વિચારોને આધારે ભાગ્યનું નિર્માણ

(બી. કે. શિવાની)

આપણે એવા સમર્થ વિચારો કરીએ કે, કશું નહિ હવે બધું યોગ્ય થઈ જશે, તો આપણને અંદર શક્તિનો અનુભવ થશે. બીજા લોકો સાથે વાત કરવા માટે આપણે સમય કાઢીએ છીએ પરંતુ પોતાની જાત સાથે…? સવારે ઉઠીને પોતાની જાત સાથે વાત કરો. કારણ કે તમે જે વિચારો કરશો તે પ્રમાણે આખો દિવસ જશે. એવું દ્રશ્ય નજર સમક્ષ લાવો કે આજે આખા દિવસમાં શું-શું થવાનું છે? 

હવે તો કશું ના થઈ શકે. કાલે ખબર નહીં શું થશે? જો તમે આવા વિચારો કરશોતો તમારા પરિવારના સભ્યો પણ દુઃખી થઈ જશે. જો તમારા વિચારો નકારાત્મક હશે તો કોઈપણ કામમાં તમારું મન લાગશે નહીં. સૌ પહેલા તમારા દિવસની શરૂઆત એક સારા વિચાર સાથે શરૂઆત કરો કે હું એક આત્મા છું, હું શક્તિશાળી વિચારો કરું છું. મારે ધન શા માટે જોઈએ? ખુશ રહેવા માટે ને! આપણે ધન વગર પણ ખુશ રહી શકીએ છીએ? તે માટે જરૂરી છે ફક્ત બે મિનિટ પોતાની સાથે વાત કરવાની, અને તમે અનુભવ કરશો કે તમને ખુશીની આપો આપ મળવાની શરૂ થશે. જો આપણે ખુશીની ઉર્જા બહાર મોકલીશું તો આપણી પાસે ખુશી જ વળતી પાછી આવશે. 

આપણે બે દુકાનદારોનું ઉદાહરણ લઈએ. બંને એક સમાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. એક દુકાનદારે એમ વિચાર કર્યો કે કઈ પણ થાય હું આ વિપરીત પરિસ્થિતિને જરૂર સ્વસ્થતાપૂર્વક પસાર કરીશ. બધું બરોબર થઈ જશે. તે પરિસ્થિતિને પાર કરવા માટે કોઈ ખોટો રસ્તો નથી લેતા, કોઈની સાથે દગાબાજી નથી કરતા. તો હવે તેમની પાસે જે પણ ગ્રાહક આવશે તેને કેવી ઊર્જા મળશે? જો તમે  ખુશ છો, સ્વસ્થય હશો તો તમે દરેક ગ્રાહક સાથે સ્નેહપૂર્વક વાત કરશો અને બન્નેને સકારાત્મક ઊર્જા મળશે.  

બીજો દુકાનદાર આ જ પરિસ્થિતિમાં ખૂબ નિરાશ-હતાશ રહે છે. તેને ડર છે કે આવતીકાલે મારું શું થશે? એવું પણ બને કે તે માલમાં ભેળસેળ કરીને થોડો વધુ નફો મેળવવાનો પ્રયત્ન કરે. આ સંજોગોમાં જો કોઈ ગ્રાહક તેની પાસે આવે ત્યારે તે ગ્રાહક સાથે ઈમાનદારીપૂર્વક વાત નહીં કરે. તેના મનમાં અસલામતીની ભાવના રહેશે, તે એમ વિચારશે કે આજે મારી પાસે વધારે ગ્રાહક આવ્યા નથી તો આ જે એક ગ્રાહક આવ્યો છે તેની પાસેથી વધુમાં વધુ નફો કમાઈ લઉં, અને તે તેવો પ્રયત્ન કરશે. પછી ધીરે ધીરે તેનું ગ્રાહક પ્રત્યેનું વર્તન નકારાત્મક બની જાય છે. 

જો કોઈ નવા ગ્રાહક હશે તો તેઓ કઈ દુકાનમાં જવાનું પસંદ કરશે? ગ્રાહક તેજ દુકાનમાં જવા માટે આકર્ષાશે, જ્યાંથી તેમણે ઈમાનદારી અને સત્યતા દેખાશે. તે દ્વારા તેમને સકારાત્મક ઉર્જાનો અહેસાસ થશે. દુકાનદાર પોતાનું ભાગ્ય પોતાની જાતે જ બદલી શકે છે, તે માટે તેને ફક્ત ઈમાનદારી અને સત્યતાનો ગુણ અપનાવવાની જરૂર છે. બીજો કોઈ ખાસ પ્રયત્ન કરવાની જરૂર પણ નહીં રહે. આવા દુકાનદાર આશાવાદી હોય છે તે હંમેશા સકારાત્મક વિચાર કરે છે. જેના કારણે તેમની દુકાનમાં વધુ ને વધુ ગ્રાહકો આવતા રહે છે. આપણા ભાગ્યનું નિર્માણ આપણે પોતે જ કરીએ છીએ. આપણે જેવી ઉર્જા બહાર મોકલીએ છીએ તેના ઉપર આપણા ભાગ્યનો બધો આધાર છે. 

પોતાના વિચારોના આધારે એક દુકાનદાર ધંધામાં ખૂબ સફળતા પ્રાપ્ત કરે છે અને બીજો દુકાનદાર ઓછી સફળતા પ્રાપ્ત કરે છે. માની લો કે કોઈ એક સંસ્થાના પ્રમુખ એક લીસ્ટ લઈને બેઠા છે. કે આજે મારે કયા કયા કર્મચારીઓને છૂટા કરવાના છે? તેઓ કયા કર્મચારીઓને રાખશે! સ્વાભાવિક રીતે જે કર્મચારીઓ કામના દબાણની વચ્ચે પણ માનસિક રીતે સ્થિર રહીને કામ કરી શકશે તેવા કર્મચારીઓને રાખવાનું પસંદ કરશે. જે કંપની અગાઉ ૩૦૦ કર્મચારીઓ જોડે કામ કરાવતી હતી, હવે તે જ કામ ફક્ત ૧૦૦ કર્મચારીઓએ કરવાનું છે. જેથી તેઓ ઉપર કામનું ખૂબ ભારણ આવશે. પગાર વધારે મળશે. પણ કર્મચારીઓને આ સ્થિતિને પાર કરવા માટે આત્મિક બળની જરૂર પડશે. જો સંસ્થાના પ્રમુખને લાગશે કે આ કર્મચારીથી બરાબર કામ થઈ શકતું નથી તો તેને છુટો કરવામાં આવશે. જે વ્યકિત થોડા ઘણા દબાણ બરાબર કામ કરી શકતા નથી તેમને સૌ પહેલા છુટા કરશે. આવી રીતે આપણે આપણી માનસિક સ્થિતિને આધારે ભાગ્યની રેખા બનાવીએ છીએ.  

હવે એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે આપણું ભાગ્ય આપણે પોતે જ નક્કી કરીએ છીએ. જેવા મારા વિચાર હોય છે, તે પ્રકારે જ મારા ભાગ્યનું નિર્માણ થાય છે. 

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)