ટીકાનો સામનો કેવી રીતે કરવો?

કોઈ વ્યક્તિ તમારી ઉપર કોઈ આરોપ મુકે છે તો તમને કેવું લાગે છે? સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ તમારા પર આરોપ મુકે છે ત્યારે તમને તે વાતનો ભાર લાગે છે,તમારી લાગણી ઘવાય છે અથવા તમે દુખી થાવ છો. તમે એ આક્ષેપ સ્વીકારતા નથી માટે તમારી લાગણી ઘવાય છે.તમે તેનો પ્રતિકાર જાહેર ના કરતા હોવ, પરંતુ જો તમારી અંદરથી વિરોધ કરો છો તો તમને લાગી આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી પર આરોપ મુકે છે ત્યારે તમે મોટા ભાગે તેમના પર વળતો આક્ષેપ કરો છો અથવા તમારી પોતાની અંદર એક પ્રતિકાર ઊભો કરો છો.

આક્ષેપ તમારામાંથી કેટલાક નકારાત્મક કર્મો દૂર કરે છે. તમે બહારથી આરોપ સામે વિરોધ જાહેર કરતા હોવ, પરંતુ જો અંદરથી વિરોધ ના કરો તો તમને તરત હળવું લાગવા માંડે છે. ધીરજ અને શ્રધ્ધાથી ટીકાનો સામનો કરી શકાય છે.હંમેશા સત્યની જીત થાય છે એ વિશ્વાસ રાખો,પરિસ્થિતિ સુધરવા માંડશે. તમે ગમે તે કામ કરતા હશો, ભૂલ કાઢવાવાળુ કોઈ તો હશે. તમારો ઉત્સાહ અને મનોબળ ગુમાવ્યા વગર કામ કર્યા કરો. શાણો માણસ સ્વભાવગત રીતે સારું કામ કરવાનું ચાલુ રાખે છે. તેનું વલણ કોઈના વખાણ કે ટીકા પર આધારિત નથી હોતું.

તમારું મનોબળ વધારવા અને ટીકાની અસરથી મનને બચાવી રાખવા તમે કેવા લોકોના સંગતમાં હોવ છો તે તમારે જાણવું જોઈએ. સંગત તમને ઊંચે ઉઠાવી શકે છે અથવા નીચે પાડી શકે છે. જે સંગત તમને શંકા, આરોપ, ફરિયાદો, ગુસ્સા અને ઝંખના તરફ દોરી જતી હોય તે ખરાબ સંગત છે. જે સંગત તમને આનંદ, ઉત્સાહ, સેવા, પ્રેમ, વિશ્વાસ અને જ્ઞાન તરફ લઈ જતી હોય તે સારી છે.

અજ્ઞાની કહે છે,”મારા પર આક્ષેપ ના કરો કારણ કે તેનાથી મને દુખ થાય છે. “જ્ઞાની માણસ કહે છે,”મારા પર આક્ષેપ ના કરો કારણ કે તેનાથી તમને કદાચ નુકસાન થઈ શકે છે. આ એક સુંદર બાબત છે.કોઈ તમને ચેતવણી આપે કે તેમના પર આક્ષેપ ના કરો કારણ કે તેનાથી તેમને દુખ થાય છે અને બદલો લેવા તે તમને કોઈ હાનિ પહોંચાડી શકે છે. જ્યારે બીજી બાજુએ એક જ્ઞાની વ્યક્તિ કરુણાને લીધે જણાવે છે કે આક્ષેપ ના કરો.

માંગણીઓ અને આક્ષેપ સંબંધો નષ્ટ કરે છે. આથી, બીજાની પ્રશંસા કરવાનું તમને આવડવું જોઈએ અને આક્ષેપ કરવા અથવા ભૂલો શોધવા કરતાં પરિસ્થિતિ સુધારી લેવી જોઈએ. તમારામાં અન્યોને પ્રોત્સાહિત કરવાની કટીબધ્ધતા હોવી જોઈએ.તો તમે કોઈ પણ વ્યક્તિ માટે યોગ્ય બનો છો. જો તમે ઈરાદાપૂર્વક કોઈને દુખ નથી આપતા તો દરેક વ્યક્તિ તમને પ્રેમ કરશે.

તમે અહીં આક્ષેપ કે ટીકા કરવા નથી આવ્યા. ટીકા બે પ્રકારના માણસો તરફથી આવી શકે છે. જ્યારે લોકો સંકુચિત માનસના હોય છે ત્યારે તેઓ અજ્ઞાનતાને લીધે ટીકા કરે છે. અથવા તેઓ ખરેખર તમારામાં કંઈ સારું લાવવા માંગે છે. જો તમારામાં સુધારો કરવાના ઈરાદાથી ટીકા આવી રહી હોય તો તેમની કરુણા માટે તેમનો આભાર માનો. તેમની ટીકાથી તમને તમારી ભૂલનો ખ્યાલ આવે છે, એથી તમે પ્રગતિ કરી શકો છો. જો વ્યક્તિ તમને નીચા દેખાડવા માટે ટીકા કરતી હોય તો તેમના માટે કરુણા દાખવો અને તેમનું કહેલું હસી કાઢો. આ બન્ને કિસ્સામાં તમારે ટીકાની ચિંતા કરવાની જરૂર નથી.

કબીરજીએ કહ્યું છે,”નિંદક નીરે રકીયા આંગન કુટી શવા, બિન પાની સાબુન બિના નિર્મલ કરે સુહાય”, એટલે કે તમારી ટીકા કરતી હોય એવી વ્યક્તિને નજીક રાખો,તેનાથી તમારું મન સ્વચ્છ રહેશે- સાબુ અને પાણી વગર. જો તમારી આસપાસની દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરતી હોય તો તેઓ તમને તમારી મર્યાદાઓ નહીં બતાવી શકે. ટીકા કરનારા વિશ્વાસપાત્ર હોય છે કારણ કે તેઓ તેમના હ્રદયથી બોલે છે.

તમને રચનાત્મક ટીકા કરતા અને સ્વીકારતા આવડવું જોઈએ. એક શિક્ષિત વ્યક્તિ ટીકાથી દૂર નહીં ભાગે કે ટીકા કરનારથી છટકવાનું પણ નહીં કરે. તમે ટીકાને કેવી રીતે લો છો તે તમારી પુખ્તતાનું સ્તર દર્શાવે છે. ટીકા સાંભળી લેવાની ક્ષમતા વ્યક્તિની આંતરિક તાકાતનો માપદંડ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)