ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર હવે કોઈ પણ ‘સિરપ’ નહીં મળે

નવી દિલ્હીઃ હવે સામાન્ય લોકો ડોક્ટરની ચિઠ્ઠી (પ્રિસ્ક્રિપ્શન) વગર મેડિકલ સ્ટોર પરથી કોઈ પણ પ્રકારનું સિરપ ખરીદી શકશે નહીં. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ અંગે નવી સૂચના (નોટિફિકેશન) જાહેર કરી છે. એ સૂચના મુજબ ખાંસીના સિરપ સહિત તમામ પ્રકારનાં સિરપ હવે માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ ઉપલબ્ધ રહેશે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સૂચના અનુસાર ‘સિરપ’ શ્રેણીની દવાઓ હવે ડોક્ટરની ચિઠ્ઠી વગર વેચી શકાશે નહીં. આ ફેરફાર ડ્રગ્સ રુલ્સ, 1945 માં સુધારા કરીને કરવામાં આવ્યો છે. મંત્રાલયે 9 જૂન 2026એ જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું છે કે નિયમોની અનુસૂચિ-K (Schedule K)માં સમાવિષ્ટ દવાઓની યાદીમાંથી “સિરપ” શબ્દ દૂર કરવામાં આવ્યો છે. આ સુધારો રાજપત્રમાં પ્રકાશિત થયાની તારીખથી જ અમલમાં આવી ગયો છે.

સરકારે આ નિર્ણય કેમ લીધો?

અહેવાલ અનુસાર ભારતમાં અને અન્ય કેટલાક દેશોમાં ખરાબ ગુણવત્તાવાળી કફ સિરપના અનેક કેસો સામે આવ્યા હતા. આવા જ એક મામલામાં થોડા સમય પહેલાં મધ્ય પ્રદેશમાં બાળકોના મૃત્યુ થયાના અહેવાલો સામે આવ્યા હતા.મધ્ય પ્રદેશની ઘટનાના તરત બાદ ગયા વર્ષે નવેમ્બરમાં ડ્રગ્સ રેગ્યુલેટરની ડ્રગ કન્સલ્ટેટિવ કમિટી (DCC)ની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ નિષ્ણાત સમિતિએ ભલામણ કરી હતી કે કફ સિરપ માટે શિડ્યુઅલ K હેઠળ આપવામાં આવેલી છૂટ પાછી ખેંચી લેવામાં આવે. DCCએ ચર્ચા બાદ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

પ્રોપિલિન ગ્લાયકોલ અંગે પણ ચિંતા

સમિતિએ એ મુદ્દે પણ વિચાર કર્યો હતો કે સિરપ બનાવવા માટે પ્રોપિલિન ગ્લાયકોલ (Propylene Glycol) સિવાય અન્ય એક્સિપિયન્ટ્સ (Excipients)નો ઉપયોગ કરી શકાય કે નહીં, કારણ કે પ્રોપીલિન ગ્લાયકોલને એથિલિન ગ્લાયકોલ (Ethylene Glycol) અને ડાયએથિલિન ગ્લાયકોલ (Diethylene Glycol) જેવા ઝેરી અને દૂષિત પદાર્થોના સંભવિત સ્ત્રોત તરીકે જોવામાં આવે છે.

બાળકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું

ખાંસીના સિરપ માટે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત બનાવવાથી એ સુનિશ્ચિત થશે કે નાનાં બાળકો ડેક્સ્ટ્રોમેથોર્ફન (Dextromethorphan) જેવી દવાઓનો બિનજરૂરી ઉપયોગ ન કરે. આ દવા સામાન્ય રીતે ચારથી છ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે યોગ્ય માનવામાં આવતી નથી, કારણ કે તેનાથી ગંભીર શ્વસન સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને ગંભીર કિસ્સામાં મૃત્યુનું જોખમ પણ વધી શકે છે.