ખુશી કોને કહેવાય?: ભાગ-2

(બી. કે. શિવાની)

ભાગ-2: આપણે કોઈ છોડ કે વૃક્ષના મૂળમાં એટલે કે તેના બીજને પાણી ન રેડીયે અને તેના પાંદડા ઉપર પાણી છાંટીએ કે ફૂલ-ફળ ઉપર પાણી છાંટીએ તો, તે પાણી મૂળ સુધી પહોંચતા પહોંચતા તો સુકાઈ જાય છે. છોડ કે વૃક્ષના મૂળ સુધી તો પાણી પહોચતું જ નથી. તેમ આજની ચકાચોંધની દુનિયામાં પણ આપણે માત્ર ને માત્ર બાહ્ર્ય આડંબરો, દેખાવ પુરતું જ આપણે આપણી જાતને ઉપર-ઉપરથી સામાન્યભાવ અને ખુબ સાધારણતાથી જ જોઈએ છીએ. આપણે કયારેય પોતાને અંતરમનથી કે અંદરથી સમજવાનો પ્રયત્ન કર્યો જ નથી. આજના સમયમાં આત્માના આંતરિક સદગુણોને વધારવાનો પ્રયત્ન કરવો ખુબ જરૂરી છે.

આપણે કુટુંબ, પરિવારમાં અને મિત્રોને એવું કહેતા હોઈએ છીએ કે, મારે તો રોજ કેટલું બધું કામકાજ હોય છે, જેમ કે ઘરમાં બાળકોનું ધ્યાન રાખવું. ઓફીસમાં કે વેપાર ધંધામાં ધ્યાન આપવું. પાડોશી અને સમાજના પ્રસંગો જોવા. ઘરનું કામકાજ હોય. સાથે-સાથે મિત્રો, વડીલો ખુશ રાખવા કે બીજાઓને ખુશ કરવા. આ બધું કરવા તમને ખૂબ પ્રયત્ન અને મહેનત લાગે છે. તેનું મુખ્ય એ કારણ છે કે તમારું મન બહુ જ નબળું અને અશક્ત છે. સામાન્ય રીતે આપણે દિવસમાં 10 કલાક જેટલું કામ કરીએ છીએ. પણ જો આપણે થોડા બીમાર થઈ ગયા હોઈએ અને પણ બિમારીમાં 10 કલાક કામ કરીએ, તો સાજા હોઈએ ત્યારે અને બીમાર હોઈએ ત્યારે જે કામ કરીએ છીએ તે બન્ને દિવસોના કામમાં ફેર પડશે કે નહિ પડે? ચોક્કસ ફેર પડશે.

એક તો બીમારીના સમયે આપણી કાર્યક્ષમતા ઓછી થઈ જશે અને બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે આપણે તે દિવસે કામની સંપૂર્ણ મજા નહિ લઈ શકીએ. જેમ બાકી સામાન્ય દિવસોમાં કામની એક અનોખી મજા આવતી હોય છે. પણ આપણે એમ વિચારીએ છીએ કે, આજે તબિયત બરાબર સારી લાગતી નથી તો લાવ થોડો આરામ કરી, કોઈ ડોક્ટરને બતાવું. તો બીજા દિવસે હું પૂરી કાર્યક્ષમતાથી કાર્ય કરી શકીશ? તો કોઈને જવાબ મળશે – હા કે ના…

જેમ આપણે આપણા શરીરનું ધ્યાન રાખીએ છીએ તેમ આપણે આપણી આત્માના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપીએ, તો જીવનમાં નિશ્ચિંત બનીને કાર્ય કરી શકીશું. જીવનમાં આપણને માનસિક આનંદ નથી મળતો ત્યારે જીવન અર્થ વગરનું બની જાય છે. આવા સંજોગોમાં આપણે મનથી ખુશ રહેવા કેટલાક અન્ય ઉપાયો પણ કરવા પડે છે.

જયારે કોઈ સાધન સારી રીતે ચાલતું હોય, ત્યારે તે આપણને સારું પરિણામ આપે છે. પણ જો વચ્ચે-વચ્ચે મશીનમાં તેલ ન પૂરીએ, સાફ-સફાઈ ન કરીએ, તો એક દિવસ એવો આવશે કે મશીન અચાનક ખરાબ થઈ જશે અને બંધ થઈ જશે. પછી આપણે કહીશું કે મશીન બરોબર ચાલતું નથી. પણ જો નિયમિત રીતે મશીનમાં તેલ પૂરવામાં આવે અને વચ્ચે-વચ્ચે તેને ચેક કરવામાં આવે, તેની સાર-સંભાળ બરોબર રાખવામાં આવે તો તે લાંબા સમય સુધી સારી રીતે કામ આપતું રહેશે. તે પ્રમાણે જીવનમાં પણ સંતુલન અતિ આવશ્યક છે. વચ્ચે-વચ્ચે આપણે આપણા પોતાના મનની સાફ-સફાઈ, તેમજ એનર્જી વધારવા આધ્યાત્મિક વાંચન, મનન, ચિંતન, યોગનો અભ્યાસ કરવો જરૂરી છે.

વર્તમાન સમયે મેડીટેશન શબ્દ ખુબ જાણીતો છે. એક રીતે તો ધ્યાન કરવું એ ખૂબ અઘરી ક્રિયા લાગે છે. આખા દિવસમાં તમે ઓફિસનું, ઘરનું, પરિવારનું, પોતાની ચીજ-વસ્તુઓ ત્યાં સુધી કે પોતાના પ્રિય વાહનનું પણ ધ્યાન રાખો છો. આપ તે પણ ખાસ યાદ રાખો છો કે અમુક સમયે ગાડીને સર્વિસિંગ માટે મોકલવાની છે. સર્વિસ વગર નહિ ચાલી શકે, તે આપ જાણો છો. માટે આપણે ગાડીને સમયાંતરે સર્વિસિંગ માટે મોકલીએ  છીએ.

આમ આપણે આ બધી ભોતિક ચીજ-વસ્તુઓનું ધ્યાન રાખીએ છીએ. તો પછી આપણે આપણા મનનું ધ્યાન શા માટે રાખતા નથી?  મોટે ભાગે બધાંને એ ખ્યાલ નથી કે મનનું ધ્યાન કેવી રીતે રાખવું? તે કોઈની પાસે શીખવા જવાની જરૂર નથી કે પુસ્તક વાંચવાની જરૂર નથી. માત્ર આપણે તેની અગત્યતા સમજી સ્વયંથી જ શરૂઆત કરવાની છે.

જ્યારે પણ આપણે કોઈને પૂછીએ કે આખા દિવસમાં તમે તમારું કેટલું અને કેવું ધ્યાન રાખો છો? તો જવાબ મળશે અમે અમારા શરીરનું ધ્યાન તો રાખીએ જ છીએ. તેને સાફ-સ્વચ્છ રાખીએ છીએ. કસરત પ્રાણાયામ, ભોજનમાં ચરી (પરહેજ) પાળીએ, બધી બાબતોનું ધ્યાન રાખીએ છીએ. જ્યારે જ્યારે તેમના પોતાના વિશે પૂછીએ ત્યારે મોટાભાગે શરીરનું ધ્યાન (બાહ્ર્ય બાબતોનું) ધ્યાન રાખવાની જ વાતો કરવામાં આવે છે. પ્રશ્ન પૂછીએ કે મનનું ધ્યાન કોણ રાખશે? તો જવાબ મળશે કે મારા મનનું ધ્યાન ઉપરવાળા ભગવાન રાખશે. અર્થાત મનનું ધ્યાન રાખવાની જવાબદારી ભગવાનની છે, તેમ સૌ સમજે છે. આપણે સત્સંગમાં, મંદિરમાં કે ધાર્મિક સ્થળો પર કેમ જઈએ છીએ? કે થોડો સમય ત્યાં જવાથી પુણ્ય જમા થશે. આપણને સારા સંસ્કારો મળશે, સારા વિચારો મળશે, સારી નવી-નવી જ્ઞાનની વાતો જાણવા મળશે અને સારા કામ થશે. શું આપણે વિચારોમાં પરિવર્તન કરવા, સારા સંસ્કારોના ઘડતર કરવાના લક્ષ્ય સાથે સત્સંગમાં જઈએ છીએ?

આપણે સત્સંગમાં એટલા માટે જઈએ છીએ કે, એક-બે કલાક બેસવાથી સારી-સારી વાતો સાંભળવા મળે છે. તે સમયે સારી વાતો સાંભળીને કહીએ છીએ કે બહુ સરસ. હવે આવતા અઠવાડિયે ફરી મળીશું. પણ જયારે એક અઠવાડિયા પછી પણ આપણા જીવનની દિનચર્યા પહેલાની જેમ જ દુઃખ, અશાંતિ, તણાવના વાતાવરણ વાળી જ જોવા મળે છે. વળી ફરી આપણે અઠવાડિયા પછી સત્સંગમાં જઈએ છીએ. ત્યારે પણ આપણા મનનું ધ્યાન રાખવાનું લક્ષ્ય તો હોતું જ નથી. વાસ્તવમાં જીવનમાં પરિવર્તન લાવવા માટે અન્ય ચીજ-વસ્તુઓનું ધ્યાન રાખવાની સાથે આપણે આપણા મનનું ધ્યાન રાખવાની બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ. જીવનમાં બધી વાતોનું ખ્યાલ રાખનારૂ તો મન જ છે ન કે શરીર. જો મન ખુશ હોય પણ શરીર થોડું બીમાર હોય તો પણ આપણે રોજિંદી પ્રવૃત્તિ ચાલુ રાખી શકીશું. પણ મન જ દુઃખી અને અશાંત હોય તો ચોમેર સુખ સંપતિના સાધનોમાંથી મનની શાંતિ મળશે નહિ.

આજે આપણે બધી વાતોમાં એકબીજા ઉપર આધારિત થઈ ગયા છીએ. દિવસ દરમિયાન આપણે પોતાના શરીરના સુખનું ધ્યાન રાખીએ છીએ. શરીર માટે ગાડી, શરીર માટે મકાન, બધું શરીર માટે જ કરી રહ્યાં છીએ. સાથે-સાથે આપણે એ ભૂલી જઈએ છીએ મારે મારા મનનું ધ્યાન રાખવાનું છે. જો આપણે આપણા પોતાના મનનું ધ્યાન રાખી શકતા નથી તો બીજાના મનનું ધ્યાન કેવી રીતે રાખી શકીશું? પરિવારનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી છે. પરિવારમાં પણ આપણે ફક્ત તેમના શરીરનું જ ધ્યાન રાખી શકીએ છીએ. કોઈના મનનું ધ્યાન ન રાખી શકીએ. સારી સ્કૂલ, સારું શિક્ષણ, સારા કપડાં અર્થાત તમામ બાબતો સારી-સારી જ જોઈએ. બાળકોના ભાવનાત્મક સ્વાસ્થ્યનો ખ્યાલ તો કોઈ રાખી રહ્યું નથી. જયારે ધ્યાન રાખવાની વાત આવે છે તો પહેલા સ્વયંનો ખ્યાલ (ધ્યાન) રાખ્યા વગર બીજાનો ખ્યાલ (ધ્યાન) નહીં રાખી શકીએ.

આજે મારી પાસે બે રોટલી છે જે ખાધા વગર હું તમને ખવડાવી શકું છું. હું મારા માટે નવા કપડા નહીં લઉં. પરંતુ મારા બાળકો માટે નવા કપડાં લઈ શકું છું. પરંતુ હું પોતે ખુશ રહ્યા વગર બીજાને ખુશી નથી આપી શકતી. ખુશી એક એવી ચીજ છે કે જે પોતે અનુભવ કર્યા વગર બીજાને આપી નથી શકાતી. તે માટે સૌ પહેલાં તો પોતાનું ધ્યાન રાખવું પડશે, ત્યાર બાદ જ અન્ય લોકોનું ધ્યાન રાખી શકીશું. જો તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો તો તમારા બાળકો પણ મજબૂત રહેશે. તે માટે તમારે વધારે મહેનત નહીં કરવી પડે. પરંતુ જો તમે અશાંત હશો, તો તમારો સ્વભાવ ચીડિયો થશે, વારંવાર ગુસ્સો કરતા રહેશો તો પરિણામે તમારી નૈતિક શક્તિ ઓછી થતી જશે.

આ મુદ્દા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આપણે સર્વ બાબતો માટે ધ્યાન રાખી શકીએ છીએ પરંતુ જો મનનું ધ્યાન નથી રાખી શકતા તો બીજા કોઈનું પણ ધ્યાન નહીં રાખી શકાય. વાસ્તવમાં જોઈએ તો આપણે અન્ય વ્યક્તિઓનું ધ્યાન રાખવા જતાં, આપણે આપણા મનનું ધ્યાન જ નથી રાખી શક્યા. તો હવે આપણે બીજાની ભાવનાઓનું, બીજાની અપેક્ષાઓનું પણ ધ્યાન કેવી રીતે રાખી શકીએ? માટે ચાલો શરૂઆત કરીએ આજથી આપણે આપણા પોતાનાથી.

ખુશી કોને કહેવાય ભાગ-1 વાંચવા માટે અહીં ક્લિક કરો…https://chitralekha.com/religion/brahmakumari/what-is-called-happiness/

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]