વાસ્તુ: પ્રભાવશાળી વ્યક્તિત્વ પામવા શું કરવું જોઈએ?

તહેવારો શરુ થઇ ગયા અને થોડા સમયમાં એ વાતાવરણ બદલાઈ પણ જશે. જેમ કોવીડનો ભય જતો રહ્યો એમ તહેવારોનો આનંદ પણ જતો રહેશે. સુખ હોય કે દુખ એ બંને સ્થિતિમાં જે વિસરાઈ રહ્યું  છે એ છે ભારતીયપણું. એકબીજાની હુંફથી જીવવું, અન્યને મદદ કરવી, કોઈના દુઃખમાં ભાગીદાર થવું અને કોઈનું  સુખ જોઇને રાજી થવું આ બધા ભારતીય સમાજના ગુણધર્મો હતા. આજે જયારે આસપાસ નજર કરીએ છીએ ત્યારે અન્યના સુખથી દુખી થનાર, અન્યનું ઝુંટવી લેવાની વૃત્તિ ધરાવનાર લોકો વધતા દેખાય છે. ત્યારે વિચાર આવે છે કે શું આપણે પેલી વાર્તાના ઉંદરડા છીએ જે અન્યના ભાગની ચીઝ ખાવા માટે દોડાદોડી કરે છે? અન્યને ભૂખે મરતા જોઇને પોતાની સફળતાની યશગાથા લખવાનું આપણી સંસ્કૃતિ માં ક્યારેય નહતું. એક તરફ વાર્તાઓ ફેલાવતો સમાજ છે જે જોયા જાણ્યા વિના માત્ર અફવાઓ ફેલાવીને વિકૃત આનંદ લે છે તો બીજી તરફ વ્યસન તરફ આંધળી દોટ મૂકી પોતાને હોંશિયાર ગણાવનારા લોકો વધી રહ્યા છે. પહેલા માત્ર તાળી મિત્રો જીવનને બગાડતા. હવે પ્યાલી મિત્રો પણ જોવા મળે છે. શું ફરી ભારતીય વિચારો સાથે ભારતીય ઉત્સવ ન મનાવી શકાય?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. નીચે દર્શાવેલા ઈમેલ પર આપ આપની સમસ્યા અને સવાલ જરૂરથી જણાવી શકો છો.

સવાલ: હું એક કોલેજમાં નોકરી કરતો હતો. એક વિદ્યાર્થી જે મારા કરતા ઉમરમાં મોટા હતા અને વધારે સ્માર્ટ પણ, એમની મારા માટેની સલાહ, મદદ અને લાગણીથી પ્રેરાઈ અને મને એમના માટે આકર્ષણ થઇ ગયું. મેં વારંવાર એમને મારી લાગણી દેખાડવા પ્રયત્ન કર્યો. અંતે એમણે સ્વીકાર્યું કે એમને પણ મારા માટે લાગણી છે. એમને માટે લાગણી માનસિક હોય છે એવી ભાવના હતી. મને ડર લાગ્યો કે એ મારી ફરિયાદ કરશે. એટલે મેં જ પ્રિન્સીપાલને અમારા વિષે વાત કરી દીધી. પ્રિન્સીપાલને પણ એ વ્યક્તિ ગમતી હતી એટલે એમની હિંમત વધી ગઈ. એમણે પેલી વ્યક્તિને પ્રસ્તાવ મુક્યો. પેલી વ્યક્તિને મારાથી ખરાબ લાગ્યું અને એણે કોલેજ છોડી દીધી. મને ખુબ ગુસ્સો આવ્યો. મેં એમને બ્લોક કરી દીધા. મારા સંજોગોએ મને પણ કોલેજ છોડાવી. મારી લાગણી યથાવત છે. પેલી વ્યક્તિતો કદાચ જીવનમાં પહેલી વાર પ્રેમ કરતી હતી. એટલે એની લાગણી બદલાઈ નહિ હોય. મને હજુ પણ ડર લાગે છે. જે થયું એનું મુખ્ય કારણ જ મારો ડર હતો. શું કરું? સાચી સલાહ આપવા વિનંતી.

જવાબ: પ્રેમને ઉંમર, સ્થળ કે જાતિના બંધનો નડતા નથી. પણ પ્રેમમાં વિશ્વાસ અને વફાદારી ખુબ જરૂરી છે. કોઈ પ્રેમ કરે એનો ઢંઢેરો ન પીટાય. જે થયું એ ભૂતકાળ હતો. સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી. તમારી પ્રિય વ્યક્તિ જગ્યા છોડીને જતી રહી એ જ દર્શાવે છે કે એ તમને ચાહતી હતી. ગુનાહિત ભાવનાઓ સાથે પ્રેમ ન થાય. અને પ્રેમ થાય તો એ નફરતમાં ક્યારેય ન બદલાય. તમારી પાસે એ વ્યક્તિનું સરનામું હોય તો તમે ફરી એક વાર એનો સંપર્ક કરી જુઓ. હવે કોઈ ત્રીજી વ્યક્તિને વચ્ચે ન રાખશો. સાચો પ્રેમ નસીબથી મળે છે. શરીરને ચાહવા વાળા ઘણા મળશે. મનને સાફ કરીને ફરી એકવાર પ્રયત્ન કરી જુઓ. મનના અને મીડિયાના બ્લોક ખોલી નાખો. મારી ખુબ શુભેચ્છા.

સવાલ: સાહેબ, તમે મારા ગુરુ છો. તમારા લેખ વાંચીને મોટો થયો છું. તમારા ટીવી શો પણ જોયા છે. તમારી આંખો ખુબ પ્રભાવિત કરે છે. આવું પ્રભાવશાળી વ્યક્તિત્વ પામવા શું કરવું જોઈએ? સકારાત્મક ઉર્જા આંખોમાં છલકે એના માટે શું કરાય?

જવાબ: ભાઈશ્રી. આપનો ભારતીય વાસ્તુમાં રસ જોઈ અને આનદ થયો. પારદર્શક વ્યક્તિત્વ માટે પોતાની જાતને વફાદાર રહેવું ખુબ જરૂરી છે. તમને જે સાચું લાગે છે એ કરો. કોઈના પ્રભાવમાં આવીને નિર્ણય ન લો. આંખો એ હૃદયનો અરીસો છે. તમે સાચા હશો તો આંખો જ બોલશે. શબ્દો તો વાર્તાઓ પણ ઘડી શકે. કોઈ કઈક કરે છે તો એનું કારણ સમજવા પ્રયત્ન કરો. બની શકે એના સંજોગો વિપરીત હોય. જે કાઈ કરો સાચા હૃદયથી કરો ચોક્કસ પરિણામ મળશે.

સુચન: દિવાળી એ સાત્વિક તહેવાર છે, એ દરમિયાન કોઈ નકારાત્મક પૂજા ન કરવી જોઈએ.

Email: vastunirmaan@gmail.com