એપ્સ ઈન્ટરનેટ પર આસાનીથી મળી જશે. સર્કેડીયન રીધમની એપ્સ તમારા વસવાટના સ્થળને ગણતરીમાં લઈને તમને સુવા-જાગવાનો ચોક્કસ સમય પણ જણાવશે. આ બધું જ વૈજ્ઞાનિક તારણ માત્ર સૂર્યોદય અને સુર્યાસ્તના સમયના આધારે કરાય છે. નવાઈની વાત એ છે કે હજારો વર્ષોથી આપણા આચાર્યો જન્મકુંડળીમાં‘સ્થાનિક’ સમય અનુસાર જ ગણતરી કરતા આવ્યા છે. શું સર્કેડીયન રીધમની વાત એ બાબતની પુષ્ટિ જ કરી રહી છે કે જ્યોતિષના સિદ્ધાંત બિલકુલ વૈજ્ઞાનિક છે? આટલા બધા સમય પછી વૈજ્ઞાનિકોનું તારણ અને જ્યોતિષની સત્યતા સર્કેડીયન રીધમની વાતમાં મળતા આવ્યાં છે અને જ્યોતિષ પણ તેમાં ખરું ઉતર્યું ગણાશે.

બાયોરીધમ બાબતે પણ તમે અભ્યાસ કરીને તમારા કાર્યોને આયોજિત કરી શકો છો. જો તમે કોઈ લાંબા પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ અથવા કોઈ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યા હોવ તો આખા મહિના દરમ્યાન બાયોરીધમનોટ્રેન્ડ જાણીને તમે પોતાના કાર્યને વધુ સારી રીતે પાર પાડી શકશો.

વૈજ્ઞાનિકોના અભ્યાસ મુજબ દરેક મનુષ્યને ભાવનાત્મક, માનસિક અને શારીરિક ચક્ર ગતિમાન હોય છે. બીજા શબ્દોમાં દરેક મનુષ્ય ભાવનાત્મક, માનસિક અને શારીરિક બાબતોમાં એક નિશ્ચિત પેટર્નથી ઉતાર ચઢાવ અનુભવે છે. ભાવનાત્મક, માનસિક અને શારીરિક ચક્ર અનુક્રમે૨૮, ૩૩ અને ૨૩ દિવસના હોય છે. તમારા જન્મ દિવસથી ભાવનાત્મક, માનસિક અને શારીરિક ચક્ર ચાલુ થઇ જાય છે. બાયોરીધમ બાબતે તમને આસાનીથી પ્લે સ્ટોરમાં એપ્સ મળી રહેશે.બાયોરીધમનો આ ડેટા તમને ચોક્કસ રીતે ઉપયોગી થશે.

જ્યોતિષનો મૂળભૂત સિદ્ધાંત છે કે ‘જે આકાશમાં છે તે જ પૃથ્વી પર છે, જે પૃથ્વી પર છે તે જ માનવ શરીરમાં છે.’સાવ સરળ લાગતી આ વાતના આધારે જ જ્યોતિષશાસ્ત્ર રચાયું છે. ભવિષ્યમાં આજ રીતે જ્યોતિષના અનેક રહસ્યો પરથી પડદો ઊંચકાશે અને ફરી વાર આજ સત્ય સચોટ સાબિત થશે.