સાઉથ મુંબઈમાં રહેતા 76 વર્ષી મહેશ મહેતાની સ્થિતિ જોતાં હૃષીકેશ મુખર્જી કે બાસુ ચેટર્જીની ફિલ્મનું દ્રશ્ય આંખ
સામે તરી આવે. સંતાનો વિદેશમાં સેટલ છે, મહેશભાઈ વિશાળ ફ્લૅટમાં એકલતા સાથે ‘દોસ્તી’ કરી રહ્યા છે. એકલતા દૂર કરવા માટે અને થોડી વધારાની આવક માટે એમણે એરબીએનબી (Airbnb)નો સહારો લીધો, જેથી અવારનવાર મહેમાનો આવતા રહે… પણ એમાં સોસાયટીના નિયમો આડે આવ્યા. મામલો કોર્ટ સુધી પહોંચ્યો. કોર્ટે પણ સાફ કહી દીધું કે 11 મહિનાના પેઈંગ ગેસ્ટ અને એરબીએનબીના હોટેલ-ગેસ્ટમાં ફરક છે. સોસાયટીની મંજૂરી વગર અતિથિ દેવો ભવ:ની આ સ્કીમ નહીં ચાલે…
સામાજિક રીતે જોઈએ તો આજનાં સંતાનોનું વિદેશમાં સેટલ થવું એ મા-બાપ માટે ઈમોશનલ અને ઈકોનોમિકલ ક્લાઈમેક્સ જેવું બની ગયું છે, પણ પેઈંગ ગેસ્ટ કે ભાડવાત રાખવાની પરંપરા કંઈ આજકાલની નથી. 19મી સદીના અંતમાં જ્યારે ગામડાના યુવાનો મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ કે સરકારી નોકરીનાં સપનાં લઈને આવતા, ત્યારે પારસી કે એંગ્લો-ઈન્ડિયન પરિવારો તેમને પોતાનાં ઘરમાં આશરો આપતા. ભાડું જરૂર લેવાતું, પણ વ્યવહાર ઘરના સભ્ય જેવો રહેતો.
પછી સમય બદલાયો અને આ સિસ્ટમ પ્રોફેશનલ બની ગઈ. મકાનમાલિક સાથે રહેવાની મજબૂરી નથી રહી, રેન્ટ કે લીવ એન્ડ લાઈસન્સના દસ્તાવેજ હવે મલ્ટી-બિલિયન ડોલર ઈન્ડસ્ટ્રી બની ગયા છે. નવાઈની વાત એ છે કે આપણા ફિલ્મસર્જકો આટલી મોટી વરવી સામાજિક વાસ્તવિકતાને કેમેરામાં કેદ કરવાનું ભાગ્યે જ વિચારે છે.
જો કે, જ્યારે જ્યારે ઘરની સમસ્યાની વાત નીકળે ત્યારે 1977માં આવેલી ડિરેક્ટર ભીમસેનની ‘ઘરોંદા’ અને તેના ગીત “દો દીવાને શહર મેં, રાત મેં યા દોપહર મેં, આબુદાના ઢૂંઢતેં હૈં, આશિયાના ઢૂંઢતે હૈ” અચૂક યાદ આવે. ‘ઘરોંદા’માં મોટા સ્ટાર્સ નહોતા, પણ અમોલ પાલેકર-ઝરીના વહાબ-ડો. શ્રીરામ લાગુ હતાં. આમ છતાં પહોળા કોલરવાળાં શર્ટ-બેલબોટમ-હાઈ હિલવાળા શૂઝમાં સજ્જ યુવાન-યુવતી ‘ઘરોદાં’ જોવા જતાં એવું મને આછું આછું યાદ છે, કેમ કે ફિલ્મનો વિષય એમને કનેક્ટ થતો. છાયા-સુદીપ (ઝરીના વહાબ-અમોલ પાલેકર) પ્રેમમાં છે, એમને લગ્ન કરીને સેટલ થવું છે, પણ મુંબઈમાં ઘર મળે કેવી રીતે? આમ તો બન્ને કમાય છે, પણ લોન અથવા મોરગેજની બાત ત્યારે બને જ્યારે ડાઉન પેમેન્ટની વ્યવસ્થા થાય. સુદીપ જેમતેમ વ્યવસ્થા કરે છે, અન્ડર કન્સ્ટ્રક્શનમાં ફ્લૅટ નોંધાવે છે, પણ બિલ્ડર લેભાગુ નીકળે છે, ડાઉન પેમેન્ટ ડૂબી જાય છે… પછી પછી શું થાય છે? અને ડિરેક્ટર ભીમસેને કેવી કેવી કમાલ કરેલી એ વિશે એક અલગ લેખનું આયોજન કરેલું છે.
અત્યારે તો જોઈએ ભાડાનાં મકાન, મકાનમાલિક કે પેઈંગ ગેસ્ટના ખાટા-મીઠા અનુભવની આસપાસ ફરતી અમુક ફિલ્મો. બ્લૅક ઍન્ડ વ્હાઈટના જમાનામાં, 1957માં આવેલી દેવ આનંદ-નૂતનની ફિલ્મનું નામ જ ‘પેઈંગ ગેસ્ટ’ છે. દેવ આનંદ-નૂતનની લાક્ષણિક અદાકારી અને એસ. ડી. બર્મન સંગીતવાળી આ રોમાન્ટિક ફિલ્મમાં સસ્પેન્સનું પણ ગાર્નિશિંગ હતું.

કલરની વાત કરીએ તો સઈ પરાંજપેની ‘ચશ્મેબદ્દુર’ અને લવ રંજનની ‘પ્યાર કા પંચનામા’ બેચલર્સના ફ્લેટ શેરિંગ પર આધારિત હતી. દિગ્દર્શક બાપુની ‘વો સાત દિન’માં શહેરમાં મ્યુઝિક ડિરેક્ટર બનવા આવેલો અનિલ કપૂર હીરોઈન પદ્મિની કોલ્હાપુરેના ઘરમાં રહે છે. મકાનમાલિક સાથે તેની ખિટપિટ અને ગામડાના માહોલમાં શહેરના ભાડવાતની હાલત ખૂબ જ રમૂજી રીતે વણી લેવાઈ છે. 2009માં આવેલી ‘વેક અપ સિડ’ને આજના સમયની ફિલ્મ કહી શકાય. રણબીર કપૂર એના લક્ઝુરિયસ ઘરેથી નીકળીને આયેશા (કોંકણા સેન શર્મા)ના ઘરે પેઈંગ ગેસ્ટ અથવા કો-લિવિંગ પાર્ટનર તરીકે રહેવા જાય છે. અહીં સંબંધોમાં પૈસા કરતાં એકબીજાને સમજવાની વાત વધુ છે. 2009માં જ આવેલી ‘પેઈંગ ગેસ્ટ’ (દિગ્દર્શક પરિતોષ પેઈન્ટર)માં શ્રેયસ તળપદે-આશિષ ચૌધરી-જાવેદ જાફરી થાઈલેન્ડના ખૂબસૂરત શહેર પટ્ટાયામાં અસરાનીની માલિકીના ઘરમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હોય એવી વાત છે.
એક્ટર-રાઈટર-ડિરેક્ટર આનંદ તિવારીની પહેલી ફિલ્મ હતીઃ ‘લવ પર સ્ક્વેર ફીટ’. વિકી કૌશલ-અંગિરા ધરને ચમકાવતી આ ફિલ્મ 2018માં નેટફ્લિક્સ પર આવેલી. ટાઈટલ પરથી જ ખ્યાલ આવી જાય કે ફિલ્મ મુંબઈ હાઉઝિંગની દિમાગમાં ન ઘૂસે એવી જટિલતા વિશે છે.
-પણ આ બધામાં સૌથી ચડી જાય એવી ફિલ્મ એટલે રાજ કપૂરની ‘અનાડી’ (1959). પ્રામાણિક, સીધોસાદો, ગામડાનો ગરીબ ગ્રેજ્યુએટ રાજકુમાર (રાજ કપૂર) મુંબઈમાં નસીબ અજમાવવા આવે છે, આધેડ વયનાં ક્રિશ્ચન વિધવા મિસિસ ડીસા (લલિતા પવાર)નાં ઘરે પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે.
‘અનાડી’માં મકાનમાલિક-પેઈંગ ગેસ્ટના સંબંધની એક અલગ ઊંચાઈ જોવા મળે છે. મિસિસ ડીસા એકલાં રહે છે, ઉપરથી કડક, શિસ્તબદ્ધ લાગે, પણ અંદરથી રાજને સગા દીકરાની જેમ ચાહે છે. રાજનાં ચિત્રો એને ખબર ન પડે એ રીતે ખરીદે છે. રાજ બીમાર પડે છે ત્યારે એની માવજત કરે છે એ સીન ઈમોશનલ છે. એવો જ એમનો ડેથ સીન. મિસિસ ડીસા માંદાં પડે છે, રાજ ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલી દવા એમને આપે છે, પણ એ નકલી અથવા ભેળસેળવાળી દવા નીકળે છે, જેના લીધે એમનું મૃત્યુ થાય છે.
કિશોરવયે બ્લૅક ઍન્ડ વ્હાઈટ ટીવી પર મિસિસ ડીસાનો ડેથ સીન જોઈને હું ધ્રૂસકે ધ્રૂસકે રડેલો. અમુક કિસ્સામાં પેઈંગ ગેસ્ટ પરિવારનો હિસ્સો બની જતો હોય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આ ફિલ્મ છે.
તે વખતે લલિતા પવાર જુલમી સાસુના રોલ માટે જાણીતાં હતાં, પરંતુ ‘અનાડી’માં મિસિસ ડીસાના કેરેક્ટરે તેમને પ્રેમાળ મા તરીકે સ્થાપિત કરી દીધાં. આ રોલ માટે એમને ફિલ્મફેર એવૉર્ડ મળ્યો હતો.
રાજ કપૂરની જ ‘શ્રી 420’માં લલિતા પવાર રસ્તા પર કેળાં વેચતાં મહારાષ્ટ્રિયન ગંગા મૌસી છે. જો કે આ ફિલ્મમાં રાજ કપૂર પેઈંગ ગેસ્ટ કમ, આશ્રિત વધારે હતા, કેમ કે ગંગા મૌસી પોતે ઝૂંપડપટ્ટીમાં રહેતાં. અલાહાબાદથી મુંબઈ નોકરી શોધવા આવેલા રાજુ (રાજ કપૂર)ના રહેવાની સગવડ એ ઝૂંપડાની બહાર, ફૂટપાથ પર કરી આપે છે, બદલામાં રાજુ “દિલ કા હાલ સૂને દિલવાલા” ગાઈને ઝૂંપડાંવાસીઓનું રંજન કરે છે! ‘અનાડી’ અને ‘શ્રી 420’ ઈન્ટરનેટ પર અવેલેબલ છે. મન થાય તો જોઈ નાખજો.
આ તો છાપામાં પેઈંગ ગેસ્ટના એક કેસના ચુકાદા વિશે સમાચાર વાંચ્યા ને આ અફસાનો માંડ્યો. આવા વિષય પર બનેલી બીજી કોઈ ફિલ્મ યાદ આવે તો જણાવજો.




