દ્વાપર યુગ પછી જેમ-જેમ દેહ અભિમાન વધતું જાય છે, પાપ કર્મોના ખાતા વધતા જાય છે. માટે જ બાબા કહે છે કે સૌના માથે પાપ કર્મોનો ભાર ભેગો થતા થતા અંતિમ જન્મમાં ખૂબ વધી ગયેલ છે. જેને આ જ જન્મમાં સમાપ્ત પણ કરવાનો છે. માટે કર્મ ભોગ દ્વારા, યોગ દ્વારા કે સજા દ્વારા તેનાથી મુક્ત થવું જ પડશે. ત્યારે જ આત્મા પોતાના ઘેર પરમધામ જઈ શકશે. કોને કયા જન્મના કર્મનું, કયું ફળ, ક્યારે મળશે તે ભગવાન સિવાય કોઈ નથી જાણતું. પરિણામે ઘણા લોકો એવી ખોટી માન્યતામાં રહે છે કે અમુક લોકો અપ્રમાણિક છે છતાં પણ તેમની પાસે ગાડી બંગલા છે. પરંતુ આ બધી ચીજો સુખ નથી આપી શકતી.
સુખ એ તો મનની અવસ્થાનું નામ છે. જેમને આપણે સુખી સમજીએ છીએ, જેમની પાસે ધન- દોલત, નોકર-ચાકર, મકાન વિગેરે છે તેઓ ખરેખર મનથી સુખી છે કે કેમ? તે એક પ્રશ્ન છે. તે સુખ કે દુઃખને આપણે જોઈ નથી શકતા. પરંતુ સૂક્ષ્મ રીતે જોઈશું તો આવી વ્યક્તિની મનોદશા ખૂબ દયા ઉપજાવે તેવી હોય છે. આવી વ્યક્તિઓ રાત્રે ઊંઘી પણ નથી શકતી, તેમને અપચાની પણ ફરિયાદ હોય છે, તેમના દીકરાની લાલચ ભરી નજર તેમની સંપત્તિ ઉપર હોય છે જો કોઈને પુત્ર ન હોય તો અન્ય કોઈ સંબંધી પણ વારિસની લાઈનમાં ઊભા રહી જાય છે.
પિતાના ભરેલ ખીસ્સાને હલકું કરવું તે પોતાનું કામ સમજીને છોકરાઓ વ્યસન તથા વિકારોને વશ બની જાય છે. આવી વ્યક્તિનું ઘર ઝઘડા તથા મોટા અવાજોનો અડ્ડો બની જાય છે. ઘરની કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે પોતાના પણાનો સંબંધ નથી રાખતી. ઘરની વ્યક્તિઓ જાણે કે એક બીજાથી અપરિચિત હોય તેઓ વર્તન કરે છે. સ્થૂળ ધનથી ભરપૂર હોવા છતાં પણ આવી વ્યક્તિ સાચા પ્યાર તથા શાંતિની ભિખારી હોય છે. પરંતુ જે વ્યક્તિ ઈમાનદાર, કામગરી, દયાળુ તથા સંતોષી હોય છે તેને ગાઢ ઊંઘનું સુખ, ભોજનનું સુખ, સ્વસ્થ શરીરનું સુખ, ઘરમાં શાંતિના વાતાવરણનું સુખ તથા આત્મસંતોષનો સહજ અનુભવ થાય છે. માટે જ સમજદાર વ્યક્તિ ઊંઘ તથા ભૂખ ઉડાવવા વાળા રસ્તાના બદલે સુખ- ચેન આપવા વાળો રસ્તો જ અપનાવશે.
કહેવાય છે કે મનુષ્ય પોતાના ભવિષ્યને નક્કી કરનાર પોતે જ છે. અગાઉના કર્મો જે થઈ ગયા તે આપણા હાથમાં નથી પરંતુ નવા કર્મો કરવું તે આપણા હાથમાં છે. માટે જ જે આપણા હાથમાં છે તેને સુધારી લઈએ. એવા કર્મો ન કરીએ કે જેનું ફળ દુઃખના રૂપમાં ભોગવવું પડે. જ્ઞાની વ્યક્તિ જો પાપ કર્મ કરે છે તો તેને 100 ઘણો દન્ડ ભોગવવો પડે છે.
આજના ભૌતિકવાદી યુગમાં મનુષ્યને અનેક અદ્રશ્ય બાબતો એ જકડી રાખેલ છે જેમાંની એક ફેશન પણ છે. આ બાબત પહેલી નજરે લોભામણી આકર્ષક તથા સુખદાયી લાગે છે, પરંતુ આ છે શ્વાસ રોકવા વાળી બાબત. જે વસ્તુ સહજ મળે, હિંસા વગર મળે, ખોટી સ્પર્ધા વગર મળે તથા ઓછા ખર્ચે પ્રાપ્ત થાય તે મેળવવી ખરાબ નથી પરંતુ જે વસ્તુને પ્રાપ્ત કરવા માટે હિંસાનો આશરો લેવો પડે, ખોટી સ્પર્ધામાં આવીને મનની ખુશી ગુમાવવી પડે, ગરીબ પરિવારોના બજેટનો મોટો ભાગ ગુમાવવો પડે તો તે ત્યાગ કરવા યોગ્ય વસ્તુ છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)