ઘણીવાર આપણે પોતાની આંખો બંધ કરી દઈએ છીએ અને કહીએ છીએ કે મને તેના ઉપર પૂરો વિશ્વાસ છે. આનું એક કારણ એ પણ છે કે આપણે તેની નબળાઈઓને જોવા નથી ઈચ્છતા. આપણે એ સમજવું જોઈએ કે દરેકની કાર્યક્ષમતા અલગ-અલગ હોય છે. આપણે દરેકને એ રીતે જોવા જોઈએ કે તેઓ પોતાની સમજ અનુસાર સારુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જ્યારે આપણા સંબંધોમાં નકારાત્મકતાની ઉર્જા આવી જાય છે તો તે સંબંધો ઉપર અસર કરે છે. જો આપણે આ ઉર્જા ને બદલી શકીએ તો આપણે બહુ જ ઉમદા વ્યક્તિ બની શકીએ છીએ.
આપ આપના કાર્યાલયમાં કે ઘરમાં આજથી જ એ પ્રયત્નો શરૂ કરી દો કે ગુસ્સા વગર પણ કામ થશે અને હવે હું ક્યારેય કોઈના પર ગુસ્સો નહીં કરું. કામ થાય તો પણ સારું કે કામ ન થાય તો પણ સારું, કામ મોડું થાય તો પણ કોઇ વાંધો નહીં, પરંતુ હું ગુસ્સે નહીં થાઊં. થોડાક દિવસો માટે આ પ્રયોગ કરી જુઓ. વાસ્તવમાં ગુસ્સો ન કરવાથી કામ પર અસર થશે જ નહીં. આપણને એ ખબર હોવી જોઈએ કે ઠપકો મળ્યા બાદ કોઈ સારી રીતે કાર્ય કરી શકતુ નથી.
ધારો કે તમે એક કામ એક કલાક ના બદલે બે કલાકમાં પૂરું કર્યું. પરિણામે આપણે તેને ગુસ્સે થઈને ધમકાવીએ છીએ. કામ સમયસર કેમ ન થયું? તમે આવો શા માટે કર્યું? તમે ક્યાં હતા? પછી આપણને ખ્યાલ આવે છે કે મારી અંદર આ વિચારો ચાલી રહ્યા હતા ત્યારે પોતે બહાર આવ્યા. આટલું સાંભળ્યા પછી કોણ મનથી કામ કરશે? આપણે એવું વિચાર્યું કે તેને ધમકાવવાથી કામ બહુ જલદી અને સારી રીતે પૂરું થશે. આ સમયે આપણે પોતાની જાતને સામેવાળી વ્યક્તિના સ્થાને મૂકી અને ચેક કરવું જોઈએ કે કોઈ મને આ રીતે ધમકાવે શુ મારુ મન કામ કરવા માટે રાજી થશે? કામમાં મન નહીં લાગે.
આપણે કોઈને પણ પૂછીએ કે કોઈ તમારી પાસે કોઈ કામ કરાવવા માંગે છે તો તમારી અપેક્ષા શું હશે? તમે એવું ઇચ્છશો કે કોઈ મારી સાથે પ્યારથી વ્યવહાર કરીને કામ કરાવે. દરેક વ્યક્તિની મારી અપેક્ષા હોય છે. પ્યાર કે સ્નેહથી આપણે કોઈની પણ પાસે કામ કરાવી શકીએ છીએ. હવે આપણે એ ચેક કરવાનું છે કે વાસ્તવમાં હું પ્યારથી બોલ્યો હતો? ક્યાંક એવું તો ન હતું ને કે બહારથી મીઠું બોલ્યા હોઈએ અને અંદર કડવાહટ ભરી હોય, આને આપણે પ્યાર નહીં કરીએ.
ધારો કે હું તમારો બોસ છું. મેં તે સમયે ઘણી બધી વાતો ન કહી . મેં તેને મનમાં ભરી રાખી. હવે ગુસ્સો આવતા જ તે બધી બાબતો બહાર આવી જાય છે. મેં તમારા અંગે એ વાતો મનમાં ભરી રાખી તે ફક્ત મેં ગુસ્સો કર્યો ત્યારે જ તમારી પાસે નથી પહોંચતી પરંતુ આખા દિવસ દરમિયાન ઉર્જા મારા તરફથી નીકળતી રહે છે. આપણે જે વ્યક્તિ વિશે જેવું વિચારીએ છીએ તેવી જ ઉર્જા તરત જ તે વ્યક્તિ પાસે પહોંચી જાય છે. જો હું બીજા દેશમાં હોઈશ તો પણ તે નકારાત્મક ઉર્જા તમારા સુધી પહોંચી જશે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)