Home Blog Page 77

૦૯ મે ૨૦૨૬

પંચાંગ 09/05/2026

સુવેન્દુ અધિકારી જ બનશે બંગાળના આગામી CM

કોલકાતાઃ સુવેન્દુ અધિકારીને ભાજપ વિધાનમંડળ દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા, તેઓ પશ્ચિમ બંગાળના આગામી મુખ્ય મંત્રી બનશે. શુક્રવારે સાંજે કોલકાતામાં યોજાયેલી ભાજપ વિધાનમંડળ દળની બેઠકમાં પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ સ્વીકારી લીધો. આ બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક તરીકે અમિત શાહ અને સહ-નિરીક્ષક તરીકે મોહન ચરણ માઝી હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે નેતા પદ માટે કુલ આઠ પ્રસ્તાવ અને સમર્થન મળ્યા હતા અને બધા એક જ નામ માટે હતા. સુવેન્દુ અધિકારી સિવાય અન્ય કોઈ નામ સામે આવ્યું નહોતું.

મમતા બેનર્જીને ચૂંટણીમાં હરાવ્યા

સુવેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં મમતા બેનર્જીને તેમના ગઢ ભવાનીપુર બેઠક પરથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં સુવેન્દુ અધિકારીને 73,917 મત મળ્યા હતા, જ્યારે મમતા બેનર્જીને 58,812 મત મળ્યા હતા. આ રીતે સુવેન્દુ અધિકારીએ 15,105 મતોના અંતરથી જીત મેળવી હતી. આ પહેલાં 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીને હરાવ્યા હતા.

કોલકાતામાં કાલે ભવ્ય શપથવિધિ સમારોહ

રાજ્યપાલ તરફથી સરકાર રચવા માટેનું આમંત્રણ મળ્યા બાદ શનિવારે સવારે 11 વાગ્યે કોલકાતામાં સુવેન્દુ અધિકારીનો ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે. ભાજપને વિધાનસભા ચૂંટણીમાં બે તૃતીયાંશથી વધુ બહુમતી મળી છે અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બનશે.

સુવેન્દુને મુખ્ય મંત્રી બનાવવાનાં મુખ્ય કારણો

સુવેન્દુ અધિકારી એવા નેતા માનવામાં આવે છે જેઓએ એક નહીં પરંતુ બે વખત ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળની તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા છે.આ જીત પછી સુવેન્દુ અધિકારીની દાવેદારી વધુ મજબૂત બની હતી. તેઓ ભાજપની જીતના મુખ્ય શિલ્પકાર માનવામાં આવે છે, જેમણે પાર્ટીને 207 બેઠકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ વિપક્ષના નેતા રહી ચૂક્યા છે અને તેમને વહીવટી અનુભવ પણ છે. એ સાથે જ તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહના વિશ્વાસુ નેતાઓમાં ગણાય છે.

‘ચિત્રલેખા’નો એક લેખ, જેણે બદલી નાખ્યું જીવન…

વાત છે 1983ની. જૂનાગઢના કેશોદમાં રહેતા હરદાસભાઈ કરંગિયાને પોતાની દુકાન. ચિત્રલેખાના એ નિયમિત વાચક. સાંજના સમયે ગ્રાહકોની ભીડ ઓછી થાય ત્યારે ચિત્રલેખા વાંચવાની એમની આદત. હરદાસભાઈ કહે છે એમ, ચિત્રલેખાના 1983ના અંકમાં પ્રકાશિત થયેલા એક લેખે એમના જીવનની દિશા જ બદલી નાખી.

એ લેખ વિશ્વના જાણીતા અબજોપતિ હાવર્ડ હ્યુજીસ વિશે હતો. લેખમાં વર્ણન હતું કે કેવી રીતે હાવર્ડ હ્યુજીસે અઢળક સંપત્તિ મેળવી, પોતાનો ખાનગી ટાપુ બનાવ્યો અને દુનિયાના ટોચના પાંચ અમીરોમાં સ્થાન મેળવ્યું… પરંતુ આ બધું મેળવવાની લાયમાં એમણે પોતાની તંદુરસ્તી ગુમાવી દીધી. હ્યુજીસે એક પત્રકારને કહ્યું હતું કે જો મને કોઈ મારું તંદુરસ્ત શરીર પાછું આપી દે, તો હું મારો આખો વૈભવ આપવા તૈયાર છું.

માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે આ લેખ વાંચીને હરદાસભાઈને સમજાયું કે તંદુરસ્તી જ સાચી મૂડી છે. એ ચિત્રલેખાને કહે છે: ‘એ દિવસે મારા હાથમાં ચિત્રલેખાનો એ અંક ન આવ્યો હોત અને મેં હાવર્ડ હ્યુજીસની એ વાત ન વાંચી હોત તો કદાચ હું આજે આટલો તંદુરસ્ત ન હોત. લેખ વાંચ્યા પછી મેં તરત જ બીજા દિવસનું પાંચ વાગ્યાનું એલાર્મ ગોઠવ્યું અને રોજ છ કિલોમીટર દોડવાની શરૂઆત કરી, જે આજે પણ ચાલુ છે. એક લેખ વાંચીને શરૂ થયેલો એ મારો સંકલ્પ આજે જીવનના ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી મારો જીવનમંત્ર બની ગયો છે. મારા જીવનમાં આવેલા આ સકારાત્મક પરિવર્તન પાછળ ચિત્રલેખા એક સચોટ માધ્યમ બન્યું છે.

વાચકોને સવાલ એ થાય કે અત્યારે આ હરદાસભાઈ કેમ અચાનક યાદ આવ્યા?

એનું કારણ એ કે આજે ૬૯ વર્ષની ઉંમરે પણ હરદાસભાઈ નવયુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવે છે. ચિત્રલેખાના આ એક લેખની અસર એવી થઈ કે ગુજરાત રાજ્યની વૉકિંગ સ્પર્ધામાં સતત આઠ વખત એ ચેમ્પિયન રહ્યા છે અને નેશનલ લેવલે દોડની સ્પર્ધામાં કાંસ્યપદક સુધ્ધાં જીત્યા છે. આજે પણ એ રોજ સરેરાશ 15 કિલોમીટર ચાલે છે, ૨૦ મિનિટ સાઈકલિંગ કરે છે. સાથે યોગ અને અન્ય કસરત પણ એમની રોજનીશીનો હિસ્સો છે. અત્યારે તાલાલા ગીરમાં ડેરી પ્રોડક્ટ્સના વ્યવસાયમાં કાર્યરત હરદાસભાઈ આખા ગીર સોમનાથ જિલ્લા માટે તંદુરસ્તીના રોલ મોડેલ બન્યા છે.

(હેતલ રાવ)

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

એક્ટર વિજયનું તામિલનાડુના CM બનવાનું નક્કી

ચેન્નઈઃ તામિલનાડુમાં TVKપ્રમુખ વિજયના મુખ્ય મંત્રી બનવાનો રસ્તો હવે લગભગ સાફ થઈ ગયો છે. CPM, CPI અને VCK તેમને સમર્થન આપવા માટે તૈયાર થઈ ગયા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. તામિલનાડુ વિધાનસભામાં 234 સભ્યોમાંથી TVK 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે, પરંતુ વિજય બે બેઠકો પરથી જીત્યા હોવાથી તેમને એક બેઠક છોડવી પડશે. તેથી તેમની પાર્ટી પાસે 107 બેઠકો જ રહેશે. કુલ સભ્યોની સંખ્યા 233 હોવા છતાં બહુમતી માટે 118નો આંકડો જરૂરી રહેશે. આવી સ્થિતિમાં TVKને 11 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે.

TVKને પહેલેથી જ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હોવાનું કહેવાય છે અને હવે વધુ 6 ધારાસભ્યોની જરૂર છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં CPM, CPI અને VCKએ 2-2 બેઠકો જીતી હતી. આ ત્રણેય પક્ષોના સમર્થનથી વિજય સરકાર બનાવી શકશે. આ પરિસ્થિતિમાં 59 બેઠકો જીતનાર DMK અને 47 બેઠકો જીતનાર AIADMK બંને વિરોધ પક્ષમાં બેસશે.

સૂત્રોના જણાવ્યાનુસાર CPM, CPI અને VCKએ વિજયને સમર્થન આપવાની તૈયારી દર્શાવી છે. જોકે ત્રણેય પક્ષોની બેઠક હજુ ચાલુ છે અને બેઠક પૂર્ણ થયા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સૂત્રો મુજબ CPIની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને CPIએ પોતાના બે ધારાસભ્યોના સમર્થનનો પત્ર TVK નેતા CTR નિર્મલ કુમારને સોંપી દીધો છે.

આ રીતે વિજય માટે મુખ્ય મંત્રી બનવાનો રસ્તો પણ લગભગ સાફ થઈ ગયો છે. આ તમામ પાર્ટીઓના નેતાઓ આજે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર વિજયે આજે રાજ્યપાલ સાથે મુલાકાત માટે સમય માગ્યો છે. જોકે રાજ્યપાલે હજુ સુધી તેમને મળવાનો સમય આપ્યો નથી.

આ સાથે જ એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે તામિલનાડુમાં વિજય જ મુખ્ય મંત્રી બની શકે છે. તેનું સૌથી મોટું કારણ તેમને મળેલું વિશાળ જનસમર્થન છે. ખાસ કરીને તામિલનાડુના યુવા મતદાતાઓએ આ વખતે TVKને સમર્થન આપ્યું છે.

કલાઉડફ્લેરમાં AIને કારણે 1100 કર્મચારીઓની છટણી

નવી દિલ્હીઃ અમેરિકાની ટેક્નોલોજી કંપની કલાઉડફ્લેરમાં મોટી છટણી થવાની છે. કંપની પોતાના લગભગ 20 ટકા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરે એવી શક્યતા છે. કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)  ટુલ્સને ઝડપથી અપનાવી રહી છે અને તેને આધારે પોતાના કામકાજનું પુનર્ગઠન કરી રહી છે. એ સાથે જ કંપનીએ જણાવ્યું છે કે એપ્રિલથી જૂન ત્રિમાસિક માટે આવક  અંગેનો અંદાજ વોલ સ્ટ્રીટની અપેક્ષાથી થોડો ઓછો છે. ક્લાઉડફ્લેર ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાયબર સિક્યોરિટી ક્ષેત્રે કામ કરતી કંપની છે.

કંપની વિશ્વભરમાં 1100થી વધુ નોકરીઓ ખતમ કરવાની યોજના બનાવી રહી છે. 2025ના અંત સુધી કંપની પાસે કુલ 5156 ફુલ-ટાઇમ કર્મચારીઓ હતા. કંપનીને આશા છે કે જૂન, ત્રિમાસિક દરમિયાન આ છટણી સંબંધિત ખર્ચ 14થી 15 કરોડ ડોલર વચ્ચે રહેશે.

ત્રણ મહિનામાં AIનો ઉપયોગ છ ગણાથી વધુ વધ્યો

કંપનીએ જણાવ્યું હતું કે આ છટણી કર્મચારીઓના પ્રદર્શન અથવા ટૂંકા ગાળાના ખર્ચ ઘટાડવાના દબાણને કારણે નથી, પરંતુ કંપનીની અંદરની કામગીરી અને ભૂમિકાઓને નવી રીતે ડિઝાઇન કરવાની પ્રક્રિયાનો ભાગ છે. છેલ્લા ત્રણ મહિનામાં કંપનીએ AIનો ઉપયોગ છ ગણાથી પણ વધુ વધાર્યો છે, જેને કારણે ટીમો કેવી રીતે કામ કરે છે તેમાં મોટા ફેરફારો આવ્યા છે. કંપનીના CEO મેથ્યુ પ્રિન્સ અને સહ-સ્થાપક મિશેલ ઝેટલિને કર્મચારીઓને મોકલેલા સંદેશમાં કહ્યું હતું કે કંપની દરેક ટીમ અને કામ કરવાની પદ્ધતિને ફરીથી વિચારી રહી છે, જેથી AI આધારિત નવા યુગમાં વધુ અસરકારક રીતે કામ કરી શકાય.

કંપનીની નાણાકીય સ્થિતિ

અહેવાલ મુજબ  જૂન, 2026 ત્રિમાસિકમાં કંપનીની આવક 66.4 કરોડથી 66.5 કરોડ ડોલર વચ્ચે રહી શકે છે. એડજસ્ટેડ કમાણી પ્રતિ શેર 27 સેન્ટ રહેવાનો અંદાજ છે. જાન્યુઆરીથી માર્ચ 2026 ત્રિમાસિકમાં કંપનીએ 63.98 કરોડ ડોલરની આવક નોંધાવી હતી, જ્યારે એડજસ્ટેડ નફો પ્રતિ શેર 25 સેન્ટ રહ્યો હતો. આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરોમાં 30.3 ટકા વધારો નોંધાયો છે.

મમતા દીદીએ નથી બદલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ , હજી લખેલો છે ‘મુખ્યમંત્રી’નો ટેગ

17મી પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિસર્જન પછી પણ મમતા બેનર્જીએ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ બદલી નથી. તેમણે હજુ પણ પ્રોફાઇલ પર મુખ્યમંત્રી ટેગ લખેલો રાખ્યો છે.

પશ્ચિમ બંગાળની 17મી વિધાનસભા ભંગ થઈ.તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ બદલી નથી. તેમણે હજી પણ સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર મુખ્યમંત્રી ટેગ જાળવી રાખ્યો છે.

પ્રોફાઇલ હજુ બદલાઈ નથી

મમતા બેનર્જી તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર “પશ્ચિમ બંગાળના માનનીય મુખ્યમંત્રી” લખેલું છે. તેમની હાર છતાં મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો અને એ ટેગ તેમણે સોશિયલ મીડિયા પર જાળવી રાખ્યો છે.

17મી વિધાનસભા ભંગ

ગુરુવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર.એન. રવિએ 17મી વિધાનસભા ભંગ કરી હતી. 17મી વિધાનસભાનો કાર્યકાળ 7 મેના રોજ પૂરો થયો હતો. રાજ્યપાલે બંધારણની કલમ ૧૭૪(૨)(બી) દ્વારા મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને વિધાનસભા ભંગ કરી હતી. કોલકાતાના લોક ભવન દ્વારા જારી કરાયેલા પત્રમાં જણાવાયું છે કે રાજ્યપાલ આર.એન. રવિએ વિધાનસભા ભંગ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ તાત્કાલિક અમલમાં છે.

ટીએમસી 15 વર્ષ સુધી સત્તામાં રહી

2021 માં, મમતા બેનર્જી 17મી વિધાનસભા ચૂંટણી જીત્યા પછી ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. તેઓ 2011 થી સતત સત્તામાં હતા. જોકે, આ વખતે તેમને વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો. તૃણમૂલ કોંગ્રેસ બંગાળમાં સત્તા જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ, અને મમતા બેનર્જી પણ ભવાનીપુર બેઠક ગુમાવી.

ભાજપનો મોટો વિજય

2026 ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ જબરદસ્ત વિજય મેળવ્યો. ભાજપે 293 માંથી 207 બેઠકો જીતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ. જોકે, વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ, મમતા બેનર્જીએ ભાજપ અને ચૂંટણી પંચ પર “100 બેઠકો ચોરી” કરવાનો આરોપ લગાવ્યો અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો. જોકે, 2026 ની ચૂંટણી પછી, પશ્ચિમ બંગાળમાં નવી વિધાનસભાની રચના થશે, અને ભાજપ તેના મુખ્યમંત્રી પસંદ કરવામાં વ્યસ્ત છે.

હોર્મુઝ તણાવથી દેશમાં LPGની ખેંચઃ સપ્લાયમાં 16 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ઈરાન-અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધ અને મધ્ય-પૂર્વમાં વધતા તણાવનો એવો પ્રભાવ પડ્યો છે કે માર્ચ, 2026થી ભારતના લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)ની આયાતમાં ઘટાડો નોંધાયો છે. ભારત પોતાની LPG જરૂરિયાતનો લગભગ 60 ટકા હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે. આવી સ્થિતિમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરોધોને કારણે સપ્લાયમાં ભારે ખલેલ પડી રહી છે.

ફેબ્રુઆરી, 2026 સુધી ભારત દર મહિને અંદાજે 20 લાખ ટન LPG આયાત કરતું હતું, જે માર્ચમાં ઘટીને 11 લાખ ટન અને એપ્રિલમાં માત્ર 9.5 લાખ ટન સુધી આવી ગયું. સતત અનિશ્ચિતતા અને હોર્મુઝ માર્ગેથી જહાજોની અવરજવર ક્યારે સામાન્ય થશે તેની સ્પષ્ટતા ન હોવાથી ભારત સામે LPG સપ્લાયનું સંકટ હજુ દૂર થતું દેખાતું નથી. હાલની સ્થિતિ જોતાં આવનારા સમયમાં પણ સપ્લાયની અછત યથાવત્ રહેવાની શક્યતા છે. 

LPG સપ્લાય પર સંકટ

ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો હોર્મુઝ જળમાર્ગ વિશ્વના પેટ્રોલિયમ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે, જ્યાંથી વિશ્વના મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ ઉત્પાદનો પસાર થાય છે. ઈરાન અને મધ્યપૂર્વમાં તણાવ વધતા આ માર્ગેથી જહાજોની અવરજવર ભારે પ્રમાણમાં ઘટી ગઈ છે અને હવે લગભગ નામમાત્ર રહી ગઈ છે.

ઈરાનમાં યુદ્ધ શરૂ થાય એ પહેલાં આ માર્ગેથી દરરોજ 130થી 140 જહાજ પસાર થતા હતા, જ્યારે હવે આ સંખ્યા ઘટીને 10થી પણ ઓછી રહી ગઈ છે. આ અવરોધને કારણે ભારત સહિત ઊર્જા આયાત કરતા અનેક દેશો માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ક્રૂડ ઓઇલ  અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની સપ્લાય પર પણ અસર પડી છે, પરંતુ સૌથી વધુ અસર LPG સપ્લાય પર જોવા મળી રહી છે.

અહેવાલ મુજબ આ અવરોધને કારણે ભારતમાં ઔદ્યોગિક અને કોમર્શિયલ ગ્રાહકો માટે LPG સપ્લાય મર્યાદિત કરવો પડ્યો છે, જેથી રસોઈ માટે LPG પર આધારિત કરોડો પરિવારોને પ્રાથમિકતા આપી શકાય. ભારતમાં 33 કરોડથી વધુ પરિવારો પાસે LPG કનેક્શન છે.

બંગાળમાં આજે ધારાસભ્ય દળની બેઠક, મુખ્યમંત્રીના નામ પર લેવાશે નિર્ણય

પશ્ચિમ બંગાળના આગામી મુખ્યમંત્રી નક્કી કરવા માટે આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાશે. આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી નિરીક્ષક અને સહ-નિરીક્ષક તરીકે હાજર રહેશે.

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્ય પક્ષની આજે બેઠક યોજાશે જેમાં રાજ્યના આગામી મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.

ગૃહમંત્રી અમિત શાહ આજે નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે નિરીક્ષક તરીકે બેઠક કરશે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પણ સહ-નિરીક્ષક તરીકે હાજર રહેશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક કોલકાતાના વિશ્વ બાંગ્લા કન્વેન્શન સેન્ટર ખાતે સાંજે 4 વાગ્યે યોજાશે. આ બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે, જે રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે.

કાલે પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ

રાજ્ય ભાજપ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ બુધવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ યોજાશે. તેમણે જણાવ્યું હતું કે આ સમારોહ કોલકાતાના પ્રતિષ્ઠિત બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 10 વાગ્યે શરૂ થશે. મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ હાજર રહે તેવી અપેક્ષા છે. પક્ષના સૂત્રો અનુસાર, વડા પ્રધાન, NDA અને BJPના તમામ મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. બે ડઝન મંત્રીઓ પણ શપથ લેશે.

બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કાના મતદાન પછી 4 મેના રોજ મત ગણતરી કરવામાં આવી હતી. તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર થઈ હતી. આ જીતથી રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત આવ્યો. સંખ્યાની દ્રષ્ટિએ TMC એ ગત ચૂંટણીમાં 215 બેઠકોની સરખામણીમાં ફક્ત 80 બેઠકો જીતી. ભાજપ, જે ગત ચૂંટણીમાં ફક્ત 77 બેઠકો જીતી હતી, તેણે સારું પ્રદર્શન કર્યું, 207 બેઠકો જીતી.

મહા ઠગ પપ્પુ છૂરીની ધરપકડઃ રૂ. 1600 કરોડના કૌભાંડનો પર્દાફાશ

કાનપુરઃ પોલીસે ગુરુવારે નાણાકીય છેતરપિંડીના એક મોટા રેકેટનો ભાંડો ફોડતાં તેના માસ્ટરમાઈન્ડ મહફૂઝ અલી ઉર્ફે ‘પપ્પુ છૂરી’ની ધરપકડ કરી છે. જાજમઉ વિસ્તારમાંથી ઝડપાયેલો આ આરોપી નકલી કંપનીઓ બનાવી 1600 કરોડ રૂપિયાની ગેરકાયદે લેવડદેવડ અને ટેક્સ ચોરીના કૌભાંડનો મુખ્ય આરોપી છે.

મજૂરોને નામે શેલ કંપનીઓ અને 100 બેંક ખાતાં

પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આ ગેંગ ખૂબ ચાલાકીથી કામ કરતી હતી. તેઓ ઓછા ભણેલા મજૂરોને લાલચ આપીને તેમના પેન કાર્ડ મેળવી લેતા અને તેમને નામે નકલી કંપનીઓ રજિસ્ટર કરાવતા. ચકેરી પોલીસ, સાયબર સેલ અને સર્વેલન્સ યુનિટની સંયુક્ત કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે માત્ર ‘અફીસા એન્ટરપ્રાઇઝસ’ નામની એક કંપની મારફતે જ 146 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. મહફૂઝે પોતાના પરિવારના સભ્યોને નામે આશરે 68 બેંક ખાતાં પણ ખોલાવ્યાં હતાં. પોલીસ કમિશનર રઘુવીર લાલે જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં અત્યાર સુધી 16 બેંકોનાં 100થી વધુ ખાતાઓ મારફતે 3200 કરોડ રૂપિયાથી વધુનાં ટ્રાન્ઝેક્શન સામે આવ્યાં છે.

 સ્ક્રેપ અને કતલખાનાના ધંધા સાથે જોડાયેલું છે કનેક્શન

પોલીસ કમિશનર રઘુબીર લાલે શુક્રવારે કેસનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ રેકેટનો ઉપયોગ મુખ્યત્વે સ્ક્રેપ (ભંગાર) અને કતલખાનાના ધંધા સાથે જોડાયેલા લોકો દ્વારા પૈસા ફેરવવા માટે થતો હતો. મહફૂઝ આ નકલી ખાતાઓમાં રૂપિયા મગાવતો અને પછી રોકડ ઉપાડી પોતાનું કમિશન કાપીને પાછા આપતો હતો. આ સમગ્ર ખેલ GST ચોરી, ઇન્કમ ટેક્સ ફ્રોડ અને હવાલા મારફતે ચલાવવામાં આવતો હતો.

 વકીલ ફિરોઝ ખાન છે અસલી સિન્ડિકેટનું દિમાગ

પોલીસે આ સિન્ડિકેટના અસલી માસ્ટરમાઈન્ડ તરીકે ફિરોઝ ખાન નામના એક વકીલની ઓળખ કરી છે. ફિરોઝ જ આ નકલી ફર્મો માટે GST રજિસ્ટ્રેશન અને અન્ય કાનૂની દસ્તાવેજો તૈયાર કરાવતો હતો. પોલીસ હવે ફિરોઝ અને તેના અન્ય સાથીદારોની શોધમાં લાગી છે. મહફૂઝ અલી સામે અગાઉથી જ છ ગુનાહિત કેસ નોંધાયેલા છે.

 દેશભરમાં ફેલાયેલી છે જાળ

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગેંગના તાર માત્ર ઉત્તર પ્રદેશ સુધી મર્યાદિત નથી, પરંતુ પંજાબ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલા છે.