રાષ્ટ્રપતિ કોવિંદે સાસણના સિંહોના દર્શન કર્યાં, વિડીયો નિહાળો

અમદાવાદ- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરિવાર સાથે હાલ ગુજરાતના પ્રવાસે છે. જ્યાં તેમણે રવિવારે સાસણ ગીરની મુલાકાત લીધી હતી. સાસણની મુલાકાત દરમિયાન ડડકડી રેન્જ અને કેરંભા રાઉન્ડ સહિત પાંચ વિસ્તારમાં સિંહદર્શન કર્યાં હતાં. રાષ્ટ્રપતિના કાફલાએ સિંહ, સિંહણ અને સિંહ બાળ મળી કુલ 20 સિંહ પરિવારને નિહાળ્યાં હતાં. સાથે સાથે તેમણે ગીરના સિંહોનો એક વિડિયો પણ શેર કર્યો હતો.
 

 

સૌજન્યઃ રાષ્ટ્રપતિભવન

ગીર અભ્યારણ્યની મુલાકાત દરમિયાન ડેડકડી રેન્જમાં એક રોચક ઘટના બની હતી. રાષ્ટ્રપતિના કાફલાની આગળ બે નર સિંહો અડધો કિમી સુધી સાથે ચાલ્યા હતાં. રાષ્ટ્રપતિએ સાસણગીરની મુલાકાત લઈને ગીર અભ્યારણ્યમાં વધતી જતી સિંહોની સંખ્યા અને જાળવણી માટે થતાં પ્રયત્નોની માહિતી મેળવી હતી.

સાસણની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, ગુજરાતના ગીર વન્યજીવ અભ્યારણ્યમાં આવીને મને અત્યંત આનંદ થયો છે. ગીરમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ પ્રયાસો અંગે જાણીને મને ઘણી પ્રસન્નતા થઈ છે. તમે પણ અહીં આવો અને ગીરની અનુપમ પ્રકૃતિ તેમજ વન્યજીવોનો અનુભવ કરો.

ગીર અભયારણ્યની વન્યસૃષ્ટિ અને એશિયાઈ સિંહના દર્શન માટે અહીં આવેલા રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને ગીર વન્ય સંપદા અને વન્યપ્રાણીઓ ખાસ કરીને એશિયાઈ સિંહોની વિગતોથી રાજ્યના હેડ ઓફ ફોરેસ્ટ જી.કે.સિંહા અને વનવિભાગના વરિષ્ઠ અધિકારી એ.કે.સક્સેનાએ માહિતગાર કર્યા હતાં.

સાસણના સિંહ સદનમાં ખાસ વી.આઈ.પી. નિવાસસ્થાનમાં ભોજન અને આરામ કર્યા પછી બપોર બાદ ગીરના ભંભાફોડ નાકા વિસ્તારમાં સિંહો નિહાળી રાષ્ટ્રપતિ ખીબ પ્રભાવિત થયા હતાં અને કેસરી સિંહ વિશે વન અધિકારીઓને ખીબ પૂછપરછ કરી પોતાની ઉત્સુક્તા અને ઉત્સાહ પ્રગટ કર્યા હતાં.

સાંજના સમયે કોટડાની મેર રાસ મંડળીનો મણીયારો, સીદીબાદશાનું ધમાલ નૃત્ય વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો ઓડિટોરીયમ ખાતે યોજાયા જેમાં તેમણે હાજરી આપી હતી અને મેર રાસ મંડળીના મણીયારો રાસથી પણ તેઓ ખૂબ જ પ્રભાવિત થયાં હતાં. આજે સવારે રાષ્ટ્રપતિ અને તેમનો પરિવારે દેવળીયા ખાતે ફરી સિંહદર્શન કર્યાં હતાં અને ત્યાર બાદ સાસણથી સોમનાથ જવા રવાના થયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છની મુલાકાતે છે. રવિવારે સાસણમાં સિંહદર્શન કર્યા બાદ આજે સોમવારે પરિવાર સાથે સોમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યાં હતાં. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રામનાથ કોવિંદે પરિવાર સાથે સોમનાથ મહાદેવની પૂજા કરી આશિર્વાદ મેળવ્યાં હતાં.