સકારાત્મક ચિંતન શા માટે જરૂરી?

ક્રિકેટ મેચ જોતા જોતા ઘણી વાર આપણે નિર્ણાયક બની જઈએ છીએ અને પછી એમ કહીએ છીએ કે જો આમ કરત તો આવું ન થાત. આપણે શા માટે, કેવી રીતે, કેમ એવા અનેક પ્રશ્નોની હારમાળામાં જતા રહીએ છીએ. જેથી આપણા મનની સ્થિરતા ખોરવાઈ જાય છે અને મનમાં હલચલ શરૂ થઈ જાય છે. જ્યારે આપણે ટીવી પર કોઈ સીરીયલ જોઈ રહ્યા હોઈએ ત્યારે તે વાર્તામાં એટલા બધાં ઓતપ્રોત થઈ જઈએ છીએ કે આપણી પોતાની વિચારવાની શક્તિ ખલાસ થઈ જાય છે. તે સમયે આપણે જે ટીવીમાં જોઈએ છીએ તે પ્રકારના જ વિચારો મનમાં કરીએ છીએ. કયારેક આપણે પોતે નિર્ણાયક બની જઈએ છીએ અને ટીવીનો કાર્યક્રમ જોતા જોતા એમ વિચારીએ છીએ છે કે તેણે આવું નહોતું કરવું જોઈતું. આ સેટ આવી રીતે ગોઠવવો ન જોઈએ. પરંતુ આપણે તે કોઈ ફેરફાર કરી શકવાના નથી.

આપણે ઘણી એવી વાતો છે જે અંગે વિચારવાનું શરૂ કરી દઈએ છીએ કે જે મારા હાથમાં જ નથી. આ બધું વિચારવામાં વપરાતી ઉર્જાને શું આપણે ઉપયોગી ઉર્જા કહીશું? ના- આપણા રોજબરોજના વ્યવહારિક જીવનમાં આવી ઘણી બધી વાતો આવશે. આપણી મુખ્ય ત્રણ અવસ્થા હોય છે. પહેલા એકાગ્રતા, નિર્ણાયકતા અને જે દ્રશ્ય જોઈએ છીએ તેના આધારે મનના સંકલ્પો ચલાવવા. આવી સ્થિતિમાં આપણે સારું વિચારવાની શક્તિ ખોઈ બેઠા છીએ અને દરરોજ આવું કરવાથી તેવા આપણા સંસ્કાર એટલે કે આદત બની જાય છે. પછી તો તે વાતો આપણને ખુબ સ્વાભાવિક જ લાગે છે.

ન્યૂઝ ચેનલમાં જો આપણે કોઈ દુર્ઘટનાના સમાચાર વારંવાર જોતા રહીશું તથા તેનું વર્ણન કરતા રહીશું, તો તે આપણને પોતાને પણ દુ:ખી કરશે. આવા સમયે દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિઓને સહાનુભૂતિ તથા પ્રેમની આવશ્યકતા હોય છે. પરંતુ જો આવા દ્રશ્ય જોઈને જો આપણે પોતે જ દુઃખી થઈ ગયા તો આપણે તે બીજી દુઃખી વ્યક્તિઓને સહાનુભૂતિ કે પ્રેમ આપી નહીં શકીએ.

ટીવીમાં આપને જે કોઈ દ્રશ્ય જોઈએ છીએ તેના વિશે આપણે માહિતી મેળવીએ છીએ. તે સમયે આપણા મનમાં એવું સમજવું જોઈએ કે અત્યારે મારી શું જવાબદારી છે? જ્યારે દુનિયાના કોઈપણ ભાગમાં કોઈ દુર્ઘટના ઘટે ત્યારે બ્રહ્માકુમારીઝ્ના સેવાકેન્દ્રોમાં આવનારા ભાઈ-બહેનો સામૂહિક મેડીટેશન કરે છે અને ચોક્કસ સમય નક્કી કરીને બધા રાજયોગી ભાઈ-બહેનો સેવાકેન્દ્ર પર ભેગા થઈને શાંતિ અને પ્રેમના પ્રકંપનો (vibration) મોકલે છે. તથા તે અસરગ્રસ્ત આત્માઓ સુધી પ્રકંપનો (vibration) પહોંચાડે છે. જેને મનસા સેવા કહેવાય છે.

દુર્ઘટનાના કારણે દુઃખ, દર્દ તો ત્યાં સ્થળ પર છે જ અને જો આપણે તેની વધુ ચર્ચા કરીએ તો ત્યાં વધારે દુઃખ અને દર્દ ઉત્પન્ન કરી રહ્યા છીએ. આવા સમયે આપણી શું જવાબદારી છે? ત્યાં દુ:ખ-દર્દ છે તો આપણે અહીંથી શું મોકલવું જોઈએ? ત્યાં આપણે પ્રેમ, શાંતિ આપવી જોઇએ. આપણે પ્રેમ અને શાંતિ ત્યારે જ ત્યાં મોકલી શકીશું જ્યારે આપણે પોતાને તે દુર્ઘટનાના દુઃખ-દર્દથી અળગા અનુભવીશું. પણ જો આપણે પોતે તે સમયે દુઃખ દર્દમાં રહીને એવું વિચારવા લાગ્યા કે આ શું થયું થયું? કેવી રીતે થયું? કેવી ભયંકર દુર્ઘટના થઈ? તો પછી અસરગ્રસ્ત આત્માઓને પ્રેમ શાંતિ મોકલવા માટેની શક્તિ આપણી પાસે નહીં હોય.

જ્યારે કોઈ દુર્ઘટના ઘટે છે, જેમ કે મુંબઈમાં નિર્દોષ લોકો પર હુમલો. ત્યારે આપણા મનમાં ગુસ્સો, આવેશ, દર્દ અને આઘાતની લાગણીઓ થાય છે. આખા દેશમાં દુઃખની લાગણી ફેલાઈ જાય છે. આવા સમયે જ્યારે બધા લોકો ગુસ્સામાં હોય છે અને તે ઘટના વિશે ચર્ચાઓ કરે છે ત્યારે પ્રશ્ન એ થાય કે એવા સમયે આપણે શું કર્યું? થોડાક દિવસો સુધી તે ઘટનાની ચર્ચા સતત ચાલતી રહે છે. આપણે પણ તે ચર્ચામાં જોડાઈ જઈએ છીએ અને ગુસ્સો પ્રગટ કરીએ છીએ. જે લોકો ઘટનાથી પ્રભાવિત થયા છે, દુઃખ અને દર્દમાં હોય છે તેમના માટે આપણે શું કર્યું? આપણા દેશ માટે આપણે શું કર્યું? આ એક બહુ મોટો પ્રશ્ન ચિન્હ છે? આપણે ફક્ત ગુસ્સો પ્રગટ કર્યો, પરંતુ તેનું પરિણામ શું આવ્યું? પરંતુ આવા સમયે જો બધાં ભેગા થઈને સામૂહિક સકારાત્મક ચિંતન કર્યુ હોત, તો સ્થિતિ કંઈક જુદી જ હોત.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]