બી.કે. શિવાની: આપણા વિચારોનું મહત્વ

આપણે જ્યારે ગુસ્સામાં આવીને કંઈક બોલી જઈએ છીએ ત્યારે બાદમાં સામેવાળી વ્યક્તિને કહીએ છીએ કે તમે એ બાબતને ગંભીરતાથી ન લેતા, કારણકે તે સમયે હું ગુસ્સામાં હતો. ઘણીવાર આપણને વિશ્વાસ નથી બેસતો કે ગુસ્સામાં આવીને આપણે શું શું બોલી ગયા? વાસ્તવમાં આખા દિવસ દરમિયાન આપણા મનમાં જે ભર્યું હોય છે તે બધું ગુસ્સાના સમયે વાણી દ્વારા બહાર આવી જાય છે. આપણને પોતાને જ એ ખબર નથી હોતી કે દિવસ દરમિયાન આપણે બીજા વિશે શું- શું વિચારીએ છીએ? આપણે કહીએ છીએ કે મહેરબાની કરીને તમે તે વાતને ભૂલી જાઓ. મારો તે અર્થ ન હતો. પરસ્પરના સંબંધ પાંચ મિનિટના ગુસ્સા દ્વારા બનતા કે બગડતા નથી. સંબંધ દરેક વિશે મારા મનમાં જે વિચારોનો સંગ્રહ છે તેના આધારે બને છે.

ધારો કે હું બોસ છું. હું મારા રૂમમાં બેસીને ઓફિસના દરેક કર્મચારી અંગે વિચારું છું કે ખબર નહીં ઓફિસમાં બધા કર્મચારીઓ બરાબર કામ કરતા હશે કે નહીં! આ કર્મચારી તો ખૂબ ધીરે કામ કરે છે, તેનાથી તો કંઈ પણ થઈ શકશે નહી. એ વાત સાચી છે કે આપણે આ પ્રકારના વિચારો જાણી જોઈને નથી કરી રહ્યા હોતા. પરંતુ આપણને તે સમજ હોવી જોઈએ કે હું કેવા વિચારો કરી રહેલ છું. કારણ કે તે આપણા જીવન માટે ખૂબ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં જ્યારે વાણી દ્વારા આપણા વિચારો પ્રગટ થાય છે ત્યારે જ આપણને ખબર પડે છે કે મારા મનમાં કેવા વિચારો ચાલી રહેલ છે! આપણા એકબીજા સાથેના સંબંધો શબ્દો ઉપર આધાર નથી રાખતા પરંતુ મનના વિચારોના આધારે આપણા દ્વારા કેવી ઊર્જા નીકળે છે એના ઉપર આધાર રાખે છે.

જો આપણે એકબીજા સાથે વિશ્વાસ તથા સન્માન સાથે કામ કરીશું તો ગુસ્સો આવશે જ નહીં. આપણે આ બાબત અંગે ખૂબ સાવધાન રહેવાની જરૂરીયાત છે. જ્યારે આપણને લાગે કે સામેવાળી વ્યક્તિ ખોટી રીતે કામ કરી રહેલ છે ત્યારે આપણે એવું વિચારવું જોઈએ કે મારી દ્રષ્ટિએ તે અયોગ્ય છે પરંતુ તે પોતાની રીતે યોગ્ય રીતે કામ કરી રહેલ છે. આવા વિચારો સાથે જો આપણે તેને કંઈ પણ કહીશું તો તેને ખોટું નહીં લાગે. આપણે એ કહેવાની જરૂર નથી કે – “હું તમારા ઉપર વિશ્વાસ કરું છું”. પરંતુ આપણે અંદરથી વિશ્વાસ રાખવો જોઈએ કે તે જે કરી રહેલ છે તે તેની રીતે યોગ્ય જ છે.


અહીં મેં તમારા ઉપર વિશ્વાસ કર્યો તમારું સમર્થન કર્યું. જ્યારે વાસ્તવમાં ભૂલ થયેલી છે. તમે ખુબ સંયમ તથા આત્મવિશ્વાસ સાથે કહેશો કે હા જી સર મારાથી ભૂલ થઇ છે પરંતુ હું બીજીવાર ધ્યાન રાખીશ. આના કારણે પરસ્પર વિશ્વાસ જળવાઈ રહેશે તથા આપણા સંબંધો ઉપર પણ તેનો કોઇ જ પ્રભાવ નહીં પડે.

હવે આપણે પોતાનું ચેકિંગ કરવાની જરૂરિયાત છે. એનો એક સુંદર ઉપાય છે કે જ્યારે ગુસ્સો આવે અથવા કોઈને ગુસ્સે થતાં જોઈએ ત્યારે વિચારીએ કે આપણે ગુસ્સામાં શું-શું બોલીએ છીએ. તેના ઉપર વિશેષ ધ્યાન આપી આ ટેવને બદલવાનો પ્રયત્ન કરીએ. ક્યારેય પણ પોતાની જાતને દગો ન આપીએ કે મેં તો એવું વિચાર્યું જ ન હતું, મારો એ મતલબ ન હતો.. વિગેરે વિગેરે. આપણો એક-એક વિચાર ખૂબ અગત્યનો છે તથા આપણે સતત એ ધ્યાન રાખવાનું છે કે મારા મનમાં કયા વિચારો ચાલી રહ્યા છે!

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]