નોટઆઉટ@90: પ્રોફેસર ચંદ્રકાંત શાહ

પ્રોફેસર ચંદ્રકાંત રતિલાલ શાહ, (૯૦ વર્ષ). ચાર ભાઈ અને બે બહેનો સાથેનું મોટું કુટુંબ, સાત વર્ષની નાની ઉંમરે માતા ગુમાવી. ૩૮ વર્ષની પ્રોફેસર તરીકેની  લાંબી કારકિર્દી ભોગવી. ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ચીમનભાઈ પટેલ સાથે ઘર જેવા સંબંધો. આજે ચાર પેઢી સાથે એક જ ઘરમાં આનંદથી જીવન જીવે છે.

તેમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

દરિયાપુર શાળા-૧, મોડેલ હાઇસ્કુલ અને ન્યુ હાઈસ્કૂલમાં શાળાનું શિક્ષણ. ગરીબીને લીધે ચાર વર્ષ અભ્યાસ અટક્યો, 17 વર્ષની ઉંમરથી નોકરી શરૂ કરી. ત્યારબાદ BA, MA (Economics) ભણ્યા. ભણતરના બીજા દિવસથી એલ. ડી. આર્ટસ કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી લીધી. બે વર્ષ મોડાસા અને પછી S. V. Commerce Collegeમાં પ્રોફેસર, 21 વર્ષે લગ્ન અને 27 વર્ષે ચાર બાળકો! પગાર રૂ. ૨૩૫/- અને ભાડું રૂ. ૬૫/-!  ઘરે મોટી આર્થિક જવાબદારી એટલે નોકરીની સાથે જ પાર્ટનરશીપમાં constructionનો ધંધો શરૂ કર્યો અને આગળ જતાં એન્જીનિયર દીકરો તેમાં જોડાઈ ગયો.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

સવારે ચારથી આઠ સુધી ધાર્મિક નામ-સ્મરણ અને કસરત.  સાંજે ફરી કસરત!  છાપાં, ઇકોનોમિક્સના આર્ટીકલ અને ચોપડીઓ વાંચવાનું તથા લખવાનું,  શોખના  વિષયો ઇકોનોમિક્સ, પોલિટિક્સ, જનરલ નોલેજ અને સાંપ્રત દુનિયા સાથે કનેક્ટેડ રહેવાનું, ક્રિકેટ જોવાનું અને ખાણીપીણી! પીઝા અને પાસ્તા ભાવે છે, બ્રેડ-બટર એમનો પ્રિય ખોરાક!  ક્યારેક પોતે ન ખાઈ શકે તો બાળકોને ખાતા જોઈ આનંદમાં આવી જાય. જૂના પિક્ચરના ગીતો બહુ ગમે. પોતે અશોકકુમાર જેવા દેખાય છે તેવું મિત્રો કહે એ પણ ગમે!

યાદગાર પ્રસંગ:

ચીમનભાઈ પટેલ સાથે સારા સંબંધ. ચીમનભાઈ અને ઉર્મિલાબેન બંને એમને ઘેર આવતાં અને  પોલિટિકસની ચર્ચા કરતાં. એક વાર કોલેજમાં પીએફનું વ્યાજ ઓછું આપતા સ્ટાફ સાથે રહી ચીમનભાઈનો વિરોધ કર્યો હતો અને સમાધાન લાવ્યા હતા. શ્રી મોરારજીભાઈ સાથે કોંગ્રેસ હાઉસમાં બેસીને તેમણે બજેટની ચર્ચા પણ કરી છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?

ચાર પેઢી એક સાથે એક જ ઘરમાં મોજથી રહે છે એનું રહસ્ય ઘરનાં સભ્યો ખોલે છે:  કોને શું ગમશે તે દાદા સૌથી પહેલા જાણી લે અને તેને ગમતી જ વાત કરે! ઘરમાં નવું મેમ્બર આવે એટલે તેની સાથે એકાંતમાં બેસીને તેને ગમતી વસ્તુઓ જાણી લે અને પછી તેના પ્રમાણે જ કામ કરે! છ વર્ષનો વિરાંશ દાદાનો  હાથ પકડીને પ્રેમથી બહાર ફરવા લઈ જાય તે મનોહર દૃશ્ય રોજ જોવા મળે!

કોઈ મોટી બીમારી?

ઘરમાં ઘણા લોકોને ગંભીર બીમારી આવી ગઈ, પણ મારી તબિયત પહેલેથી સારી. મને કોઈ મોટી બીમારી આવી નથી. જોકે ૫૮ વર્ષે એટેક આવતાં હૃદયમાં બે સ્ટેન્ટ મૂક્યા છે.  કસરત અને ભગવાનનું નામ એ ઉંમર સાથે ચાલવાનો મારો ઈલાજ છે.  કામ કરતો ત્યારે સમય ન હોય તો નોકરીએ જતા સાયકલ ઉપર પણ ભગવાનનું નામ લેતો!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો? તેનાં ફાયદા /ગેરફાયદા/ ભયસ્થાનો : 

કામ માટે કોમ્પ્યુટર ઓછું વાપર્યું. હિસાબ-કિતાબ માટે બેઝિક કોમ્પ્યુટર વાપરતો. જો મને ખબર હોત કે મારે લાંબુ જીવવાનું છે તો મેં આઇટીનું એજ્યુકેશન ચોક્કસ લીધું હોત, જેનાથી મને ઘણી બધી ઇન્ફર્મેશન સરળતાથી મળત અને લોકો સાથે સંબંધો જાળવવામાં સવલત રહેત! ટેકનોલોજીના ફાયદા તો અનેક છે. પેપરલેસ, ડિજિટલ કામકાજથી કામના કલાકો ઓછા થયા છે અને પરદેશમાં થતી શોધખોળ ભારત સુધી આવતા સમય ઘટ્યો છે. પણ એને લીધે બાળકો ટીવી, મોબાઇલ કે કોમ્પ્યુટરની સામે જ બેસી રહે છે અને બહાર રમવા જતા નથી. તેમની  આંખ તથા શરીરને નુકશાન વધુ થાય છે.

શું ફેર પડ્યો લાગે છે ત્યારમાં અને  અત્યારમાં?

અમે તો ગરીબીમાં મોટા થયા. મોટું સંયુક્ત કુટુંબ, ખાવાના તો શું, દૂધના પણ ફાંફા! આજે જોઈએ એટલી કમાણી છે અને લોકોના  હાથ પણ છૂટા છે. ચાર પેઢીનું સંયુક્ત કુટુંબ હળીમળીને મોટા બંગલામાં સાથે રહીએ છીએ તે ભગવાનની મહેરબાની!

સંદેશો :

જિંદગીમાં અવરોધો તો આવવાના જ છે, એનો સરખો સામનો કેવી રીતે કરી શકાય તેને માટે તૈયાર રહેવું. પણ આજના યુવાનો શોર્ટકટમાં માને છે. સમજતા નથી કે There is no alterntive to hardwork! મહેનતનો કોઈ પર્યાય નથી! ભવિષ્યમાં પસ્તાવાનો વારો ચોક્કસ આવશે!