જો હું કોઈ પણ પરિસ્થિતિમાં મારી અંદરની સ્થિરતાને બનાવી રાખું છું તો આપણને ઘણા બધા વિકલ્પો દેખાય છે. ઘણીવાર વિપરીત પરિસ્થિતિમાં આપણે એટલો બધો તણાવનો અનુભવ કરીએ છીએ કે આપણે તે સમયે કોઈ પણ યોગ્ય નિર્ણય નથી લઈ શકતા. જીવનમાં ઘણીવાર અસ્વાભાવિક પરિસ્થિતિ આવી જાય છે તે સમયે શું કરવું આપણને ખબર નથી હોતી. આવા સમયે આપણે રોકાઈ જઈએ છીએ. અથવા તો પરિસ્થિતિને ત્યાં જ રહેવા દઈ આપણે એ પરિસ્થિતિથી પોતાનું ધ્યાન હટાવી લઈએ છીએ.
આપણે રજા પર ઉતરી જઈએ છીએ અથવા તો નોકરી બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે પરિસ્થિતિના કારણે આપણે નિરાશામાં જતા રહીએ છીએ ત્યારે મનોચિકિત્સક કહે છે કે તમારે મેડીટેશન શીખવું જોઈએ. પરંતુ એ સમયે આપણી વિચારવાની શક્તિ એટલી બધી ઓછી થઈ જાય છે કે આપણને મેડિટેશન કરવામાં ખૂબ મહેનત પડે છે. પરંતુ જો આપણે અગાઉથી મેડીટેશનની પ્રેકટીસ કરીએ તો આપણી સંકલ્પ શક્તિ ઓછી નહીં થાય અને પરિસ્થિતિને પાર કરવી આપણા માટે સહજ બની જશે. મેડીટેશન કરતી વખતે સૌથી પહેલી એ બાબત જાણવી જરૂરી છે કે મારો પરિચય શું છે? હું કોણ છું? પોતાના વિશે પૂરી જાણકારી ન હોવીએ પણ ક્યાંકને ક્યાંક તણાવનું કારણ બને છે.
સામાન્ય રીતે જ્યારે હું પોતાનો પરિચય આપું છું ત્યારે મારું ધ્યાન પોતાના શરીર ઉપર જ જાય છે કે હું આ જ છું. મેં એવું સમજી લીધું છે કે હું શરીર છું. આમ કરવાથી મારો વિચારવાનો આધાર જ બદલાઈ જાય છે. આ શરીર તો આજે છે ને કાલે નથી. પછી આપણે એવું વિચારીએ છીએ કે સમય ઝડપથી આગળ વધી રહ્યો છે. મારે જલ્દી-જલ્દી આ શરીર વૃદ્ધ બની જાય કે બીમારી આવે તે પહેલા બધું જ પ્રાપ્ત કરી લેવું છે. આમ આપણા વિચારોની દિશા બદલાઈ જાય છે. જે આપણા તણાવનું કારણ બને છે. રાજયોગ દ્વારા આપણને પહેલી સમજ એ મળે છે કે હું આ શરીર નથી પરંતુ શક્તિ છું. અવિનાશી આત્મા છું. આ સમજ મળવાથી આપણા એ વિચારો સમાપ્ત થઈ જાય છે કે હું આજે છું અને કાલે ખતમ થઈ જઈશ.
જ્યારે હું પોતાને શરીર સમજતી હતી તો શરીર સંબંધિત પ્રાપ્તિઓના વિચાર મારામાં આવતા હતા. શારીરિક સુંદરતા, ભૌતિક સાધન વિગેરે ની અપેક્ષા રહેતી હતી. જે પ્રાપ્ત કરવા માટે મારે ખૂબ સંઘર્ષ કરવો પડતો હતો. પરિણામે મારી અંદર તણાવ ઉત્પન્ન થતો હતો. હવે હું સમજી ગઈ છું કે હું એક અવિનાશી આત્મા છું ચૈતન્ય શક્તિ છું.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)