નવી દિલ્હીઃ ઈરાન-અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધ અને મધ્ય-પૂર્વમાં વધતા તણાવનો એવો પ્રભાવ પડ્યો છે કે માર્ચ, 2026થી ભારતના લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)ની આયાતમાં ઘટાડો નોંધાયો છે. ભારત પોતાની LPG જરૂરિયાતનો લગભગ 60 ટકા હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે. આવી સ્થિતિમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરોધોને કારણે સપ્લાયમાં ભારે ખલેલ પડી રહી છે.
ફેબ્રુઆરી, 2026 સુધી ભારત દર મહિને અંદાજે 20 લાખ ટન LPG આયાત કરતું હતું, જે માર્ચમાં ઘટીને 11 લાખ ટન અને એપ્રિલમાં માત્ર 9.5 લાખ ટન સુધી આવી ગયું. સતત અનિશ્ચિતતા અને હોર્મુઝ માર્ગેથી જહાજોની અવરજવર ક્યારે સામાન્ય થશે તેની સ્પષ્ટતા ન હોવાથી ભારત સામે LPG સપ્લાયનું સંકટ હજુ દૂર થતું દેખાતું નથી. હાલની સ્થિતિ જોતાં આવનારા સમયમાં પણ સપ્લાયની અછત યથાવત્ રહેવાની શક્યતા છે.
LPG સપ્લાય પર સંકટ
ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો હોર્મુઝ જળમાર્ગ વિશ્વના પેટ્રોલિયમ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે, જ્યાંથી વિશ્વના મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ ઉત્પાદનો પસાર થાય છે. ઈરાન અને મધ્યપૂર્વમાં તણાવ વધતા આ માર્ગેથી જહાજોની અવરજવર ભારે પ્રમાણમાં ઘટી ગઈ છે અને હવે લગભગ નામમાત્ર રહી ગઈ છે.
ઈરાનમાં યુદ્ધ શરૂ થાય એ પહેલાં આ માર્ગેથી દરરોજ 130થી 140 જહાજ પસાર થતા હતા, જ્યારે હવે આ સંખ્યા ઘટીને 10થી પણ ઓછી રહી ગઈ છે. આ અવરોધને કારણે ભારત સહિત ઊર્જા આયાત કરતા અનેક દેશો માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની સપ્લાય પર પણ અસર પડી છે, પરંતુ સૌથી વધુ અસર LPG સપ્લાય પર જોવા મળી રહી છે.
અહેવાલ મુજબ આ અવરોધને કારણે ભારતમાં ઔદ્યોગિક અને કોમર્શિયલ ગ્રાહકો માટે LPG સપ્લાય મર્યાદિત કરવો પડ્યો છે, જેથી રસોઈ માટે LPG પર આધારિત કરોડો પરિવારોને પ્રાથમિકતા આપી શકાય. ભારતમાં 33 કરોડથી વધુ પરિવારો પાસે LPG કનેક્શન છે.




