ખુશી કોને કહેવાય?

(બી. કે. શિવાની)

જીવનમાં આપણે ઘણું બધું નિહાળીએ છીએ. વ્યક્તિઓ, મિત્રો, સબંધી, ચીજ-વસ્તુઓ અને તેમની પાસેથી આપણે નાની-મોટી અનેક વાતો શીખીએ છીએ. ભાવ-ભાવનાઓ, ધન, મદદ પણ મેળવીએ છીએ. આપણા ઘણાં સપનાં હોય છે, જે આપણાં જીવન અને પરિવાર કે બાળકોને અનુલક્ષીને હોય છે. પોતાની કારકિર્દીને અનુલક્ષીને પણ આપણા સપનાં હોય છે. જેમ-જેમ આપણે સપનાઓને સાકાર કરતા જઈએ છીએ તેમ તેમ આપણને આનંદ અને ખુશીનો અનુભવ થાય છે, પરંતુ આજે આપણે જોઈએ છીએ કે, જીવનમાં આપણે રાખેલી તમામ આશાઓમાંથી પસાર થતા-થતા ક્યાંક ને ક્યાંક આપણી ખુશી ઓછી થઈ રહી છે. ખુશી મળી અને થોડી વારમા જતી પણ રહી. આપણે ફરી તે ખુશીઓને મેળવવા, તેને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ.

આ લેખમાળામાં મારી કોશિશ એ છે કે ખુશી શું છે? ખુશી કોને કહેવાય? તે સમજીને પોતાના જીવનમાં અપનાવીએ. હું કેવી રીતે ખુશ રહી શકું છું? શું મને એ ખબર છે કે, એવી કઈ વાતો છે જે મને ખુશી આપે? ખુશી ક્યાંય બહાર બજારમાં કે કોઈના ઘરે, ક્યાંકથી મળશે? કે પછી કોઈ સાથેના સારા સ્વચ્છ સંબંધો દ્વારા મળશે? કે પછી કોઈ ભૌતિક ચીજ વસ્તુઓને આધારે પ્રાપ્ત થશે? કે પછી ખુશી મારી પોતાની અંદર જ સમાયેલી છે? એવી ઘણી બધી બાબતો છે કે જે આપણી ખુશી સાથે જોડાયેલ છે. આપ વારંવાર પોતાનું અવલોકન કરો કે મારી ખુશીનો ઇન્ડેક્સ શું છે?

આખા દિવસમાં ઘણી બાબતો કે પરિસ્થિતિઓ આપણી સામે આવે છે. કોઈ પ્રસંગ મારી પસંદ મુજબનો હશે, તો કોઈ પ્રસંગ મારી પસંદગી પ્રમાણેનો નહીં પણ હોય. તેવી જ રીતે કોઈ વ્યક્તિ હું ઇચ્છું છું તે પ્રમાણે વર્તશે અને કોઈ મારી ઇચ્છા મુજબ નહીં પણ વર્તે. મોટા ભાગે આપણે આપણી ખુશી પરિસ્થિતિઓ તથા વ્યક્તિઓ ઉપર આધારિત રાખીએ છે. આજે મોટે ભાગે દરેક વ્યક્તિઓ તેવું અનુભવે  છે કે, ખુશી ક્ષણિક મળે છે અને પળવારમાં ખુશી ગાયબ થઈ જાય છે. જેમ કે એક પ્રસંગ જે આપણી પસંદગી મુજબનો થયો, જેમાં બાળકો સવારે વહેલા ઊઠીને તૈયાર થઈ ગયા અને મને ખુશી થઈ. પણ બીજા પ્રસંગે બાળકો સમયસર તૈયાર થયા છે, પરંતુ તેમને લેવા માટે બસ ન આવી. તેથી કાર દ્વારા મારે બાળકોને સ્કૂલે મૂકવા માટે જલ્દી-જલ્દી જવું પડ્યું.

પ્રથમ પ્રસંગમાં ખુશી હતી, પરંતુ બીજા પ્રસંગે ખુશી જતી રહી. પછી એવું દ્રશ્ય સામે આવે છે કે, સમયસર બાળકો સ્કૂલે પહોંચી ગયા. ઘણું સરસ. પરંતુ બીજા દ્રશ્યમાં એ યાદ આવ્યું કે, જે નોટ-બુકમાં લેસન કર્યું હતું તે નોટ તો ઘરે જ રહી ગઈ. તો ફરી ખુશી જતી રહી. આવા દ્રશ્યો આપણાં માનસિક સંતુલન ઉપર ઘણો પ્રભાવ પાડે છે. કારણ કે આપણે આપણા મનનું નિયંત્રણ સંપૂર્ણ રીતે બહારની પરિસ્થિતિઓના હાથમાં સોપી દીધેલ છે. આપણે વિચારીએ છીએ કે, આવું તો સ્વાભાવિક હોય જ છે. જેમ જેમ પરિસ્થિતિઓ તથા પ્રસંગો બદલતા જશે, મારા વિચારો તે પ્રમાણે બદલતા જશે. તેથી ક્યારેક આપણને ખુશી મળે છે તો ક્યારેક દુ:ખ અને અશાંતિનો અનુભવ થાય છે. આપણે તેને સ્વીકાર કરી લઈએ છીએ કે આ કેવું જીવન છે?

આપણે પોતાના મનની શક્તિઓને પરિસ્થિતિઓને આધારિત બનાવતા ગયા. પરિસ્થિતિઓ દિવસે-દિવસે પડકારરૂપ બનતી ગઈ. ક્યારેક અનુકૂળ તો ક્યારેક પ્રતિકૂળ. જેના કારણે જીવનમાં અશાંતિનું પ્રમાણ વધતું ગયું. ત્યારે આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે, મારા જીવનમાં એક સારો પતિ-સારી પત્ની છે. ઘરમાં દર મહિને સંતોષકારક આવક આવી રહી છે. 35 વર્ષની ઉંમરમાં મેં બે માળનું મકાન બનાવી લીધેલ છે. બહાર અમારા બન્ને માટે અલગ-અલગ ગાડીઓ ઉભી છે. બાળકો માટે અલગ સાધનો છે. જીવનમાં તમામ ભૌતિક સાધનો હોવા છતાં હું ખુશ શા માટે નથી? હવે આનાથી વધુ શું જોઇએ? જીવનમાં આટલું બધું પ્રાપ્ત થયું હોવા છતાં કંઈક ખૂટે છે તેવો અનુભવ થાય છે. તેવામાં એક પ્રશ્ન થાય છે કે આ બધામાં આપણી ખુશી ક્યાં છે?

આપણે શરીરને તંદુરસ્ત રાખવા માટે કસરત શરૂ કરીએ છીએ. પરંતુ તે કસરતના કામનો પણ આપણે એક તણાવ અનુભવીએ છીએ. તેથી આપણે ફક્ત આપણા માતા-પિતાને જ જોવા જોઈએ કે, તેઓ ક્યારેય કોઈ જીમમાં કે વ્યાયામશાળામાં કસરત કરવા ગયા નથી. તેઓએ ક્યારેય મિનરલ વોટર નથી પીધું. તે જમાનામાં ભોજન ઉપર આજના જમાના પ્રમાણે આટલું બધું ધ્યાન રાખવામાં આવતું ન હતું. આપણા ઘેર સાદું ભોજન બનતું હતું, છતાં પણ આપણે ખુશી-ખુશીથી સ્વીકાર કરતા હતા. આજે આપણને શરીરને તંદુરસ્ત રાખવા માટે આટલું બધું ધ્યાન શા માટે રાખવું પડે છે? કારણ કે ભાવનાત્મક દબાણ ઘણું વધારે છે. શરીરમાં કોઈને કોઈ બીમારી કે સમસ્યા ચાલતી જ રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે, આપણે આત્માનું ધ્યાન રાખતા નથી. જેના કારણે સમસ્યાઓ અને પ્રશ્નો આવવાના શરૂ થઈ જાય છે. પરંતુ જો આપણે આત્માનું પણ ધ્યાન રાખીએ તો આટલું બધું દબાણને દૂર કરવા મહેનત કરવી નહીં પડે.

જો તમે કસરત કરવા જઈ રહ્યા છો અને બે કે ત્રણ વ્યક્તિઓ સાથે કસરત કરી રહ્યા છો. તો આપ પોતાને જુવો  કે તે સમયે મારા વિચારોની ગુણવત્તા કેવી છે?  શરીરની તંદુરસ્તી માટે ચાલવા જઈએ છીએ, પરંતુ સાથે-સાથે મનમાં તો નકારાત્મક વિચારો આવી રહ્યા છે. તો આ નકારાત્મક વિચારોની અસર સીધા આપણા મન પર જ નહીં પરંતુ સમગ્ર શરીર ઉપર પડે છે. જ્યાં સુધી આપણે આપણા વિચારોનો અનુભવ નહીં કરીએ કે, શારીરિક તંદુરસ્તી ઉપર આત્મિક તંદુરસ્તીનો કેટલો ઊંડો પ્રભાવ પડે છે! ત્યાં સુધી આપણે મનથી  સ્થિર રહી નહિ શકીએ. માટે જ સૌ પ્રથમ આપણે આપણા વિચારોને જોવાની જરૂર છે.

જો તમે એક વાત પર ધ્યાન આપો છો અને બીજી બાબતોની અવગણના કરો છો તો પરિણામ શું આવશે? મહેનત વધુ અને સફળતા ઓછી મળશે. આજે ડોક્ટર પાસે 30 વર્ષથી નીચેની ઉંમર વાળો કોઈ  યુવાન આવીને કહે કે, મારી જીવન પ્રણાલી બરાબર છે. હું ડ્રિંકિંગ-સ્મોકિંગથી દૂર રહું છું. હું સંપૂણ શાકાહારી ભોજન જ લઉં છું. દરરોજ સવારે નિયમિત જોગિંગ કરું છું, છતાં પણ મને આટલી બધી આળસ કેમ અનુભવાય છે? પણ તેમણે પોતાના શરીરની તંદુરસ્તી માટે સર્વ બાબતોનું ધ્યાન તો રાખ્યું, પરંતુ એક વાતનું ધ્યાન ન રાખ્યું કે, આખા દિવસમાં મારા મનની સ્થિતિ કેવી છે? અને સર્વ સામાન્ય રીતે એવું સ્વીકારી લીધું કે, હવે આનું કંઇ થઇ શકે નહીં. જીવનમાં ટેન્શન તો રહેવાનું જ છે. પણ આનો વિપરિત પ્રભાવ વિવિધ બીમારીઓના સ્વરૂપે આપણી પાસે આવે છે.

હવે આપણે સમજીએ કે માનસિક તથા ભાવનાત્મક તંદુરસ્તી એટલે શું? તેનો અર્થ શું છે? ખુશી એ આપણી માનસિક તંદુરસ્તીની નિશાની છે. જયારે તમને ખુશીનો અનુભવ નથી થતો, ત્યારે તમારે સમજી લેવું કે તે સમયે હું માનસિક રૂપે તંદુરસ્ત નથી. હવે તમે તમારા આખા દિવસના ઇન્ડેક્સને ચેક કરો કે આજે મારો આખો દિવસ કેવી રીતે પસાર થઇ રહ્યો છે? ખાસ કરીને તેવા સમયે કે જ્યારે તમે હળવાશનો અનુભવ કરી રહ્યા હો છો. ધારો કે હું ચાલવાની કસરત કરી રહ્યો છું અને ચાલતા ચાલતા તે સમયે ઘૂંટણમાં પીડાનો અનુભવ થઈ રહ્યો છે. પણ તેમ છતાં હું ચાલવાનું ચાલુ રાખું છું. એ સમયે કોઈ આપણને સલાહ આપીને કહે કે – કોઈ ડોક્ટરને બતાવો. ત્યારે તમે એમ કહો છો કે હા પછી બતાવીશું, અત્યારે તો સમય જ નથી. પછી બતાવવા જઈશું. ધીરે-ધીરે તમે એ બાબતનો સ્વીકાર કરી લીધો છે કે મારે પીડાની સાથે જ ચાલવાનું છે. અને મનને મનાવો છો કે મારી પાસે હોસ્પિટલમાં જવાનો સમય જ ક્યાં છે?  અને તમે મનથી કહો છો કે શરીરની પીડા તો મારા જીવનનો એક ભાગ બની ગયેલ છે. એ પીડાની સાથે જીવવાનું તમે સ્વીકાર કરી લો છો. શું આ તંદુરસ્તી છે? શું આ તંદુરસ્ત પગ છે? શું ઘૂંટણ ઠીક છે?  ના. તમે તે પીડાનો સ્વીકાર કરી લીધો અને તેને સામાન્ય ગણી લીધી. પરંતુ તે સામાન્ય નથી. તો પ્રશ્ન થાય કે શું આપણે માનસિક તણાવને આ રીતે જ સ્વીકાર કરી લેવો જોઈએ?

મનની સ્થિતિના સંબંધમાં પણ મનુષ્ય આવું જ કઇક વિચારે છે. જ્યારે આપણને ટેન્શન ના કારણે દર્દનો અનુભવ થાય છે, ત્યારે આપણે વિચારીએ છીએ કે આ દર્દ (પીડા)નું તેની જાતે જ સારું થઈ જશે. અને એ પછી આપણે તે દર્દનો કાયમ માટે સ્વીકાર કરી લઈએ છીએ. કોઈ આપણું ધ્યાન દોરે તો આપણે જવાબ આપીએ છીએ કે ટેન્શન તો બધાને છે ફક્ત મને એકલાને જ થોડું છે? જો તમે કોઈ સમારંભમાં જાઓ કે જ્યાં 100 વધુ વ્યક્તિઓ બેઠા છે. ત્યાં જઈને તમે એક સાધારણ પ્રશ્ન પૂછો કે કોને-કોને માનસિક તણાવનો અનુભવ થાય છે? તો હું વિશ્વાસ સાથે કહું છું કે ત્યાં તમને એક પણ એવો વ્યક્તિ નહીં મળે છે જે ઊભા થઈને કહે કે મારા જીવનમાં ટેન્શન નથી. 99% લોકો એમ જ કહેશે કે આ તો બધાને હોય જ. આ તો સ્વાભાવિક છે. બધાને અનુભવ થાય જ છે. આજે લોકોએ ટેન્શન સાથે જીવવાનું સ્વીકાર કરી લીધું છે.

જો કોઈ વ્યક્તિ એવું કહે કે હા મને ટેન્શન નથી. તો કોઈ તેની આ વાતનો સ્વીકાર જ નહીં કરે. કારણ કે બધાએ એ બાબતનો સર્વ સામાન્ય સ્વીકાર કરી લીધો છે કે ટેન્શન તો એક સામાન્ય બાબત છે. આ બિમારી વર્તમાન સમયે બધાને અનુભવાય છે. જેના કારણે આપણે પણ તેને સ્વાભાવિક જ ગણી લઈએ છીએ. જો આપણે પીડાને શરૂઆતથી જ ચેક કરાવી લઈએ તો આપણે ભાવનાત્મક રૂપથી સ્વસ્થ રહીશું. પરંતુ આપણને પીડા છે ને સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. માનસિક તણાવનો અનુભવ થાય છે અને આવેશ કે ગુસ્સામાં આપણે કહ્યું કે મારું ધ્યાન રાખવા માટે મારી પાસે સમય નથી. તો શું આપણે પોતાને સ્વસ્થ  કહી શકીશું?  ના. કારણ કે, આપણે આરામનો અનુભવ કરી રહ્યા નથી. મારૂ ભાવનાત્મક સ્વાસ્થ્ય આજે કઈ કક્ષાએ છે? તે જાણવા માટે મારે બીજા પાસે જવાની જરૂરિયાત નથી.

ઘણીવાર આપણે કોઈ એક કામમાં એકાગ્ર બની જઈએ છીએ તો થોડા સમય માટે આપણી પીડાને ભૂલી જઈએ છીએ. અને સમજીએ છીએ કે પીડા ખતમ થઈ ગઈ અને થોડા સમય પછી પીડાનો અનુભવ ફરીથી શરૂ થઈ જાય છે. કારણકે આપણે ફક્ત થોડા સમય માટે મનને પીડાના વિચારોથી અલગ કરી દીધું. ખરેખર તો આપણે જીવનમાં ઘણું બધું મેળવેલું હોય છે. વાસ્તવમાં આપણું જીવન ખૂબ જ સુંદર જીવન છે. પરંતુ ઘણા મનુષ્ય જીવનની આ સુંદરતાનો આનંદ ઉઠાવી શકતા નથી. આપણે આત્માની તંદુરસ્તી તરફ તો ધ્યાન જ નથી આપ્યું. બાકી તમામ બાબતોનું આપણે ખૂબ સુંદર રીતે ધ્યાન રાખીએ છીએ પરંતુ જે પાયાની બાબત છે, તે તરફ તો આપણે ધ્યાન જ નથી રાખ્યું. આપણું જીવન એક વૃક્ષ સમાન છે. જો વૃક્ષના બીજની ગુણવત્તા ઉપર આપણે ધ્યાન નહીં રાખીએ તો જીવનરૂપી છોડ સારી રીતે નહીં ઉગે. જીવનમાં કોઈ ચોક્કસ ઉણપ રહી જશે……

વધુ આવતા લેખમાં.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]