(હરીની રાણા)
મોરારીબાપુની છેલ્લા ૫૯થી પણ વધુ વર્ષથી ચાલતી રામકથાની આધ્યાત્મિક યાત્રા હંમેશા લોકો માટે, લોકો વતી અને લોકોની રહી છે. એમની નવ દિવસીય રામકથા એ વિભિન્ન સમુદાય, દેશ, સમાજ અને જૂદા-જૂદા ધર્મોના લોકોને, સામાજિક-આર્થિક ભેદભાવ દૂર કરીને એકતા સ્થાપિત કરવાનું સફળ અને અદ્દભુત માધ્યમ રહ્યું છે. આ ઉપરાંત, એમાં શાલીનતાથી સાંપ્રદાયિક સેતુબંધ કરતો, વિશ્વશાંતિનો સંદેશો આપતો અને રચનાત્મક સંવાદને પ્રોત્સાહિત કરતું એક હકારાત્મક વાતાવરણ નિર્માણ કરવાનો એક તેજપૂંજ પ્રજ્વલિત થયેલો અનુભવાય છે.
હમણાં, ગયા શુક્રવારે, ભાવનગર જીલ્લાના તેમના વતન તલગાજરડા ખાતે મીડિયા સાથે વાતચીત કરતા તેમની આધ્યાત્મિક યાત્રાનું એક વધુ પાસું પણ પ્રતિબિંબીત થયું જ્યારે તેમણે જણાવ્યું કે, “હું ક્ષમા માગવાવાળો અને બીજાને ક્ષમા આપવાવાળો વ્યક્તિ છું.”
મોરારીબાપુની આ પ્રતિક્રિયા એ ઘટના પછી આવી, જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારકાધીશ મંદિર ખાતે બાપુ પર હુમલો કરવા ધસી ગયા હતા અને બાપુ વિશે નિંદનીય ભાષાનો પ્રયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં બાપુએ એક કથા દરમિયાન ભગવાન કૃષ્ણના જીવનના અંતિમ વર્ષોની પીડા વ્યક્ત કરી હતી. તાજેતરમાં જ વાઇરલ કરાયેલી એક વિડિયો-ક્લિપથી યાદવ, આહિર અને અન્ય કેટલાક સમુદાયની ભાવનાઓને હમણાં હમણાં પહોંચેલી ઠેસ પછી અને સમાજમાં વિવાદ થવાની જાણ થતા બાપુએ જાહેરમાં ચાર વખત તેમની માફી માંગી હતી અને આંખોમાં આંસુ સાથે પોતાના હૃદયની પીડા વ્યક્ત કરી હતી.
ઇશ્વરકૃપાથી કેટલાક સતર્ક લોકોની ઉપસ્થિતિ અને સજાગતાને કારણે બાપુ ઉપરનો આ હુમલો એકાદ ઇંચ જેવા મામૂલી અંતરેથી નિષ્ફળ નીવડયો, પરંતુ ભારતના એક સાધુ પર કૃષ્ણ ભગવાનના મંદિરમાં જ થયેલો આ હુમલો કેવળ એક નિંદનીય ઘટના જ નથી, પણ એ એક સનાતન ધર્મ અને સત્ય-પ્રેમ-કરુણા ઉપરની આપણી અનંત શ્રદ્ધા ઉપરનો હુમલો છે. આ આપણી અહિંસક વિચારધારા અને એકતા ભંગ કરવાનો પ્રયાસ હતો. ભારતના એક આધ્યાત્મિક અગ્રણી જેમણે કાયમ સંવાદ, અહિંસા અને એકતાના સૂર પૂરાવ્યા છે. એમના પરનો હુમલો સમાજના અમુક લોકોની વિકૃત માનસિકતા દર્શાવે છે, જે કાયમ આક્રમકતા અને હિંસા દ્વારા શારીરિક નુકસાન પહોંચાડવા તત્પર છે. આ અત્યંત દુઃખદ છે.
અંદાજે છેલ્લા ૧૦૦ દિવસથી સમગ્ર વિશ્વ અને ખાસ કરીને આપણો દેશ કોવિડ-૧૯ના કારણે એક ખૂબ જ પડકારજનક સમયમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે આવા અત્યંત નાજુક અને સંવેદનશીલ સમયમાં મોરારીબાપુને હાથો બનાવીને એમના વિશે સોશિયલ મિડિયામાં અફવાઓ ફેલાવીને સાંપ્રદાયિક શાંતિને ડહોળવા માટે કેટલાક લોકો ઓવરટાઈમ કરી રહ્યા છે.
અમુક લોકોએ બાપુના વક્તવ્યના સત્ય-તથ્યનો ઈરાદાપૂર્વક ખોટું અર્થઘટન કરવાનો સુયોજિત અને સંગઠિત પ્રયાસ કર્યો છે. ૧૨ વર્ષ પહેલાનું સળંગ ૩-કલાકનું બાપુનું જે પ્રવચન હતું તેમાંથી ૧૫ સેકંડ જેટલા પસંદ કરેલા ભાગની વિડીયો-ક્લિપને છેલ્લા થોડા દિવસોથી રજૂ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં તો પ્રવચન દરમિયાન દરેક ધર્મોને લઈને સમગ્રતયા જે કહેવામાં આવેલું તેને આ ક્લિપમાંથી બાકાત કરી નાખીને ઈરાદાપૂર્વક ઉશ્કેરાટ અને ઉચાટ ઉભો કરવામાં આવી રહ્યો છે.
એવી જ રીતે, ત્રણ વર્ષ પહેલાના મોરારીબાપુના અંદાજે ૨૦૦ મિનિટના એક પ્રવચન પૈકી માત્ર ૬૦ સેકંડની એક વિડિયો ક્લિપ પણ બનાવવામાં આવી છે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણના અંતિમ વર્ષોનાં વસમા કાળને એક સંત ભારોભાર વલોપાતથી રજૂ કરે છે. એમના કહેવાનું તાત્પર્ય ઉદારતાપૂર્વક સાચા સંદર્ભથી સમજવાનાં બદલે ધરાર ઉશ્કેરણી ફેલાવવા માટે આ ક્લિપ ઉપયોગમાં લેવાઈ રહી છે. અત્યારે કોરોનાના કહેરના આ વાતાવરણ વચ્ચે પણ વર્ગવિગ્રહ ભડકાવવા માટે બીજી ઘણી ક્લિપ છેડછાડ કરીને, પોતાની સગવડ અનુસાર વિપરીત અર્થઘટન સાથે છેક હવે ૨૦૨૦માં ફરતી કરવામાં આવી રહી છે. બાપુ પ્રત્યે બેફામ દ્વેષભાવથી પીડાતા લોકોના ઇશારે પાયાવિહોણી અફવાઓ અને છેડછાડયુક્ત માહિતીઓ સોશિયલ મીડિયા જેવા પ્રભાવક માધ્યમ ઉપર સતત વહેતી મૂકવામાં આવી રહી છે, જેમાં બોટ્સ એને ફેક-ઇન્ફ્લ્યુન્સર્સનો પ્રયોગ કરીને બાપુ વિરુદ્ધ અપમાનજનક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
દ્વારકાની ઘટનાના થોડા કલાકો પછી ઉપરોક્ત તથ્યોને લોકો સુધી પહોંચાડવા માટે મેં મારા ‘વેરિફાઇડ’ ટ્વિટર એકાઉન્ટ દ્વારા જાહેરમાં મૂક્યા, પરંતુ જવાબમાં વાતનું વતેસર કરી તોફાન મચાવવા કૃતનિશ્ચયીઓની ગંદી ગાળો, નફરત, તુચ્છ કક્ષાના હિન્દી અપશબ્દો, અપમાનજનક ટીકાટીપ્પણી અને મારા ચારિત્ર્ય ઉપર આક્ષેપો મળ્યા. આ એ લોકો હતા, જેમને જાહેર માધ્યમોમાં ગંદી ગાળો લખવાનો જરાયે છોછ હોતો નથી.
આપણે બધા જાણીએ છીએ કે ફેક ન્યૂઝ એ કાંઇ આજકાલની બાબત નથી. આ પ્રકારના ફેક ન્યૂઝ ફેલાવવાનો પ્રયાસ ન કેવળ કોમી વિભાજન ફેલાવે છે, પણ બાપુ જેવા હિંદુ સનાતની આધ્યાત્મિક અગ્રણી કે જે અવિરતપણે કોમી એખલાસને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે, જે એમની કથામાં દરેક ધર્મના લોકોને રામકથાના મંચ પર આમંત્રિત કરવામાં અથવા તો બીજા ધર્મોના આમંત્રણનું માન રાખવામાં ક્યારેય ભય કે સંકોચ નથી અનુભવતા, એમના પ્રયત્નો અને ઉદ્દેશ ઉપર કુઠારાઘાત પણ કરે છે.
બાપુની રામકથા તો સર્વધર્મ સમભાવની વિચારધારાની પરાકાષ્ઠા છે, જ્યાં હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ ધર્મ સહિત જગતના કોઇપણ ધર્મને વખોડવામાં નથી આવતો. વિવિધ ધર્મોનાં આગેવાનોને આમંત્રણ આપીને બાપુએ તેમને એક જ સ્ટેજ ઉપર, કાયમ બાજુમાં જ બેસાડ્યા છે અને આ રીતે તમામ ધર્મોને એકસમાન આદર આપ્યો છે. તેઓ હંમેશા સંવાદ અને એકતાનાં વ્યક્તિ રહ્યા છે. દલીલો, વાદ-વિવાદ, શાસ્ત્રાર્થ કે તકરાર તેમનો સ્વભાવ નથી. તેમણે ક્યારેય સમાજમાં ભાગલા પડાવ્યા નથી કે ધર્મના આધારે ભેદભાવ કર્યા નથી.
વૈશ્વિક સ્તરે “રામાયણ” તરીકે ઓળખાતા આપણા પ્રખ્યાત ભારતીય ધર્મગ્રંથ “રામ ચરિત માનસ”ને લોકપ્રિય બનાવવા માટે મોરારીબાપુ સમકક્ષ પુરુષાર્થ કરનાર ભાગ્યે જ કોઈ સંત આપણી આસપાસ આજે દેખાય છે. જ્યાં રસ્તાઓ, વીજળી અથવા પાયાની સુવિધાઓ પણ આજ સુધી નથી પહોંચી એવા દેશ-પરદેશના દૂરદૂરનાં ગામડાઓ સુધી બાપુ પહોંચ્યા છે. બાપુ એ સમુદાયો સુધી પહોંચ્યાં છે, જેની સમાજ દ્વારા અવગણના કરવામાં આવે છે. તેમના અથાગ પ્રયત્નોથી વિશ્વભરના ભારતીય યુવાનો પણ પોતાના ભૂલાઇ ગયેલા ધાર્મિક અને આધ્યાત્મિક મૂળ તરફ આકર્ષિત થયા છે. કથાપાન કરનારનાં જીવનમાં આમૂલ પરિવર્તન થાય તેટલી હદે તેમણે આધ્યાત્મિકતાને સરળ બનાવી આપી છે.
સામાન્ય પ્રજાની કેટલીક મૂળભૂત સમસ્યાઓ બાબતે તેમણે કેટલાક ક્રાંતિકારી સુધારાઓ અનેક પ્રસંગોએ, એમની નિજતામાં રહીને, સાહજિક રીતે સૂચવ્યા છે અને અમલમાં પણ મૂકી બતાવ્યા છે. ઘણી જડ પરંપરાને પ્રવાહી પરંપરામાં પરિવર્તિત કરી છે. તેમની આવી કેટલીક ઐતિહાસિક, સામાજિક પરિવર્તનની પહેલનાં અમુક ઉદાહરણ જોઈએ તો: પોતાના વતન તલગાજરડાનાં રામ મંદિરમાં શસ્ત્ર વગરની ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવા બાબતને સમર્થન, મુંબઈના રેડલાઈટ એરિયા કમાઠીપુરાની મુલાકાત લઈને સામાજિક રીતે બહિષ્કૃત બહેનોની સામાજિક સ્વીકૃતિ માટેના પ્રયાસો અથવા તો એમને ભગવાન રામનાં જન્મસ્થળ અયોધ્યામાં ઐતિહાસિક રામકથામાં આમંત્રિત કરવું, ભારતભરમાં ફેલાયેલા કિન્નર સમાજ માટે રામકથાનું આયોજન વગેરેનો સમાવેશ થાય છે. જીસસ ક્રાઈસ્ટને શ્રધાંજલિ માટે વેટિકન સિટીમાં ઐતહાસિક રામકથા, ગ્રીક ફિલોસોફર સોક્રેટિસની સ્મૃતિમાં એથેન્સમાં રામકથા, ક્યોટો-જાપાન ખાતે ઝેન ફિલોસોફી બાબતની રામકથાના માધ્યમ દ્વારા પરિચર્ચા, હિરોશીમા-જાપાન ખાતે અણુબોમ્બથી જીવ ગુમાવનારાઓની સ્મૃતિવંદના માટે ભાવવાહી રામકથા અને અબુ ધાબી કે વાડી-રમમાં યોજાયેલી યાદગાર રામકથાઓ- આ બધા સરહદની પેલે પારનાં ઉદારહણો છે. આધ્યાત્મિક દુનિયાની અદ્રશ્ય ચેતનાના તરંગો એમના થકી આ રીતે વ્યાસપીઠ પરથી અવિરત, અસ્ખલિતપણે પ્રગટ થઇ રહ્યા છે.
માત્ર ભારતીય-દર્શનશાસ્ત્ર જ નહીં, પણ જગતના વિવિધ ધાર્મિક દર્શનશાસ્ત્રોનું અખૂટ જ્ઞાન ધરાવતા હોવાથી મોરારીબાપુની વાકશૈલી વિશિષ્ટ અને લોકપ્રિય બની છે. ક્યારેય સાંભળ્યા ન હોય તેવા નાવિન્યપૂર્ણ અને સરળ અર્થઘટન સાથે રસાળ ભાષામાં આવી બધી વાતો શ્રોતાઓને સમજાવીને એમને મંત્રમુગ્ધ કરવાની આવડત બાપુ ધરાવે છે. એમના અર્થઘટનો યુવાનોને નવી સમજ આપે છે અને એટલે યુવાનો એને પોતાની સાથે રિલેટ કરી શકે છે. બાપુ આ અર્થમાં નવા યુગનાં એવા સાધુ છે, જે સત્ય, પ્રેમ અને કરુણાના સંદેશાને ફેલાવવામાં અને શક્ય હોય તે તમામ રીતોથી સાંપ્રદાયિક સંવાદને ભરપૂર પ્રોત્સાહન આપવાની એકેએક તકનું સ્વાગત કરે છે. વર્તમાન સમયમાં સમાજમાં નફરત અને ભાગલા પાડવાની વૃત્તિ ધરાવનાર તત્વો જ્યારે માથું ઊંચકી રહ્યા છે ત્યારે આવા સંતને નિર્ભય અને સહાયક વાતાવરણ પૂરું પાડવું એ આપણા સૌનું સામુહિક દાયિત્વ બની રહે છે.
બળતામાં ઘી હોમવાની હલકી માનસિકતા ધરાવનારાઓને શાંત પાડીને વિવાદનો અંત લાવવા મોરારીબાપુએ એકવાર નહીં, પણ ચાર-ચાર વાર એમના ત્રણ વરસ જૂના ‘શ્રીમદ ભાગવત’ આધારિત વક્તવ્ય માટે માફી માગી છે. એમનાં ઉપર હુમલો કરવા આવનારને તો બીજા જ દિવસે માફી આપીને વાતને વધતી અટકાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. તેમના સત્ય, પ્રેમ અને કરુણાસભર વ્યવહારનો જૂઠાણાં, નફરત અને ગુસ્સા સાથે પ્રતિભાવ આપવાની કુચેષ્ઠા જે બે-ત્રણ મહિનાથી થઇ રહી છે, તે હવે બંધ કરવાની જરૂર છે. અત્યારે વાયરલ કરાયેલી વિડિયો ક્લિપ્સના આધારે મોરારીબાપુ અંગે જો કોઈએ પણ કોઈ અભિપ્રાય બાંધ્યો હોય તો એમને હું વિનમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે: “જીવન એ આપણા અનુભવોનો સરવાળો છે”, એટલે આવો, બાપુની એક આખી રામકથાનું શ્રવણ કરો અને તમારા પ્રત્યક્ષ અનુભવ અને અવલોકનના આધારે સત્ય અને અસત્યની પરખ કરો.
(હરીની રાણા મુંબઇસ્થિત જાણીતા ટીવી પત્રકાર અને કન્ટેન્ટ સ્ટ્રેટેજીસ્ટ છે)