જૂનાં કપડાં પહેરીને નવાં પુસ્તકો ખરીદો…

“સ્વામી, તમે નવી દિલ્હીના બુક ફૅરમાં જશો?”

આજે સવારે એક સત્સંગીએ મને આ સવાલ કર્યો. ગયા શનિવારથી એટલે કે 25 ફેબ્રુઆરી, 2023થી નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ‘ન્યુ દિલ્હી ઈન્ટરનેશનલ બુક ફૅર’નો આરંભ થયો, જે પાંચ માર્ચ સુધી ચાલશે. 1972થી આરંભાયેલો આ આંતરરાષ્ટ્રીય પુસ્તકમેળો કોલકાતાના વિશ્વવિખ્યાત પુસ્તકમેળા પછી બીજા નંબરે આવે છે.

એમ કહેવાય છે કે સાહિત્ય એ જીવનનું પ્રતિબિંબ છે, માનવજીવનની આંતરિક સંવેદનાને વાચા આપવાનું વાહન છે. વિશ્વસાહિત્યનું વાંચન માણસ માટે માનસિક ખોરાક સાબિત થાય છે. પુસ્તક માનવીને પરિપક્વ, વિકાસશીલ અને ઉદાત્ત બનાવે છે. માણસના સર્વાંગી વિકાસમાં સાહિત્યનું સ્થાન આગવું અને મહત્ત્વનું છે. જો ઉચ્ચ કોટિની સાહિત્યકૃતિઓ ન હોત તો ગમેતેટલો અમીર માણસ લાગણીની દષ્ટિએ ગરીબ હોત.

જો કે પુસ્તકોની બાબતમાં લગભગ ઘણા લોકોની ધારણા આજે નિરાશાજનક અને ઉપેક્ષાવાળી છે. કમનસીબે આજે માનવી વૉટ્સઍપ ફૉરવર્ડ્સ વાંચવા-જોવામાં જેટલો ઉમળકો બતાવે છે એથી સાવ વિપરીત પુસ્તકની બાબતમાં ઉદાસ છે. એને લાગે છે કે પુસ્તકોની જીવનમાં ઉપયોગિતા નથી. આવી માનસકિતાને લીધે જ આજે શહેર, ગામડાંની શાળા કે પંચાયતના પુસ્તકાલયનાં પુસ્તકો ધૂળ ખાય છે. જે થોડાઘણા લોકો પુસ્તકો ખરીદીને વાંચે છે તે પણ માત્ર મનોરંજન માટે. તેથી સ્તો આજે બજાર મનોરંજન આપનારાં, સમય પસાર કરાવનારાં પુસ્તકોથી ઊભરાય છે.

એ સમજી લેવું જોઈએ કે નિમ્ન કોટિનાં સાહિત્યનું વાંચન માનવીની વૃત્તિના પીંઢારાને ઉત્તેજિત કરી તેને અધ: પતન તરફ દોરે છે, પરંતુ પુસ્તકનો ઉદ્દેશ તો માનવજીવનને દિશા આપવાનો, સમાજના નવનિર્માણનો છે, માનવમાત્રને પ્રેરણા આપવાનો છે.

અહીં સવાલ થાય કે કેવું સાહિત્ય વાંચવું?

હિંદી ભાષાના મહાનની કક્ષામાં આવતા સાહિત્યકાર મુનશી પ્રેમચંદે સાહિત્યની ગુણવત્તા નક્કી કરતાં લખ્યું છે: ‘જેમાં ઉચ્ચ ચિંતન હોય, સ્વાધીનતાનો ભાવ હોય, સૌંદર્યનો સાર હોય, જીવનની સત્યતાનો પ્રકાશ હોય તથા આપણી અંદર સંઘર્ષ જગાવે આપણને બેચેન કરી મૂકે તે સાહિત્ય અમારી કસોટીએ ખરું કહેવાશે. આપણને સુવાડે નહીં પરંતુ જગાડે, જાગીને ઊઠવા તેમ જ ઊઠીને આગળ વધવાની પ્રેરણા આપે તે સાહિત્ય.’

આ જગતમાં જેટલા મહાન પુરુષો થયા એમને મહાન બનાવવામાં પુસ્તકોનો બહુ મોટો ફાળો રહ્યો છે. રશિયન ભાષાના સુપ્રસિદ્ધ કથાકાર મૅક્સિમ ગોર્કીએ પોતાના નિબંધસંગ્રહ ‘મારી માર્ગદર્શિકા’માં લખ્યું છે કે યુવાવસ્થામાં હું ફ્રેન્ચ નવલકથાકાર-નાટ્યલેખક બાલ્ઝાક અને ચાર્લ્સ ડિકન્સનાં પુસ્તકો રસપૂર્વક રુચિથી વાંચતો. આ વાંચનથી મને જેમની સમસ્યા મારા કરતાં જુદી છે એવા લોકોનો પરિચય થયો. એ વાંચીને મને એવા લોકો માટે ઊભા થઈ સંઘર્ષ કરવાની પ્રેરણા મળતી.

લોકમાન્ય ટિળક કહેતા કે ‘નવાં કપડાં નહીં ખરીદો તો ચાલશે, જૂનાં કપડાં પહેરીને નવાં પુસ્તકોની ખરીદી કરતા રહો.’ તો મહાત્મા ગાંધીજીએ પુસ્તકોનું મહત્ત્વ બતાવતાં કહ્યું કે ‘સારાં પુસ્તકો પાસે હોવાથી મિત્રોની ખોટ સાલતી નથી.’

મહાત્મા ગાંધીજી આજીવન ગીતાના સિદ્ધાંત અને નૈતિક્તાને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરતા રહ્યા. એમને લિયો ટૉલ્સ્ટૉયના ‘કિંગડમ ઑફ ગાર્ડ’ પુસ્તકે ઘણા પ્રભાવિત કરેલા.  આ અને અન્ય વિશ્વસાહિત્યના વાંચનમાંથી પ્રેરણા મેળવી ગાંધીજી સતત અન્યાય સામે અહિંસક તરીકાથી અવાજ ઉઠાવતા રહ્યા. તો ગાંધીજીના જીવન, એમના સાહિત્યમાંથી પ્રેરણા લઈને અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગ જીવનભર રંગભેદની નીતિ વિરુદ્ધ લડતા રહ્યા. એમ તો માતૃભૂમિ માટે લડતા સ્વાતંત્ર્યસેનાનીનાં જીવનને ઘડવાનું કાર્ય પણ ઉમદા પુસ્તકોએ કર્યું છે.

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે “હું જ્યારે કોઈ પુસ્તક હાથમાં લઉં તો તેને પૂરું કર્યા વગર મૂકું જ નહીં.” સદવાંચન તેમને અતિ પ્રિય હતું. બી.એ.પી.એસ.ના વર્તમાન આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ સદવાંચનને પ્રેરણા આપે છે.

ચાલો, આજે સંકલ્પ કરીએ કે નિયમિત સારા, વિચારશીલ પુસ્તકોનું વાંચન કરીને વિકાસશીલ તથા ઉદાત્ત બનીશ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)