Home Blog Page 78

યુએસ કોર્ટે નવા ટેરિફ ઓર્ડરને નકાર્યો, કહ્યું -વેપાર કાયદાનો દુરુપયોગ

યુનાઇટેડ સ્ટેટ્સમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિને મોટો ઝટકો લાગ્યો છે. યુએસ ફેડરલ ટ્રેડ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા 10 ટકા વૈશ્વિક આયાત ટેરિફને રદ કર્યો, અને ચુકાદો આપ્યો કે 1974 ના ટ્રેડ એક્ટની કલમ 122 નો દુરુપયોગ થયો છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને મોટો ઝટકો લાગ્યો છે. યુએસ ફેડરલ ટ્રેડ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા નવા વૈશ્વિક આયાત ટેરિફને રદ કરી દીધા છે. કોર્ટે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રે 1974ના વેપાર કાયદા હેઠળ આપવામાં આવેલી મર્યાદિત સત્તાઓનો દુરુપયોગ કર્યો છે અને કાયદાની બહાર જઈને 10 ટકા આયાત સરચાર્જ લાદવાનો પ્રયાસ કર્યો છે.

વેપાર કાયદો શા માટે ઘડવામાં આવ્યો?

યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે 2-1ના ચુકાદામાં કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર વ્યાપક વેપાર ખાધ અને ચાલુ ખાતાની ખાધના આધારે 1974ના વેપાર કાયદાની કલમ 122 લાગુ કરી શકતું નથી. કોર્ટના મતે, આ કાયદો 1970ના દાયકાના ચોક્કસ ચુકવણી સંતુલન કટોકટીને સંબોધવા માટે બનાવવામાં આવ્યો હતો, આધુનિક સમયની લાક્ષણિક વેપાર ખાધને નહીં.

ટ્રમ્પ શું સાબિત કરવામાં નિષ્ફળ ગયા?

ન્યાયાધીશો માર્ક એ. બાર્નેટ અને ક્લેર આર. કેલીએ તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે ટ્રમ્પની ઘોષણા એ સાબિત કરવામાં નિષ્ફળ ગઈ કે કાયદા દ્વારા જરૂરી શરતો પૂરી થઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીમાં આ ટેરિફ લાદ્યા હતા.

કોર્ટે શું ચેતવણી આપી હતી?

કોર્ટે એ પણ ચેતવણી આપી હતી કે રાષ્ટ્રપતિને આટલા વ્યાપક અર્થઘટનની મંજૂરી આપવાથી તેમને વર્ચ્યુઅલ રીતે અમર્યાદિત ટેરિફ સત્તા મળશે. કોર્ટે જણાવ્યું હતું કે આમ કરવાથી બંધારણીય પ્રશ્નો ઉભા થઈ શકે છે, કારણ કે ટેરિફ અને વેપાર નીતિ નક્કી કરવાનો અધિકાર મુખ્યત્વે કોંગ્રેસ પાસે છે.

કોર્ટે ટ્રમ્પના અગાઉના ટેરિફને ફગાવી દીધા હતા

આ વર્ષની શરૂઆતમાં યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના અગાઉના ટેરિફને ફગાવી દીધા હતા, જે તેમણે ઇમરજન્સી પાવર્સ એક્ટ હેઠળ લાગુ કર્યા હતા. આ પછી ફેબ્રુઆરીમાં ટ્રમ્પે કલમ 122 નો ઉપયોગ કરીને નવા ટેરિફ લાગુ કર્યા. આ જોગવાઈ રાષ્ટ્રપતિને મહત્તમ 150 દિવસ માટે 15 ટકા સુધીની કામચલાઉ આયાત જકાત લાદવાની મંજૂરી આપે છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે દાવો કર્યો હતો કે અમેરિકાની મોટી વેપાર ખાધને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી જરૂરી હતી. જો કે, કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કાયદામાં ઉલ્લેખિત ચુકવણી સંતુલન કટોકટી વર્તમાન વેપાર ખાધનો ઉલ્લેખ કરતી નથી.

 

DMK, AIDMK સરકાર બનાવશે TVKના વિધાનસભ્યો આપશે રાજીનામાં : અહેવાલ

ચેન્નઈઃ તામિલનાડુમાં સરકાર રચનાને લઈને રાજકીય ગૂંચવણ યથાવત્ છે. વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન મળતાં હજુ સુધી નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થયો નથી. જોકે સૌથી વધુ બેઠકો જીતનાર અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK) સરકાર બનાવવા માટે પ્રયત્નશીલ છે. સરકાર બનાવવા માટે TVKને 118 ધારાસભ્યોની જરૂર છે, પરંતુ પાર્ટીએ 108 બેઠકો જીતી છે. આવી સ્થિતિમાં રાજ્યપાલે TVK પ્રમુખ વિજય પાસે 118 ધારાસભ્યોની યાદી માગી છે.

એ દરમિયાન અહેવાલો મુજબ TVKએ ગુરુવારે સાંજે ચેતવણી આપી છે કે જો દ્રવિડ પક્ષોમાંથી કોઈ પણ — એમ.કે. સ્ટાલિનની DMK અથવા ઈ. પલાનીસ્વામીની AIADMK — સરકાર બનાવવાનો દાવો કરશે તો પાર્ટીના તમામ ધારાસભ્યો સામૂહિક રાજીનામાં આપી દેશે.

આ નિર્ણય DMK અને AIADMK વચ્ચે થયેલી બે મહત્વપૂર્ણ બેઠકો બાદ આવ્યો હોવાનું કહેવાય છે. TVKને શંકા છે કે બંને દળો રાજ્યમાં સરકાર બનાવવા માટે મળીને કામ કરી રહ્યા છે અને સૌથી વધુ બેઠકો જીતનાર પાર્ટીને સત્તાથી દૂર રાખવા માગે છે. પાર્ટી સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે જો DMK અથવા AIADMK સરકાર રચવા આગળ વધશે તો TVK પોતાના તમામ 107 ધારાસભ્યોનાં સામૂહિક રાજીનામાં અંગે વિચાર કરી શકે છે. હાલની રાજકીય અનિશ્ચિતતા વચ્ચે વિજયના ખેમામાં વધતી બેચેનીનો આ સંકેત માનવામાં આવી રહ્યો છે.

જોકે વિજયે પોતે આ પ્રકારની ચેતવણી સત્તાવાર રીતે આપી નથી, પરંતુ ચૂંટણી પછીની વાટાઘાટો અનિર્ણાયક રહેતાં અને બહુમતીના આંકડાને કારણે સરકાર રચનામાં અવરોધ ઊભો થતાં પાર્ટીની અંદરની નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ઘટનાક્રમ તે અહેવાલો પછી સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે DMKએ TVKને સત્તામાં આવતાં અટકાવવા માટે પોતાની કટ્ટર પ્રતિસ્પર્ધી AIADMK સાથે ગુપ્ત ચર્ચાઓ શરૂ કરી છે. 23 એપ્રિલે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં DMKને 59 બેઠકો મળી હતી, જ્યારે AIADMKને 47 બેઠકો મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર TVK નેતૃત્વ ખાસ કરીને આ બાબતે નારાજ છે કે DMK અને AIADMK વિજયને સત્તા સંભાળતા અટકાવવા માટે ગુપ્ત ગઠબંધન બનાવી રહ્યા છે, જ્યારે તેમની પાર્ટી વિધાનસભાની સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે.

ઘોસ્ટ વર્કર્સ : ડિજિટલ દુનિયાનો ભયાવહ ચહેરો

ડિજિટલ યુગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં આપણે બધા જ ચેટજીપિટી અને સિરી જેવી સેવાઓને જ એઆઈ માનીએ છીએ, જ્યાં ઓટોમેશન મોડ પર તમામ કાર્યો સરળતાથી થઈ શકે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે આ સરળ દેખાતા મશીનની એક મજબૂત કરોડરજ્જુ પણ છે — એ છે તેની અલગોરિધમ. એક એવી ડિજિટલ ચેઇન અથવા કોડ, જેના આધારે આખું એઆઈ કાર્ય કરે છે.

આ અલગોરિધમને બદલવું અથવા કંટ્રોલ કરવું આપણે ધારીએ એટલું સહેલું હોતું નથી. ઉદાહરણ તરીકે, આપણે ઇન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ મૂકીએ અને ગણતરીની મિનિટોમાં જ એ પોસ્ટ પર રિપોર્ટ થઈ જાય, તો ઇન્સ્ટાગ્રામની અલગોરિધમ મુજબ હવે એ પોસ્ટ દેખાતી બંધ થઈ શકે અથવા રિસ્ટ્રિક્ટ મોડમાં જઈ શકે. અહીં અલગોરિધમને કંટ્રોલ કરવું પોસ્ટ કરનાર વ્યક્તિના હાથમાં રહેતું નથી. પરંતુ જો આ જ પોસ્ટ માર્કેટિંગ માટે હોય? અને જો તેને અનવોન્ટેડ અથવા સેન્સિટિવ કન્ટેન્ટ માટે જ બનાવવામાં આવી હોય તો?

અહીંથી શરૂ થાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પણ શરમાવે તેવી ઘોસ્ટ વર્કર્સની ખૌફનાક સફર.

મુરમુ નામની એક આદિવાસી મહિલા રોજ સાંજે પોતાના ઝુંપડાના ઓટલા પર એ રીતે ફોન લઈને બેસે છે, જ્યાં મોબાઈલ નેટવર્ક સારી રીતે મળતું હોય. તેને લોગિન માટે પાસવર્ડ આપવામાં આવે છે અને નક્કી કરેલા કલાકો મુજબ કન્ટેન્ટ જોવું ફરજીયાત બનાવવામાં આવે છે. આ કન્ટેન્ટમાં વિકૃતિની દરેક હદો પાર કરનારા દ્રશ્યો હોય છે — ચાઈલ્ડ હેરેસમેન્ટ, પોર્ન ક્લિપ્સ, મર્ડર અને એનાથી પણ ભયાનક ઘણું બધું.

આ બધું જોવાના બદલામાં તેને સારા પૈસા મળે છે. મુરમુ જણાવે છે કે શરૂઆતમાં આ બધું જોઈને તે ખૂબ જ વિચલિત થઈ જતી. તેને રાત્રે ઊંઘ આવતી નહોતી. પરંતુ હવે દિવસના લગભગ 800 જેટલા વિડિઓઝ જોઈને તે અવાક બની ગઈ છે. જાણે ઈચ્છાઓ મરી ગઈ હોય અને સંવેદનાઓ શૂન્ય બની ગઈ હોય.

માત્ર મુરમુ જ નહીં, પરંતુ તેની જેવી હજારો આદિવાસી અને દલિત મહિલાઓ વૈશ્વિક ટેક કંપનીઓ માટે ‘કન્ટેન્ટ મોડરેટર્સ’ અથવા ‘ડેટા એનોટેશન’નું કામ કરે છે. જ્યારે તેમને કામ સોંપવામાં આવે છે, ત્યારે માત્ર ડેટા મેનેજમેન્ટનું કામ હોવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ ઘણા કરારો પર સહી કરાવીને તેમને હિંસક અને ભયાનક કન્ટેન્ટ જોવા મજબૂર કરવામાં આવે છે, જેથી એઆઈની અલગોરિધમ તેવા વાંધાજનક કન્ટેન્ટને ઓળખી અને ફિલ્ટર કરી શકે.

પરંતુ વિસંગતિ એ છે કે કેટલીક વૈશ્વિક ટેક કંપનીઓ આ જ પ્રકારના કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી વ્યવસ્થાઓ પણ ઊભી કરે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ઘણી વખત હિંસક કન્ટેન્ટ પણ “સેફ” અથવા “એન્ગેજિંગ” તરીકે આગળ ધપાવવામાં આવે છે. આમ, અલગોરિધમ ધીમે ધીમે એવી રીતે સેટ થતી જાય છે કે હિંસક દ્રશ્યો પણ સામાન્ય લાગવા માંડે.

પરંતુ અહીં ઘોસ્ટ વર્કર્સ તરીકે કામ કરતા કન્ટેન્ટ મોડરેટર્સની માનસિક અવસ્થા દયનીય બની રહે છે. કરાર મુજબ તેઓ સરળતાથી નોકરી છોડી શકતા નથી. ભારતમાં શ્રમ કાયદાઓમાં માનસિક સ્વાસ્થ્યને પૂરતી કાનૂની માન્યતા ન મળતાં આવા કામદારોને પૂરતું રક્ષણ પણ મળતું નથી. તેઓ કામ તો કરે છે, પરંતુ તેમની માનસિક પીડા ઘણીવાર અજાણી જ રહી જાય છે.

આ કામમાં એકલતા સૌથી મોટી સમસ્યા છે. કન્ટેન્ટ મોડરેટર્સ કડક નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ્સ (NDA) હેઠળ કામ કરે છે, જેના કારણે તેઓ પોતાના કામ વિશે પરિવાર કે મિત્રો સાથે પણ વાત કરી શકતા નથી. જો તેઓ આ નિયમો તોડે, તો નોકરી ગુમાવવાની અથવા કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

મુરમુ કહે છે કે શરૂઆતમાં ઊંઘની ગંભીર સમસ્યાઓ આવતી હતી. આંખ બંધ કરતાં જ ભયાનક દ્રશ્યો સામે આવી જતા. પરંતુ હવે બધું જાણે “નોર્મલ” બની ગયું છે. અહીંથી છૂટવું પણ ધારીએ એટલું સહેલું નથી, કેમ કે બેરોજગારીની કડવી વાસ્તવિકતા કરતાં નિર્લજ્જતાના આ સ્વપ્નો હવે વધારે સુરક્ષિત લાગવા માંડ્યા છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

TCS કેસઃ મુખ્ય આરોપી નિદા ખાનની ધરપકડ

નાસિકઃ નાસિક TCS કેસમાં બળાત્કાર, યૌન શોષણ અને ધર્માંતરણના આરોપોમાં FIR નોંધાયા પછી 40 દિવસ બાદ TCSની સસ્પેન્ડ કરાયેલી કર્મચારી નિદા ખાનની ગુરુવારે મોડી રાત્રે છત્રપતિ સંભાજીનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નાસિક SIT, છત્રપતિ સંભાજીનગર ક્રાઇમ બ્રાન્ચ અને શહેર પોલીસ કમિશનરેટ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

નિદા ખાન કોણ છે? નાસિક TCS કેસ શું છે?

નિદા ખાન TCSની સસ્પેન્ડ કરાયેલી કર્મચારી છે, જે કંપનીની નાસિક યુનિટમાં કામ કરતી હતી. તેના પર યૌન ઉત્પીડન, માનસિક શોષણ અને મહિલાઓ પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાના ગંભીર આરોપો છે. આ કેસમાં પોલીસે અગાઉ છ અન્ય કર્મચારીઓની પણ ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ નિદા ખાન ઘણા દિવસોથી ફરાર હતી અને નાસિક પોલીસની ટીમ તેની શોધખોળ કરી રહી હતી. નિદા ખાન છેલ્લા ચાર દિવસથી નારેગાંવના કૈસર કોલોની વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહેતી હતી. પોલીસ છેલ્લા બે દિવસથી આ ફ્લેટ પર નજર રાખી રહી હતી. તે ત્યાં પોતાનાં માતા-પિતા, ભાઈ અને કાકીના સાથે રહેતી હતી. ત્યાર બાદ તેને JMFC (Judicial Magistrate First Class)ના ન્યાયાધીશના નિવાસસ્થાને રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી પોલીસે તેને કસ્ટડીમાં લઈ ગઈ હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ધરપકડ પહેલાં નિદા ખાને પોતાની બે મહિનાની ગર્ભાવસ્થાનો ઉલ્લેખ કરી સુરક્ષા માગી હતી, પરંતુ કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. અદાલતે SITની દલીલને માન્ય રાખતાં કહ્યું હતું કે આ કેસની તપાસમાં તેની ભૂમિકા હજુ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. નિદા ખાન સામે નોંધાયેલી FIRમાં નાસિક સ્થિત IT કંપનીના ઓફિસના વાતાવરણ અંગે પણ અનેક ચોંકાવનારા આરોપો કરવામાં આવ્યા છે. પ્રોસિક્યુશન મુજબ ખાન પર મહિલા સહકર્મચારીઓને ઇસ્લામિક પરંપરાઓ અપનાવવા દબાણ કરવાનો આરોપ છે, જેમાં કપડાં પહેરવાની રીત અને ખાવા-પીવાની આદતો અંગે સલાહ આપવાનો સમાવેશ થાય છે.

વાસ્તુ: ઈશાન દિશાની ભૂલ ઘરમાં નકારાત્મકતા લાવી શકે

શું તમને જીવન પ્રત્યેની ચિંતાઓ વધી રહી છે? શું તમારો વાસ્તુશાસ્ત્ર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે? શું તમને આંખોમાં બળતરા થાય છે? શું તમારો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે? શું તમને સતત કંઈક થઈ જવાનો ડર લાગે છે? શું તમે રીલ્સમાં વિશ્વાસ કરીને એની સલાહ મુજબ જીવન જીવો છો? તો સમજો કે તમે હાથે કરીને દુઃખી થવાનું શરૂ કર્યું છે.

સર્વપ્રથમ તો રીલ્સ જોવાનું ઓછું કરો અને તમારા મગજ તેમજ આંખોને આરામ આપો. જે પ્લેટફોર્મ પર લોકો પોપ્યુલર થવા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે, તેના પર સંપૂર્ણ ભરોસો કેવી રીતે કરી શકાય? સત્ય બહુ ઓછા લોકોને ગમે છે. તેથી તે સહેલાઈથી પોપ્યુલર બનતું નથી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: હું એક સોશિયલ મીડિયા સ્ટાર છું. અમને જેટલી ઝડપથી પ્રસિદ્ધિ મળે છે, એટલો જ વધુ તણાવ પણ ઉભો થાય છે. સતત કંઈક નવું આપવા માટે અને સતત પોપ્યુલર રહેવા માટે ઘણી વખત મન મારીને કામ કરવું પડે, ખોટું બોલવું પડે અને ખોટા વખાણ પણ કરવા પડે. મારી મમ્મી હંમેશાં કહેતા કે, “આ બધી ઉપાધિ છોડીને નોકરી શોધી લે.” પરંતુ સફળતાનો નશો એ કરવા ક્યાં દે?

એક દિવસ મને ડિપ્રેશનનો એટેક આવ્યો. આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા. મારા મમ્મી ગભરાઈ ગયા અને રીલ્સ જોઈને ઈશાનમાં પીપળો વાવી દીધો, રસોડાના પ્લેટફોર્મ પર તુલસીનું કુંડું મૂકી દીધું અને ગેસ સ્ટવ પર બે વાટકા ટીંગાડી દીધા. ત્યારબાદ અચાનક મારું કામ ખોરવાઈ ગયું. મારી ટ્રીટમેન્ટ પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છતાં તકલીફ યથાવત છે. હવે તો વાસ્તુશાસ્ત્ર પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે. તેથી મને સાચું માર્ગદર્શન આપીને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા વિનંતી.

જવાબ: સફળતાનો આનંદ માણવાનો હોય, તેનો નશો કરવાનો નથી. તમે મફતમાં વાસ્તુની સલાહ લીધી અને લાખો રૂપિયા ગુમાવ્યા. જો તમારે હીરો ખરીદવો હોય તો તમે ઝવેરી પાસે જશો કે કુંભાર પાસે?

ભારતીય વાસ્તુશાસ્ત્રના નિયમો યોગ્ય રીતે સમજવામાં આવે તો અનેક સમસ્યાઓના ઉકેલ માટે મદદરૂપ બની શકે છે. પરંતુ મફતમાં માટી મળે, સોનું નહીં. તમે જે રીલ્સ જોઈ, તે માત્ર મનોરંજન માટે હોય છે. તમે પોતે જ સ્વીકારો છો કે પોપ્યુલર થવા માટે તમે ઘણી નૈતિક રીતે ખોટી બાબતો કરી. તેવી જ રીતે વાસ્તુના વિષયમાં પણ ઘણા લોકો લોકપ્રિયતા મેળવવા માટે ગેરમાર્ગદર્શન આપે છે.

ઈશાનમાં મોટું વૃક્ષ ક્યારેય ન વાવવું જોઈએ. રસોડાના પ્લેટફોર્મ પર કુંડું મૂકવું યોગ્ય નથી. વાટકા ટીંગાડવા માટે નથી હોતા. આટલી સમજ તો સામાન્ય માણસને પણ હોય.

ડિપ્રેશન બ્રહ્મના દોષથી આવે છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. ચોક્કસ ફરક અનુભવશો. રીલ્સ જોઈને જે કંઈ કર્યું હોય તે બધું દૂર કરી નાખો. મફતમાં સલાહ લેવાના બદલે જો કોઈ નિષ્ણાતને યોગ્ય ફી આપી હોત તો તમને વધુ સસ્તું પડ્યું હોત. મોટા ભાગના લોકોને મફતમાં જ્ઞાન લઈને પછી હેરાન થવાનું ગમે છે.

સવાલ: મારો દીકરો જરાય ફોકસ નથી રાખતો. કાઉન્સેલિંગમાં લાખો રૂપિયા ખર્ચ્યા છતાં એ ભણવા જ નથી બેસતો. કોઈ ઉપાય આપો. મારા ઘરમાં મોટા ફેરફાર શક્ય નથી. એટલે સરળ ઉપાય જણાવશો.

જવાબ: આ માટે તમારા ઘરનો નકશો જરૂરી રહેશે. મારા અભ્યાસ દરમિયાન મેં કેટલીક સુગંધ પર કામ કર્યું છે, જેના કારણે બાળકની પ્રકૃતિ વધુ સકારાત્મક બની શકે છે. નકશો જોયા બાદ હું તમને યોગ્ય માર્ગદર્શન આપી શકીશ. ચોક્કસ ફરક પડશે.

સૂચન: ઈશાન દિશામાં ઊંચા વૃક્ષો વાવવાથી નકારાત્મક ઊર્જા વધે છે. તેથી ઈશાનમાં મોટા વૃક્ષો ન વાવવા જોઈએ.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૮ મે ૨૦૨૬

મકાન ‘માલિક’નું ને દિલ ‘ભાડવાત’નું… પેઈંગ ગેસ્ટની ફિલ્મી સફર

સાઉથ મુંબઈમાં રહેતા 76 વર્ષી મહેશ મહેતાની સ્થિતિ જોતાં હૃષીકેશ મુખર્જી કે બાસુ ચેટર્જીની ફિલ્મનું દ્રશ્ય આંખ સામે તરી આવે. સંતાનો વિદેશમાં સેટલ છે, મહેશભાઈ વિશાળ ફ્લૅટમાં એકલતા સાથે ‘દોસ્તી’ કરી રહ્યા છે. એકલતા દૂર કરવા માટે અને થોડી વધારાની આવક માટે એમણે એરબીએનબી (Airbnb)નો સહારો લીધો, જેથી અવારનવાર મહેમાનો આવતા રહે… પણ એમાં સોસાયટીના નિયમો આડે આવ્યા. મામલો કોર્ટ સુધી પહોંચ્યો. કોર્ટે પણ સાફ કહી દીધું કે 11 મહિનાના પેઈંગ ગેસ્ટ અને એરબીએનબીના હોટેલ-ગેસ્ટમાં ફરક છે. સોસાયટીની મંજૂરી વગર અતિથિ દેવો ભવ:ની આ સ્કીમ નહીં ચાલે…

સામાજિક રીતે જોઈએ તો આજનાં સંતાનોનું વિદેશમાં સેટલ થવું એ મા-બાપ માટે ઈમોશનલ અને ઈકોનોમિકલ ક્લાઈમેક્સ જેવું બની ગયું છે, પણ પેઈંગ ગેસ્ટ કે ભાડવાત રાખવાની પરંપરા કંઈ આજકાલની નથી. 19મી સદીના અંતમાં જ્યારે ગામડાના યુવાનો મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ કે સરકારી નોકરીનાં સપનાં લઈને આવતા, ત્યારે પારસી કે એંગ્લો-ઈન્ડિયન પરિવારો તેમને પોતાનાં ઘરમાં આશરો આપતા. ભાડું જરૂર લેવાતું, પણ વ્યવહાર ઘરના સભ્ય જેવો રહેતો.

પછી સમય બદલાયો અને આ સિસ્ટમ પ્રોફેશનલ બની ગઈ. મકાનમાલિક સાથે રહેવાની મજબૂરી નથી રહી, રેન્ટ કે લીવ એન્ડ લાઈસન્સના દસ્તાવેજ હવે મલ્ટી-બિલિયન ડોલર ઈન્ડસ્ટ્રી બની ગયા છે. નવાઈની વાત એ છે કે આપણા ફિલ્મસર્જકો આટલી મોટી વરવી સામાજિક વાસ્તવિકતાને કેમેરામાં કેદ કરવાનું ભાગ્યે જ વિચારે છે.

જો કે, જ્યારે જ્યારે ઘરની સમસ્યાની વાત નીકળે ત્યારે 1977માં આવેલી ડિરેક્ટર ભીમસેનની ‘ઘરોંદા’ અને તેના ગીત “દો દીવાને શહર મેં, રાત મેં યા દોપહર મેં, આબુદાના ઢૂંઢતેં હૈં, આશિયાના ઢૂંઢતે હૈ” અચૂક યાદ આવે. ‘ઘરોંદા’માં મોટા સ્ટાર્સ નહોતા, પણ અમોલ પાલેકર-ઝરીના વહાબ-ડો. શ્રીરામ લાગુ હતાં. આમ છતાં પહોળા કોલરવાળાં શર્ટ-બેલબોટમ-હાઈ હિલવાળા શૂઝમાં સજ્જ યુવાન-યુવતી ‘ઘરોદાં’ જોવા જતાં એવું મને આછું આછું યાદ છે, કેમ કે ફિલ્મનો વિષય એમને કનેક્ટ થતો. છાયા-સુદીપ (ઝરીના વહાબ-અમોલ પાલેકર) પ્રેમમાં છે, એમને લગ્ન કરીને સેટલ થવું છે, પણ મુંબઈમાં ઘર મળે કેવી રીતે? આમ તો બન્ને કમાય છે, પણ લોન અથવા મોરગેજની બાત ત્યારે બને જ્યારે ડાઉન પેમેન્ટની વ્યવસ્થા થાય. સુદીપ જેમતેમ વ્યવસ્થા કરે છે, અન્ડર કન્સ્ટ્રક્શનમાં ફ્લૅટ નોંધાવે છે, પણ બિલ્ડર લેભાગુ નીકળે છે, ડાઉન પેમેન્ટ ડૂબી જાય છે… પછી પછી શું થાય છે? અને ડિરેક્ટર ભીમસેને કેવી કેવી કમાલ કરેલી એ વિશે એક અલગ લેખનું આયોજન કરેલું છે.

અત્યારે તો જોઈએ ભાડાનાં મકાન, મકાનમાલિક કે પેઈંગ ગેસ્ટના ખાટા-મીઠા અનુભવની આસપાસ ફરતી અમુક ફિલ્મો. બ્લૅક ઍન્ડ વ્હાઈટના જમાનામાં, 1957માં આવેલી દેવ આનંદ-નૂતનની ફિલ્મનું નામ જ ‘પેઈંગ ગેસ્ટ’ છે. દેવ આનંદ-નૂતનની લાક્ષણિક અદાકારી અને એસ. ડી. બર્મન સંગીતવાળી આ રોમાન્ટિક ફિલ્મમાં સસ્પેન્સનું પણ ગાર્નિશિંગ હતું.

કલરની વાત કરીએ તો સઈ પરાંજપેની ‘ચશ્મેબદ્દુર’ અને લવ રંજનની ‘પ્યાર કા પંચનામા’ બેચલર્સના ફ્લેટ શેરિંગ પર આધારિત હતી. દિગ્દર્શક બાપુની ‘વો સાત દિન’માં શહેરમાં મ્યુઝિક ડિરેક્ટર બનવા આવેલો અનિલ કપૂર હીરોઈન પદ્મિની કોલ્હાપુરેના ઘરમાં રહે છે. મકાનમાલિક સાથે તેની ખિટપિટ અને ગામડાના માહોલમાં શહેરના ભાડવાતની હાલત ખૂબ જ રમૂજી રીતે વણી લેવાઈ છે. 2009માં આવેલી ‘વેક અપ સિડ’ને આજના સમયની ફિલ્મ કહી શકાય. રણબીર કપૂર એના લક્ઝુરિયસ ઘરેથી નીકળીને આયેશા (કોંકણા સેન શર્મા)ના ઘરે પેઈંગ ગેસ્ટ અથવા કો-લિવિંગ પાર્ટનર તરીકે રહેવા જાય છે. અહીં સંબંધોમાં પૈસા કરતાં એકબીજાને સમજવાની વાત વધુ છે. 2009માં જ આવેલી ‘પેઈંગ ગેસ્ટ’ (દિગ્દર્શક પરિતોષ પેઈન્ટર)માં શ્રેયસ તળપદે-આશિષ ચૌધરી-જાવેદ જાફરી થાઈલેન્ડના ખૂબસૂરત શહેર પટ્ટાયામાં અસરાનીની માલિકીના ઘરમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હોય એવી વાત છે.

એક્ટર-રાઈટર-ડિરેક્ટર આનંદ તિવારીની પહેલી ફિલ્મ હતીઃ ‘લવ પર સ્ક્વેર ફીટ’. વિકી કૌશલ-અંગિરા ધરને ચમકાવતી આ ફિલ્મ 2018માં નેટફ્લિક્સ પર આવેલી. ટાઈટલ પરથી જ ખ્યાલ આવી જાય કે ફિલ્મ મુંબઈ હાઉઝિંગની દિમાગમાં ન ઘૂસે એવી જટિલતા વિશે છે.

 -પણ આ બધામાં સૌથી ચડી જાય એવી ફિલ્મ એટલે રાજ કપૂરની ‘અનાડી’ (1959). પ્રામાણિક, સીધોસાદો, ગામડાનો ગરીબ ગ્રેજ્યુએટ રાજકુમાર (રાજ કપૂર) મુંબઈમાં નસીબ અજમાવવા આવે છે, આધેડ વયનાં ક્રિશ્ચન વિધવા મિસિસ ડીસા (લલિતા પવાર)નાં ઘરે પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે.

‘અનાડી’માં મકાનમાલિક-પેઈંગ ગેસ્ટના સંબંધની એક અલગ ઊંચાઈ જોવા મળે છે. મિસિસ ડીસા એકલાં રહે છે, ઉપરથી કડક, શિસ્તબદ્ધ લાગે, પણ અંદરથી રાજને સગા દીકરાની જેમ ચાહે છે. રાજનાં ચિત્રો એને ખબર ન પડે એ રીતે ખરીદે છે. રાજ બીમાર પડે છે ત્યારે એની માવજત કરે છે એ સીન ઈમોશનલ છે. એવો જ એમનો ડેથ સીન. મિસિસ ડીસા માંદાં પડે છે, રાજ ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલી દવા એમને આપે છે, પણ એ નકલી અથવા ભેળસેળવાળી દવા નીકળે છે, જેના લીધે એમનું મૃત્યુ થાય છે.

કિશોરવયે બ્લૅક ઍન્ડ વ્હાઈટ ટીવી પર મિસિસ ડીસાનો ડેથ સીન જોઈને હું ધ્રૂસકે ધ્રૂસકે રડેલો. અમુક કિસ્સામાં પેઈંગ ગેસ્ટ પરિવારનો હિસ્સો બની જતો હોય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આ ફિલ્મ છે.

તે વખતે લલિતા પવાર જુલમી સાસુના રોલ માટે જાણીતાં હતાં, પરંતુ ‘અનાડી’માં મિસિસ ડીસાના કેરેક્ટરે તેમને પ્રેમાળ મા તરીકે સ્થાપિત કરી દીધાં. આ રોલ માટે એમને ફિલ્મફેર એવૉર્ડ મળ્યો હતો.

રાજ કપૂરની જ ‘શ્રી 420’માં લલિતા પવાર રસ્તા પર કેળાં વેચતાં મહારાષ્ટ્રિયન ગંગા મૌસી છે. જો કે આ ફિલ્મમાં રાજ કપૂર પેઈંગ ગેસ્ટ કમ, આશ્રિત વધારે હતા, કેમ કે ગંગા મૌસી પોતે ઝૂંપડપટ્ટીમાં રહેતાં. અલાહાબાદથી મુંબઈ નોકરી શોધવા આવેલા રાજુ (રાજ કપૂર)ના રહેવાની સગવડ એ ઝૂંપડાની બહાર, ફૂટપાથ પર કરી આપે છે, બદલામાં રાજુ “દિલ કા હાલ સૂને દિલવાલા” ગાઈને ઝૂંપડાંવાસીઓનું રંજન કરે છે! ‘અનાડી’ અને ‘શ્રી 420’ ઈન્ટરનેટ પર અવેલેબલ છે. મન થાય તો જોઈ નાખજો.

આ તો છાપામાં પેઈંગ ગેસ્ટના એક કેસના ચુકાદા વિશે સમાચાર વાંચ્યા ને આ અફસાનો માંડ્યો. આવા વિષય પર બનેલી બીજી કોઈ ફિલ્મ યાદ આવે તો જણાવજો.

Chitralekha Gujarati – 18 May, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 08/05/2026