ખુશી મેળવવા મનનું ધ્યાન જરૂરી

(બી.કે. શિવાની)

જ્યારે આપણે આધ્યાત્મિકતાની વાત કરીએ છીએ ત્યારે એવું લાગે છે કે આપણે જાણે કોઈ બીજાની વાત કરવાના છીએ. પરંતુ જયારે આપણા પોતાના જીવનની સંબંધિત વાત હોય ત્યારે આપણે રસપૂર્વક સાંભળીએ છીએ. જીવનમાં મોટાભાગની બધી ચીજ વસ્તુઓ જેવી કે ધન, સાધન, સંપતિ, જમીન, મકાન, પરિવાર, માન-મોભો, ઉંચો હોદ્દો, પ્રતિષ્ઠા હોવા છતાં પણ ઘણી વાર એવું અનુભવીએ છીએ કે આપણે ખુશ નથી. હવે આપણે એવાં તારણ ઉપર પહોંચીએ છીએ કે, આપણે બધાનું ધ્યાન તો રાખીએ છીએ પરંતુ હું પોતે જે છું – આત્મા તેનું ધ્યાન આપણે રાખી શકતા નથી. આત્માનું ધ્યાન કેવી રીતે રાખી શકાય?

તો ચાલો, તેની સાથે જોડાયેલ કેટલીક સારી-સારી વાતોની ચર્ચા આપણે કરીએ.

આપણે આપણાં પોતાના શરીરનું કેટલું બધું ધ્યાન રાખીએ છીએ? આરામદાયક જિંદગી, સારું-સારું જમવાનું, સારા બ્રાન્ડેડ, નવી આધુનિક ઢબના કપડાં પહેરવા, બાળકોને સારામાં સારી રીતે ઉછેરવા, કાર પણ વાતાનુકૂલિત હોવી જોઈએ.. આમ, આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણી પાસે તમામ આધુનિક અને અદ્યતન સાધન-સામગ્રી હોવી જ જોઈએ. કોઈ અસુવિધા કે ખામી ન હોવી જોઈએ. પરંતુ આપણે મન વિશે ભૂલી જ જઈએ છીએ. કદાચ મનનું ધ્યાન રાખવાનું આપણને આવડતુંય નથી.

દરેક વ્યક્તિ પોતાની જાતને પૂછે કે હું ખુશ કેટલો રહું છું? મારા મનની સ્થિતિ કેવી છે? કોઈપણ વ્યક્તિ સચોટ રીતે નહીં બતાવી શકે કે પોતાની ખુશીનો ઇન્ડેક્સ (આંક) કેટલો છે? પરંતુ બધા તરફથી એક સર્વ સામાન્ય જવાબ મળે છે કે, જેટલી ખુશી જીવનમાં મળવી જોઈએ તેટલી ખુશી તો મળતી જ નથી. દરેક વ્યક્તિએ પોતાની જાતને જોઈ, ચેક કરવાની હોય છે. કારણ કે બની શકે કે હું તમને કહું કે તમે ખુશ લાગતા નથી. પણ અંદરથી તમે બહુ જ ખુશ-મિજાજમાં હોઈ પણ શકો. જે મને તમારા બાહ્ર્ય દેખાવ પરથી ખ્યાલ ન પણ આવે.

ખુશી એ કોઈ બીજા કોઈ વ્યક્તિ દ્વારા મળનાર પ્રમાણપત્ર નથી. આ એક એવી બાબત છે કે જેને માત્ર ને માત્ર તમે જ જાણી શકો છો અને અનુભવી શકો છો કે તમે અંદરથી કેટલા ખુશખુશાલ છો. ઘણીવાર એવું પણ બને છે કે, જ્યારે તમે એક સંચાલકના સ્થાને હો ત્યારે તમારે તમારો ચહેરો હસતો રાખવો પડે છે. બહારથી સુંદર દેખાવ રાખવો પડે છે કે શક્તિશાળી બનીને કૃત્રિમ રીતે હસતાં પણ રહેવું પડે છે.

તમે અંદરથી ઘણાં દુઃખી કે અશાંત હો, પરંતુ તમારે તમારા ચહેરા ઉપર હંમેશા ખુશી રાખવી કરવી પડે છે. પ્રેમથી બધાનું સ્વાગત કરવું પડે છે પરંતુ કોઈક વાર એવું પણ બની શકે કે આજે તમે અંદરથી ખુશ નથી, નારાજ છો, મૂડ નથી. આવું બનતું હોય છે કે નથી? હા, આવું પણ બની શકે છે.

આજે તમે તમારી આંતરિક શક્તિ કરતા પણ ઘણું વધારે કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો છતાં પણ તમને આનંદ મળતો નથી. પછી આપણે અંદરથી મનોમન એમ કહીએ છીએ કે બીજા લોકો મારા કામથી કે મારાથી ખુશ નથી. પણ તમે પોતે જ આનંદમાં નથી તો તમારા દ્વારા કરેલા કામમાં પણ તે આનંદ ઝલકાશે નહીં.

માનો કે, આજે તમે બાળકો માટે ખૂબ જ પ્રેમથી તેમને ભાવતી વાનગી (પીત્ઝા) બનાવી. તમે એવું સમજીને પીત્ઝા બનાવ્યા કે આજે તો બાળકોને મારા બનાવેલા પીત્ઝા ખૂબ ભાવશે. બાળકોએ તે ખાધા, પરંતુ તેમને સારા ન લાગ્યા. તમે તો બહુ જ ખુશીથી બનાવેલા. પરંતુ તેઓ પીઝા ખાઈને જેટલા આનંદિત કે ખુશ થવા જોઈએ તેટલા ના થયા. તો તેમને જોઇને તમે દુઃખી થઇ ગયા. પછી તમને આવેશ કે ગુસ્સો આવવો શરૂ થઈ ગયો. આ પરિસ્થિતિમાં આધ્યાત્મિક પાસું  જોઈએ તો એમ કહી શકાય કે, તમે તે પીત્ઝા ખુશ થઈને નહોતા બનાવ્યા.

 

તમે મનોમન એમ વિચારતા હતાં કે બાળકો પીત્ઝા ખાઈ ખુશ થશે અને બાળકો ખુશ થશે એટલે મને આનંદ થશે. આમ આ બાબતમાં આપણે મનમાં એક દ્રશ્ય તૈયાર કરવાનું શરૂ કરીએ કે એકાદ કલાક પછી આવું થશે. હું પીત્ઝા બનાવીશ. બાળકો પાસે લઈને જઈશ. બાળકો પીત્ઝા જોઈ ખુબ ખુશ થઈ ગયા છે. ખૂબ હોંશે-હોંશે પ્રેમથી જમી રહ્યાં છે. આ દ્રશ્ય જોઈ મને ખૂબ આનંદ થાય છે. આ જ તો મનની શક્તિ છે. જેને આપણે જાદુના ચિરાગની જેમ વાપરવાની છે. જે પરિસ્થિતિ હજી આવી નથી, તેને આપણે પહેલેથી જ બુદ્ધિ દ્વારા જોવાનું શરૂ કરી દઈએ. હજી તો પીત્ઝા બન્યા પણ નથી. પરંતુ હું જે દ્રશ્ય મનમાં ઉત્પન્ન કરું છું તે દ્રશ્ય મને આનંદ અને ખુશી આપવાનું શરૂ કરી દે છે. સાથે-સાથે આપણું મન તે માટે તૈયાર પણ થઈ રહ્યું છે કે, આ રીતે બાળકો ખુશ થશે. તેઓને ખુશ જોઈને હું પણ ખુશ થઈશ.

પરંતુ ધારો કે જે વાસ્તવિક ઘટના બની તે માટે આપણે તૈયાર કરેલ દ્રશ્ય સાથે સામ્યતા ધરાવતી નથી. ઉદાહરણ રૂપે – પીત્ઝા ખાવાથી બાળકો ખુશ ના થયા તો તેનું પરિણામ કેવું આવશે? આપણા મનમાં નિરાશા અને દુઃખની લાગણીઓ શરૂ થઈ જાય છે. આપણે આપણા મનને પહેલેથી જ તૈયાર કર્યું હતું ને! મનની એટલી તૈયારી હતી કે બાળકોને પીત્ઝા સારા લાગશે. તેઓ પીઝાના અને મારા બનાવવાના પણ વખાણ કરશે. તેઓ ખુશ થશે અને હું પણ ખુશ થઈશ. આ રીતે આપણે મનની ખુશી માટે પુરી રૂપરેખા તૈયાર કરી. જે માટે જરૂરી બાબત એ હતી કે બાળકો ખુશ થશે, પરિણામે હું ખુશ થઈશ. પણ જ્યારે આખી ઘટના જ બદલાઈ ગઈ તો પરિણામ તો તેની જાતે જ બદલાઈ જશે. મનનું આ પ્રોગ્રામિંગ આપણે પીત્ઝા બનાવતી વખતે કર્યું હતું. પીત્ઝા તો હું બનાવી રહી છું. મન તો ફક્ત દ્રશ્ય ઉત્પન્ન કરી રહ્યું છે.

આ પરિસ્થિતિમાં આપણે એ રીતે વિચારવું જોઈએ કે હું હંમેશા આનંદમાં છું. પીત્ઝા બનાવતી વખતે પણ આનંદમાં છું અને બાળકોને ખવડાવતી વખતે પણ ખૂબ ખુશ છું. ખુબ જ પ્રેમથી તેમને પીત્ઝા પીરસી રહી છું. જો બાળકોને પીત્ઝા પસંદ ના આવ્યા તો તે તેઓની પસંદગી તથા સ્વાદનો પ્રશ્ન છે. આનંદ કે ખુશીનો નહીં. પરંતુ જો આપણે બંને બાબતોને ભેગી કરી દઈશું તો આપણું અભિમાન જ આપણને દુઃખી કરશે. પ્રશ્ન સ્વાદનો છે. બની શકે કે બાળકોને તે પસંદ ન આવે.

પરંતુ મેં તરત જ પ્રતિક્રિયા કરી દીધી કે, મેં આટલી બધી મહેનતથી તમારા માટે પીત્ઝા બનાવ્યા અને તમને તે ગમ્યાં નહિ? ભાવ્યા નહિ? તે સમયે પીત્ઝા તો એક બાજુ રહી જશે, પરંતુ જે મનદુઃખનું દૃશ્ય ઊભું થશે તે કેવું વિચિત્ર હશે? જરા વિચારો તો ખરા! આપણે કોઈ પણ કાર્યની શરૂઆત આનંદ અને ખુશી મેળવવાના હેતુથી કરેલ. પરંતુ અહી આખી વાત જ બદલાઈ ગઇ. આપણે દિવસ દરમિયાન મનમાં જે કોઈ વિચારો કરીએ છીએ તે વિચારો ઉપર જ આગળ પરિણામ આધારિત હોય છે. અત્યારે આપણે મનમાં એવા વિચાર કરીએ છીએ કે, આમ થશે તો હું ખુશ થઈશ. તેઓ મારી સાથે સારી રીતે વાત કરશે તો હું ખુશ થઈશ. ફોન આવશે તો હું ખુશ થઈશ…

ઘણીવાર આપણે વિચારીએ છીએ કે મેં મારા પતિ માટે આ કામ કર્યું. મારી મમ્મી માટે આવું કામ કર્યું.  મારા બાળકો માટે આટલું બધું કામ કર્યું વગેરે વગેરે… શું એનાથી તમને ખુશી મળી? ઘણીવાર ખુશીની પ્રાપ્તિ માટે આપણે ઘણો ત્યાગ કરવો પડે છે. હું આવું કરીશ કે આમ કામ કરીશ તો તમે ખુશ થશો. તમે ખુશ થશો તો હું ખુશ થઈશ. આ સમીકરણ બરાબર છે કે? તમે ખુશ થશો તો હું ખુશ થઈશ? પરંતુ ધારો કે સામેવાળી વ્યક્તિ ખુશ ન થઈ તો? તો શું તમારા આનંદ કે ખુશીનો આધાર બીજા વ્યક્તિની ખુશી છે? તે ખુશ તો જ તમે ખુશ? તો આ તો એવું બન્યું કે ચાવીવાળા રમકડાંની જેમ જેટલી ચાવી ભરો તેટલાં તે રમકડાં ચાલે, જયારે ચાવી પૂરી થઇ જાય ત્યારે ફરીથી ચાવી ભરવી પડે.

આપણે આપણા મૂડ, આનંદની ચાવી બીજાના હાથમાં આપી દઈએ છીએ. તે વ્યક્તિ જો કોઈ પોતાની વાતમાં-ચિંતામાં ડૂબેલી હોય તો તે મને પણ ચિંતા, દુઃખ-દર્દ અને તણાવના જ વાઇબ્રેશન આપશે. તેથી આપણે આનંદના બદલે ચિંતા, તનાવમાં આવી જઈશું. મારા પડોશી બેન થોડા સમય પછી તેમનાં પતિદેવનો જન્મ દિવસ આવતો હોય તેમને ભેટ આપવા એક સુંદર શર્ટ ખરીદી લાવ્યા. જયારે ખરીદી કરવા જવાનું હતું ત્યારે તેમની પાસે વાહન ન હતું. બે બસ બદલીને ખૂબ મહેનત કરી સારી દુકાનમાંથી શર્ટ લાવ્યા. પરંતુ તે શર્ટ તેમના પતિદેવને પસંદ ન આવ્યું. તેમણે કહ્યું કે, આ શર્ટ તો હવેથી હું રોજ રાત્રે પહેરીને સૂઈ જઈશ. આ સાંભળીને શર્ટ તો બાજુમાં રહી ગયું, પણ પત્નિને બહુ જ ખરાબ લાગ્યું. હવે તમે સમજી ગયા હશો કે, ત્યાર બાદ શું થયું હશે? જો બીજા લોકો ખુશ થશે તો હું ખુશ થઈશ! આ રીતે મનનું પ્રોગ્રામિંગ કરવાથી આપણાં આનંદ અને ખુશીનો આધાર અન્ય લોકો બની જાય છે. આપણો આનંદ તેમનાં આધારે રાખવાની એક પ્રકારની ટેવ થઈ જાય છે.

તમારી નજીકના કોઈ સગાં-સબંધી બીમાર હોય કે દુ:ખી હોય તેવા સંજોગોમાં તમે તેમનું ધ્યાન  ત્યારે જ રાખી શકશો જયારે તમે અંદરથી સ્વસ્થ અને આનંદમાં હશો. આ કોઈ સ્વાર્થની વાત નથી. આનો મૂળમંત્ર તો એ છે કે, જો તમે માનસિક રીતે સ્વસ્થ અને આનંદિત રહેશો તો જ અન્યની સાર-સંભાળ રાખી શકશો. માનો કે સવારે તમે બહુ જ સારા મૂડમાં હતાં. પરંતુ ઘરમાં બીજાનો મૂડ બરોબર ન હોવાથી તમે ચિંતા અને ટેન્શનમાં આવી અશાંત થઈ ગયા. તમે આ તમામ દોષ બીજાને આપો છો કે, તમને તો ગમતું જ નથી કે હું ખુશ રહું. તમે મારી સાથે એવી રીતે વાત કરી કે, મારો મૂડ જ ખરાબ થઈ ગયો. બીજાનો મૂડ બરાબર નથી તે તેમના મનની સ્થિતિ છે. પરંતુ હું મારા મન ઉપર નિયંત્રણ ન રાખી શકું? મારા મનને ખુશ અને આનંદિત રાખવું તે મારી પ્રથમ જવાબદારી છે અને તે ફક્ત મારા જ હાથમાં છે.

વધુ આવતા લેખમાં…

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર 2019 દ્વારા સમ્માનિત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનના કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ અને લોકપ્રિય વક્તા છે.)