શું આપ એક યોગી છો?

યોગ શું છે? યોગ એક મહાસાગર છે. તો પ્રથમ તો તમે જો દુઃખી છો, તો યોગ-સાધના શરુ કરવાથી દુઃખમાંથી બહાર આવશો. ત્યાર પછીનું સોપાન એ છે કે જો તમે અશાંત અને ક્ષુબ્ધ છો, તો યોગ દ્વારા સંતુલન મેળવશો. ત્યાર પછી ત્રીજા તબક્કામાં, તમે એ કુશળતાઓ હાંસલ કરતાં જશો, જેને મેળવવાની તમને અસીમ ઈચ્છા હતી! કારણ, તમારા કાર્ય થકી જ તમે દુઃખ કે સુખ અનુભવો છો. અને જેમ જેમ તમારા કાર્યને તમે કુશળતાપૂર્વક કરો છો, તેમ તેમ તમે વધુ ને વધુ ખુશી મેળવતા જાઓ છો. તો યોગ સાધના તમે શા માટે કરો છો તે સર્વ પ્રથમ તમારે જ નક્કી કરવાનું છે.

અને આ પછીનો ચોથો તબક્કો છે: યોગ દ્વારા પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ! શ્રીમદ્ ભગવદગીતામાં શ્રીકૃષ્ણએ છઠ્ઠા અધ્યાયમાં યોગ અને ધ્યાન વિશે સમજ આપી છે. કઈ રીતે ધ્યાનસ્થ થવું, કઈ રીતે સ્થિર આસનમાં બેસવું કે કઈ રીતે પ્રાણાયામ કરવા આ સઘળું અહી સમજાવ્યું છે. પરંતુ ત્યાર પછી, અધ્યાયના અંતે ભગવાન કૃષ્ણ કહે છે કે “ જેનું મન મારામાં કેન્દ્રિત છે, તે, સર્વે યોગીઓમાં શ્રેષ્ઠ છે.” આમ, અહી થોડું કહીને, ભગવાન અધ્યાય પૂર્ણ કરે છે.

તો પ્રશ્ન એ થાય છે કે યોગી કોને કહેવાય અને જીવન જીવવાની યોગિક પદ્ધતિ કેવી હોય?

હું અહી કહીશ કે યોગી બાળસહજ છે. ફરીથી શિશુ બની શકે તે યોગી. જો તમે ૩ માસ થી ૩ વર્ષ સુધીના કોઈ બાળકને નિહાળશો તો ખ્યાલ આવશે કે તે લગભગ બધાં જ યોગાસનો કરતું હોય છે. જો તમે કોઈ બાળકને નિહાળશો તો તમને કોઈ યોગ-શિક્ષકની જરૂર નહિ પડે! તો એક બાળક યોગી છે અને યોગી બાળસહજ છે.

અનંત તત્વ સાથે જે જોડાયેલ છે તે યોગી છે. દરેકની સાથે જોડાઈ શકે તે યોગી! યોગી ક્યારેય કોઇથી પણ જુદાપણું અનુભવતો નથી. યોગી કુશળ હોય છે અને લવચિક, સ્થિતિસ્થાપક હોય છે. કેટલીક વ્યક્તિઓના શરીર તો સ્થિતિસ્થાપક હોય છે પરંતુ મન થી તેઓ અતિશય જડ હોય છે. અને જડ વ્યકિત રોચક હોઈ શકે નહિ! તે કોઈની પણ સાથે સંવાદ કે સાયુજ્ય સાધવામાં અક્ષમ હોય છે. નૂતન વિચારોને તેઓ અપનાવી શકતા નથી.

તો, યોગી એ છે જે જડ નથી, પરંતુ સાથે સાથે તે ચંચળ પણ નથી. તે સ્થિર અને દ્રઢ છે. તેની દ્રઢતા ઋજુતા થી સભર છે. બાળસહજ નિર્દોષતા અને છતાં અગાધ જ્ઞાન! સરળતા અને જ્ઞાન, એક શ્રેષ્ઠ સંયોજન છે. તે સંવેદનશીલ છે તેમ જ ભાવુક છે. યોગી એ પ્રેમ અને સ્વસ્થતાનું અદભૂત સંયોજન છે. સામાન્યત: જયારે વ્યક્તિ પ્રેમમાં હોય છે ત્યારે સ્વમાં સ્થિર નથી હોતી, અને એ જ રીતે સ્વ-સ્થ વ્યક્તિ ક્યારેક પ્રેમનો અનુભવ આપી નથી શક્તી! પરંતુ યોગી એ હૃદય અને મસ્તિષ્કનો અનુપમ સંગમ છે. અતિશય પ્રેમાળ અને છતાંય સંપૂર્ણ સ્થિર! યોગી પોતાની જાત સાથે, સમગ્ર બ્રહ્માંડ સાથે સાયુજ્ય ધરાવે છે. કારણ, વાસ્તવમાં બ્રહ્માંડમાં સઘળું પરસ્પર જોડાયેલું જ છે.

પરંતુ એક સામાન્ય પ્રશ્ન અહિ એ ઉપસ્થિત થાય છે કે યોગી માટે આ વિશ્વ એક તપસ્યા સમાન છે અને ભોગી માટે એકલતા તપસ્યા સમાન છે. આ શું સત્ય છે? તપસ્યા સિવાય શું જગત સંભવી ના શકે?

હું તમને કહીશ કે તપસ્યા આપણને દૃઢ બનાવે છે. યોગી જો એકલો જંગલમાં છે તો એ આનંદમય છે જ. પરંતુ જયારે તે લોકોની વચ્ચે છે અને જયારે લોકો તેનો અનાદર કરે છે, અસ્વીકાર કરે છે કે તેને દુઃખી કરવા ચાહે છે, ત્યારે તે શાંત અને સ્થિર રહી શકે છે તો એ તેની સાચી સિદ્ધિ છે. કારણ, યોગી માટે એકલાં રહેવું અત્યંત સહજ છે, પરંતુ લોકોની વચ્ચે રહીને, આનંદસભર તેમ જ વિશ્રાંત રહેવું તે તપસ્યા છે અને તેના માટે યોગીએ કુશળતા સાધ્ય કરવી જ રહી! તો સ્વમાં સ્થિર થવું તે યોગ છે, સ્વભાવમાં રહીને કેન્દ્રસ્થ થવું એ યોગ છે. જો તમે સ્વમાં કેન્દ્રિત છો, તો તમે સર્વ અવસ્થામાં આનંદ સ્વરૂપ છો. થોડો સમય મૌનમાં રહો, અને સ્વભાવમાં કેન્દ્રસ્થ થાઓ, તે યોગ છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]