પરમ આનંદની શોધમાં…

દિવ્ય શક્તિ એ આપણને વિશ્વના નાના તમામ સુખ આપ્યા છે, પરંતુ પરમાનંદ તો પોતાની પાસે જ રાખેલ છે. સર્વશ્રેષ્ઠ આનંદ મેળવવા માટે તેની અને માત્ર તેની પાસે જ જવું પડશે. ઈશ્વર સાથે વધારે ચાલકીથી તેને મૂર્ખ બનાવવાનો પ્રયત્નના કરો. તમારી મોટા ભાગની પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ તો માત્ર ઈશ્વર સામેની પંક્તિઓ-પ્રયુક્તિઓ જ છે. તમે ઈશ્વરને થોડું આપીને તેની પાસેથી વધારે લઇ લેવાની ફિરાકમાં જ હોવ છો.

તમારા પ્રયત્નોમાં નિષ્ઠાવાન રહો. ઈશ્વર સાથે વધારે પડતી ચાલાકી કરવાનો પ્રયત્નના કરો. જો તમને એકવાર પરમઆનંદની પ્રપ્તિ થશે,પછી બાકીનું બધું જ આનંદમય જ હશે. પરમાનંદ સિવાય દુનિયાની  કોઈ પણ વસ્તુમાં આનંદ નહી રહે. તમે આધ્યાત્મિકતા માટે ક્યાં પ્રકારનો સમય ફાળવો છો? આ આધ્યાત્મ માટેનો કોઈ ગુણવત્તા-સભર સમય નથી. આધ્યાત્મ માટે ગુણવત્તા-સભર સમય ફાળવો તો જ તેનો બદલો મળશે. તમારી પ્રાર્થનાઓનો જવાબ નથી મળતો કારણ કે- તમે ક્યારેય પણ પ્રાર્થના માટે ગુણવત્તા-સભર સમય આપ્યો જ નથી. સત્સંગ અને ધ્યાનને સૌથી વધુ પ્રાધાન્ય આપો. આધ્યત્મ માટે અગત્યનો સમય ફાળવો. તમને ચોક્કસ પણે બદલો મળશે જ.

ધારો કે જ્યારે તમારો ઈરાદો ઈશ્વર પાસે વરદાન મેળવવાનો હોય છે,  ત્યારે તમે ઉતાવળમાં હોવ છો. જયારે બીજી વ્યક્તિ કે જે પોતાને ઈશ્વરનો અંશ જ સમજે છે,તે કોઈ પણ બાબતે ઉતાવળમાં હોતી નથી. તેનામાં અખૂટ ધીરજ હોય છે. તમે જ્યારે સમજો છો કે તમે ઈશ્વરના જ એક અંશ છો, તો તમારે ઈશ્વર પાસેથી કંઈક પામવાની ઉતાવળ હોતી નથી. તમારી ઉતાવળ તમને ઈશ્વર સાથેના સંતુલનમાંથી દુર હડસેલી દે છે અને તમને પામર માનવી બનાવી દે છે.

અનંત ધીરજ રાખો ત્યારે તમને અહેસાસ થશે કે ઈશ્વર તમારો જ છે. જાગૃતિ અથવા તો ધીરજ દ્વારા તમે આ સ્થિતિમાં પહોંચી શકો છો. જ્યારે તમે એ જાણી લો છો કે તમે એક દિવ્યશક્તિના જ અંશ છો, તો તમે માંગણીઓથી મુક્ત થઇ જશો. પછી તમે મહેસુસ કરશો કે-પ્રત્યેક વસ્તુ તમારા માટે જ થઇ રહી છે. સામાન્ય રીતે આપણે ઉલટી રીતે જ વર્તતા હોઈએ છીએ. આપણે આપણા મનને ખૂબજ દોડાવીએ છીએ અને કાર્યમાં ધીમા હોઈએ છીએ. અધીરાઈનો મતલબ મનની તેજ દોડ અને શિથીલતાનો મતલબ કામમાં મંદગતિ. મનમાં ધીરજ અને કાર્યમાં ગતિશીલતા એ જ યોગ્ય છે.

દેવીશક્તિ તમારી કસોટી નથી કરતી. કસોટી એ અજ્ઞાનતાનો જ હિસ્સો છે. કસોટી કોણ કરશે? જે જાણતો નથી તે જ કસોટી કરશે, કેમ સાચું ને? ઈશ્વર તમારી ક્ષમતા જાણે છે, તેથી આપણે શા માટે તમારી કસોટી કરવી? તો પછી દુઃખ શા માટે? તે તમાર અંદર રહેલી ક્ષમાશીલતા અને ધીરજ બહાર લાવવા માટે છે.  અને ધીરજને પ્રાર્થનામય શરણાગતિ અથવા જોરદાર પડકાર દ્વારા જ વધારી શકાય છે.!

કર્મના માર્ગો વિચિત્ર છે. જેમ તમે તે વધારે જાણો તેમ તમે વધારે પ્રભાવિત થાવ છો. કેટલાક કર્મો બદલી શકાય છે, જયારે કેટલાક બદલી શકતા નથી. પ્રારબ્ધ કર્મ બદલી શકાય નહી. સંચિત કર્મ આધ્યાત્મિક ગતિવિધિઓથી બદલી શકાય છે. સત્સંગ દરેક દુષ્કર્મના બીજનો નાશ કરે છે. જયારે તમે કોઈના વખાણ કરો છો, ત્યારે તમે તેનાં સારા કર્મની વાત કરો છો. જયારે તમે કોઈની ટીકા કરો છો, ત્યારે તમે તેનાં કુકર્મો અંગે કહો છો. આ જાણો અને સત્કર્મ અને દુષ્કર્મ બધુ જ દિવ્ય દ્રષ્ટિને સમર્પિત કરી મુક્ત થઇ જાઓ.

માયાથી વિહ્વવળતા આવે છે અને વિહ્વવળતા માનસિક શાંતિ હણી લે છે. પછી તમે ભાંગી પાડો છો, અને દુ:ખોના શિકાર બનો છો. તમે સંપૂર્ણપણે ભાંગી પાડો ,તે પહેલાં મજબુત બનો અને શરણાગતિ અને સાધના દ્વારા વિહ્વવળતામાંથી મુક્ત બનો. કમનસીબે મોટાભાગના લોકો આ અંગે દુર્લક્ષ્ય સેવે છે અને પછી ઘણું જ મોડું થઇ જાય છે.

જયારે માયારૂપી દરિયામાં કોઈ ડુબે છે ત્યારે શરણાગતિ એ લાઈફ જેકેટ છે, તેના વડે બચી શકાય છે. માયા સામે ઝઝૂમવા કરતાં મોહનું નિરીક્ષણ કરો, અને અંતર મનની શાંત જગ્યા તરફ પ્રયાણ કરો. પ્રથમ તમે આ દિશામાં પહેલું પગલું માંડો કે જે દિશા તમને તમારા મોહને જ્ઞાન, દિવ્યતા, તરફ લઇ જાશે.

આત્માનો સ્વભાવ જ આનંદી હોય છે. સુખ એ એવી વસ્તુ છે કે તમને સ્વ ભણી લઇ જાય છે. દુ:ખ એ એવી વસ્તુ છે કે જે તમને સ્વથી દુર લઇ જાય છે. દુ:ખનો મતલબ માત્ર એજ કે તમે સ્વથી દુર કોઈ હર પળ બદલાતી ભૌતિક વસ્તુમાં અટવાઈ ગયા છો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)