Home Blog Page 76

ધર્મેન્દ્રએ ‘યાદોં કી બારાત’ માં વીગ પહેરવી પડી!

1973માં રિલીઝ થયેલી ‘યાદોં કી બારાત’ હિન્દી સિનેમાની એવી ફિલ્મોમાંની એક છે જેણે ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ એટલે કે મેળામાં ખોવાઈ ગયેલા ભાઈઓના મિલનની ફોર્મ્યુલાને એક નવી ઊંચાઈ આપી હતી. ફિલ્મ સાથે જોડાયેલી વાતો અને તેના સર્જનની પ્રક્રિયા આજે પણ એટલી જ મજેદાર અને પ્રેરણાદાયક છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મની મૂળ વાર્તા ઇટાલિયન વેસ્ટર્ન ફિલ્મ ‘ડેથ રાઈડ્સ એ હોર્સ’ પરથી પ્રેરિત હતી. નાસિર હુસૈને જ્યારે આ વાર્તા પર કામ શરૂ કર્યું ત્યારે સલીમ-જાવેદે આ જ મૂળપ્લોટ પર ‘ઝંઝીર’ લખી હતી. બંને ફિલ્મોમાં વિલન અજીત હતા અને બંનેમાં હીરો પોતાના માતા-પિતાના કાતિલને શોધે છે. ફેર માત્ર એટલો હતો કે ‘ઝંઝીર’માં એક બાળક હતું જ્યારે ‘યાદોં કી બારાત’ માં ત્રણ ભાઈઓની વાત હતી.

ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને પણ ઘણા કિસ્સા છે. શરૂઆતમાં નાસિર હુસૈન ધર્મેન્દ્રના નાના ભાઈના રોલ માટે અમિતાભ બચ્ચનને લેવા માંગતા હતા. પરંતુ ત્યારે વિતરકોએ અમિતાભને નિષ્ફળ અભિનેતા ગણાવીને લેવાની ના પાડી દીધી હતી. બાદમાં જ્યારે ‘ઝંઝીર’ હિટ થઈ ત્યારે એ જ વિતરકો અમિતાભને લેવા માટે દબાણ કરવા લાગ્યા હતા. ત્યાં સુધીમાં વિજય અરોરા શૂટિંગ શરૂ કરી ચૂક્યા હતા. ફિલ્મમાં આમિર ખાન બાળ કલાકાર તરીકે જોવા મળ્યા હતા. જેમણે તારિક ખાનના બાળપણનો રોલ ભજવ્યો હતો.

ફિલ્મમાં ધર્મેન્દ્રએ પહેલીવાર મોટાભાઈનો ગંભીર રોલ કર્યો હતો. અગાઉ તેમણે ‘વક્ત’ માં આવો જ રોલ ઠુકરાવ્યો હતો. કારણ કે તેમને ડર હતો કે ઈમેજ બદલાઈ જશે. ધર્મેન્દ્રએ આ ફિલ્મમાં શંકરનું પાત્ર ભજવ્યું હતું. જે સતત પોતાના માતા-પિતાના મોતનો બદલો લેવા તડપે છે. તેમના દેખાવ વિશેની એક બહુ ચર્ચિત વાત એ છે કે ધર્મેન્દ્રના પોતાના વાળ ખૂબ જ સુંદર હોવા છતાં તેમને આખી ફિલ્મમાં વિગ પહેરાવવામાં આવી હતી. આ પાછળનું મુખ્ય કારણ એ હતું કે દિગ્દર્શક નાસિર હુસૈન તેમના પાત્રને અત્યંત ગંભીર, રફ અને બદલાની આગમાં જલતા માણસ તરીકે દેખાડવા માંગતા હતા. આ લૂક વિજય અરોરા અને તારિક ખાનના ચોકલેટી લૂકથી સાવ અલગ હતો. જેણે વાર્તામાં એક તીવ્રતા ઊભી કરી હતી. ફિલ્મના વિલનનું નામ ‘શાકાલ’ રાખવામાં આવ્યું હતું. જે પબ્લિસિટી ઇન્ચાર્જ જી.પી. શાકાલના નામ પરથી લેવામાં આવ્યું હતું. આ જ નામ પાછળથી ‘શાન’ ફિલ્મમાં પણ અમર થઈ ગયું હતું.

સંગીતની વાત કરીએ તો આર.ડી. બર્મનનું સંગીત ફિલ્મનો આત્મા છે. ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો’ ગીતના શૂટિંગ વખતે ઝીનત અમાનનો લૂક ખૂબ ચર્ચામાં રહ્યો હતો. નાસિર હુસૈન ઈચ્છતા હતા કે ઝીનત સલવાર-કમીઝ પહેરે પરંતુ ઝીનતે પોતાનો મોર્ડન લૂક રાખવાની જીદ કરી અને તે જ લૂક ઇતિહાસ બની ગયો. આ ગીતની ધૂન એક અંગ્રેજી ગીત ‘ઇફ ઇટ્સ ટ્યુઝડે ધીસ મસ્ટ બી બેલ્જિયમ’ પરથી પ્રેરિત હતી. ‘લેકર હમ દીવાના દિલ’ એ નીતુ સિંહને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. ફિલ્મનું ટાઈટલ ગીત લતા મંગેશકર સાથે પદ્મિની કોલ્હાપુરે અને શિવાંગી કોલ્હાપુરેએ પણ ગાયું હતું. વર્ષ ૧૯૭૩માં ‘બોબી’ પછી ‘યાદોં કી બારાત’ બીજી સૌથી મોટી હિટ સાબિત થઈ હતી. ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં ચીન અને રોમાનિયામાં પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. રોમાનિયામાં આજે પણ આ ફિલ્મના ગીતો ગુંજે છે. બાદમાં આ ફિલ્મની તેલુગુ, તમિલ અને મલયાલમમાં રિમેક બની હતી.

બંગાળમાં હવે ભાજપ સરકારઃ સુવેન્દુ CM પદના લેશે શપથ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ માટે આજે ઐતિહાસિક દિવસ છે, કારણ કે ભાજપના પ્રથમ અને રાજ્યના નવમા મુખ્ય મંત્રી તરીકે સુવેન્દુ અધિકારી આજે શપથ લેશે. આ ભવ્ય શપથવિધિ સમારોહમાં  PM મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપ શાસિત 21 રાજ્યોના મુખ્ય મંત્રીઓ હાજર રહેશે. ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે કોલકાતામાં જાહેરાત કરી હતી કે સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્ય મંત્રી બનશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 207 બેઠકો જીતી છે. શાહે સુવેન્દુ અધિકારીના નામની જાહેરાત કરતાં કહ્યું હતું કે ભાજપના પશ્ચિમ બંગાળ વિધાનસભાના સભ્યોની બેઠક અહીં યોજવામાં આવી હતી. આ બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે મને અને મોહન ચરણ માંઝીને કેન્દ્ર તરફથી નિરીક્ષક તરીકે મોકલ્યા હતા.

તેમણે કહ્યું હતું કે તાજેતરમાં જ ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થઈ છે. લગભગ આઠ પ્રસ્તાવો અને સમર્થન મળ્યા હતા અને બધા જ એક જ નામના હતા. બીજા કોઈ નામ માટે પણ સમય આપવામાં આવ્યો હતો, પરંતુ બીજું કોઈ નામ સામે આવ્યું નહીં. તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય નિરીક્ષક તરીકે હું સુવેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળ વિધાનમંડળ દળના નેતા તરીકે ચૂંટાયેલા જાહેર કરું છું. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસના ગઢને તોડી સત્તા સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તાએ કહ્યું હતું  કે હું બંગાળની મહિલાઓ માટે ખૂબ ખુશ છું, જેમણે છેલ્લાં 15 વર્ષથી TMCના શાસનમાં અત્યાચાર સહન કર્યો. હવે બંગાળની જનતાએ ‘સોનાર બાંગ્લા’ માટે મત આપ્યો છે. આજની આ સવાર એવા બંગાળ માટે છે જ્યાં વિકાસ હશે અને વિશ્વાસ હશે.

ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે પશ્ચિમ બંગાળ માટે આ ખરેખર ઐતિહાસિક સવાર છે. દૂરદર્શી નેતા અને માનનીય વડા પ્રધાન મોદીનું આનંદના શહેરમાં સ્વાગત કરવું ગૌરવ અને આનંદની ક્ષણ છે. સ્વતંત્રતા પછી પ્રથમ વખત પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારના શપથવિધિ સમારોહના સાક્ષી બનીને અમે અમારા સ્થાપક સભ્યોનાં સપનાંઓને સાકાર કરી રહ્યા છીએ. આજે દાયકાઓના કુશાસનનો અંત અને વિકાસ, શાંતિ તથા સમૃદ્ધિના ‘ડબલ એન્જિન’ યુગની શરૂઆત છે. ‘સોનાર બાંગ્લા’ યુગનો સત્તાવાર પ્રારંભ થઈ રહ્યો છે. વડા પ્રધાનજી, આપનું સ્વાગત છે.

ઈન્સ્ટન્ટ બ્રેડ બરફી

આ ઠંડી ઠંડી જ્યુસી બ્રેડ બરફી ગરમીના દિવસોમાં બાળકોને ઘણી ભાવશે!

સામગ્રીઃ સાકર  ½ કપ, કેસરી અથવા પીળા રંગનો ફુડ કલર, દૂધની તાજી મલાઈ અથવા રેડીમેડ ક્રીમ 3 ટે.સ્પૂન, મિલ્ક પાઉડર 3 ટે.સ્પૂન, કાજુ-બદામના નાના ટુકડા 2 ટે.સ્પૂન,ક બ્રેડ સ્લાઈસ 6-7, નાળિયેરનું છીણ 1 કપ, સૂકા મેવાની કાતરી સજાવટ માટે

રીતઃ એક વાસણમાં અડધો કપ સાકર લઈ તેમાં તે જ માપ પ્રમાણે એટલે કે, અડધો કપ પાણી મેળવીને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. જેવી તેમાંની સાકર ઓગળી જાય એટલે તેમાં ફુડ કલર 3-4 ટીપાં મેળવી દો. આ સાકરવાળું પાણી 2 આંગળીમાં લેતાં ચિપચિપું અને સહેજ ઘટ્ટ થઈ જાય (તારવાળી ચાસણી નથી બનાવવાની) એટલે ગેસ બંધ કરી દો.

દૂધની તાજી મલાઈ 2-3 દિવસની કાઢીને ફ્રીઝરમાં સ્ટોર કરી રાખવી. બનાવતી વખતે મલાઈને એક બાઉલમાં લઈ તેને ચમચી વડે હલાવીને સ્મૂધ કરી લેવી. ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર અને નાળિયેરનું છીણ 2 ચમચી તેમજ કાજુ-બદામના ટુકડા ઉમેરીને ચમચી વડે મિક્સ કરી લેવું.

બ્રેડની 2-3 સ્લાઈસ એકની ઉપર એક ગોઠવીને તેની કિનારી ચપ્પૂ વડે કટ કરી લેવી. અને બ્રેડના ચાર પીસ કરી લેવા. આ રીતે બાકીની બ્રેડ પણ કટ કરી લેવી.

હવે બ્રેડનો એક ચોરસ ટુકડો લઈ તેની ઉપર એક ચમચી વડે મલાઈવાળું પૂરણ સરખું ગોઠવી દેવું. તેની ઉપર બ્રેડનો બીજો ટુકડો ગોઠવી ફરીથી મલાઈનું પૂરણ લગાડીને ઉપર બ્રેડનો હજુ બીજો ટુકડો લગાડી લેવો. એકંદરે 3 ટુકડા બ્રેડના વપરાશે.

બધી બ્રેડના આ રીતે પીસ તૈયાર કરી લીધા બાદ દરેક ટુકડાને સાકરના પાણીમાં પલાળીને બે આંગળી વડે તેને હળવેથી પ્રેશ કરીને સાકરનું પાણી થોડું નિતારીને આ ટુકડાને નાળિયેરના છીણમાં રગદોળી લઈને એક પ્લેટમાં મૂકી દો. ઉપરથી સૂકા મેવાની કાતરી સજાવી દો. આ જ રીતે બધાં પીસ તૈયાર થાય એટલે પ્લેટને ફ્રીજમાં એક-બે કલાક સેટ કરવા મૂકી દો. આ મીઠાઈને એરટાઈટ ડબ્બામાં મૂકીને ફ્રીજમાં 2-3 દિવસ માટે સ્ટોર કરી શકાય છે.

ગુલકંદ ૦૯ મે ૨૦૨૬

૦૯ મે ૨૦૨૬

પંચાંગ 09/05/2026

સુવેન્દુ અધિકારી જ બનશે બંગાળના આગામી CM

કોલકાતાઃ સુવેન્દુ અધિકારીને ભાજપ વિધાનમંડળ દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા, તેઓ પશ્ચિમ બંગાળના આગામી મુખ્ય મંત્રી બનશે. શુક્રવારે સાંજે કોલકાતામાં યોજાયેલી ભાજપ વિધાનમંડળ દળની બેઠકમાં પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ સ્વીકારી લીધો. આ બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક તરીકે અમિત શાહ અને સહ-નિરીક્ષક તરીકે મોહન ચરણ માઝી હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે નેતા પદ માટે કુલ આઠ પ્રસ્તાવ અને સમર્થન મળ્યા હતા અને બધા એક જ નામ માટે હતા. સુવેન્દુ અધિકારી સિવાય અન્ય કોઈ નામ સામે આવ્યું નહોતું.

મમતા બેનર્જીને ચૂંટણીમાં હરાવ્યા

સુવેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં મમતા બેનર્જીને તેમના ગઢ ભવાનીપુર બેઠક પરથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં સુવેન્દુ અધિકારીને 73,917 મત મળ્યા હતા, જ્યારે મમતા બેનર્જીને 58,812 મત મળ્યા હતા. આ રીતે સુવેન્દુ અધિકારીએ 15,105 મતોના અંતરથી જીત મેળવી હતી. આ પહેલાં 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીને હરાવ્યા હતા.

કોલકાતામાં કાલે ભવ્ય શપથવિધિ સમારોહ

રાજ્યપાલ તરફથી સરકાર રચવા માટેનું આમંત્રણ મળ્યા બાદ શનિવારે સવારે 11 વાગ્યે કોલકાતામાં સુવેન્દુ અધિકારીનો ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે. ભાજપને વિધાનસભા ચૂંટણીમાં બે તૃતીયાંશથી વધુ બહુમતી મળી છે અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બનશે.

સુવેન્દુને મુખ્ય મંત્રી બનાવવાનાં મુખ્ય કારણો

સુવેન્દુ અધિકારી એવા નેતા માનવામાં આવે છે જેઓએ એક નહીં પરંતુ બે વખત ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળની તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા છે.આ જીત પછી સુવેન્દુ અધિકારીની દાવેદારી વધુ મજબૂત બની હતી. તેઓ ભાજપની જીતના મુખ્ય શિલ્પકાર માનવામાં આવે છે, જેમણે પાર્ટીને 207 બેઠકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ વિપક્ષના નેતા રહી ચૂક્યા છે અને તેમને વહીવટી અનુભવ પણ છે. એ સાથે જ તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહના વિશ્વાસુ નેતાઓમાં ગણાય છે.

‘ચિત્રલેખા’નો એક લેખ, જેણે બદલી નાખ્યું જીવન…

વાત છે 1983ની. જૂનાગઢના કેશોદમાં રહેતા હરદાસભાઈ કરંગિયાને પોતાની દુકાન. ચિત્રલેખાના એ નિયમિત વાચક. સાંજના સમયે ગ્રાહકોની ભીડ ઓછી થાય ત્યારે ચિત્રલેખા વાંચવાની એમની આદત. હરદાસભાઈ કહે છે એમ, ચિત્રલેખાના 1983ના અંકમાં પ્રકાશિત થયેલા એક લેખે એમના જીવનની દિશા જ બદલી નાખી.

એ લેખ વિશ્વના જાણીતા અબજોપતિ હાવર્ડ હ્યુજીસ વિશે હતો. લેખમાં વર્ણન હતું કે કેવી રીતે હાવર્ડ હ્યુજીસે અઢળક સંપત્તિ મેળવી, પોતાનો ખાનગી ટાપુ બનાવ્યો અને દુનિયાના ટોચના પાંચ અમીરોમાં સ્થાન મેળવ્યું… પરંતુ આ બધું મેળવવાની લાયમાં એમણે પોતાની તંદુરસ્તી ગુમાવી દીધી. હ્યુજીસે એક પત્રકારને કહ્યું હતું કે જો મને કોઈ મારું તંદુરસ્ત શરીર પાછું આપી દે, તો હું મારો આખો વૈભવ આપવા તૈયાર છું.

માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે આ લેખ વાંચીને હરદાસભાઈને સમજાયું કે તંદુરસ્તી જ સાચી મૂડી છે. એ ચિત્રલેખાને કહે છે: ‘એ દિવસે મારા હાથમાં ચિત્રલેખાનો એ અંક ન આવ્યો હોત અને મેં હાવર્ડ હ્યુજીસની એ વાત ન વાંચી હોત તો કદાચ હું આજે આટલો તંદુરસ્ત ન હોત. લેખ વાંચ્યા પછી મેં તરત જ બીજા દિવસનું પાંચ વાગ્યાનું એલાર્મ ગોઠવ્યું અને રોજ છ કિલોમીટર દોડવાની શરૂઆત કરી, જે આજે પણ ચાલુ છે. એક લેખ વાંચીને શરૂ થયેલો એ મારો સંકલ્પ આજે જીવનના ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી મારો જીવનમંત્ર બની ગયો છે. મારા જીવનમાં આવેલા આ સકારાત્મક પરિવર્તન પાછળ ચિત્રલેખા એક સચોટ માધ્યમ બન્યું છે.

વાચકોને સવાલ એ થાય કે અત્યારે આ હરદાસભાઈ કેમ અચાનક યાદ આવ્યા?

એનું કારણ એ કે આજે ૬૯ વર્ષની ઉંમરે પણ હરદાસભાઈ નવયુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવે છે. ચિત્રલેખાના આ એક લેખની અસર એવી થઈ કે ગુજરાત રાજ્યની વૉકિંગ સ્પર્ધામાં સતત આઠ વખત એ ચેમ્પિયન રહ્યા છે અને નેશનલ લેવલે દોડની સ્પર્ધામાં કાંસ્યપદક સુધ્ધાં જીત્યા છે. આજે પણ એ રોજ સરેરાશ 15 કિલોમીટર ચાલે છે, ૨૦ મિનિટ સાઈકલિંગ કરે છે. સાથે યોગ અને અન્ય કસરત પણ એમની રોજનીશીનો હિસ્સો છે. અત્યારે તાલાલા ગીરમાં ડેરી પ્રોડક્ટ્સના વ્યવસાયમાં કાર્યરત હરદાસભાઈ આખા ગીર સોમનાથ જિલ્લા માટે તંદુરસ્તીના રોલ મોડેલ બન્યા છે.

(હેતલ રાવ)

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

એક્ટર વિજયનું તામિલનાડુના CM બનવાનું નક્કી

ચેન્નઈઃ તામિલનાડુમાં TVKપ્રમુખ વિજયના મુખ્ય મંત્રી બનવાનો રસ્તો હવે લગભગ સાફ થઈ ગયો છે. CPM, CPI અને VCK તેમને સમર્થન આપવા માટે તૈયાર થઈ ગયા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. તામિલનાડુ વિધાનસભામાં 234 સભ્યોમાંથી TVK 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે, પરંતુ વિજય બે બેઠકો પરથી જીત્યા હોવાથી તેમને એક બેઠક છોડવી પડશે. તેથી તેમની પાર્ટી પાસે 107 બેઠકો જ રહેશે. કુલ સભ્યોની સંખ્યા 233 હોવા છતાં બહુમતી માટે 118નો આંકડો જરૂરી રહેશે. આવી સ્થિતિમાં TVKને 11 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે.

TVKને પહેલેથી જ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હોવાનું કહેવાય છે અને હવે વધુ 6 ધારાસભ્યોની જરૂર છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં CPM, CPI અને VCKએ 2-2 બેઠકો જીતી હતી. આ ત્રણેય પક્ષોના સમર્થનથી વિજય સરકાર બનાવી શકશે. આ પરિસ્થિતિમાં 59 બેઠકો જીતનાર DMK અને 47 બેઠકો જીતનાર AIADMK બંને વિરોધ પક્ષમાં બેસશે.

સૂત્રોના જણાવ્યાનુસાર CPM, CPI અને VCKએ વિજયને સમર્થન આપવાની તૈયારી દર્શાવી છે. જોકે ત્રણેય પક્ષોની બેઠક હજુ ચાલુ છે અને બેઠક પૂર્ણ થયા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સૂત્રો મુજબ CPIની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને CPIએ પોતાના બે ધારાસભ્યોના સમર્થનનો પત્ર TVK નેતા CTR નિર્મલ કુમારને સોંપી દીધો છે.

આ રીતે વિજય માટે મુખ્ય મંત્રી બનવાનો રસ્તો પણ લગભગ સાફ થઈ ગયો છે. આ તમામ પાર્ટીઓના નેતાઓ આજે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર વિજયે આજે રાજ્યપાલ સાથે મુલાકાત માટે સમય માગ્યો છે. જોકે રાજ્યપાલે હજુ સુધી તેમને મળવાનો સમય આપ્યો નથી.

આ સાથે જ એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે તામિલનાડુમાં વિજય જ મુખ્ય મંત્રી બની શકે છે. તેનું સૌથી મોટું કારણ તેમને મળેલું વિશાળ જનસમર્થન છે. ખાસ કરીને તામિલનાડુના યુવા મતદાતાઓએ આ વખતે TVKને સમર્થન આપ્યું છે.

કલાઉડફ્લેરમાં AIને કારણે 1100 કર્મચારીઓની છટણી

નવી દિલ્હીઃ અમેરિકાની ટેક્નોલોજી કંપની કલાઉડફ્લેરમાં મોટી છટણી થવાની છે. કંપની પોતાના લગભગ 20 ટકા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરે એવી શક્યતા છે. કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)  ટુલ્સને ઝડપથી અપનાવી રહી છે અને તેને આધારે પોતાના કામકાજનું પુનર્ગઠન કરી રહી છે. એ સાથે જ કંપનીએ જણાવ્યું છે કે એપ્રિલથી જૂન ત્રિમાસિક માટે આવક  અંગેનો અંદાજ વોલ સ્ટ્રીટની અપેક્ષાથી થોડો ઓછો છે. ક્લાઉડફ્લેર ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાયબર સિક્યોરિટી ક્ષેત્રે કામ કરતી કંપની છે.

કંપની વિશ્વભરમાં 1100થી વધુ નોકરીઓ ખતમ કરવાની યોજના બનાવી રહી છે. 2025ના અંત સુધી કંપની પાસે કુલ 5156 ફુલ-ટાઇમ કર્મચારીઓ હતા. કંપનીને આશા છે કે જૂન, ત્રિમાસિક દરમિયાન આ છટણી સંબંધિત ખર્ચ 14થી 15 કરોડ ડોલર વચ્ચે રહેશે.

ત્રણ મહિનામાં AIનો ઉપયોગ છ ગણાથી વધુ વધ્યો

કંપનીએ જણાવ્યું હતું કે આ છટણી કર્મચારીઓના પ્રદર્શન અથવા ટૂંકા ગાળાના ખર્ચ ઘટાડવાના દબાણને કારણે નથી, પરંતુ કંપનીની અંદરની કામગીરી અને ભૂમિકાઓને નવી રીતે ડિઝાઇન કરવાની પ્રક્રિયાનો ભાગ છે. છેલ્લા ત્રણ મહિનામાં કંપનીએ AIનો ઉપયોગ છ ગણાથી પણ વધુ વધાર્યો છે, જેને કારણે ટીમો કેવી રીતે કામ કરે છે તેમાં મોટા ફેરફારો આવ્યા છે. કંપનીના CEO મેથ્યુ પ્રિન્સ અને સહ-સ્થાપક મિશેલ ઝેટલિને કર્મચારીઓને મોકલેલા સંદેશમાં કહ્યું હતું કે કંપની દરેક ટીમ અને કામ કરવાની પદ્ધતિને ફરીથી વિચારી રહી છે, જેથી AI આધારિત નવા યુગમાં વધુ અસરકારક રીતે કામ કરી શકાય.

કંપનીની નાણાકીય સ્થિતિ

અહેવાલ મુજબ  જૂન, 2026 ત્રિમાસિકમાં કંપનીની આવક 66.4 કરોડથી 66.5 કરોડ ડોલર વચ્ચે રહી શકે છે. એડજસ્ટેડ કમાણી પ્રતિ શેર 27 સેન્ટ રહેવાનો અંદાજ છે. જાન્યુઆરીથી માર્ચ 2026 ત્રિમાસિકમાં કંપનીએ 63.98 કરોડ ડોલરની આવક નોંધાવી હતી, જ્યારે એડજસ્ટેડ નફો પ્રતિ શેર 25 સેન્ટ રહ્યો હતો. આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરોમાં 30.3 ટકા વધારો નોંધાયો છે.