તણાવ મારી રચના છે: બી.કે. શિવાની

હવે હું એવું વિચારું કે – “તણાવ મારી રચના છે”, જે કોઈ બહારની પરિસ્થિતિ કે વ્યક્તિ દ્વારા નથી આવતો પરંતુ હું પોતે જ તેને ઉભો કરું છું. ઘણીવાર જીવનમાં બધું બરાબર ચાલતું હોય છે ક્યારે પણ એવું કહેનારા મળે છે કે કોઇપણ જાતનો તણાવ નથી તો જરૂર કંઈક ગરબડ છે. પરિણામે આપણને તણાવ થવો શરૂ થઈ જાય છે. ઘણી વ્યક્તિઓ એવું કહેતી હોય છે કે અમને એ બાબતની ચિંતા છે કે આજે મને કોઈ પણ જાતની ચિંતા કેમ નથી? આપણે નકારાત્મક વિચારો શરૂ કરી દઈએ છીએ. પરિણામે આપણને માનસિક તણાવનો જરૂર અનુભવ થશે. જીવનમાં બધુ બરાબર છે તો આપણને વિચાર આવે છે કે ભવિષ્યમાં કોઈ સમસ્યા તો નહીં આવે ને! આપણે સમસ્યા આવ્યા પહેલાં જ નકારાત્મક વિચારો શરૂ કરી દીધા તો જરૂર તેનો પ્રભાવ આપણા ઉપર પડશે. આપણે ફક્ત શીખવાનું છે કે કઈ પરિસ્થિતિઓમાં મારે કેવા વિચારો કરવાના છે!

ધારો કે આપણે રેલવે સ્ટેશન જઈ રહ્યા છીએ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે તે સમયે કેવા વિચારો કરવા જોઈએ? સામાન્ય રીતે આ સંજોગોમાં એવા વિચારો આવશે કે ક્યાંક મારી ટ્રેન છૂટી ન જાય! આપણે રિક્ષાવાળાને જલ્દી ચલાવવા માટે કહીશું. આ સંજોગોમાં આપણે સકારાત્મક વિચારો જ કરવા જોઈએ કે કદાચ આજે ટ્રેન લેટ હોય. આપણા વિચારો જ આપણને સ્વસ્થ રાખશે. હવે ટ્રેન લેટ હોય કે ન હોય પરંતુ મારા મનમાં કોઈપણ જાતની હલચલ ન થવી જોઈએ. આપણે હંમેશા વર્તમાન માંજ રહેવાની આદત પાડવી જોઈએ. ભવિષ્ય અંગે ખોટી ચિંતાઓ છોડી દેવી જોઈએ. જો આપણી ઉર્જા ખલાસ નહીં થઇ હોય તો જે ક્ષણે જે સાચો નિર્ણય લેવો જોઈએ તે લઈ શકીશું.

આપણે માનસિક રીતે સ્વસ્થ રહીએ સ્ટેશને પહોંચીએ અને જો ટ્રેન જતી રહી હોય તો તે સમયે વિચારીએ હવે મારે આગળ શું કરવું છે? વર્તમાનમાં રહેવાનો અર્થ એ જ છે કે જે ક્ષણે આપણે જે કરવા માંગીએ છીએ એ ક્ષણે એજ પ્રકારના વિચારો આવે. આપણને એવું લાગે છે કે પહેલાથી યોજના બનાવીને આપણે સમયને બચાવી લઈશું તથા તે સમયે યોગ્ય નિર્ણય લઈ શકીશું. પરંતુ વાસ્તવમાં તેવું થતું નથી. ઘણીવાર પહેલેથી વિચારવાના કારણે કોઈ જુદો જ નિર્ણય લઇએ છીએ અને જ્યારે વર્તમાન સમયમાં આવીએ છીએ ત્યારે સંજોગો પ્રમાણે કોઈ બીજો જ નિર્ણય લઇએ છીએ કારણકે સમય અને પરિસ્થિતિ બદલાઈ ગયેલ હોય છે.

આ સમયે આપણે પહેલા લીધેલ નિર્ણય અનુસાર કાર્ય કરીએ છીએ જે યોગ્ય હોતો નથી. પરિણામે આપણે માનસિક રીતે એટલા નબળા બની જઈએ છીએ કે સમાધાન સામે હોવા છતાં પણ આપણને દેખાતું નથી. આપણે ફક્ત વિચાર કરવાનો છે કે મારી સાથે જે થઇ રહ્યું છે તે સારું જ થઈ રહ્યું છે. મારી ટ્રેન છૂટી ગઈ તો તેમાં પણ કોઈ કલ્યાણ સમાયેલું છે. આ સમયે આપણે બીજો ઉપાય વિચારવો જોઈએ. હું તણાવમાં રહું કે ખુશ રહુ તે મારી ઈચ્છા તથા વિચારો ઉપર આધાર રાખે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)