ઇન્ડોનેશિયાની જેલમાં આગ લાગવાથી 41નાં મોત, 39 ઘાયલ

જાકાર્તાઃ ઇન્ડોનેશિયાની રાજધાનીની પાસે ઠાંસી-ઠાંસીને ભરેલી કેદીઓની એક જેલમાં આગ લાગી ગઈ હતી, જેમાં કમસે કમ 41 કેદીઓનાં મોત થયાં હતા અને 39 લોકો ઘાયલ થયા હતા. જાકાર્તાની બહાર સરહદે તંગેરંગ જેલના સી બ્લોકમાં અધિકારીઓ આગ લાગવાનાં કારણોની તપાસ કરી રહ્યાં છે, એમ જસ્ટિસ મંત્રાલયના પ્રવક્તા રિકાએ જણાવ્યું હતું. આ જેલમાં ડ્રગ પદાર્થોથી સંકળાયેલા મામલાઓના અપરાધીઓને રાખવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે સેંકડો પોલીસ અને સૈનિકોને તાંગેરંગ જેલ પર નિયંત્રણ રાખવા માટે તહેનાત કરવામાં આવ્યા છે. એ જેલમાં 1225 કેદીઓને રાખવાની જગ્યા છે, પણ અહીં આગ લાગી ત્યારે 2000થધી વધુ કેદીઓ કેદ હતા. સી બ્લોકમાં જ્યારે આગ લાગી ત્યારે ત્યાં 122 કેદીઓ હાજર હતા, એમ તેમણે કહ્યું હતું. જોકે આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બધા પીડિત કેદીઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.

ઇન્ડોનેશિયામાં જેલ તોડવી કે રમખાણોને કારણે આગ લાગવી એ સામાન્ય વાત છે, અહીંની જેલોની સ્થિતિ ઘણી કફોડી છે, કેમ કે જેલોનું સમારકામ યોગ્ય રીતે હાથ નથી ધરવામાં આવતું અને આ જેલોમાં કેદીઓને ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે. અહીં જેલો મેઇનટેઇનન્સના નાણાંની અછતનો સામનો કરી રહી છે. વળી, અહીં મોટી સંખ્યામાં લોકોની ગેરકાયદે ડ્રગ્સની હેરાફેરીમાં પકડાઈ જાય છે.